home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

ઝાકળઝંઝા

રાજકારણ તો કોલસાની વખાર છે. એમાં પ્રવેશીને કોરા કપડે બહાર આવે, એને સન્માનવા માટેે તો નોબેલ પ્રાઇઝનો ‘બાપ’ પણ ઓછો પડે !

‘બારણું ખોલો, નહીંતર....’

શહેરના લગભગ છેવાડે આવેલું નવું બંધાયેલું મકાન છે. મકાનની આગળ વિશાળ મેદાન છે. રાતનો સમય છે. સર્વત્ર રાત્રિનો ધોધમાર સન્નાટો છવાયેલો છે. જળ પણ જંપી ગયા છે. ભસીને ચોકીદારનો રોલ ભજવતા, બ્લેક કમાન્ડો જેવા શ્વાન પણ શાંત છે. બહાર કંપાઉન્ડમાં મોટો યુવાન પુત્ર શકુંત સૂતો છે. એથીય બહાર વૃક્ષ નીચે કડિયાકામ કરનાર કારીગરો સૂતા છે. દૂરના સંતરામ ટાવરની ઘડિયાળે રાત્રિના અઢી વાગ્યાનો એક ટકોરો પાડ્યો.

અને એ ટકોરાના અવાજ સાથે મકાનમાં ઘરનું જ ‘જણ’ બનીને રહેલી કૂતરીનું બચ્ચું એકાએક ભસવા લાગી ગયું. ‘વાઉં... વાઉં...’ કૂતરું તો ભસે અને દોડાદોડી ય કરે પણ અંદર સૂતેલા ઘરધણીને લાગ્યું કે કૂતરીનું બચ્ચું કશાક ભયના ઓથારનો સંકેત કરે છે ! એમને કશીક અણગમતી ઘટનાનો આભાસ થયો ઃ પત્ની નજીકના જ પલંગ પર સૂતી હતી. મિ. દીપકભાઈ ઊભા થયા. બારીનો પડદો હટાવ્યો ને બહારનું દ્રશ્ય જોતાં જ એમના મુખમાંથી નીકળી ગયું ઃ ‘હેં ?’

હા, બહાર પુત્રના પલંગ પાસે એના શરીર પર લાઠીઓ અને ઘાતક હથિયારો અકાડીને પાંચ- છ બુકાનીધારી ઊભા હતા. સામે જ પલંગ પર પુત્ર છે ને પુત્ર નોકદાર શસ્ત્રોથી ઘેરાયેલો છે. ને અંદર બારીમાંથી જોઈ રહ્યો છે પિતા ! હવે તમે જ કલ્પના કરો કે પિતાની મનઃસ્થિતિ એ વેળાએ કેવી હોય ! એમણે બૂમ પાડી ઃ ‘કોણ છે ?’

‘હમ હૈ, દેખતા નહીં !’ ને બુકાનીધારીનું આખું ય ટોળું મકાનના બારણા પાસે ધસી આવ્યું. સાત- આઠ માણસો હશે. એમણે ફફડી જવાય એવો બરાડો પાડીને કહ્યું ઃ ‘બારણું ખોલી નાખ.’

અવાજ એટલે ? અવાજ જાણે ખુદ હથિયારધારી હતો. સીધોસાદો અવાજ નહોતો. એમાં કરડાકી પણ હતી, તો ધમકી પણ હતી. ભયાનકતા હતી તો સામાના હાંજા ગગડાવી નાખવાનો તોતીંગ ભાવ પણ ઙતો ને આવો છાતીફાડ અવાજ એ વિસ્તારના સૂના વાતાવરણને કંપાવી ગયો ! ‘બારણું ખોલો, નહીંતર....’

‘નહીંતર તારા દીકરાના રામ રમાડી દઈશું. સમજ્યો ? ચાલ ખોલ બારણું’ ને પછી સાથેના ટોળાને ઇશારો કરી કહ્યું, ‘ના ખોલે તો પથ્થર વડે તોડી નાખો બારણું...’ ને એક મોટા પથ્થર વડે એક જણ બારણું તોડવા જ જતો હતો, બારણું તૂટી પણ જાત પણ તે પહેલાં તો દીપકભાઈએ બારણું ફટાક દઈને ખોલી નાંખ્યું.

