home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

હોટલાઈન

હવે તો બ્રિટનના મહારાણીનેય મોંઘવારી નડે છે!

ગયા એપ્રિલ મહિનામાં બ્રિટનના રાણી એલિઝાબેથે તેમની ૮૪મી વર્ષગાંઠ ઉજવી ત્યારે દેશ-વિદેશમાંથી તેમને શુભેચ્છા પાઠવતાં હજારો સંદેશા, ઈ-મેઈલ મળ્યાં હતા. સ્વાભાવિક છે કે તમામ હિતચંિતકો, મિત્રો, સગાં-સંબંધીઓએ રાણીને પસંદ પડે તેવાં ગ્રિટંિગ્સ મોકલ્યા હશે. પરંતુ બ્રિટનના વિવિધ અખબારોમાં વાચકોના પત્રો રૂપે જે કેટલાંક સંદેશા પ્રગટ થયાં છે તેનો સૂર એવો છે કે રાણી તમે બીજા ઘણાં વર્ષો જીવો, જુગ...જુગ જીવો, પરંતુ મહેરબાની કરીને ખર્ચામાં કાપ મૂકો. થોડું સાદગીભર્યું જીવન અપનાવો. કેટલાક વાચકોએ તો એવી ટકોર કરી કે સત્તાની બાગડોર છોડી દો. હવે ઘરડે ઘડપણ તમે રાજગાદીને ચીપકી રહો એ સારું નથી લાગતું.

વઘુને વઘુ અંગ્રેજો એવું માનવા લાગ્યા છે કે સદીઓ જુની રાજાશાહી આજના લોકશાહી માહોલમાં બંધબેસતી નથી. બ્રિટનના શાહી પરિવારનો બોજ નાગરિકોને હવે ભારેખમ લાગે છે. આવા વિરોધના વંટોળ વચ્ચે પણ રાણીમાએ વિવાદનો નવો મધપૂડો છંછેડ્યો છે. આખા યુરોપમાં મંદી વ્યાપી ગઈ છે ત્યારે રાણીએ મોંઘવારી નડતી હોય તેમ પગાર વધારો માંગ્યો છે!

પોતાની સાર્વજનિક ભૂમિકાઓ અદા કરવા માટે છેલ્લાં ૨૦ વર્ષમાં પ્રથમવાર મલ્ટિ મિલિયન પાઉન્ડનો વધારો રાણી એલિઝાબેથે માંગ્યો છે. ગયા અઠવાડિયે બકંિગહામ પેલેસે, સિવિલ લિસ્ટમાં સાત આંકડાનો વાર્ષિક વધારાની માગણી કરી છે. આ વેતન રાજ્યના બંધારણીય વડા તરીકેની ફરજો અદા કરવા માટે સંસદ તરફથી રાણીને મળે છે. અર્થતંત્રની સ્થિતિના કારણે રાણીના સત્તાવાર બજેટમાં એક વર્ષમાં છ મિલિયન પાઉન્ડનો વઘુ ખર્ચ થવાનો અંદાજ છે.

બ્રિટનનાં મહારાણીને વાર્ષિક ૭.૯ મિલિયન પાઉન્ડ (અંદાજે ૫૩ કરોડ રૂપિયાનું વેતન મળે છે, પણ મોંઘવારીને કારણે ખર્ચમાં વધારો થયો હોવાથી મહારાણીને મળનારા વેતનમાં ૬૪ લાખ પાઉન્ડ (આશરે ૪૩ કરોડ રૂપિયા)ના વધારાની માગણી કરવામાં આવી છે. આ માગણી એ સમયે કરવામાં આવી છે જ્યારે દેશની નવી ગઠબંધન સરકારે બજેટ ખાધને ભરપાઇ કરવા માટે સાર્વજનિક ખર્ચમાં છ અબજ પાઉન્ડનો કાપ મૂકવાની જાહેરાત કરી છે. મહારાણીના વેતનમાં છેલ્લી વાર વધારો ૧૯૯૦માં થયો હતો. તે સમયે જ્હોન મેજર દેશના વડા પ્રધાન હતા.

