home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > વ્યાપાર > આસપાસ
આસપાસ

આસપાસ

કાયદાની આડ લઇ દુશ્મન સામે વેર વાળવાની વૃત્તિને પ્રોત્સાહન આપતો દહેજ પ્રતિબંધક ધારો

દહેજ પ્રતિબંધિત કાયદા (ડીપીએ) હેઠળ અનેક ખોટી ફરિયાદ નોંધાવવાને કારણે હજારો નિર્દોષ લોકો જેલમાં સબડે છે. બીજી બાજુ તેમના પરિવારજનો પણ સામાજિક અને આર્થિક રીતે ખુવાર થઇ જાય છે

ભારતીય સમાજમાં દહેજરુપી દૂષણને પરિણામે અનેક કોડભરી કન્યાઓએ અગનપછેડી ઓઢી છે. આ ઉપરાંત સંખ્યાબદ્દ પરિણીતાઓ વિષપાન કરવા કે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરતા અચકાઇ નથી. હકીકતમાં દહેજરુપી દાવાનળને ડામવા માટે જ દહેજ પ્રતિબંધિત કાયદો અર્થાત ડાવરી પ્રોહિબિશન એકટ (ડીપીએ) ઘડવામાં આવ્યો હતો. તે કાયદાને પરિણામે અનેક લાલચુ લોકોને યોગ્ય પદાર્થપાઠ શીખવવામાં આવ્યો છે, પરંતુ સિક્કાને બે બાજુ હોય છે એમ આ કાયદો અનેક પતિ તથા તેના સંબંધીઓ માટે અભિશાપરુપ સાબિત થયો છે! ટૂંકમાં અનેક સ્ત્રીઓએ કાયદાનો ગેરલાભ ઉઠાવીને ભભૂકતા વેરાગ્નિને ઠારી રહી છે અથવો તો પ્રતિશોધ લેતા અચકાતી નથી. અર્થાત અનેક નિર્દોષ પતિ તથા તેના પરિવારજનો વગર વાંકે જેલમાં સબડી રહ્યા છે અથવા તો સમાજમાં બદનામ થયા છે. માનવામાં ન આવતું હોય તો જણાવવાનું કે હાલમાં એકમાત્ર ઉત્તર પ્રદેશમાં જ ૯,૦૦૦ પતિ તથા તેના સંબંધીઓ જેલમાં સબડે છે. આ સંખ્યા ઉત્તર પ્રદેશની તમામ જેલના કુલ કૈદી પૈકી દસ ટકા જેટલી છે. આ સંદર્ભમાં ઉત્તર પ્રદેશની જેલના ઇન્સ્પેકટર જનરલ તથા સિનિયર આઇપીએસ અધિકારી સુલખાન સંિહ જણાવે છે કે ‘જેલની સજા ભોગવનારા તમામ કેદી પૈકી હત્યાના આરોપસર સજા ભોગવનારા પ્રથમ ક્રમાંકે જ્યારે ડીપીએ હેઠળ સજા ભોગવનારા દ્વિતીય ક્રમાંકે આવે છે.’ વર્તમાન તબક્કામાં રક્ષણ કરવા માટે બનાવવામાં આવેલા કાયદાનો અનેક મહિલા શસ્ત્ર તરીકે ઉપયોગ કરી રહી છે.