ચોર મચાયે શોર

પંદર જેટલા બુકાનીબાંઘ્યા ચોર.

ફટાફટ... ધડાધડ આખું ય... ટોળું ઘરમાં ધૂસી ગયું. દીપકભાઈને પકડીને ખુરશી પર બેસાડી દીધા. પછી દોરડા વડે કસીને બાંઘ્યા ઃ ‘બૈઠે રહો...’ મિ. દીપક કાશીપુરિયાએ તો કદી આવી દોરડે બાંધી પરિસ્થિતિનો અનુભવ કર્યો નહોતો. એ ય જોરાવર જણ હતા. ભલભલાને તડ ને ફડ કરી દેનારા માણસ હતા. કાંડા મજબૂત હતા ને છાતીના હાડકા બરડ નહોતાં. પણ કાગળ પર કવિતા લખવા જેવી આ સ્થિતિ નહોતી. કારણ ? એમની એક લાચારી હતી !

પુત્ર શકુંત.

એ બહાર પલંગ પર સૂતો હતો ને લાકડીઓ અને ધારદાર શસ્ત્રો એના શરીરને અડકીને ઉભા હતા. બડા ચોરનો એકાદ ઇશારો થાય કે એ શસ્ત્રો જુવાન શકુંતના દેહની આરપાર નીકળી જાય ! બૂમો પાડી શકાય એવું નહોતું. દોરડાના બંધન કરતાં ય માણસ માટે લાચારીનું બંધન સૌથી મોટું હોય છે.

લાચારી એક એવી બલા છે, જે માણસની હંિમતને તોડી નાખે છે. એનાં અરમાનોને તહસનહસ કરી નાખે છે.

રાતનો સન્નાટો છવાયેલો હતો.

નગર નામે નડિયાદનો આ કોલેજ રોડ પાસેનો વિસ્તાર. નવાં બંધાતાં મકાનો. આસપાસ બધા નોકરિયાતો. દ્રશ્ય જોઇને જ છળી જાય ને ફટાફટ બારીઓ બંધ કરી દે એવા માણસો. એમને ય લાચારી નામની ચુડેલ વળગી હતી... એમને ઘરબાર અને પત્ની પરિવાર હતો. લડવા જાય તો જંિદગીની શાંતિ લોહીલુહાણ થઇ જાય. પોચટ કાળજાં અને ગણતરીઓનાં આંક પલાખાં બોલનારાં માણસો ! ને આ ધાડપાડુઓ તો એક જ મિશન લઇને નીકળ્યા હતાં ઃ ‘જય શિકોતરી માવડી ! પડાવી લો, લૂંટી લો, ને સામો થાય તેનું ઢીમ ઢાળી દો !’’ મિ. દીપક કાશીપુરિયા આ વાત સમજે છે. બંધને બંધાયા છે છતાં ‘બ્રેઇન’ જેટગતિએ દોડી રહ્યું છે. બિચારા ! રાજકારણમાં જતાં જતાં રહી ગયા. એકાદ પછડાટ ખાધી ને આત્મા બોલી ઊઠ્યો ઃ ‘રાજકારણ તો કોલસાની વખાર છે. એમાં જઇને જે કોરા કપડે બહાર આવે એને સન્માનવા માટે તો નોબલ પ્રાઈઝનો ‘બાપ’ પણ ઓછો પડે !’ આજેય એવા જ વિચારો છે આ ધારદાર ‘બ્રેઇન’ ધરાવતા ‘મેલા લૂગડા’ જેવી આદતોવાળા વ્યક્તિત્ત્વને ‘વોશીંગ કંપની’ના હવાલે કરી દેનારા માણસ નામે દીપક કાશીપુરિયાના ! પણ ‘બ્રેઇન’ અહીં લાચાર બની ગયું, વિચારો લાચાર બની ગયા, શબ્દોએ ખૂણો પાળી દીધો ને ‘તડફડ’ કરી દેનારી જીભે વાણીના ઉપવાસ કરી નાખ્યા... સામે ટોળું છે. ટોળા પાસે શસ્ત્રો છે. તેજીલી તલવારો છે, ખૂનતરસ્યા ખંજરો છે, ભોંકાઈ જવા માટે થનગની રહેલા ભાલા છે. વાણીની કબજીયાત થઇ જાય એવો માહોલ છે.

