home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > રાષ્ટ્રીય >

ન્યુઝ ફોક્સ

બોલિવૂડની હીરોઈનો કમનીય કાયા માટે કૃત્રિમતાના સહારે

સુંદરતાના વેપારમાં હવે મહિલાઓને પણ કઠપૂતળીની જેમ તૈયાર કરી બજારમાં વેચવામાં આવે છે

ટીવી ઉપર જેમણે ફેમિના મીસ ઇન્ડિયા સ્પર્ધા જોઈ હશે તેમણે એક વસ્તુ માર્ક કરી હશે કે આ સ્પર્ધામાં ભાગ લેતી બધી સુંદરીઓની કાયા એક જ બીબાંમાં ઢાળવામાં આવી હોય એટલી હદે સમાન દેખાતી હતી. આ બધી જ યુવતીઓ એક જ રીતે ચાલતી હતી, એક જ રીતે બોલતી હતી, કૉપી ટુ કૉપી હસતી હતી અને સમાન રીતે તાળીઓ પાડતી હતી. આજકાલ આપણને ફિલ્મોમાં, સૌંદર્ય સ્પર્ધાઓમાં અને મોડેલંિગમાં જે સૌંદર્ય જોવા મળે છે તે કુદરતી અને સાહજિક નથી હોતું પણ મેડ ટુ ઓર્ડર હોય છે. એક સુંદર મૂર્તિ ઘડવા માટે શિલ્પી જેમ ટાંકણાંનો સહારો લે છે તેમ આ મેડ ટુ ઓર્ડર સૌંદર્ય પ્લાસ્ટિક સર્જ્યનો અને પર્સનલ ટ્રેઈનરોને આભારી હોય છે. સૌંદર્યના આ વેપારમાં સ્ત્રીઓને પણ કઠપૂતળીઓની જેમ તૈયાર કરીને બજારમાં પેશ કરવામાં આવે છે. આ બાબતનો કોઈ છોછ આઘુનિક સ્ત્રીઓને રહ્યો નથી.

ઈન્ટરનેટ ઉપર આઘુનિક સ્ત્રીઓનાં સૌંદર્ય વિશે કૉલમ લખતી રેબેકા ડાના નામની લેખિકાએ આ સુંદરીઓ માટે ‘ફેમબોટ’ નામની સંજ્ઞા આપી છે. ફેમબોટની વ્યાખ્યા કરતા ડાના કહે છે કે, તે હાલતી-ચાલતી બાર્બી ડૉલની એક જમાત છે. આ ફેમબોટ પાસે કમનીય કાયા સિવાય ભાગ્યે જ બીજી કોઈ અસ્કયામત હોય છે. આવી એક ફેમબોટને બીજીથી અલગ પાડી શકાય તેવું ભાગ્યે જ કંઈક હોય છે. આ સુંદરીઓ આપણને ફેશન મેગેઝિનોમાં અને બ્યૂટી કૉન્ટેસ્ટોમાં જોવા મળે છે. પેજ-થ્રીને આકર્ષક બનાવવા માટે આ સુંદરીઓનો જ ઉપયોગ કરવામાં આવે છે. તેમના ઇન્ટરવ્યૂમાં ભાગ્યે જ કંઈક જાણવા જેવું હોય છે. તેમના દ્વારા પેદા કરવામાં આવતા વિવાદો પણ તેમના જેવા કૃત્રિમ હોય છે. તો પણ ટીવીની ચેનલોને અને ટેબ્લોઈડોને તેમાંથી પૂરતો મસાલો મળી રહે છે. સ્પર્ધામાં ટકી રહેવા માટે આ સુંદરીઓ ભારે તાણ અને ડિપ્રેશનનો અનુભવ કરતી હોય છે, તો પણ ચહેરા ઉપર કૃત્રિમ સ્મિત લાવવાની કળા તેઓ જાણતી હોય છે.

