home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

મેનેજમેન્ટ

સફળ મેનેજર બનવા માટે માનસિક પુખ્તતા (મેચ્યોરિટી) અનિવાર્ય છે

કોઈપણ વ્યક્તિ શારીરિક રીતે પુખ્ત બને એનો અર્થ એ નથી કે તે માનસિક રીતે પુખ્ત છે. ઘણી મોટી ઉંમરની વ્યક્તિઓ ચાલીસ, પચાસ, સાઈઠ કે સિત્તેર વર્ષે પણ બાળકની જેમ વર્તન કરે છે. આપણે આ વર્તણૂંકને બાલીશ કહીએ છીએ. મેનેજરોને બાલીશ થવાનું ના પાલવે. કારણ કે તેઓએ રોજબરોજ માનવ સંબંધોનું મેનેજમેન્ટ કરવાનું હોય છે અને લગભગ દરરોજ નાનામોટા સંઘર્ષોનું નિરાકરણ કરવાનું હોય છે. મેનેજરનું મુખ્ય કામ તેને આપવામાં આવેલા લક્ષ્યાંકોની પૂર્તિ કરવાનું છે. જો તે બાલીશ રીતે વર્તે તો તેની નીચેના કર્મચારીઓ કામ કરવા ‘મોટીવેટ’ ના થાય અને લક્ષ્યાંકો પૂરા ના કરે.

આપણી સંસ્થાઓ મેનેજરોની નિમણૂંકમાં તેની શૈક્ષણિક સિદ્ધિઓને કેન્દ્રમાં રાખે છે. તેની માનસિક પુખ્તતાને માપવાનો કોઈ સર્વસ્વીકૃત આંક નહીં હોવાથી આપણે તેને લક્ષમાં લેતા નથી. આપણી નિમણૂંક પદ્ધતિની આ મોટી ક્ષતિ ગણાય. આ ક્ષેત્રના ઘણા અભ્યાસો એમ દર્શાવે છે કે બુદ્ધિઆંક કરતાં ઇમોશનલ મેચ્યોરીટીનો આંક મેનેજરની ભવિષ્યની સફળતા માટે વઘુ અસરકારક માપન (મેઝરમેન્ટ) પદ્ધતિ છે. એક અભ્યાસમાં નોકરીની સફળતામાં બુદ્ધિઆંક (ઇન્ટેલીજંસ ક્વોશન્ટ)નો ફાળો ૧૦ ટકા જણાયો જ્યારે બુદ્ધિઆંક વત્તા માનસિક પુખ્તતા (ઇમોશનલ ઇન્ટેલીજન્સ)નો ફાળો ૪૦ ટકા જણાયો હતો.

અમેરિકાના માસેચ્યુસેટસ રાજ્યના એક નાના ગામમાં ઉછરેલા ૪૫૦ છોકરાઓ પર એક અભ્યાસ થયો હતો. તેમાં ૪૫૦ છોકરાઓમાંથી લગભગ ૩૦૦ છોકરાઓ વેલફેર પર નભતા કુટુંબમાં ઉછર્યા હતા. ૪૫૦ છોકરાઓમાંથી લગભગ ૧૫૦નો બુદ્ધિઆંક ૯૦થી પણ નીચો હતો. આ છોકરાઓના જીવનનો ૪૦ વર્ષ સુધી અભ્યાસ કરવામાં આવ્યો. તેમાંથી એ ફલિત થયું કે તેમના બુદ્ધિઆંકને તેમના જીવનમાં મળેલી સફળતા સાથે કોઈ સંબંધ ન હતો, જ્યારે તેમની માનસિક પુખ્તતા (ઈમોશનલ ઈન્ટેલીજન્સ)નો આંક તેમના જીવનની સફળતા સામે જોડી શકાયો હતો.

૧૯૫૦ના દાયકામાં યુનિવર્સિટી ઓફ કેલીફોર્નીયા, બર્કલેમાંથી વિજ્ઞાનમાં પી.એચ.ડી. ડિગ્રી મેળવેલા ૮૦ વિદ્યાર્થીઓનો ૪૦ વર્ષ સુધી અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેમાં એમ જણાયું કે પીએચડીની ડિગ્રી મેળવ્યા બાદનાં ૪૦ વર્ષ દરમિયાન આ લોકોની માનસિક પુખ્તતાએ તેમના જીવનની સફળતામાં મોટો ભાગ ભજવ્યો હતો. વિદેશની યુનિવર્સિટીઓમાં આવાં લાંબા ગાળાનાં સંશોધનો થાય છે. જેને લોંગીટયુડીનલ સ્ટડીઝ કહે છે. ધન્ય છે. આવા સંશોધકોની ધીરજને. આ અભ્યાસમાં બુદ્ધિઆંક કરતા ઈમોશનલ ઈન્ટેલીજન્સનો આંક ચાર ગણો વઘુ અસરકારક માલૂમ પડ્યો હતો. મેનેજરો પરના અભ્યાસમાં પણ આ તારણને પુષ્ટિ મળી છે.

