હું, શાણી અને શકરાભાઈ પેથાભાઈ દિલ્હીની કંપનીના ડાયરેક્ટર? પેથાભાઈની કંપનીને છેલ્લાં બેત્રણ વર્ષથી જોરદાર નફો થતો હતો. પેથાભાઈની આવડતને કારણે તેમની પ્રતિષ્ઠા ટોપ મેનેજરના મનમાં વસી ગઈ હતી. તેમણે દિલ્હીમાં કંપનીની બ્રાન્ચ સ્થાપવાનો વિચાર કર્યો. એમની ઇચ્છા પેથાભાઈને દિલ્હીની કંપનીનું સુકાન સોંપવાની હતી. તેમણે પેથાભાઈને આ વિશે વાત કરી. એમની કુશળતાનાં બહુ વખાણ કર્યાં. અને કહ્યું ઃ ‘મિસ્ટર પટેલ! તમે દિલ્હીની કંપનીની કમાન સંભાળો તો કેવું? મારી નજરમાં તમે મોસ્ટ પ્રોપર મેન છો.’ પેથાભાઈ મૂંઝાઈ ગયા. મેનેજર તરીકેનાં હવે પાછલાં બેપાંચ વર્ષોમાં તેમને ઘરબાર અને વતન છોડીને દિલ્હી સુધી દૂર જવાની મરજી નહોતી. તેમણે કહ્યું ઃ ‘સર! તમારા વિશ્વાસ માટે આભારી છું. દિલ્હીની નવી કંપનીમાં ટોપમોસ્ટ મેનેજર તરીકે જવું મને ગમે, પણ મારા ફાધર હવે નેવુ વટાવી ચૂક્યા છે... એમને વૃઘ્ધાવસ્થામાં મૂકીને જવાનું...? Dont feel well.' મેનેજર હસી પડ્યા ઃ ‘તમારે દીકરો છે, એની વાઈફ છે... તમારા ફાધરની કેર એ લોકો લેશે જ ને! તમને એમનો વિશ્વાસ નથી?’ પેથાભાઈ એમના મેનેજરની હાજર જવાબીથી મહાત થઈ ગયા. એમને બીજું કોઈ બહાનું શોધવાનું મળ્યું નહિ. એ વિચારમાં ઊભા રહી ગયા. મેનેજરે કહ્યું ઃ ‘ત્યારે મિ. પટેલ! બી પ્રીપેર્ડ... પહેલી તારીખથી દિલ્હીનો ચાર્જ સંભાળી લ્યો. તમને ત્યાં મકાનની વ્યવસ્થા કરી આપું છું. હાઈ લોકેલિટીમાં છે.’ પેથાભાઈ ઘરે પહોંચ્યા ત્યારે મૂડમાં નહોતા. પટલાણીએ એમનાં ભાવતાં મેથીનાં ગોટાં પીરસ્યાં, પણ દર વખતની જેમ તેમની આંખોમાં ઉત્સાહની ચમક આવી નહિ. પટલાણીએ જરા નવાઈ પામીને પૂછ્યું ઃ ‘કેમ, ગોટાં ભાવ્યાં નહિ? બરાબર નથી?’ ‘ના, ના. બિલકુલ બરાબર છે, પણ આજે રુચિ નથી.’ ‘બહાર કોઈની જોડે હોટલમાં ઝાપટી આવ્યા હશો...’ પટલાણીએ તેમને ઝાપટ્યા. પેથાભાઈ અકળાયા - ‘તને એકવાર કીઘુંને આજે મને અપચા જેવું છે...’ પટલાણીએ એમનો મૂડ સમજી જઈને વાત આગળ વધારી નહિ. રાતે જમી પરવારીને પટલાણી બેઠાં હતાં, પેથાભાઈનું મન જાણવાની વેતરણમાં હતાં. એ ય ચતુર હતાં, જમાનાનાં ખાધેલ હતાં. અને પતિના ગુડ કે બેડ મૂડ પત્ની તરત પામી જતી ચતુર સુજાણ હોય છે. પણ પેથાભાઈએ જ વાત ઉપાડી ઃ ‘મારે દિલ્હી જવાનું થયું છે.’ ‘કેમ? ગવર્નરને મળવા?’ પટલાણીને ગવર્નર કોણ ને રાષ્ટ્રપતિ કોણ તે તેમની બલા જાણે, એમને રાજકીય બાબતોમાં નહિ, જ્યોતિષની અને ચમત્કારોની વાતોમાં કે ઘરઘરના ખટલાની વાતોમાં રસ હતો. પેથાભાઈ પટલાણીના ‘સ્ટૂપીડ’ સવાલથી છંછેડાઈ ગયા. ‘તને કશી ગતાગમ છે કે નહિ? ગવર્નર કે પ્રધાન મને મળવા નવરો છે? અને હું ય નવરો છું?’ એટલામાં બાબલો અને ફેન્ટા જમીને બહાર સ્કૂટર પર બરફનો ગોળો ખાવા જતાં હતાં તે અટકી ગયાં. ફેન્ટાને દસ દસ રૂપિયાના બરફના ગોળા ખાવાનો ચડસ હતો. અઠવાડિયે બેત્રણ વાર તે બાબલાને દૂર ગાર્ડનમાં બરફના ગોળા ખાવા માટે ખેંચી જતી હતી. તેમણે પપ્પાના ‘મારે દિલ્હી જવાનું થયું છે’ એવા શબ્દો સાંભળ્યા. એ ય ઊભા રહી ગયા. બાબલાએ પૂછ્યું ઃ ‘પપ્પા! તમે દિલ્હી જાવ છો? ઓફિસના કામે?’ ‘ના. ત્યાં આપણી કંપનીની નવી બ્રાન્ચ ખૂલે છે. તેમાં ડાયરેક્ટર તરીકે મારે જવું પડે તેમ છે.’ બાબલાના મોઢા પર તેજી આવી ગઈ. પપ્પા દિલ્હી જાય તો... એ આનંદતરંગમાં લહેરિયાં લેવા માંડ્યો. જુવાન છોકરા વહુઓને સ્વતંત્ર રહેવાનો બહુ ક્રેઝ આજના દિવસોમાં હોય છે. એમને એકદમ મનસ્વી, ફૂલ ફ્રીડમવાળી જંિદગી જીવવામાં પપ્પા-મમ્મીની હાજરી માફક આવતી નથી. એમને કશી કનડગત ન હોય છતાં ય એમને એમની હાજરીનો ભાર લાગતો હોય છે. પેથાભાઈના કુટુંબમાં બાબલા-ફેન્ટાને બધી વાતે સ્વતંત્રતા હતી. હાં, સાસુ-વહુને કેટલીકવાર તૂતૂ મેંમેં થઈ જતી. ફેન્ટા ગમ ખાઈ જતી. પણ સાસુની કચકચ તેને ગમતી નહિ. સાસુ સાવ નિરુપદ્રવી હોય, સસરા ય નિખાલસ ઉદાર દ્રષ્ટિવાળા હોય છતાં... છતાં એમની હાજરી માનસિક બોજ લાગે છે ઃ વહુને સાસુનું સાલ ગમે નહિ, અને વહુની વાતમાં દીકરો બઘું ઓ.કે. કરનારો એવરેડી! પટલાણીએ એકદમ કહી દીઘું - ‘ના, ના. આપણે દિલ્લી નથી જવું. તમે ના પાડી દેજો. ઘરમાં સુખનો રોટલો ખાઈએ છીએ તે મેલીને દિલ્લી લાંબા થવાની જરૂર શી?’ બાબલો કહે ઃ ‘મમ્મી! તને કશી ગમ નથી. પપ્પાને દિલ્હીમાં ઊંચી નોકરી મળે છે. મોટો બંગલોય મળે.’ પેથાભાઈ બાબલાની વાત સાંભળી એની સામે જોઈ રહ્યા. બાબલો કહે ઃ ‘પપ્પા! આવું પ્રમોશન મળતું હોય તો ડોન્ટ લુઝ ઓપર્ચ્યુનિટી - તક જવા દેશો નહિ. દિલ્હીમાં કંપનીના ડાયરેક્ટર થવું એ તો મોટું સ્ટેટસ કહેવાય!’ પટલાણી કહે ઃ ‘પણ દિલ્હીમાં તો બહુ ગુંડાગીરી થાય છે. બહુ હત્યા થાય છે. અને આતંકવાદી ત્યાં ફરતા જ હોય છે. તારા પપ્પાને જોખમમાં રહેવું પડે. અને અહીં છીએ ત્યાં શું ખોટા છીએ? કંપનીનો ‘ડારેટર’ ઘરે ગયો. આપણે ‘ડારેટર’ નથી થવું.’ અને પેથાભાઈને હઠપૂર્વક કહ્યું - ‘તમે કાલે જ ના પાડી દેજો.’ બાબલો મમ્મી પર અકળાયો. બાબલાની ‘રમત’ પર મમ્મી પાણી ફેરવતી હતી. એ બાબલાના પ્લાન ક્યાંથી સમજે? તેણે મમ્મીને કહ્યું ઃ ‘ત્યાં પપ્પાને સીક્યુરીટી મળશે. બંગલાને ચોકીદાર હોય, પ્રધાનોને મળવા જવાય.’ પેથાભાઈ કહે ઃ ‘એ બધી વાત તો ઠીક છે. પણ બાપાનું શું? એમની તબિયત સારી રહેતી નથી. એમનો જીવ મારામાં હોય. એમને મૂકીને જઉં ને કંઈક થઈ જાય તો મારે કાયમનો ડંખ રહી જાય.’ પટલાણીએ તરત ટાપશી પૂરી ઃ ‘વાત સાચી છે.’ અને પછી તેમણે ફેંકોલોજી ચલાવી ઃ ‘બાપા હમણાં હમણાંથી એમને બહુ યાદ કરતા હોય છે. એમનો જીવ તારા પપ્પામાં છે... ના. ના. આપણે દિલ્હી નથી જવું. બાપાના નેહાકા પડે.’ પેથાભાઈ કહે ઃ ‘પણ મોટા મેનેજરનો ઓર્ડર માનવો પડે. એ હુકમ કરે ત્યાં જવું જ પડે.’ પહેલી તારીખે ત્યાં હાજર થવું જ પડે. પટલાણી નિરાશ, બાબાના મોઢા પર ખુશીની લહર. ફેન્ટાના મુખ પર સંતોષનું સ્મિત. પેથાભાઈ ટેન્શનમાં. |