જોકે ભૂતપૂર્વ વડાપ્રધાન ટોની બ્લેરે વર્ષ ૨૦૦૦માં રાજમહેલના ખર્ચને સ્થગિત કરી દીધા હતા. બકંિગહામ પેલેસના કર્મચારીઓના વેતન પેટે જ વાર્ષિક ૯૯ લાખ પાઉન્ડનો ખર્ચ થાય છે. તે ઉપરાંત એક્ઝિક્યૂટિવ અને એકાઉન્ટંિગના કામ પર ૧૫ લાખ, કેટરંિગ અને આતિથ્ય સત્કાર પાછળ ૧૧ લાખ, હાઉસકિપંિગ પર સાત લાખ, રાજકીય સમારંભો પાછળ ચાર લાખ અને અન્ય ખર્ચ પાછળ ત્રણ લાખ પાઉન્ડનો ખર્ચ થાય છે. મહારાણીએ વધતા ખર્ચાની ભરપાઇ કરવા માટે બકંિગહામ પેલેસમાં શાહી પરિવાર માટે રાખવામાં આવેલા ૩.૫ કરોડ પાઉન્ડના ખજાનામાંથી પણ ઉપાડ કર્યો છે.

જાણકારો એવું કહે છે કે રાણીમા તેમના રજવાડી ઠાઠમાઠમાં કાપ નહીં મૂકે તો તેમનો શાહી ખજાનો ૨૦૧૨માં ખાલી થઇ જશે.

બ્રિટનના સૌથી ધનાઢય મહિલા ગણાતાં રાણી એલિઝાબેથ કદાચ આખા વિશ્વની શ્રીમંત મહિલા હશે. રાણી તરીકેની તેમની પાંચ દાયકાની કારકિર્દી પણ વર્તમાન રાજા શાહીમાં સૌથી વઘુ ટકાઉ નીવડી છે. પરંતુ હવે આ રૉયલ ફેમિલીના વળતાં પાણી થયા છે. રાણીશાહીના દિવસો ભરાઈ ગયા છે. ઈંગ્લેન્ડની નવી પેઢી એવું માને છે કે પ્રજા પાસેથી વેરો ઉઘરાવીને ભરેલી તિજોરી પર રૉયલ ફેમિલી તાગડધિન્ના કરે એ કંઈ ચાલે નહીં. દેશના આર્થિક વિકાસમાં કોઈ જાતનો ફાળો આપતાં ન હોય એવાં શાહી કુટુંબના ભોગવિલાસ અને ઠાઠમાઠનો બોજો લોકશાહી દેશની પ્રજાએ શું કામ વેઠવો જોઈએ?

આવું મંતવ્ય ધરાવનારા બ્રિટિશરોની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે. નાગરિકોને એ વાતની પણ દાઝ છે કે બ્રિટન જ્યારે એકવીસમી સદીમાં આગેકૂચ કરી રહ્યું છે ત્યારે રૉયલ ફેમિલી હજુ પણ ૧૮મી અને ૧૯મી સદીના રીતરિવાજ અને જડસુ વિચારધારામાંથી બહાર આવ્યું નથી. પ્રજાનો આક્રોશ સૌથી વઘુ રાણી એલિઝાબેથ બીજા પર કેન્દ્રિત થયેલો છે. તેઓ એમ માને છે કે બધી વાતનું જડ હર મેજેસ્ટિ ક્વિન એલિઝાબેથ - સેકન્ડ છે.