ઈ.સ. ૧૯૯૫માં ડેનીઅલ ગોલમેન્ડ નામના વિદ્વાન પ્રોફસરે ‘ઈમોશનલ ઈન્ટેલીજન્સ’ નામનું પુસ્તક બહાર પાડ્યું તે પછી આ વિષયમાં મેનેજમેન્ટના નિષ્ણાતોનો રસ વઘ્યો છે. આ ક્ષેત્રમાં પુષ્કળ નિષ્ણાંતો અને કન્સલ્ટન્ટો ઊભા થયા છે. ઇમોશનલ ઈન્ટેલીજન્સને માપવા માટેના લગભગ ૧૦૦ ટેસ્ટ (કસોટીઓ) ઊભા થયા છે. જોકે તેનાથી માત્ર ત્રણ કે ચાર જ વૈજ્ઞાનિક ચકાસણીમાંથી પસાર થઈ શક્યા છે.

ઈમોશનલ મેચ્યુરીટીમાં ઈમોશનલનો અર્થ સમજવો જરૂરી છે. આપણા મનમાં અનેક લાગણીઓ જન્મે છે. તેમાં ક્રોધ, કરૂણા, ઉઘ્ધતાઈ, અણગમો, પ્રેમ, ઈર્ષા, નિરાશા, આશા, અભિમાન વગેરેનો સમાવેશ થાય છે. જ્ઞાની વ્યક્તિઓમાં પણ આ લાગણીઓ જન્મતી હોય છે. માનસિક રીતે પુખ્ત વ્યક્તિ પોતાનામાં અને સામાનામાં જન્મતી આ લાગણીઓને પહેચાની શકે છે, તેનું પૃથક્કરણ કરી શકે છે અને તેના પર કાબૂ મેળવી શકે છે. ઘણામાં પોતાનો અને સામેની વ્યક્તિમાં ગુસ્સો, પ્રેમ, ઉદાસીનતા, અણગમો સમજવાની અને તે કેમ ઊભો થાય છે તેને સમજવાની કુશળતા હોય છે. માત્ર લાગણીઓને સમજવાની જ નહીં પરંતુ તેનો યોગ્ય પ્રતિભાવ આપવાની પણ ઊંડી સમજ હોય છે. બોસ તેમને ‘ગધેડા’ કહે તો માનસિક રીતે પુખ્ત વ્યક્તિ બોસને તમે પણ ગધેડા છો એવું કહીને નોકરી ગુમાવવાને બદલે એમ પૂછે છે કે તમે મને ગધેડો કહ્યો તે પાછળ જરૂર કોઈ કારણ હશે. તમે મને એ સમજાવી શકશો કે તમે મને ગધેડો કેમ કહ્યો ? તમને મારા પર કેમ આટલો બધો ગુસ્સો આવ્યો છે ? આ પ્રતિભાવ માનસિક રીતે પુખ્ત વ્યક્તિનો છે. તેવી જ રીતે બોસ તમને કહે કે તમને સારી રીતભાતની ખબર નથી તો બોસ સામે ગુસ્સો વ્યક્ત કરવાને બદલે તેમને એમ પૂછી શકાય કે સારી રીતભાત કોને કહેવાય તે મને શીખવાડશો ? ઈમોશનલ ઈન્ટેલીજન્સ એટલે કે માનસિક પુખ્તતામાં સામાજીક બુદ્ધિ (સોશીયલ ઈન્ટેલીજન્સ) નો પણ સમાવેશ થાય છે. સોશીયલ ઈન્ટેલીજન્સમાં સામા સાથે કઈ રીતે વાતચીત કરવી અને આ માટે કઈ રીતે પ્રતિભાવ આપવો તે કેન્દ્રસ્થાને છે.

પોતાનું ધાર્યું ના થાય તો ઘણા લોકોને સામા પર બહુ જ ગુસ્સો કરવાની ટેવ હોય છે. પોતાની નિષ્ફળતા ઢાંકવા કેટલીક વ્યક્તિઓ સામા પર દોષારોપણ કરે છે. આ સ્વાભાવિક છે પરંતુ સામાજિક રીતે બુદ્ધિશાળી વ્યક્તિ પોતાની લાગણીઓને સમજે છે, તેનું પૃથક્કરણ કરે છે અને પછી તેને જવાબ આપે છે. જ્યાં પોતાનો વાંક હોય ત્યાં સ્પષ્ટ રીતે કબૂલ કરે છે કે આ બાબતમાં તેની ભૂલ થઈ છે અથવા ગેરસમજ થઈ છે.

