home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

પારિજાતનો પરિસંવાદ

અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં હિમાલયની ગોદમાં છૂપાયેલું અષ્ટાપદનું રત્નમંદિર!

જગતમાં કેટલીક અનહોની ઘટના બનતી હોય છે અને એવી એક અચરજભરી ઘટના છે અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં સર્જાયેલા અષ્ટાપદ મહાતીર્થ રત્નમંદિરની.

હિમાલયની ગોદમાં આવેલો આ અષ્ટાપદ પર્વત આજે મળતો નથી. એ પર્વત તે જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ભગવાન ૠષભદેવની નિર્વાણભૂમિ છે અને જેના નામ પરથી આપણા દેશનું નામ ‘ભારત’ પડ્યું તેવા ૠષભદેવના પુત્ર ભરત ચક્રવર્તીએ અહીં પિતૃસ્મૃતિ રૂપે સંિહનિષદ્યા નામનો અસલી રત્નજડિત મહેલ બનાવ્યો હતો.

આ પર્વતનું નામ અષ્ટાપદ એ માટે પડ્યું કે તેના પર જવા માટે અષ્ટ એટલે આઠ પગ કે ચરણ છે.

પ્રાચીન ગ્રંથોમાં એના રજતાદ્રિ, સ્ફટિકાચલ, હરાદ્રિ જેવાં નામો પ્રાપ્ત થાય છે. પવિત્ર કૈલાસ પર્વતની પાસે માનસરોવર નજીક આવેલું એ અષ્ટાપદતીર્થ આજે અસ્તિત્વમાં નથી. જૈન ધર્મના પાંચ મહત્ત્વનાં તીર્થોમાં સમેતશિખર, આબુ, ગિરનાર, શત્રુંજય અને અષ્ટાપદમાં સૌથી પ્રાચીન એવું અષ્ટાપદ તીર્થ આજે લુપ્ત છે. આ લુપ્ત તીર્થના જયપુર શહેરના શ્રી સુમતિનાથ જિનાલયમાં આવેલા ચિત્રપટને જોઇને ધર્મપ્રેમી ડૉ. રજનીકાંત શાહના હૃદયમાં એક અવર્ણનીય ભાવ જાગ્યો અને એમણે અષ્ટાપદ તીર્થના સર્જન અને સંશોધન માટે ભેખ લીધો. જયપુરના દેરાસરમાં જોયેલા અષ્ટાપદના પટની કલ્પનાને વાસ્તવની ધરતી પર ઉતારવા માટે પ્રબળ પુરુષાર્થ આરંભ્યો.

આજે જૈન સેન્ટર ઓફ ન્યુયોર્કના આરાધના ભવનમાં શ્રી અષ્ટાપદ મહાતીર્થ રત્નમંદિરની પ્રતિષ્ઠા થઇ રહી છે.

ક્યાં હિમાલયની ગોદમાં, ધરતીની અંદર છુપાયેલું અષ્ટાપદ અને ક્યાં અમેરિકાના ન્યૂયોર્ક શહેરના ઇથાકા સ્ટ્રીટમાં સર્જન પામેલું અષ્ટાપદ. એ પ્રાચીન અષ્ટાપદ તીર્થ કેવું હશે, તેની પ્રાચીન ગ્રંથોને આધારે કલ્પના કરવામાં આવી. પહેલાં એનાં નામોનો વિચાર કરવામાં આવ્યો. એને રજતાદ્રિ એટલે કે રજત (ચાંદી)નો પર્વત કહ્યો, કારણ કે એ પર્વત સતત બરફથી છવાયેલો હોવાને કારણે ચાંદી જેવો લાગતો હશે !

વળી સ્ફટિકાચલ એટલે કે એ સ્ફટિકનો પર્વત હતો. આમ પ્રાચીન ગ્રંથોમાંથી મળતા વર્ણનને આધારે આ અર્વાચીન, અદ્યતન સમયમાં સ્ફટિક પથ્થરમાંથી કોતરીને અષ્ટાપદ પર્વત તૈયાર કરવામાં આવ્યો.

