સ્પાર્ક માનવતાનું ભવિષ્ય ખૂબ ઊજળું અને આશાસ્પદ છે સુંદર સૂર્યોદય થઇ રહ્યો છે. આખું આકાશ લાલીમાથી ભરાઇ ગયું છે. નવી ઊર્જા, નવી ઉષા, નવી સંભાવના, એકદમ નવી જ વિભાવના. આ સૂર્યોદય છે નવી પેઢીનો, લબાલબ ઊર્જાથી ભરેલી કુમળી કળીઓનો, નાના નાના બાળકો અને થનગનાટથી ભરેલા નવલોહિયા યુવક-યુવતીઓનો. બીજ ભલે નાનું હોય પણ એ પરમ સંભાવનાઓથી ભરેલું છે. એની પાસે પૂરું ભવિષ્ય છે. તમારે ત્યાં નાનું બાળક જન્મે તો એને એક સંભાવનાની જેમ જુઓ. બીજ બીજ પણ રહી શકે છે. વર્ષો સુધી કોચલામાં કેદ રહી છેવટે સડી શકે છે અને ધારે તો એ એક વિરાટ વૃક્ષ પણ બની શકે છે. દરેક બીજની પોતાની એક આગવી સંભાવના અને આગવી યાત્રા હોય છે. એક બીજ ક્યારેય બીજા બીજ જેવું નથી. આંબાની ગોટલીમાંથી આંબો જ બને અને બાવળના બીજમાંથી બાવળ સિવાય બીજું કશું નહીં બને. પણ માણસના બીજમાંથી માણસ બનવા ઉપરાંત એની સંભાવનાય અપાર છે. બીજ પોતે જેવું છે, તેવું ને તેવું જ રહેવા માગે, લેશમાત્ર બદલાવા તૈયાર ન હોય તો એ ત્યાંનું ત્યાં જ અટકીને સડી શકે છે પણ જો એ બદલાવા, આગળ યાત્રા કરવા તૈયાર હોય તો ફળફૂલથી લચી પડેલું વૃક્ષ પણ બની શકે છે. બીજને યોગ્ય જમીન, ખાતર, પાણી અને માવજતની જરૂર પડે છે. જો આ બઘું બરાબર મળી જાય તો એ અંકુરિત થઇ પોતાની પરમ સંભાવના સુધી પહોંચી શકે છે. પ્રત્યેક નાનું બાળક, એને જો તક મળે તો પોતાની સંભાવનાને બહાર લાવી શકે છે. એક જ બીજ આખું એક ઉપવન રચી શકે છે. એકમાંથી અનેક બીજ અને અનેક વૃક્ષ થવાની સંભાવના છે. દીવામાંથી દીવો પ્રગટે અને એમ એક જ દીવો લાખો દીવા પ્રગટાવીને આસપાસના અંધકારને દૂર કરવા શક્તિમાન છે, તેમજ એક જ વ્યક્તિ જો દીવો બનીને જીવે તો બીજા અનેક તેજસ્વી દીવા પ્રગટાવવામાં નિમિત્ત બની શકે છે. માણસની સંભાવના અપાર છે. પ્રત્યેક બાળક આવી જ એક સંભાવના સાથે જન્મે છે પણ બને છે એવું કે યોગ્ય જમીન, જરૂરી ખાતર, પાણી કે માવજતના અભાવે એ બીજ કોચલામાંથી બહાર આવતું જ નથી. માબાપ, ઘરના વડીલો, સમાજ, શિક્ષણ... બાળકને પોતાની ઈચ્છા અને અપેક્ષા પ્રમાણે ઢાળવા માગે છે અને એ કારણે જ બીજ પોતાની સંભાવના સુધી પહોંચ્યા વિના, થોડાઘણા અંકુરણ પછી કરમાઇ જાય છે. એને જે થવું છે, એને જ્યાં જવું છે, એની જે અંતરંગ સંભાવના છે તે એક બાજુ રહી જાય છે અને એને કંઇક બીજું જ બનાવવાની