home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

હોરાઈઝન

વિશ્વની અત્યાર સુધીની સૌથી મોટી ઔદ્યોગિક હોનારતનો આઘાતજનક ચુકાદો
દેર ભી, અંધેર ભી

થોડા અરસા અગાઉ આર કે લક્ષ્મણનું એક કાર્ટુન આવ્યું હતું જેમાં સખ્ત સજાની અપેક્ષા સેવતો ગુનેગાર કોર્ટમાં પ્રસન્નતા સાથે બહાર નીકળી રહ્યો હતો. તેના મોં નજીક વાક્ય મુકાયેલું હતું કે ‘હાશ...છૂટ્યો, જજ સાહેબે કડકાઇ બતાવતા મને કહી દીઘું છે કે તમારા કેસમાં કોઈની શેહ ચલાવી નહીં લેવાય. કાયદો કાયદાનું કામ કરીને જ રહેશે.’

ગુનેગારને ખરેખર તો ખાતરી થઇ ગઇ હતી કે ભારતમાં કાયદો કાયદાનું કામ કરશે એટલે દાયકાઓ નીકળી જશે.

આ કાર્ટુનમાં પેલા ગુનેગારની જગાએ આપણે ભોપાલમાં જે કંપનીના ગેસની હોનારત સર્જાઈ હતી તે યુનિયન કાર્બોઇડના ચેરમને વોરેન એન્ડરસન તથા તે વખતના જવાબદાર અધિકારીઓને મુકી શકીએ તેમ છીએ.

૨-૩ ડિસેમ્બર, ૧૯૮૪ના રોજ ભોપાલમાં યુનિયન કાર્બાઇડની મેથાઇલ આઈસોસાઇનેટ સંગ્રહેલી ટાંકી ફાટતા તત્કાળ ૪૦૦૦ અને તે પછીના દિવસોમાં બીજા ૧૬૦૦૦ના મૃત્યુ થયા હતા. ૭ લાખથી વઘુને ચામડીના રોગો, અંધત્વ તેમજ અન્ય બિમારીની અસર જોવા મળી હતી. ઘણી અસરગ્રસ્ત મહિલાઓના બાળકો પણ ખોડખાંપણકે બિમારી ધરાવતા જન્મ્યા હતા.

યુનિયન કાર્બાઇડ અમેરિકાની કંપની છે. જાપાન પર અમેરિકાએ ૧૯૪૫માં પરમાણુ બોંબ ઝીંક્યા હતા. તે વખત જેવા દ્રશ્યો ભોપાલમાં આ અમેરિકી કંપનીએ સર્જ્યા હતા.

આ કેસનો ચુકાદો છેક ૨૬ વર્ષ બાદ આવ્યો અને સજા શું જાહેર થઇ તે તો તમે જાણતા જ હશો. યુનિયન કાર્બાઇડના તે અરસાના નોન એક્સીક્યુટિવ ચેરમેન કેશુબ મહિન્દ્રા સહિત આઠ અધિકારીઓને કામ પરની બેદરકારી બદલ વઘુમાં વઘુ બે વર્ષની સજા જાહેર થઇ છે અને તેમાં પણ તેઓ જામીન મેળવવાને હકદાર હોઈ સજા પછી તરત જ તેઓએ અરજી કરી અને જામીન મળી પણ ગયા ! હદ તો એ વાતની છે કે કંપનીની મુખ્ય જવાબદારી જેમને શિરે હતી તેવા ચેરમેન વોરેન એન્ડરસન છેક ૧૯૯૪ સીબીઆઈ અને કોર્ટની નજરે ભાગેડુ જાહેર થયા હતા. તો પણ પછીના ૧૬ વર્ષમાં ન તો ભારતે તેમને ન્યાયતંત્રના કઠહરામાં લાવવા માટે દિલથી પ્રયત્ન કર્યા છે કે ન અમેરિકાની સરકારે. એન્ડરસન હાલ ૯૦ વર્ષના છે જ્યારે કેશુબ ૮૫ અને અન્ય જામીન મેળવી ચુકેલા ૭૫ વર્ષની વય વટાવી ચૂક્યા છે.

સામાન્ય રીતે ભારતના પ્રસારણ માઘ્યમો ન્યાયતંત્રની અર્થપૂર્ણ અને માનવીય અભિગમ સાથેની ટીપ્પણી કરે તો પણ ન્યાયતંત્ર જાણે ‘હોલી કાઉ’ હોય તેમ ખેલદીલીથી તેને સ્વીકારી નથી શક્તું. પણ, ભોપાલ ગેસ હોનારતનો ચુકાદો આપતા ૨૬ વર્ષ લીધા અને તે પછી પણ આવી બે વર્ષની જામીનપાત્ર સજા જાહેર થતા વિશ્વ સમક્ષ આપણા ન્યાયતંત્ર, સીબીઆઈ અને સરકારની ફજેતી થઇ ચુકી છે. પ્રસારણ માઘ્યમોએ લગભગ પહેલી વખત ભારે રોષ સાથે ખુલ્લેઆમ આપણી સીસ્ટમને નિર્વસ્ત્ર કરી બતાવી છે.