અને છતાંય બોલવા જાય તો -

બુકાની બાંઘ્યા ધાડપાડુઓ પાસે લોહવીંટ્યા લઠ્ઠ છે. જે લઠ્ઠ છેવટે તો લઠ્ઠ જેવો હોય છે. લઠ્ઠને ભૂખ લાગે છે. લઠ્ઠને તરસ લાગે છે. ખોપડી પર જોશભર્યો એક જ લઠ્ઠ પડી જાય તો અંદરથી બ્રેઇન બહાર આવી જાય ને મોટા વાડકા જેવી ખોપડીનાં હાડકાં એક ઇધર ગિરા... એક ઉધર ગિરા ! અને જાતને જાળવવા કરતાં ય મોટી લાચારી બીજી છે ઃ બહાર પલંગ પર પડેલો પુત્ર શકુંત. શકુંતની છાતી પર ધારદાર શસ્ત્રો છે. શંકુતના માથા પર લઠ્ઠ તકાયેલા છે. શકુંતના પગ પર તલવારો અડીને ખડી છે. શકુંતની આસપાસ મોત નાચી રહ્યું છે. શકુંત યુવાન છે, છાતીકાઢો છે. તોય લાચાર છે કારણ કે મોત હથિયાર બનીને એની કાયા ફરતે માંડવો રચીને બેઠું છે. અને એક લીલી છમ્મ લાગણીવાળા બાપ માટે દીકરાની જંિદગીના જોખમ કરતાં મોટી લાચારી કઇ હોય ? મમ્મી ઉમાબહેન પણ લાચાર છે છાતીમાં એક વાત્સલ્યઝરતું દિલ છે. દિલમાં દીકરા પ્રત્યે લગાવ છે, તો દીકરા માટે દુઆઓ પણ છે.

ટેલીફોન?

છે, નજર સામે જ છે. પણ વચ્ચે ધાડપાડુઓ છે, એટલે ૂબિચારો ફોન ઘરવાળાંની આભાડછેડ પાળીને બેઠો છે! કશું બોલી શકાય તેમ નથી, કશો જ મેસેજ મોકલી શકાય તેમ નથી. કારણ કે આસપાસ ટોળુ છે. ટોળા પાસે શસ્ત્રો છે. ટોળાના મોઢામાં ભૂંડીભખ ગાળો છે. ટોળાનાં બાવડાં ફુલેલાં છે. ટોળાના મોઢે બુકાની છે અને ટોળા સામે એક બાપ લાચાર છે! એક મા બેબસ છે! ઉપરના માળે બાવીસેક વર્ષનો નાનો પુત્ર ઊર્જિત છે. ધાડપાડુઓએ લાત મારીને એને નીચે ગબડાવી દીધો. દીપકભાઇ ચીસ પાડી ઊઠ્યા ઃ ‘બેટા, એમની સાથે લડીશ નહિ, એ જે કરે તે કરવા દે!’

- ટોળું આખા ઘરને ખુંદી રહ્યું છે. બે-ત્રણ ધાડપાડુ ઉમાબહેનના કાને કાતર ફેરવવા લાગ્યા. કાનમાં કાપ છે, વાળીઓ છે. સોનું જ સોનું છે ને ચોરલોકોનો આશય એક જ છે ઃ ‘સોનું પારકું ન રહેવું જોઇએ, આપણું બનાવી દો સોનાને.’ ને એ માટે કાન પર કાતર ફેરવવા તત્પર બન્યા છે તેઓ.

દીપકભાઇએ આ દ્રશ્ય જોયું.