કોશિશમાં બધા લાગી જાય છે. એના પોતાના વિચારો પ્રગટે, એની પાસે પોતાનું ચંિતન પેદા થાય, એની પોતાની પાંખો ફૂટે અને એ પોતાની રીતે ઊડવા તૈયાર થાય એ પહેલાં જ માબાપ એને ઉછીના વિચાર, ઉછીની ધારણા, ઉછીની જીવનશૈલી અને ઉછીની અપેક્ષાઓથી લાદી દે છે. આ રીતે બાળક કુંઠિત થઇ જાય છે. એ પોતાની રીતે, પસંદગીની દિશામાં ચાલે એ પહેલાં આંગળી પકડીને સૌ એને પોતપોતાની રીતે ચલાવવામાં લાગી જાય છે. હિન્દુ માબાપ પોતાના બાળકને હિન્દુ બનાવવામાં લાગી જાય છે. એ જ રીતે મુસલમાન, પારસી, ઈસાઈ પણ કરે છે. પોતે જે જ્ઞાતિના હોય તે જ્ઞાતિના રંગ, રૂપ અને પરંપરા આપે છે. પોતાની સીમાઓમાં કેદ કરી એને એક ચોક્કસ ચોકઠામાં કેદ કરી ચારે બાજુથી સતત કાપતા રહી પોતાની ઈચ્છા મુજબનો આકાર આપે છે. એને વિચારવા જ નથી દેતા કે પોતે શું ખરેખર હંિદુ કે માબાપ કહે છે તે ધર્મ યા જ્ઞાતિના છે? શું એના પર કુદરતે જન્મથી જ આવી બધી છાપ મારી છે? જન્મથી જ આવી બધી વાડાબંધી એને પરમાત્મા તરફથી મળી છે કે માબાપ, સમાજ, શિક્ષણ, સંપ્રદાય અને સ્થાપિત હિતો તરફથી મળેલી એ કેદ છે? નવી પેઢીએ હવે પોતાની રીતે વિચારવું પડશે. ઉછીના વિચાર કે ઉછીના નિર્ણયો એ નહીં સ્વીકારે. માબાપને એ જરૂર માન આપશે. એમના સુખનો વિચાર કરશે. પણ પોતાની સંભાવનાઓના ભોગે તો નહીં જ. શિક્ષણ જરૂરી છે પણ શિક્ષણનું કુલ કામ માણસને વિચારતો કરવાનું છે. એની પ્રતિભા પ્રગટે, એ આગવું ચંિતન કરી શકે એ માટે એને જરૂરી બળ પૂરું પાડવાનું છે. પણ શિક્ષણ જો બાળકના મનમાં વિચારો ભરે, એને એક નવી ચાવી ભરેલા રમકડાની જેમ વિકસાવવા લાગે તો એ ભૂલ છે. માબાપ, સમાજ, શિક્ષણ આ બધાએ બાળકમાં વિચારશક્તિ પેદા થાય, એની પોતાની જ આગવી સમજ અને સૂઝ વિકસે એ માટે શક્ય તેટલી તમામ સુવિધા અને મદદ પૂરી પાડવી જોઇએ. એને પોતાની સંભાવનાની દિશામાં ચાલવા માટે બળ અને વેગ મળે એવું કશુંક કરવું જોઇએ. માબાપે બાળકને પરંપરા કે પોતાના સપના આપવાને બદલે એની સમજશક્તિ વિકસે એ માટે જ પ્રયત્નશીલ રહેવું જોઇએ. નવી પેઢી નથી બગડી કે નથી બરબાદ થઇ. એણે તમારી આંગળી છોડી છે. ચાવી ભરેલા યંત્રની જેમ ચાલવાને બદલે પોતાની સ્વતંત્રતાની ઘોષણા કરી છે. અને એટલે જ થોડી અરાજકતા કે સ્વચ્છંદતા જેવું લાગે છે. એને તમારી ધારણા, તમારી પરંપરા, તમારા આગ્રહો કે રાગદ્વેષ પસંદ નથી. પોતાનો