home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

અગોચર વિશ્વ

બાયો-ફીડ-બેક ચિકિત્સા પદ્ધતિથી અનેક રોગો મટી શકે છે !

બાયો-ફીડ-બેક એક મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા પર આધારિત ચિકિત્સા થેરેપી છે. એમાં એમાં સ્વ-નિરીક્ષણ અને સ્વ-નિયંત્રણ કરવામાં આવે છે. રોગી શારીરિક ગતિવિધિઓ અને મનોભાવોની પ્રતિક્રિયા બાયો-ફીડ-બેક યંત્રના માઘ્યમથી જુએ છે. શરીર અને મનોભાવોની પ્રતિક્રિયાઓને આધારે તે સ્વયંને ઉપયોગી અભ્યાસો માટે સહમત કરે છે. અભ્યાસની પ્રક્રિયામાં જોવું, સાંભળવું અને પરિણામ પ્રમાણે ગતિવિધિઓને નિયંત્રિત કરવાનો સમાવેશ થાય છે. બાયો-ફીડ-બેક પ્રશિક્ષણ એ માન્યતા પર આધારિત છે કે શરીરની જુદી જુદી ક્રિયાઓ જેને અનિયંત્રિત માનવામાં આવે છે, એને પણ નિયંત્રિત કરી શકાય છે. બાયો-ફીડ-બેક દ્વારા દમ, અપસ્માર, લકવો, આધાશીશી, પીઠનો દુખાવો, સ્નાયુઓના રોગો વગેરેમાં તો ચમત્કારિક સુધારણા જોવા મળે છે.

અમેરિકાની કૅન્સસ ટાપેકામાં આવેલી મેનિન્જર ઇન્સ્ટિટયૂટના વિજ્ઞાનીોને બાયો-ફીડ-બેક પદ્ધતિ દ્વારા લગભગ ૮૦% રોગીઓને રોગ-મુકિત અપાવવામાં સફળતા મળી છે. કોઈપણ જાતની દવા કે સર્જરી વગર ભારે રોગોના ઉપચારમાં પણ આ પદ્ધતિ ચમત્કારિક સાબિત થઇ છે.

માનવીના શરીર અને મનમાં શકિતના અખૂટ ભંડારો પડેલા છે. એનો ઉપયોગ કરવામાં આવે તો ઘણી અસંભવિત બાબતો સંભવિત બની શકે છે. વિખ્યાત મનોવિજ્ઞાની જે. કામિયા અને ડૉ. બાર્બરા બ્રાઉનના સંશોધનોને આધારે દર્શાવાયું છે કે જો શરીરમાંથી નીકળનારા ભિન્ન ભિન્ન વિદ્યુત તરંગોમાં કોઈક રીતે જરૂરી પરિવર્તન કે પરિવર્ધન કરી શકાય તો શારીરિક સ્વાસ્થ્ય સંપાદિત કરી શકાય છે અને માનસિક ચેતનાને ઉચ્ચ સ્તરીય પણ કરી શકાય છે. આ પદ્ધતિના ઉપયોગથી સમગ્ર શરીરની ક્રિયાવિધિઓ, હૃદય, માંસપેશીઓ, ત્વચા, રક્તની વધઘટ અને નાનામાં નાની કોશિકાઓને પોતાના સૂચન પ્માણે નિયંત્રિત કરી શકાય છે.

વિખ્યાત મનોવિજ્ઞાની એલ્મર ગ્રીન કહે છે કે શરીર પર મનનું આધિપત્ય છે એટલે એને બરાબર પ્રશિક્ષિત કરીને બધા કાયિક અંગો- અવયવોને તથા એની નાની કોશિકાઓને પોતાના વશમાં રાખી શકાય છે. શરીરના બધા અંગો- અવયવો પર મનનું શાસન પ્રવર્તે છે અને એ મનથી જ સંચાલિત થાય છે. એટલે માંસપેશીઓમાં ઉત્પન્ન થતો તનાવ અને માથાના દુખાવા જેવી બીમારીઓને તો આ પદ્ધતિ દ્વારા સરળતાથી દૂર કરી શકાય છે. એનાથી જોડાયેલ વ્યકિત ઇલેકટ્રોમાયોગ્રાફ પર પોતાની પેશીઓ દ્વારા છોડવામાં આવેલ વિદ્યુત ચુંબકીય વિકિરણને જુએ છે અને પોતાની ઇચ્છા-શકિતનો પ્રયોગ કરીને પોતાની મરજી મુજબ સંકોચાવાનો કે ફેલાવાનો નિર્દેશ આપે છે. અભ્યાસ દ્વારા એનાથી એવા શારીરિક ફાયદા થતા જોવામાં આવે છે જે પ્રશિક્ષિત મસ્તિષ્કથી આલ્ફા તરંગો પ્રગટ થાય છે ત્યારે જોવામાં આવે છે - આ ઉપચારમાં કોઈ બાહ્ય ચિકિત્સકની જરૂર પડતી નથી. આ સંપૂર્મતયા આત્મ-સૂચન (ઓટો-સજેશન) પ્રક્રિયા પર આધારિત છે. આમા ંફક્ત આંગળીઓ પર ઇલેકટ્રોડસ કેવી રીતે લગાવવા એ જ શીખવાનું હોય છે જે અત્યંત સરળ છે. બાકીનું નિરીક્ષણ અને સૂચન કરવાનું કામ તો પોતે જ કરવાનું હોય છે.