હમણાં કાતર ચાલશે.

હમણાં ઉમાના કાન કપાઇને ચોરના હાથમાં આવશે.

હમણાં ઉમાનો લમણો લોહીલુહાણ થઇ જશે. પુત્રીનો કાન પણ કપાઇ જશે. હમણાં એક બેબસ પરિસ્થિતિ ‘બુચાપણા’ના ખોળે જઇને બેસશે.

જોયું દીપકભાઇએ ને જોરથી બોલી ઊઠ્યા ઃ ‘જુઓ મિત્રો, તમારે જે લેવું હોય તે લઇ લો. જે લૂંટવું હોય તે લૂંટી લો. પણ પ્લીઝ, કોઇને ય હાથ અડકાડશો નહિ... નહિ તો-’

‘નહીં તો-’

‘અમે મરવા પણ તૈયાર થઇ જઇશું.’

ધાડપાડુઓને પણ નેતાલોકની જેમ ‘લીડર’ હોય છે. એમને પણ ‘હાઈકમાન્ડ’ હોય છે. એક ધાડપાડુ જે ઊંચોપૂરો અને તાકાતવાળો હતો તથા ખભે કાળીબલાખ જોટાળી બંદૂક ભરાવીને ઊભો હતો, એ વળી ‘સર્વોચ્ચ નેતા’ જેવો સમજદાર હતો. કદાચ એના માર્ગદર્શન હેઠળ જ ‘ઓપરેશન’ ચાલી રહ્યું હતું. એના દિમાગનો એક ઓર બલ્બ ઝળાંહળાં થઇ ગયો! પેલાઓને એક પહોળા પનાવાળી નેકેડ નેકેડ ગાળ દઇને એ બોલ્યો ઃ ‘કુછ ગરબડ મત કરો. વર્ના માર ખાઓગે!’

ને એ સાથે કાતર અદ્રશ્ય થઇ ગઇ.

છુટી ગયા ચાર ચાર કાન.

ને બચી ગઇ કાનની બુટો.

ઓર્ડર ઈઝ ઓર્ડર. એમાં ય આ તો ‘હાઈકમાન્ડ’ના ય બાપ જેવો ‘સરદાર’નો ઓર્ડર. નો ઓલ્ટરનેટીવ. અડઘું ગુજરાતી તો અડઘું હિન્દી. ભાષાની ભેળસેળ થઇ જતી હતી. એમાંય આ તો કદાચ ગુજરાતની બોર્ડર પરના ધાડપાડુ ઃ ભાષાની ભેળપુરી બનાવીને ખાઇ જાય એવા!

પેલો ચોકીદાર પણ ડરી ગયો હતો, તો પેલો કડિયાકામ કરતો કારીગર પણ શેહ ખાઇ ગયો હતો. શું કરે બાપડા? સામે હથિયારધારી ટોળું.. મારવા ને કાપવાની જ વાતો. જરાક બોલ્યા કે સામનો કર્યો તો ગયા કામ સે!

ઘરમાં બઘું જ વેરણ છેરણ.

કબાટો ઊંધાં પડી ગયાં હતાં. તિજોરી ઊંધી થઇને પડી હતી.

ફ્રીઝ, ડબ્બા, પલંગો, સોફા તોડીફોડી નાખવામાં આવ્યાં હતાં. ફ્રીજમાંની તપેલીનું દૂધ સીઘું ધાડપાડુના પેટમાં. દહીંની વાડકી ચોરની હોજરીમાં, કપડાં, વસ્તુઓના પોટલાં બંધાઈ ગયાં હતાં.

‘તિજોરી કી ચાવીઓ લાવ.’

દીપકભાઈએ આપી.

તિજોરી તળિયાઝાટક થઇ ગઈ.