માર્ગ શોધવામાં, પોતાની રીતે વિચારવામાં થોડી વાર લાગે છે અને એટલે ક્યારેક એ દિશાહીન હોય એવું લાગે છે. પણ ધીમે ધીમે બઘું ગોઠવાતું જશે. કશુંક નવું બનતું હોય,નવી રીતે બની રહ્યું હોય તો એને ઓળખવું કે સ્વીકારવું મુશ્કેલ હોય છે. નવી પેઢી વર્ષોથી ચાલી આવતી ઘણી બધી પરંપરાઓને તોડી રહી છે. એને જ્ઞાતિ, ધર્મ કે પ્રાંતની વાડાબંધી પસંદ નથી. એ પાંખો પ્રસારીને આખા આકાશમાં ઊડવા માગે છે. ખંડ ખંડમાં વહેંચાયેલું જીવન એમને માન્ય નથી. અને એથી એ સમગ્રને પકડવાની છલાંગ લગાવી રહી છે. નાના બાળકો, નવી પેઢી કે થનગનતા યૌવનને કેન્દ્રમાં રાખી ટી.વી. પર જે સિરિયલો આવી રહી છે તેને જરા ઘ્યાનથી જોજો... એમાંથી તમને નવા માનવના સૂર્યોદયની થોડી ઝલક મળી જશે. મારું હૃદય સદાથી નવી પેઢીની સાથે છે. રોજેરોજ હું એની સાથે ચાલીને નવી આંખથી જોવા મથું છું. અને એટલે જ કહું છું- નવી પેઢી, ...ભવિષ્યનો નવો માનવ.. નહીં હિન્દુ હોય કે ન મુસલમાન. એને કોઇ પણ દિવાલમાં કેદ નહીં કરી શકાય. ન દેશ, ન ધર્મ, ન જ્ઞાતિ, ન સંપ્રદાય... નવી પેઢી બધા જ બંધનોથી પર અને આઝાદ હશે. એ શરીરને પણ ચાહશે અને ચેતનાને ય પ્રેમ કરશે. એ સમૃદ્ધ હશે છતાં ફકીરની જેમ જીવશે. વિજ્ઞાન સાથે એ ધર્મ અને અઘ્યાત્મનેય જીવનનું એક અનિવાર્ય અંગ માનશે. પ્રકૃતિને તો પ્રેમ કરશે જ પણ જીવનની સુવિધા માટે અત્યાઘુનિક ઉપકરણોનો પણ વિરોધ નહીં કરે. નવી પેઢી બધી બાબતમાં સંતુલિત, આનંદ અને ઉત્સવપૂર્વક જીવવાની પક્ષપાતી અને પરમાત્મા સાથે પૂરા અસ્તિત્વના પણ પ્રેમમાં પડેલી હશે. આવી નવી પેઢીના સૂર્યોદયને હું જોઇ રહ્યો છું અને ખુશ થાઉં છું. હું નિરાશાવાદી નથી. માનવતાનું ભવિષ્ય ખૂબ ઉજળું છે. આવા ઉજળા ભવિષ્ય માટે સૌએ હવે તૈયારી શરૂ કરી દેવી જોઇએ. હું તો કહું છું- શરીરથી વ્યક્તિ યુવાન કે વૃદ્ધ નથી હોતી. વ્યક્તિની ચેતના પણ આ બધામાં ઘણો મોટો ભાગ ભજવે છે. ઘણા લોકો શરીરથી વૃઘ્ધ હોવા છતાં યુવાન હોય છે. અને ઘણા શરીરથી યુવાન હોવા છતાં વૃદ્ધ. નવી અને જૂની પેઢીનું પણ કંઇક આવું જ છે. ક્રાન્તિબીજ ઈસ ઘટ અંતર બાગ બગીચે ઈસીમેં સિરજનહારા, ઈસ ઘટ અંતર સાત સમુંદર, ઈસીમેં નૌલખ તારા! ઈસ ઘટ અંતર પારસ મોતી, ઈસીમેં પરખન હારા, ઈસ ઘટ અંતર અનહદ ગરજે, ઈસીમેં ઉઠત ફુહારા, કહત કબીર સુનો ભાઇ સાધો! ઈસીમેં સાંઈ હમારા. - સંત કબીર |