વળી ન્યૂયોર્કના રત્નમંદિરનો સ્ફટિક કુદરતી, પારદર્શક અને પ્રકાશ પસાર થઇ શકે તેવા રંગમાં પ્રાપ્ત થયો. પરિણામે પર્વત બરફથી છવાયેલો હોય તેવો દેખાવ ઊભો કરી શકાયો. વળી જૈન સેન્ટરના સૌથી ઉપરના માળે બારીઓ અને તેમાંથી આવતા પ્રકાશને કારણે પાછળ ખુલ્લા આકાશનો અનુભવ થઇ શકે તેવી રચના થઈ. એ પછી ઉપલબ્ધ સ્થાન અનુસાર વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ વાસ્તવિક પ્રમાણમાં અષ્ટાપદ માહાતીર્થનો નકશો તૈયાર કરવામાં આવ્યો. પ્રાચીન અષ્ટાપદમાં ચૌમુખી પ્રતિમાઓ હતી, પરંતુ અહીં ન્યુયોર્કમાં જગ્યાની મર્યાદાને કારણે એક દિશામાં પ્રતિમાઓ રાખવામાં આવી. પર્વતની ઊંચાઈ અને પહોળાઈનું પ્રમાણ પણ ઉપલબ્ધ સ્થાન અનુસાર કરવામાં આવ્યું. પ્રાચીન ગ્રંથોના વર્ણનને આધારે ન્યુયોર્કના આ અષ્ટાપદ રત્નમંદિરમાં એક પછી એક ચાર હરોળમાં તીર્થંકર ભગવાનોની મૂર્તિઓ ગોઠવવામાં આવી અને પર્વતમાં એને માટેના ગોખલાઓ કોતરીને એમાં મૂર્તિ મૂકવામાં આવી.

ન્યૂયોર્કના આ અષ્ટાપદ મહાતીર્થના સમગ્ર અષ્ટાપદ પર્વતનું વજન ૧૨ ટન જેટલું થાય છે. આ અષ્ટાપદ પર્વત બિલ્લૌર પથ્થરમાંથી બનેલો છે. એને જુદા જુદા સાઠ ભાગથી જોડીને બનાવવામાં આવ્યો છે. તેમાં પણ અષ્ટાપદ પરનાં સૂર્યકિરણો દર્શાવવા માટે લેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

પર્વતના ઢોળાવનો આકાર અને એના આસપાસનું જીવંત વાતાવરણ પણ રચવામાં આવ્યું છે અને હવે એ અષ્ટાપદ પર્વતના મનોરમ શિખર પર સુંદર તેમજ કળામય કળશ તેમજ ઘ્વજ મૂકવામાં આવશે.

આ પર્વતના વિભિન્ન આકારના ચોવીસ ગોખલા છે, જે બિલ્લૌર, રોઝ ક્વાર્ટેસ, ઘુનૈલ, અકીક અને મરગજ વગેરે કંિમતી પથ્થરોના બનેલા છે. આમાં બે ઘણા મોટા છે. ચાર મોટા, આઠ મઘ્યમ પ્રમાણના અને દસ નાના છે. એક ગોખલામાં બે સ્તંભ અને એક છત્રી છે. આગળના સ્તંભોમાં ચામરધારી પ્રભુભક્તની પ્રભાવક દ્રશ્યાવલિ ઉપસાવવામાં આવી છે. ચામરધારી અને છત્રીમાં પણ મનોરમ કલાત્મક કોતરણી કરી છે.