હિન્દી ફિલ્મોમાં અભિનેત્રીઓની જે કામણગારી કાયાઓ જોવા મળે છે તે કુદરતી નથી હોતી પણ અનેક પ્રોફેશનલ એક્સપર્ટ્‌સની મદદ લઈને તૈયાર કરવામાં આવેલી મેડ ટુ ઓર્ડર બોડી હોય છે. સેક્સ બોમ્બ તરીકે ઓળખાતી બિપાશા બસુની વાત કરીએ તો બે વર્ષ પહેલાં લોકો તેને ફેટ કહેતા હતા ત્યારે તેને લાગી આવતું હતું. હવે તેણે પ્લાસ્ટિક સર્જરીની મદદથી પોતાની કાયાને એવી કમનીય બનાવી દીધી છે કે તેની એક ફિટનેસ ડીવીડી પણ બજારમાં આવી ગઈ છે. આ ડીવીડીમાં યોગા, એકસર-સાઈઝ અને ડાયેટંિગની મદદથી બિપાશા બસુ જેવી કાયા બનાવી શકાય એવો દાવો ભલે કરવામાં આવ્યો હોય, હકીકતમાં આવી કાયા બનાવવા બિપાશાએ પ્લાસ્ટિક સર્જરીની મદદ લીધી છે. બિપાશાની જેમ શિલ્પા શેટ્ટીની પણ એક યોગા ડીવીડી બહાર પડી છે, જેમાં શિલ્પા પોતાની કમનીય કાયાની ક્રેડિટ યોગાસનોને આપે છે. બાબા રામદેવની શિષ્યા શિલ્પાએ હકીકતમાં કાયાને કામણગારી બનાવા કૃત્રિમતાની મદદ લીધી છે. અંગ્રેજી લેખિકાએ જેમને ફેમબોટ ગણાવી છે તેવી સુંદરીઓ સૌંદર્યની ફેકટરીમાં તૈયાર થાય છે. કમ્મરની ચરબી ઓછી કરવા માટે કરવત જેવા સ્કાલ્પેલનો ઉપયોગ કરવામાં આવે છે અને હડપચીને આકારબદ્ધ કરવા માટે છીણી જેવી નાઈફનો ઉપયોગ કરવામાં આવે છે. આવી જ રીતે નાક અને ગાલને પણ સુડોળ બનાવવામાં આવે છે. સ્તનોના ઉભાર માટે સિલિકોન ઈમ્પ્લાન્ટનો વર્ષોથી ઉપયોગ થઈ રહ્યો છે, પણ કોઈ સુંદરી તેનો સ્વીકાર કરતી નથી. હોલિવૂડમાં પમેલા એન્ડરસન અને બોલિવૂડમાં રાખી સાવંત તેમાં અપવાદ છે. રજત શર્માની ‘આપ કી અદાલત’માં રાખી સાવંતે પેટછૂટી કબૂલાત કરી હતી કે, ‘‘મને ઈશ્વરે જે નહોતું આપ્યું તે ડૉક્ટરે આપ્યું છે.’’ રાખી સાવંતની આ કબૂલાતને દર્શકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. રાખી સાવંત એવી ટકોર કરવાનું નહોતી ચૂકી કે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ ઘણી અભિનેત્રીઓ કરાવે છે, પણ હું નિખાલસ છું, માટે કબૂલ કરી લઉં છું. પોતાની કાયાને કમનીય બનાવવા માટે કૃત્રિમતાનો સહારો લેવાનો ટ્રેન્ડ માત્ર ભારતમાં જ નથી પણ દુનિયાભરમાં વ્યાપ્ત છે. ફેશન ટીવી ઉપર ચાવી દીધેલી પૂતળીઓ જેવી રૂપસુંદરીઓની જે વણઝાર જોવા મળે છે તે બધી બોડીઓ બ્યૂટીની ફેકટરીઓમાં તૈયાર કરવામાં આવી હોય છે. આ સુંદરીઓની કંિમત સૌંદર્યના ઉદ્યોગમાં એક કૉમોડિટી જેટલી જ હોય છે. આ સુંદરીઓએ કેવાં વસ્ત્રો પહેરવાં, કેવી રીતે ચાલવું, શું બોલવું અને શું કરવું એ તેઓ પોતે નક્કી નથી કરી શકતી પણ તેમની પાછળ બેઠેલા સૌંદર્ય ઉદ્યોગના માંધાતાઓ નક્કી કરે છે. ફેશન શૉમાં આ સુંદરીઓનો ઉપયોગ વસ્ત્રો ટીંગાડવાની ખંિટી તરીકે કરવામાં આવે છે. ડ્રેસ ડિઝાઈનરો જે પ્રકારનાં વસ્ત્રો બજારમાં મૂકવા માંગતા હોય તેને અનુકૂળ બોડી તેમને જોઈતી હોય છે. જે યુવતીઓ પોતાના દેહને આ બીબાંમાં ઢાળવા તૈયાર હોય તેમને જ આ વિશ્વમાં બ્રેક મળે છે અને ઝડપથી આગળ વધવા મળે છે. એ માટે તેમણે સ્વત્વ ગિરવે મૂકવું પડે છે.