લખનઊની ખાનગી કંપનીના સિનિયર એક્ઝિકયુટિવ ઇન્દ્રનીલ ભટ્ટાચાર્યના ૨૦૦૨માં મૌસમી ચેટરજી સાથે લગ્ન થયા હતા. પાંચ મહિનામાં જ બંને વચ્ચે મતભેદ અને વિખવાદની શરુઆત થઇ ગઇ હતી. એ છતાં ૨૦૦૮ સુધી દામપત્ય જીવનનું ગાડું ગબડાવતા રહ્યા. જે દરમિયાન બે સંતાન પણ થયા. ભૂતકાળને વાગોળતા ઇન્દ્રનીલ જણાવે છે કે ‘હું વારંવાર તેને પોતાની પાછળ પૈસા ન ઉડાડવાનું સૂચન કરતો હતો, પરંતુ તે માનતી જ નહોતી. અંતે વેર વાળવા માટે ડીપીએ હેઠળ મારા પર કેસ કર્યો. પરિણામે કોર્ટ-કચેરીના ધકકા ખાવામાં તથા કેસ લડવામાં જ તમામ રકમ ખર્ચાઇ ગઇ. મૌસમી તથા તેના ભાઇઓએ અમને ઘરમાંથી પણ હાંકી કાઢ્‌યા. મારા માતાપિતાએ પરસેવાની કમાણીમાંથી તે ઘર બંધાવ્યું હતું અને આજે તેમણે ભાડાના ઘરમાં રહેવું પડે છે.’ ડીપીએને પરિણામે ઇન્દ્રનીલ શારીરિક, માનસિક અને આર્થિક રીતે ખુવાર થઇ ગયો છે. એની સરખામણીમાં પુષ્કરસંિહ નામના શિક્ષકે તો લાંબી સોડ તાણી લીધી છે! ડીપીએ હેઠળ પુષ્કરસંિહને ચાર મહિના માટે જેલની સજા કરવામાં આવી હતી. જેમાંથી છૂટ્યા પછી ઘરે આવીને જીવનનો અંત આણતા અગાઉ તેને પત્ર લખ્યો હતો. જેમાં દહેજ માગવાનો ખોટો આરોપ મૂકીને પત્ની તથા સાળાઓએ તેને ફસાવીને જંિદગી ઘૂળધાણી કરી નાખી હોવાનું જણાવ્યું હતું. વઘુમાં તેણે લખ્યું છે કે ‘સમાજને મોં બતાવી શકતો ન હોવાને કારણે જીવનનો અંત આણું છું.’ ત્યાર બાદ પુષ્કરસંિહે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. પરિણામે હાલમાં તો તેની બીમાર માતા અને સંતાન રઝળી પડ્યા છે. અન્ય એક અસામાન્ય કિસ્સો બારાબંકી જિલ્લાનો છે. જે મુજબ ૨૦૦૬માં સરોજ અને રામશરનના લગ્ન થયા હતા. એક દિવસ સવારે સરોજ સાસરેથી ગુમ થઇ ગઇ. જેને ઘ્યાનમાં રાખીને સરોજના પિતાજીએ રામશરન તથા તેના સંબંધીઓ પર દહેજને કારણે સરોજની હત્યા કરીને તેની લાશનો નિકાલ કરવાનો આરોપ લગાવ્યો. સેશન કોર્ટે રામશરન તથા તેના પરિવારજનોને જન્મટીપની સજા ફરમાવી. જોકે હાઇકોર્ટની કાર્યવાહી દરમિયાન મૃતક સરોજ પ્રત્યક્ષપણે કોર્ટમાં ઉપસ્થિત થઇ. વધુમાં પ્રેમી સાથે સ્વેચ્છાએ પલાયન થઇ હોવાનું જણાવીને તેના પિતાએ વગર વાંકે રામશરન તથા તેના સંબંધીઓ પર કેસ કર્યો હોવાનું જણાવ્યું.

જાણીને નવાઇ લાગશે કે ૨૦૦૦થી ૨૦૦૭ દરમિયાન આ કાયદા હેઠળ ૭૯૫ સગીર વયની કન્યા અને ૧,૩૦૦ તરુણોની પણ ધરપકડ કરવામાં આવી છે. આ સંદર્ભમાં વરિષ્ઠ સરકારી અધિકારી આક્રોશ વ્યક્ત કરતા જણાવે છે કે ‘મોટા ભાગના કેસમાં પરિણીતાના પરિવારજનો પતિ તથા શ્વસુરપક્ષના લોકો વિરુદ્ધ ડીપીએ હેઠળ ફરિયાદ નોંધાવે છે. કોઇ પણ પ્રકારની છાણબીન કર્યા વગર જ પોલીસ તમામ કથિત આરોપીઓની તાબડતોબ ધરપકડ કરે છે. આ ખૂબ હાસ્યાસ્પદ કહેવાય. સગીર વયની યુવતી કે તરુણોને દહેજ શબ્દનો અર્થ પણ ખબર ન હોય ત્યારે તેઓ કેવી રીતે દહેજના ઓથાં હેઠળ ત્રાસ આપવાના હોય?’

