કટાક્ષ કથાઅમથાલાલ અમદાવાદી અમદાવાદી અમથાલાલને ત્યાં લગ્ન પતી ગયાં હતાં. લગ્ન પછી એ કોઈનાં બિલ ચુકવવા નીકળ્યા હતા. તેવામાં તેમને સામેથી જ એક નિકટના સંબંધી આવતા દેખાયા. અમથાલાલ મૂંઝાઈ ગયા. લગ્નમાં એમને આમંત્રણ જ આપવાનું રહી ગયું હતું. સંબંધી સનાલાલ ગુસ્સામાં હતા. પણ અમદાવાદી અક્કલવાળા અમથાલાલે સનાલાલ ગુસ્સો કરે તે પહેલાં જ ઝાટક્યા ઃ ‘સનાલાલ! તમને જોઈ લીધા. હવે અમેય તમારે ત્યાં પ્રસંગે નહિ આવીએ. અમારે ત્યાં લગ્નમાં ના આવ્યા તે ના જ આવ્યા ને!’ ઓચંિતા આક્રમણથી સનાલાલ મૂંઝાઈ ગયા. કહેવા લાગ્યા ઃ ‘અમથાલાલ! મને તમારી કંકોત્રી મળી જ નથી.’ ‘હવે બહાના કાઢશો નહિ. કુરિયરથી કંકોત્રી મોકલી હતી. ના મળે એવું બને જ કેમ?’ સનાલાલ નરમ પડી ગયા ઃ ‘સાચું કહું છું. કંકોત્રી મળી જ નથી.’ ‘તમે બહાર ગયા હશો એટલે કુરિયરવાળો પાછો ગયો હશે. પણ તમને ફોન પણ કર્યો હતો. તમારો નંબર જ લાગે નહિ! તમે આપણા સંબંધ પર પાણી ફેરવ્યું.’ ‘સોરી, અમથાલાલ! મને કંકોત્રી મળે તો આવ્યા વિના રહું જ નહિ.’ ‘મને બહુ ખોટું લાગ્યું.’ અમથાલાલ બોલ્યા ઃ ‘પણ હવે ઘરે ચાલો. મીઠાઈ આપ્યા વિના જવા નહિ દઉં.’ સનાલાલને અમથાલાલે બસો ગ્રામ વાસી મોહનઠાર પધરાવ્યો અને એકસો એક રૂપિયાનો ચાંદલો અંકે કરી લીધો. |