એક જાણીતા અંગ્રેજી અખબારે પ્રથમ પાને મુખ્ય હેડ લાઈન બનાવી હતી કે ‘ઇઝ જસ્ટીસ બ્લાઈન્ડ ?’ શું ન્યાય આંધળો છે ? હેડંિગ નીચે ગેસ હોનારત પછી અંધ બની ચુકેલા અને હાલ એન્ડરસન જેટલી ઉંમરના થઇ ગયેલ ૯૦ વર્ષના માજીની તસવીર સુચક રીતે મુકાઈ છે. બીજી એક હેડલાઈનમાં કહેવતનો કટાક્ષમય ઉપયોગ કરીને લખાયું છે કે ‘જસ્ટીસ ડીલેયડ... એન્ડ ડીનાઇડ’ એક બીઝનેસ દૈનિકે પણ જોરદાર લપડાક લગાવતા ન્યાયતંત્રના લીરા ઉડાવ્યા છે. તેઓનું હેડંિગ છે ‘આફટર ૨૫ યર્સ, અનધર ટ્રેજડી સ્ટ્રાઇક્સ ભોપાલ’ (૨૫ વર્ષ પછી ભોપાલ પર વઘુ એક કરૂણ દુર્ઘટના ત્રાટકી)

કેન્દ્રના કાયદા મંત્રી વીરપ્પન મોઇલીનું માથું પણ આવા ભારતની ઠેકડી ઉડાવતા ચુકાદાથી ઝુકી ગયું છે. શાસક પક્ષના કાયદા મંત્રી જ ન્યાયતંત્રની ટીકા કરતું નિવેદન કરે તેવું ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું. તેમણે કોમેન્ટ કરી કે ‘આ એક એવો કેસ છે જેમાં ન્યાય પ્રક્રિયામાં વિલંબ તો થયો જ છે પણ ખરા અર્થમાં ન્યાય થયો પણ નથી. મને કહેવામાં વાંધો નથી કે ન્યાય પ્રક્રિયાનું દફન થયું છે.’

દુર્ઘટનાના પીડિતોએ ભારે આઘાત અનુભવતા કહ્યું છે કે ‘મુળ દુર્ઘટના કરતા કોર્ટનો ચુકાદો અમને વઘુ પીડાદાયક લાગે છે.’ જો કે ચુનદા પછી ઘા ઉપર મીઠુ ભભરાવતુ નિવેદન અમેરિકાના દક્ષિણ એશિયાના ઓફિશ્યલ રોબર્ટ બ્લેકે કર્યું છે. તેમણે વિશ્વ મીડિયાને સંબોધતા કહ્યું કે ‘આ ચુકાદા બાદ મૃતકોના કુટુંબોને એક પ્રકરણનો અંત આવ્યો છે તેવી લાગણી થઇ હશે. નીતિ વિષયક નિર્ણયોને પગલે અમે કસુરવાર (એન્ડરસન)ના પ્રત્યાર્પણ અંગે ક્યારેય ચર્ચા નથી કરી.’

અમેરિકાની લુચ્ચાઇભરી બેવડી રીતરસમ જુઓ. તાજેતરમાં અમેરિકાના ગલ્ફ ઓફ મેકસિકોના દરિયામાં બ્રિટનની ઓઇલ કંપનીનું લાખો ગેલન ઓઇલ ઢોળાઈ ગયું છે. જેને કારણે મોટે પાયે દરિયાઈ વનસ્પતિ અને સૃષ્ટિને તો અસર થઇ જ છે પણ તટિય વિસ્તારમાં રહેનારાઓને પણ સ્થળાંતર કરવા સહિત આર્થિક નુકશાન વેઠવું પડ્યું છે. અમેરિકાના પ્રમુખ ઓબામાએ બ્રિટનને તતડાવી નાંખતા કહ્યું છે કે ઓઇલ કંપનીની બેજવાબદારી તેમજ બ્રિટિશ સરકાર જોડેની શરતોને આધીન અમે નુકસાનની પાઈ-પાઈની વસુલાત કરીશું. ભોપાલ દુર્ઘટના બની તે પછી વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધી, સ્વ. નરસંિહ રાવ, વાજપાઈ કે ડો. મનમોહનસંિહે (સોનિયા) કેમ ઓબામા જેવી ખુમારી કાર્બાઇડના ચેરમેન એન્ડરસનના પ્રત્યાર્પણ કે અમેરિકાની આ અબજો ડોલરની કંપની પાસેથી જંગી વળતર મેળવવા માટે ન બતાવી ? અમેરિકાના ઓબામા સહિતના પ્રમુખો તેમના દેશના હિતોને જરા સરખી ઉની આંચ આવે તો યુઘ્ધ છેડીને અમાનવીય જોહુક્મી બતાવવાની એક તક પણ છોડતા નથી. યુનો અને હ્યુમન રાઈટ્‌સની સંસ્થાઓને તેમના ખિસ્સામાં લઇને ફરે છે. ભોપાલ પર કેમિકલ કે ગેસ વોર છેડાઇ હોય તેવા અમેરિકન કંપનીએ હાલ કર્યા હતા. છતા અમેરિકાની સરકાર અને કોર્પોરેટ જગતે અતિ પિશાચી વિકૃતિ અખત્યાર કરી છે. વિશ્વની અત્યાર સુધીની સૌથી કરૂણ ઔદ્યોગિક ઘટના તરીકે ભોપાલ સ્થાન પામે છે. કંપનીના ચેરમેન એન્ડરસન ૧૯૮૪માં ઘટના પછી ભારતની કોર્ટમાં હાજર થયા હતા. તેઓ પરત આવશે તેવી ખાતરી આપતા જામીન પર છોડાયા હતા. બસ તે પછી તેઓ ભારત આવ્યા જ નથી કે નથી અમેરિકાની સરકારે તેમને આ માટે ફરજ પાડી.