ચોવીસ તીર્થંકરોની ચોવીસ મૂર્તિઓની સાથે એમના લાંછનો (પ્રતીકો) પણ કોતરવામાં આવ્યા છે. વળી એ મૂર્તિની આધારશિલા પર તીર્થંકરનું નામ અને રત્નનું નામ પણ દર્શાવ્યું છે. આમ જુદાં જુદાં ચોવીસ રંગના રત્નો જડેલી અમૂલ્ય ચોવીસ મૂર્તિઓ દ્રષ્ટિગોચર થાય છે. આ ઉપરાંત કટેલા, સુનેલા, ઘુનૈલા પાના, માણેક, મરગજ અકીક જેવા રત્નોથી પણ મૂર્તિઓ બનાવાઈ છે.

રંગીન રત્નોમાં રુચિ રાખનાર આટલા બધા વૈવિઘ્યમય રત્નો જોઇને તાજ્જુબ થઇ જાય છે. વળી આ રંગીન રત્નોમાં થયેલી મૂર્તિઓની કારીગરીમાં ભારતના જયપુરના કલાકારોનો અનેરો કસબ જોવા મળે છે.

આમાં અષ્ટાપદ તીર્થને લગતી આઠ પ્રાચીન કથાઓની અલગ અલગ ત્રિઆયામી (થ્રી ડાયમેન્શન) ધરાવતી શિલ્પાકૃતિ મળે છે, જેમાં ભગવાન ૠષભદેવનું જન્મકલ્યાણક, એમનાં પારણાં, એમનું સમોવસરણ, ચક્રવર્તી ભરતદેવ, અરીસા મહેલની કથા, ગૌતમસ્વામી દ્વારા તાપસોને ખીરનાં પારણાં, ઉપદેશ આપતા ગૌતમસ્વામી અને નાગકુમારની કથા અહીં શિલ્પમાં જીવંત કરવામાં આવી છે.

સાહિત્ય-સંશોધનનું પણ મહાકાર્ય થયું. વીસેક વોલ્યૂમમાં અષ્ટાપદ અને એને આનુષંગિક એવી તમામ સામગ્રી ધરાવતા ઝેરોક્ષ ગ્રંથો અને એના વિષે હિમાલયમાં જઇને સંશોધકો, ભૂસ્તરશાસ્ત્રીઓ, વિજ્ઞાનીઓ વગેરેએ કરેલાં સંશોધનના અહેવાલો પણ ઉપલબ્ધ થયા છે.

હજી હિમાલયની ગોદમાં લુપ્ત થયેલું અષ્ટાપદ ક્યાં છે એનો પાકો તાગ મળ્યો નથી, પરંતુ ન્યૂયોર્કમાં રચાયેલું અષ્ટાપદ મહાતીર્થ રત્નમંદિર ભવિષ્યના સંશોધકોને અને ધર્મજિજ્ઞાસુઓને આની શોધ માટે પ્રેરણા આપતું રહેશે અને ભાવિકોને પ્રાચીન ધર્મ-સંસ્કૃતિનો મહિમા દર્શાવતું રહેશે.

ક્ષણનો સાક્ષાત્કાર

તારું પોતાનું છે શું ? તારું ભીતર એ એક જ માત્ર ‘તારું’ છે અને એ ભીતરના આત્માની શક્તિ, એનું તેજ અને એનું સામર્થ્ય એ જ તારી મૂડી છે અને એની જાળવણી અને વિકાસ એ જ તારો ધર્મ છે.

કારણ એ કે જેને પોતાનું માનીને વ્યક્તિ જીવે છે, તે બઘું તો નશ્વર છે. જે શરીરને એ પોતાનું માને છે, તે શરીર યુવાનીના જોશમાં ઝૂમે છે, પરંતુ એના પર વૃદ્ધત્વની કરચલીઓ પથરાવા માંડતાં એ અન્યને ટેકે માંડ માંડ ચાલે છે.

એક સમયે ઊંચી છલાંગ લગાવતો એનો દેહ હવે છ ફૂટનું અંતર પાર કરતાં પણ પારાવાર પીડા અનુભવે છે.