બોલિવૂડની અને ગ્લેમર વર્લ્ડની સુંદરીઓ કૃત્રિમ ઉપાયો વડે પોતાની કાયાને કમનીય બનાવે છે તેની અસર સમાજ ઉપર પણ પડ્યા વિના રહેતી નથી. કૉલેજોમાં ભણીને અનેક શહેરી યુવતીઓને પણ આ પ્રકારની કાયા પ્રાપ્ત કરવાનો ક્રેઝ લાગુ પડે છે. જેમની પાસે પૈસા હોય છે તેઓ કોસ્મેટિક સર્જ્યનો પાસે પહોંચી જાય છે. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં પ્લાસ્ટિક સર્જ્યન ડૉ. મોહન થોમસ કહે છે કે એક યુવતી તેમની પાસે દીપિકા પદુકોણેની ૧૯ તસવીરો લઈને આવી ગઈ હતી અને આબેહૂબ દીપિકા જેવું જ નાક બનાવી દેવાનો આગ્રહ કરવા લાગી હતી. આવી જ રીતે કોઈ યુવતીઓ બિપાશા બસુ જેવા ગાલ અથવા કરીના જેવી હડપચી મેળવવા જહેમત કરી રહી છે. આ યુવતીઓ ડૉ. મોહન થોમસ પાસે આવીને પહેલો સવાલ એ પૂછે છે કે, ‘‘બોલિવૂડની કઈ એકટ્રેસે તમારી પાસે કઈ ટ્રિટમેન્ટ કરાવી છે ?’’ આ પ્રકારની સર્જરીનો પણ જાણે ટ્રેન્ડ શરૂ થઈ જાય છે. કાયાની કરામત દ્વારા ફેમસ બનવાની કળા તો કોઈએ શેર્લિન ચોપરા પાસેથી શીખવી જોઈએ. આ છોકરીએ પોતાની બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટની સર્જરીને પણ પબ્લિસિટીનો મુદ્દો બનાવી દીધી છે. પત્રકારોને તે મોકળાશથી કહે છે કે, ‘‘મારી છાતી લગભગ સપાટ હતી. ઘણી કસરત કર્યા પછી પણ હું ૩૪-સીની સાઈઝ હાંસલ કરી શકતી નહોતી. છેવટે હું પ્લાસ્ટિક સર્જ્યનના શરણે ગઈ અને મેં આકર્ષક ફિગર પ્રાપ્ત કર્યું.’’ થોડા વખત પહેલા શેર્લિન ચોપરાએ એવી અફવા ઉડાવી કે તેને પ્લેબોય મેગેઝિનના કવરપેજ ઉપર ચમકવાની ઑફર મળે છે, પણ ન્યૂજ પૉઝ આપવો કે નહીં એ બાબતમાં તે કોઈ નિર્ણય કરી શકતી નથી. હકીકતમાં પ્લેબોયની ઓફર ટાઢાં પહોરનાં ગપ્પાં જેવી હતી. તેનું સૂરસૂરિયું થઈ ગયું એટલે શેર્લિન ચોપરાએ એક ફોટોગ્રાફર પાસે પોતાની ન્યૂડ તસવીરો પડાવીને પોતાના બ્લોગ ઉપર મૂકી દીધી. પ્રચારમાં રહેવા માટે ઔચિત્યના બધા નિયમોનો ભંગ કરવામાં શેર્લિન ચોપરાને કંઈ ખોટું નથી જણાતું અને તેના કીમિયા સફળ થાય છે.