એક ચોર દીપકભાઈના માથે વારંવાર દંડો ઉગાતો હતો. પણ મારતો નહોતો. માત્ર અભિનય ! વાતાવરણ ધુંટાઈ રહ્યું હતું. ઘરની ફર્શ પર પંદર-વીસ ધાડપાડુઓના પગલાં ખખડતાં હતાં. માથે મોત ભમતું હતું. તલવારોની ધાર બેશર્મ લાગતી હતી. ખંજરોએ લજ્જા છોડી દીધી હતી. આખાય ઘરમાં લૂંટાલૂંટ ચાલતી હતી. પેલો ‘સર્વોચ્ચ’ એવો લીડર ચોર આખા ઘરમાં ફરી ફરીને બંદૂકની નાળ પર હાથ ફેરવતા ફેરવતાં સૂચનાઓ આપતો હતો ઃ ‘યે કરો... યે ખોલો... વો ખોલો... ઉસકો તોડ ડાલો !’ દીપકભાઈ ફફડતા હતા. લીડર દીવાલો પર જોતો હતો. દીવાલો પર ટાંગેલી તસવીરો પર જોતો હતો. ઘર લૂંટાતું હતું... તોડફોડ ચાલતી હતી... ઘરેણાં ગાયબ થતાં જતાં હતાં. રૂપિયા રફુચક્કર થઇ જતા હતા ! ને ઘરનાં માણસો લાચાર આંખે ઘરને લૂંટાતું જોઈ રહ્યાં હતાં ! ચોર પણ જોઈ રહ્યો હતો ઃ દીવાલો પરની તસ્વીરો ! પણ શું થયું, કેમ થયું કે એકાએક પેલો ‘હાઈકમાન્ડ’ જેવો ચોર બોલી ઊઠ્યો ઃ ‘ચલો, અબ સબ બંધ કરદો. કાફી લે લિયા હૈ ! અબ જ્યાદા કુછ લેનેકા નહીં હૈ. અબ હમ ચલેં જાય !’

‘સરદાર, ઐસા ક્યું ? અભી તો હમ કાફી લૂંટ સકતે હૈ !’

‘યે બદમાશ !વકીલ હો ગયા હૈ ? સરદાર કે સામને દલીલેં કરતા હૈ ? પૂછતા હૈ ઐસા ક્યું ? સુન લે, દેખ યે તસવીર... યે માસ્ટરજી હૈ !’

‘માસ્ટરજી ?’

‘હા, ગુરુજી...’

‘ગુરુજી ?’

‘હાં બડે ટીચરજી કા ઘર હૈ યે તો. ચલો યહાં સંદેશ કો બચાનેવાલે એક ટીચર લોગ તો બચે હૈ. સાલે, પોલીટીક્સ વાલે તો ભૂખે ભેડિયે હો ગયે હૈ ! યાદ રખો, યે ટીચર હૈ, ઉસકી અદબ રખો. અબ જ્યાદા લૂટને કા નહીં હૈ, ચલો !’

- અને માત્ર અડતાલીસ સેકંડમાં તો ધાડપાડુઓનું આખુંય ટોળું હડુ...ડુ...ડુ... કરતું ચાલ્યું ગયું ! સોળસોળ વરસ પૂર્વે બનેલી આ હૃદયવિદારક સત્ય ઘટનાનાં દ્રશ્યો યાદ કરતાં ય ડૉ. દીપક કાશીપુરિયાને કમકમાં આવી જાય છે. હા, પણ સંતરામ મંદિર અને કીડની હોસ્પીટલ જેની ઓળખ બની ગઈ છે એવા નગર નામે નડિયાદમાં શબ્દ અને શિક્ષણમાં મોભાના સ્થાને બેઠેલા ડૉ. દીપક કાશીપુરિયાને એક વાતની સંતૃપ્તિ જરૂર છે ઃ ચોર લોકો ય ટીચરને આદરનો અધિકારી માને છે તે ! મોટાભાગના પોલીટીશ્યનોને ભૂખ્યા ભેડિયા માનતો પેલો ‘હાઈકમાન્ડ’ જાણે આજેય સામે ઊભો રહીને દીપકભાઈને કહી રહ્યો હોય એવું લાગે ઃ ‘ટીચરજી, સલામ !’

Top

Copyright   © Gujarat Samachar