જે પુત્રીને એ પોતાની માને છે, એને પોતાને હાથે જ વિદાય આપવી પડે છે. જે પુત્રને એ પોતાનો અંશ કે વારસ ગણે છે, એ જ પુત્ર સમય જતાં એને એની પત્નીનો પક્ષકાર લાગે છે. જીવનસાથી એવી પત્ની પણ અવસાન પામ્યા બાદ જીવનનો સાથ છોડી દે છે ! જે દેહને જાળવવા એ રાતદિવસ પ્રયત્ન કરતો હોય છે એનો અંત આવે છે અને તે શરીર સ્મશાનની રાખમાં પલટાઇ જાય છે.

આમ વ્યક્તિ જેને જેને પોતાનું માને છે, તે પારકું પુરવાર થાય છે, ત્યારે એના ચિત્તમાં વિચાર જાગે છે કે આ પરાયી દુનિયામાં મારું છે કોણ ? અને તે સમયે એની દ્રષ્ટિ પોતાના આત્મતેજ પર જાય છે. જે આત્મા એના દેહના મૃત્યુ પછી પણ એનો સાથ છોડતો નથી, એ આત્મા જીવનમાં સાથે હોય છે અને મૃત્યુ પછી ય સાથે રહે છે.

મનઝરૂખો

‘ગુલિવર્સ ટ્રાવેલ’ નામની વિશ્વખ્યાત પ્રવાસકથા લખનાર જુલે વર્ન એકવાર પોતાના મિત્રને મળવા ગયા. એમનો મિત્ર બહાર ગયો હતો અને થોડીવારમાં એ પાછો આવવાનો હતો, એથી જૂલે વર્ને એના પ્રતીક્ષાખંડમાં બેસીને રાહ જોવાનું મુનાસિબ માન્યું. એવામાં એક બીજી વ્યક્તિ પણ જૂલે વર્નના મિત્રને મળવા માટે આવી અને પ્રતીક્ષા ખંડમાં બેઠી.

બંને વચ્ચે થોડો સમય મૌન રહ્યું, પણ પછી આગંતુક વ્યક્તિએ પહેલ કરતાં બાજુમાં બેઠેલી વ્યક્તિની ઓળખ મેળવવા પ્રયાસ કર્યો અને જ્યારે એણે જાણ્યું કે આ સમર્થ સર્જક જૂલે વર્ન છે, ત્યારે એના આશ્ચર્યનો પાર રહ્યો નહીં. એણે અત્યંત રસપૂર્વક જૂલે વર્નની પ્રવાસકથાઓ વાંચી હતી અને એમાં એણે કરેલાં સાહસો પર એ મુગ્ધ હતો. આટલી બધી મુસાફરી કરનાર જૂલે વર્ન કેટલા બધા થાકી ગયા હશે, તેમ વિચારી એમને આરામ આપવા માટે એણે કહ્યુંઃ

‘તમને પાર વગરનો થાક લાગ્યો હશે. તમે કેવાં ભયાનક સાહસો કર્યા છે અને કેવી જોખમી સફરો ખેડી છે એ હું જાણું છું અને તેથી જ તમે મહેરબાની કરીને જરા આ સોફા પર આરામથી બેસો ને વઘુ થાક્યા હો તો આરામથી સોફા પર લંબાવો.’ જૂલે વર્ન આગંતુકની વાત સાંભળીને હસી પડ્યા. જ્યારે એમણે સાચી હકીકત કહી કે આ સઘળી સાહસભરી પ્રવાસકથાઓ એમણે બંધ ઓરડામાં લખી એ અને તેઓ એટલા બધા પ્રવાસભીરુ છે કે ભાગ્યે જ એમણે એકસો માઈલથી વઘુ લાંબી મુસાફરી કરી હશે, ત્યારે આગંતુકના આશ્ચર્યનો પાર ન રહ્યો.

Copyright   © Gujarat Samachar