ભારતની યુવતીઓમાં એક જમાનામાં ગોરી બનવાની ઘેલછા હતી, જેને કારણે ફેરનેસ ક્રીમનું ઉત્પાદન કરતી કંપનીઓએ અબજો રૂપિયાની કમાણી કરી હતી. હવે આ ઘેલછાનું સ્થાન સ્લીમ બનવાના ક્રેઝે લીઘું છે. તેમાં પણ કરીના કપૂરના સાઈઝ ઝીરોના ક્રેઝમાં અનેક યુવતીઓ રીતસર ભૂખમરાનો શિકાર બની રહી છે. સાઈઝ ઝીરો હકીકતમાં સ્કૂલમાં ભણતી છોકરીનું સ્ટ્રકચર છે. એક પુખ્ત વયની સ્ત્રી જો નિરોગી હોય તો કદી તેનું ફિગર સાઈઝ ઝીરો થઈ ન શકે. યુવતીઓ ભૂખમરો વેઠીને પાતળી તો થઈ જાય છે પણ સ્તનનો ઉભાર ઓછો થાય એ તેમને મંજૂર નથી હોતું. એટલે તેઓ બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ કરાવે છે. ઘણી સ્ત્રીઓના શરીરનું બંધારણ એવું હોય છે કે તેઓ ભૂખે મરે તો પણ સાઈઝ ઝીરો બની ન શકે. આ સ્ત્રીઓ ડૉક્ટરો પાસે આવીને નિતંબના હાડકાંને સર્ઝરી વડે નાનું બનાવવાનો આગ્રહ રાખે છે. આવી યુવતીઓને સમજાવતાં ડૉક્ટરોના નાકે દમ આવી જાય છે.

પ્રાચીન ચિત્રો અને શિલ્પોમાં સુંદર સ્ત્રીઓનું જે નિરૂપણ કરવામાં આવે છે તેના અંગોપાંગ હંમેશા પુષ્ટ જ હોય છે. આપણા શૃંગાર સાહિત્યમાં પણ પુષ્ટ નિતંબ અને સ્તન ધરાવતી સ્ત્રીને જ સુંદર ગણવામાં આવી છે. વર્ષો અગાઉ પશ્ચિમનાં દેશોમાં બાર્બી ડોલનો ટ્રેન્ડ શરૂ થયો તેણે આપણી સૌંદર્યની વ્યાખ્યા બદલી કાઢી છે. બાર્બી ડોલની જેમ જે સ્ત્રીની કમ્મર અને તેના હાથપગ પાતળા હોય છે તે સ્ત્રી જ સુંદર ગણાય છે. એક કાલ્પનિક ઢીંગલીની અસર આપણા સમાજ ઉપર કેટલી હદે થઈ શકે છે. તેનું ઉદાહરણ બાર્બી ડોલ છે. આ બાર્બી ડોલને કારણે પશ્ચિમની ફેશનની દુનિયામાં સાગના સોટા જેવી લાંબી અને સપાટ યુવતીઓનો ટ્રેન્ડ ચાલ્યો તેનો ચેપ ભારતમાં પણ લાગ્યો છે. મીસ ઈન્ડિયા જેવી બ્યૂટી કૉન્ટેસ્ટોમાં પણ આવું ફિગર ધરાવતી યુવતીઓ મેદાન મારી જતી હોઈ લાખો સ્ત્રીઓ આવું ફિગર બનાવવા પોતાના સૌંદર્યને અને આરોગ્યને પણ જોખમમાં મૂકી રહી છે. આજના આઘુનિક કામમાં કોઈ સ્ત્રી કે પુરૂષ સુંદર અને ચુસ્ત દેખાવા માંગતા હોય તો તેમાં કંઈ ખોટું નથી, પણ આ સૌંદર્ય આરોગ્યના ભોગે તો ન જ હોવું જોઈએ. સ્લીમ રહેવા માટે ભૂખમરો વેઠતી સ્ત્રીઓ ઐનિતિક હોય છે. તેમના શરીરમાં રક્તકણો ઘટી જાય છે. ઝીરો ફિગર માટે ગર્વ ધરાવતી સ્ત્રીઓ તંદુરસ્ત બાળકને જન્મ આપી શકતી નથી. ચહેરાની કરચલી દૂર કરવા બોટોક્સનાં ઇંજેકશન લેતી સ્ત્રીઓ પોતાના આરોગ્યને જોખમમાં મૂકે છે. સૌંદર્ય કદી કૃત્રિમતામાં હોઈ શકે નહીં પણ સાહજિકતામાં જ હોઈ શકે. સૌંદર્યમાં એકવિધતા ન હોવી જોઈએ પણ વૈવિઘ્ય હોવું જોઈએ અને મૌલિકતા હોવી જોઈએ. આઘુનિક સ્ત્રીઓ સૌંદર્યની આ ભ્રામક વ્યાખ્યામાંથી બહાર આવશે ત્યારે જ સાચું સૌંદર્ય પ્રાપ્ત કરી શકશે. જેમણે પોતાના સૌંદર્યનો વેપાર નથી કરવો તેમણે તો સાચું સૌંદર્ય પ્રાપ્ત કરવા માટે જ પુરૂષાર્થ કરવો જોઈએ.

Copyright   © Gujarat Samachar