એ વાત ખરી છે કે ખૂબ જ શિસ્ત પાળનારા રાણી ક્યારેક બહુ જક્કી વલણ દાખવે છે. મહારાણી એલિઝાબેથ વિદેશયાત્રાએ નીકળે ત્યારે સાથે તેમના આઉટઑફ ફેશન થઈ ગયેલાં વસ્ત્રો, મોટાં કદની હેન્ડબેગો, મૅલ્વર્ન વૉટરની શીશીઓ, હોમિયોપેથિક દવાઓ, નખશીખ ઈંગ્લીશ સ્ટાઈલના કહેવાય તેવા નાના કદના બ્રેડ, ચા અને સોસેજ (બ્રેકફાસ્ટ માટે) પોતાની સાથે લેતાં જાય છે. એટલું જ નહીં, આ સરસામાનની સાથે જ તેમના પડછાયાની જેમ સાથે રહેતાં કહ્યાગરા પતિદેવ પ્રિન્સ ફિલિપ, ડ્યુક ઑફ ઍડિનબરોને પણ સાથે તેડી જાય છે. થોડાં વરસ પૂર્વેની તેમની ભારતયાત્રા દરમિયાન અમૃતસરના સુવર્ણ મંદિરની મૂલાકાત લેતી વખતે રાણીએ બૂટતો કાઢી નાંખવા જ પડે, પરંતુ મોજાં પણ ન પહેરે તો સારું. એવી સલાહ તેમને તેમના જ એક સલાહકારે આપી હતી. છતાં રાણી શરૂઆતમાં એ વાતને વળગી રહ્યાં કે, સુવર્ણ મંદિરની મૂલાકાત ટાણે બૂટ કાઢી નાંખીશ, પણ મોજાં તો પગમાં રહેશે જ. છેવટે તેમણે પોતાનું ધાર્યું જ કર્યું. અને સફેદ મોજાં પહેરી મંદિરની અડધી પરિક્રમા કરી.

એક વાત કહેવી પડશે કે રાણીના હોદ્દા પર સાડા પાંચ દાયકા પૂરાં કરનાર ક્વિન એલિઝાબેથે પોતાની ફરજ અદા કરવામાં કદી પાછીપાની કરી નથી કે કંઈ કોઈ ખોટું પગલું ભર્યું નથી. જો કે સભાનપણે ફરજ બજાવવા જતાં રાણીબા સ્ત્રીસહજ લાગણીશીલતાનો ગુણ ગુમાવી બેઠાં લાગે છે. કે પછી પહેલેથી જ લાગણી જેવું કંઈ સમજતા જ નથી. ૬ ફેબુ્રઆરી, ૧૯૫૨ના રોજ તેમના પિતા રાજા જ્યોર્જ છઠ્ઠાનું અવસાન થયું ત્યારે એલિઝાબેથ કેન્યાના જંગલમાં એક ટ્રીટોપ લોજમાં હતાં. પિતાના અવસાનના સમાચાર મળતાં તેમને આઘાત તો લાગ્યો, આંખમાં આંસુ પણ આવ્યા, પરંતુ બીજી મિનિટે તેમણે જાત સંભાળી લીધી. કારણ કે પિતાના મૃત્યુ બાદ એ આપોઆપ બ્રિટનના રાણી બની ગયા હતા. ત્યાર પછીના વર્ષોમાં તો રાણી ૨૫ વર્ષની સુંદરીથી લઈને ૮૪ વર્ષના દાદીમા સુધીના વિવિધ તબક્કામાંથી પસાર થઈ ચૂક્યા છે. તેમના શાસનકાળ દરમ્યાન બ્રિટને ૧૨ વડાપ્રધાન બદલ્યાં છે. પણ હવે લોકો રાણી એલિઝાબેથના સારા પાસા, જેવાં કે કર્તવ્યનિષ્ઠા, શિસ્તપ્રિય, કરકસરનો ગુણ વગેરેને ઘ્યાનમાં લેતાં નથી. એક નિષ્ફળ માતા અને નિષ્ફળ સાસુ તરીકે રાણીમાને હવે બ્રિટિશરો વખોડે છે. તેમનાં કટ્ટર વિરોધીઓ તો એવી દલીલ પણ કરે છે કે સત્તા લાલસુ રાણી એલિઝાબેથ સમય વીતી ગયો છતાં રાણીપદ ખાલી કરી દીકરા ચાર્લ્સને સંિહાસન પર બેસાડતા નથી.