ઉત્તર પ્રદેશમાં તો ખૂબ જ ગંભીર પરિસ્થિતી છે, પરંતુ સમગ્ર દેશમાં પણ કાયદાનો દુરુપયોગ કરનારાની કમી નથી. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી)ની આંકડાકીય માહિતી મુજબ ૨૦૦૪થી ૨૦૦૮ દરમિયાન આ કાયદા હેઠળ ૩,૩૬,૮૪૨ કેસ નોંધવામાં આવ્યા છે. જે પૈકી ૯૪ ટકા જેટલા આરોપીઓને દોષમુક્ત જાહેર કરવામાં આવ્યા છે. જેને ઘ્યાનમાં રાખતા પરિણીતા તથા તેના પરિવારજનો દ્વારા ડીપીએનો ખૂબ જ ગેરલાભ ઉઠાવવામાં આવતો હોવાનું સ્પષ્ટપણે ફલિત થાય છે. જેને અનુલક્ષીને સમગ્ર દેશમાં પત્ની પીડિત સંગઠન, સેવ ફેમિલી, ઓલ ઇન્ડિયા મેલ વેલફેર એસોસિયેશન જેવી અનેક સંસ્થાઓ ફૂટી નીકળી છે. આ સંદર્ભમાં કાયદાનો ભોગ બનેલો વિકાસ પરિહાર નામે યુવાન જણાવે છે કે ‘ડીપીએ કાયદો પોલીસ અને વકીલો માટે કમાણી રળતો ધીકતો ધંધો સાબિત થયો હોવાનું કહેવામાં મને લેશમાત્ર પણ શેહશરમ નથી.’ સેવ ઇન્ડિયન ફેમિલી કેમ્પેઇનના સ્થાપક સભ્ય સ્વરુપ સરકારના જણાવ્યા મુજબ સ્ત્રીઓના ઉત્કર્ષ માટે સમગ્ર દેશમાં બે હજારથી વધારે બિનસરકારી સંસ્થાઓ કાર્યરત છે, પરંતુ પુરુષના ઉત્કર્ષ માટે એક પણ સંસ્થા નથી. સ્વરુપ વઘુમાં ઉમેરે છે કે દહેજની માગણી કરવામાં આવી હોવાના મોટા ભાગના કેસ આર્થિક રીતે સમૃદ્ધ લોકો વિરુદ્ધ નોંધવામાં આવ્યા છે. ત્યાર બાદ પોલીસ અને વકીલોની ગેંગ પૈસા પડાવવા માટે પતિ તથા તેના પરિવારજનોને ત્યાં આંટાફેરા મારવાનું શરુ કરી દે છે. સ્ત્રીના ફક્ત એક બયાનના આધાર પર તેના પતિ સહિત પરિવારજનો અને સગીર વયના સંતાનોની ધરપકડ કરવાને તે ગેર બંધારણીય અને ગેરકાનૂની લેખાવે છે. સુપ્રીમ કોર્ટે પણ ડીપીએ સંબંધી કેસમાં સૌપ્રથમ છાનબીન કરવાનો અને ત્યાર બાદ ધરપકડ કરવાનો નિર્દેશ આપ્યો છે. એ છતાં તેને ગણકારવામાં આવતો નથી.

દહેજ સંબંધી કેસની વધતી જતી સંખ્યાને ઘ્યાનમાં રાખીને અલહાબાદ હાઇ કોર્ટની લખનઊ બેન્ચે કોર્ટના કેમ્પ્સમાં જ મેડિયેસન એન્ડ કાઉન્સિલેસન સેન્ટરની રચના કરી છે. સેન્ટરના ચેરમેન તથા વરિષ્ઠ વકીલ આઇ. બી. સંિહના જણાવ્યા મુજબ છેલ્લા આઠ મહિનામાં સેન્ટરમાં ૬૨૨ કેસ આવ્યા છે, જે પૈકી ૫૦૦ દહેજ સંબંધી હતા. જોકે તે પૈકી એક પણ કેસમાં મૂળ સમસ્યા કે મતભેદ પાછળ દહેજ કારણભૂત નહોતું. હકીકતમાં તો કાયદાના દુરુપયોગને ઘ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટ તથા રાષ્ટ્રપ્રમુખે પણ ચંિતા વ્યક્ત કરી છે. અમુક લોકો તો ડીપીએને લિગલ ટેરરિઝમ તરીકે પણ સંબોધે છે. હકીકતમાં કાયદાની ચુંગાલ હેઠળ સ્વતંત્રપણે હરીફરી પણ ન શકતી અનેક વૃદ્ધ મહિલાઓને પણ ફસાવવામાં આવી છે. જેઓ જનમટીપની સજા ભોગવે છે.

૨૦૦૫થી ૨૦૦૮ દરમિયાન બે લાખથી વધારે પરિણીત પુરુષે આત્મહત્યા દ્વારા જીવનનો અંત આણ્યો છે. તેની સરખામણીમાં આત્મહત્યા કરનારી પરિણીત મહિલાનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. જેને ઘ્યાનમાં રાખીને સમગ્ર દેશના પરિણીત પુરુષો એકતા સાધીને કાયદાની પુનવિચારણાની માગણી કરી રહ્યા છે. વેરાગ્નિનો ભોગ બનીને કારાવાસની સજા ભોગવનારા હજારો પુરુષો માટે આ બાબત એક આશ્વાસનરુપ છે.

Copyright   © Gujarat Samachar