ટૂંકમાં માનસિક પુખ્તતા અથવા ઇમોશનલ મેચ્યુરીટીના ચાર મુખ્ય પાસા છે ઃ (૧) પોતાની લાગણીઓને ઓળખવાની અને તેનું નિદાન (ડાયગ્નોસીસ) કરવાની શક્તિ (૨) પોતાની લાગણીઓ પર કાબૂ મેળવવાની શક્તિ. આમાં માત્ર ગુસ્સા પર કાબુ મેળવવાની જ વાત નથી, પરંતુ પોતાની નિરાશાઓ (ફ્રસ્ટેશન્સ)ને પણ સમજીને કાબૂ મેળવવાની બાબત છે. પરીક્ષામાં નાપાસ થતા કેટલાંક પોતાના જીવને જોખમમાં મૂકે છે તે નિરાશા પર કાબૂ મેળવવાની તેમની નિષ્ફળતા છે. ઘણાં છોકરા-છોકરીઓને તેમને માબાપ સતત ટોક્યા કરે છે તેવે વખતે માનસિક રીતે પુખ્ત બાળક માબાપ આગળ પોતાનો અણગમો સ્પષ્ટ રીતે ગુસ્સો કર્યા વિના રજૂ કરે છે જ્યારે માનસિક રીતે અ પુખ્ત બાળક ઘાંટા પાડે છે અથવા ઘરના ફર્નિચરને નુકશાન કરે છે.

(૩) અન્ય લોકોની લાગણીઓ અને આ લાગણીઓની ઉત્કટતાને પણ સમજવાની તાકાત માનસિક રીતે પુખ્ત લોકોમાં જોવા મળે છે. સામાને જો નિષ્ફળતા મળી હોય તો તેઓ તેને હૃદયપૂર્વકની સહાનુભૂતિ અને માનસિક સપોર્ટ આપે છે અને તેને સ્વસ્થ કરવામાં અન્ય રીતની પણ સહાય કરે છે. ‘તું તો એ લાગનો જ હતો,’ ‘તારી તો બુદ્ધિ જ બહેર મારી ગઈ છે,’ તને તો હજી વધારે સજાની જરૂર હતી, આવા પ્રતિભાવો પુખ્તવયના લોકો કદાપિ સામાને આપતા નથી. વળી કેટલાંક બોસ એવા હોય છે કે માત્ર પોતાના જ વખાણ કર્યા કરે છે કે સામાની એક વાત પણ સાંભળતા નથી. આવા બોસ ‘સેલ્ફ સેન્ટર્ડ’ હોવાથી નિષ્ફળ જાય છે.

(૪) સામાની લાગણીઓને માત્ર સમજવાની નથી પરંતુ તેને યોગ્ય પ્રતિભાવ પણ આપવાનો છે. સામી વ્યક્તિ તમને પોતાની લાગણીઓના સતત સંકેતો આપતી હોય છે. અંગ્રેજીમાં આ સંકેતોને cues કહે છે. આ સંકેતો લાગણીઓના છૂપા સંદેશાની ગરજ સારે છે. માનસિક રીતે પુખ્ત વ્યક્તિ સામી વ્યક્તિના Cues ને સમજીને તે પ્રમાણે પ્રતિભાવો આપે છે.

કર્મચારી તદ્દન ચંિતાતુર કે અસ્વસ્થ જણાય તો મેનેજર તેના હાવભાવને જાણીને તરત જ તે વિષે પૃચ્છા કરે છે અને કર્મચારીને ઘેર કોઈ સખત માંદું હોય તો તે સંકેત પરથી જાણીને તેને એમ કહે છે કે ઓફિસ કામની આજે ચંિતા કરશો નહીં. ઘેર જઈને માંદા દીકરા કે પત્ની કે માતાની ટ્રીટમેન્ટ ચાલુ કરી દો. અથવા કર્મચારીને કોઈ કામ અણગમતું હોય તો તેનો સંકેત મેળવીને તે કામને વઘુ રસભર્યું કે પડકારભર્યું બનાવી દે છે. સામાન્ય રીતે પુરૂષો કરતાં સ્ત્રીઓ આવા સંકેતો (cues) પંિછાણવામાં વઘુ કુશળ અને સહાનુભૂતિપૂર્ણ હોય છે અને તેથી ઘણી સ્ત્રીઓ હવે કુશળ મેનેજર તરીકે ઊભરવા લાગી છે.

ટૂંકમાં સફળ મેનેજર થવા ડિગ્રી પરીક્ષામાં ફર્સ્ટ કલાસ ફર્સ્ટ ગોલ્ડ મેડલ સાથે પાસ થવાની જરૂર નથી. ઇમોશનલ મેચ્યુરીટી કે માનસિક પુખ્તતા વિના આ ગોલ્ડમેડલની નોકરીમાં કોઈ કંિમત નથી. તમારાથી બહુ જ પાછળ નંબરે પાસ થયેલી વ્યક્તિ તમારાથી ઘણી આગળ નીકળી શકે છે કારણ કે તેણે માનવસંબંધોને ઓળખીને તેમાં પોતાનું ઇમોશનલ ઈન્વેસ્ટમેન્ટ (ભાવનાત્મક મૂડીરોકાણ) કર્યું છે. ઈમોશનલ ઈન્ટેલીજન્સ કે મેચ્યુરીટી વિષે એક સારી બાબત એ છે કે તે જન્મજાત નથી પરંતુ ઘનિષ્ઠ તાલીમ દ્વારા તે કેળવી શકાય છે.

Copyright   © Gujarat Samachar