ડાયના પરણીને બકંિગહામ પેલેસમાં પ્રવેશી ત્યારે એમ લાગતું હતું કે આઘુનિક જીવનશૈલીમાં માનનારી અને પ્રગતિશીલ વિચાર સરણી ધરાવતી પ્રિન્સ ચાર્લ્સની પત્ની શાહી રીતરસમને નવો મોડ આપશે. રાજ-પરિવારની ઝાંખી પડી રહેલી આબરૂને નવી શાન-શૌકત આપશે. માતા-પિતાથી અળગા થઈ રહેલાં ચાર્લ્સને પાછો પરિવારજનો સાથે એકસૂત્રે સાંકળી લેવાનો પ્રયાસ પણ ડાયનાએ કરી જોયો હતો. ડાયનાએ તો મહેલથી પ્રજાજનોને આઘા, અળગા રાખતી વિદ્યુત તારની વાડ કાઢી નાંખવા જેવો ક્રાંતિકારી નિર્ણય પણ લીધો હતો. તેમ જ ઠાઠમાઠ અને વૈભવના દેખાડામાં પ્રજાથી વિમુખ થઈ જતી શાહી રીતરસમ કાઢી નાંખી બ્રિટનના રાજપરિવારને વઘુને વઘુ પ્રજાભિમુખ બનાવ્યો હતો. તેથી જ લેડી ડાયના બ્રિટિશ નાગરિકોમાં સૌની લાડીલી બની ગઈ હતી. છેલ્લે જ્યારે ડાયના અને રૉયલ ફેમિલી વચ્ચે તકરાર પડી ત્યારે ડાયનાએ ગૃહત્યાગ કર્યો. આ સમયે પણ પ્રજાની સહાનુભૂતિ ડાયનાની સાથે હતી. જ્યારે રાણી એકલા મહેલની ચાર દીવાલ વચ્ચે વસવસો કરતા રહ્યા. હવે ડાયના તો આ દુનિયામાં રહી નથી અને ચાર્લ્સને જાણે રાજપાટમાં રસ નથી.

હવે બ્રિટિશ શાહી પરિવાર જ્યારે નવા ત્રિભેટે આવીને ઊભો છે ત્યારે પ્રજામાં ફરીવાર એવી માંગ ઊઠી છે કે રાણી જૂના રીતરિવાજોને ફગાવી દઈ ડાયનાની માફક મોકળા મને લોકોમાં હળેભળે. પ્રજા કલ્યાણના કામોમાં વઘુ રસ લે. અને ખોટા વૈભવી ખર્ચા બંધ કરે. અત્યારે રાણી મોટા ભાગનો સમય બાલ્મોરલ પેલેસમાં વિતાવે છે અને તેમના દીકરાઓ યુરોપના એક યા બીજા સ્કી સ્લૉપ્સ પર વેકેશન ગાળતા હોય છે.

રાણીના છ મહેલની જાળવણી પાછળ થતો ગંજાવર ખર્ચ પણ પ્રજાજનોને ભારે પડી રહ્યો છે. ટૉરી પક્ષના અમુક નેતાઓએ એવી માગણી કરી છે કે શાહી પરિવાર છમાંથી બે મહેલ સરકારને સુપરત કરી દે. જેથી તેનો સરકારી કામકાજ માટે ઉપયોગ થાય. રાણીબા એમ જલ્દી ઝુકી જાય તેવા નથી. છતાં છેલ્લાં એક દાયકામાં તેમનું વલણ સહેજ કુણું પડ્યું છે. આવકવેરો ભરવા માટે તૈયાર થયેલાં રાણી એલિઝાબેથે જાહેર જનતા માટે બકંિગહામ પેલેસ પણ ખુલ્લો મુક્યો છે. મહેલોના સમારકામ માટેના જંગી ખર્ચને પહોંચી વળવા સરકારને માથે બોજો નાખવા કરતાં મહેલ માટેની એન્ટ્રી ફી ઉઘરાવવી વઘુ સારી એવો નિર્ણય રાણીએ ઘણી સમજાવટ પછી લીધો છે. અરે, એ બઘું તો ઠીક, ખુદ મહારાણી એલિઝાબેથ બ્રિટનના રાજપરિવાર પર ફિલ્મ બનાવવા માટે પણ અનુમતિ આપી છે.