ડૉ. એડમન્ડ ડેવાને આ પ્રક્રિયા દ્વારા વિકલાંગ વ્યકિતઓની અંદર ચમત્કારિક સુધારણા પ્રાપ્ત કરી છે. એમણે આ પદ્ધતિનો ઉપયગ કરી એમના નકામાં થઇ ગયેલા અંગોપાંગોને સક્રિય કરી બતાવ્યા છે. તે દર્શાવે છે કે આ પદ્ધતિથી માંસપેશીઓની નિષ્ક્રિયતા અને તનાવને ખૂબ સરળતાથી દૂર કરી શકાય છે. ન્યુયોર્કના આઇ.સી.ડી. રિહેબિલિએશન એન્ડ રિસર્ચ સેન્ટરમાં મિસિઝ એન્ડ્રુઝ નામની એક મહિલા દાખલ કરાઇ હતી. તે સાત વર્ષથી એનું માથું હલાવી શકતી નહોતી. એને રાયનેક નામનો રોગ થયો હતો તેથી એની માંસપેશીઓમાં ભયાનક દર્દ થતું હતું અને તનાવ ઉત્પન્ન થવાથી એની ગરદન હંમેશા ડાબી તરફ ઝૂકેલી રહેતી હતી. બાયો-ફીડ-બેકની સહાયથી એણે ધીરે ધીરે આત્મસૂચન કરી આ સ્થિતિમાં જબરદસ્ત સુધારો લાવી દીધો. એ પહેલાની જેમ માથું જે દિશામાં ફેરવવું હોય તેમ ફેરવી શકે એ માટે સક્ષમ બની અને પોતાનું માથું નોર્મલ સ્થિતિમાં સીઘું રાખી શકે એવી સ્થિતિ પુનઃ પ્રાપ્ત કરી શકી !

હૃદય અનિચ્છાવર્તી અવયવ છે. એના ઉપર સામાન્ય માનવી કોઈ નિયંત્રણ રાખી શકતો નથી. પણ યોગી પુરુષ પોતાના દ્રઢ સંકલ્પ કે ઇચ્છાબળથી એના ધબકારામાં વધઘટ કરી શકે છે. યોગ અથવા બાયો-ફીડ-બેકથી એને લયબદ્ધ અને સ્થિર બનાવી હૃદય રોગના હુમલા અને હાર્ટ ફેઇલથી મરણ જેવી સ્થિતિથી બચી શકાય છે. જે હૃદય રોગીઓની હૃદયગતિ દર મિનિટે ૧૧૦ હતી તે આ પદ્ધતિ દ્વારા એ દર મિનિટે ૭૦ સુધી ઘટાડી શકયા હતા. આ પદ્ધતિ દ્વારા હાઈ- બ્લડપ્રેશર પર પણ કાબૂ મેળવી શકાય છે.

બાયો-ફીડ-બેકને એકવીસમી સદીના ‘ઇલેકટ્રોનિક મેડિટેશન’ ની ઉપમા આપવામાં આવી છે. ડૉ. બાર્બરા બ્રાઉન એમના ‘ન્યૂ માઇન્ડ- ન્યૂ બોડી’ નામના પુસ્તકમાં કહે છે - ‘બાયો-ફીડ-બેક દ્વારા માનસિક સ્થિતિની ઉત્તેજનાનું શિથિલીકરણ કરવું એ આ યુગની સૌથી મોટી ઉપલબ્ધિ છે. ખરેખર જો મનોચેતના પર યંત્રોના માઘ્યથી માનવીને યોગસાધના, ઘ્યાન, સંકલ્પ, પ્રબળ ઇચ્છા વગેરે દ્વારા શરીર પર નિયંત્રણ કરવાની વિદ્યા શીખવવામાં આવે તો આ ચિકિત્સા વિજ્ઞાનની જગતને આપવામાં આવેલી બહુ મોટી ભેટ કહેવાશે.’

Copyright   © Gujarat Samachar