રાણી એલિઝાબેથ અંગત રીતે એવું માને છે કે ૧૯૯૨માં વિન્ડસર મહેલમાં આગ લાગી ત્યારથી રૉયલ ફેમિલી પર પનોતી બેઠી છે. આ અરસામાં જ રાણીના ત્રણ સંતાનોએ (ચાર્લ્સ, એન્ડ્રુ અને દીકરી એન) છુટાછેડા લેવાની નોબત આવી હતી. શાહી પરિવારની સેવા કરતાં ૮૯૧ રૉયલ કર્મચારીઓ પણ એ સાલથી અસંતોષની લાગણી વ્યક્ત કરી રહ્યાં છે. અખબારો આ સંદર્ભમાં રાણીના વલણની ટીકા કરતાં લખે છે કે જાહેરમાં ગોરા અને કાળા લોકોના સમાન હક્કોની વાતો કરતાં રૉયલ ફેમિલીએ તેના સ્ટાફમાં માત્ર નવ હબસીને નોકરી આપી છે. બાકી તમામ સ્ટાફ ગોરા પ્રોટેસ્ટન્ટ ખ્રિસ્તીઓ છે.

બ્રિટીશ નાગરિકોને સૌથી વઘુ રોષ છે, રૉયલ ફેમિલીના બેફામ ખર્ચા અને સરકારની તિજોરી પર વૈભવી ઠાઠમાઠના જંગી બોજા અંગેનો. શાહી પરિવાર પાંચ મહાલયોની જાળવણીનો ખર્ચો જ વર્ષે ૧૬૦ કરોડ રૂપિયા થાય છે! રાણીના રસાલા તથા નોકર ચાકરોના પગારનો બોજો પણ સરકારી તિજોરીમાંથી ચૂકવાય છે. રાણીના પરચુરણ ખર્ચ, તથા તેમના માટે વસાવવામાં આવેલાં ત્રણ જેટ વિમાનો, પાંચ મર્સિડીઝ કાર વગેરે ખર્ચને બાદ કરો તો પણ બ્રિટીશ સરકારના વિવિધ ખાતાં રૉયલ ફેમિલી પાછળ વર્ષે સવા દસ કરોડ ડોલર (આશરે સાડા ત્રણ અબજ રૂપિયા) ખર્ચે છે. જેનો બોજો તો છેવટે બ્રિટનના છ કરોડ નાગરિકોએ ભોગવવો પડે છે.

બ્રિટન ઉપરાંત યુરોપના બીજા જે છ દેશોમાં મોનાર્કી (રાજાશાહી) શાસન પઘ્ધતિ અસ્તિત્વ ધરાવે છે તે નેધરલેન્ડ, બેલ્જિયમ, સ્પેન, સ્વીડન, નોર્વે અને ડેન્માર્કના શાહી પરિવાર કરતાંય રાણી એલિઝાબેથ સૌથી મોંઘેરા મહારાણી નીવડ્યાં છે. અરે, અમેરિકાના પ્રમુખ કરતાંય બ્રિટનના બંધારણીય વડા રાણી એલિઝાબેથના ઠાઠમાઠ અને નિભાવવાનો ખર્ચ બમણો સાબિત થયો છે.

લોકોની ફરિયાદ છે કે પોતાના મોજશોખ અને એશો આરામમાં રચ્યાપચ્ચા રહેતા શાહી પરિવારને દેશમાં શું થઈ રહ્યું છે તેની પરવા જ નથી. હવે બ્રિટનની પ્રજાના નાકે દમ આવી ગયો છે. તેઓ ઈચ્છે છે કે રાણી સત્તા છોડે અને ચાર્લ્સ કે તેનો પુત્ર ગાદી સંભાળે તથા આર્થિક, સામાજિક અને રાજકીય રીતે કથળી ગયેલાં બ્રિટનમાં ચેતનાનો નવો પ્રાણ ફૂંકે.

Top

Copyright   © Gujarat Samachar