૧૯૮૪માં આ ગમખ્વાર ઘટનાની સંવેદના પ્રબળ હતી ત્યારે એનજીઓના દબાણ હેઠળ ભારત સરકારે યુનિયન કાર્બાઇડ કંપની પાસેથી ૩.૫ અબજ ડોલરના વળતરની માંગણી કરી હતી. આ કંપની મોટા ગજાની હોઈ આટલી રકમ તેઓને માટે જે હદે જાનહાનિ અને તે પછીની દુર્દશા થઇ તે જોતા વેઇટરને અપાતી ટીપ્સ સમાન હતી. પણ અમેરિકાની સરકાર કે કંપનીએ જાણે કંઇ જ ના બન્યું હોય તેમ હાથ અઘ્ધર કરી દીધા હતાં તે પછીના દોઢ દાયકામાં ઉપકાર કરતા હોય તેમ કંપનીએ હપ્તે હપ્તે મળીને કુલ ૪૭ કરોડ ડોલર આપવાનું ૧૯૮૯માં નક્કી કર્યું જેનો ભારત સરકારે સહર્ષ સ્વીકાર કર્યો ૩૫૦ કરોડ ડોલરની જગાએ આઠમા ભાગ જેટલી આર કમ હતી. ૨૦થી ૨૫ હજાર મૃતકોના કુટુંબ દીઠ રૂ. ૭૫૦૦૦ અને બાકીની રકમ અસરગ્રસ્તોને આ વળતર હેઠળ મળવી જોઇએ. આજે વિમાન દુર્ઘટનાના મૃતકના કુટુંબને પણ સહેજે રૂ. બે-ત્રણ લાખ સરકાર આપે છે અહીં તો મોટા ગજાની કંપની અને અમેરિકા જેવા સમૃઘ્ધ દેશે ભારતને રોટલીનો ટુકડો હાથમાં પકડાવી દીધો હતો.

પણ નફ્‌ફટાઈમાં અમેરિકા ભારતને પણ ના પહોંચી શકે. કંપનીએ જે પણ વળતર આપ્યું તે મૃતકોના કુટુંબી કે અસરગ્રસ્તો સુધી પહોંચ્યું જ નહીં. ૪૭ કરડો ડોલર એટલે કે રૂ. ૧૬૦૦ થી ૧૮૦૦ કરડો ચાઉં થઇ ગયા.

એન્ડરસન ૧૯૯૪માં જ ભાગેડુ જાહેર થયા હતા.તે પછી કેન્દ્ર સરકારે ન્યાયતંત્રની ઔપચારિકતા નિભાવવા એન્ડરસનને ભારતમાં લઇ આવવાની જવાબદારી સીબીઆઈને સોંપી. ૧૯૯૫ સુધી સીબીઆઈએ કહ્યું કે એન્ડરસનને લાવવા માટેનો કેસ ઠોસ બનાવવા માટેના દસ્તાવેજો, પેપર વર્ક તેઓ તૈયાર કરી રહ્યા છે. ફરી ૧૯૯૮માં સીબીઆઈ પર કામચલાઉ અને નાટકિયુ દબાણ આવતા તેઓએ દેશની પ્રજા અને વિશેષ કરીને ભોપાલના પીડિતોને ઉલ્લુ બનાવતા એમ જણાવ્યું કે ‘બસ, બધી જ તૈયારી લગભગ થઇ ચૂકી છે. એન્ડરસનને ભારતમાં હાજર થવું જ પડશે.’ બસ એ પછી કાર્બાઇડ અને એન્ડરસન પ્રકરણ પર જાણે પડદો પડી ગયો. આપણા મીડિયા અને વિરોધ પક્ષોની હંમેશા ખાસિયત રહી છે કે કોઈ ઘટના બને ત્યારે બીજી નવી ઘટના ના બને ત્યાં સુધી જ દેશવ્યાપી ગોકિરો મચાવતા રહેવો. છેલ્લા ૨૬ વર્ષમાં મીડિયા અને વિરોધ પક્ષોએ ક્યારેય ભોપાલ માટે હોબાળો મચાવ્યો નથી. ભોપાલ કાંડને સ્પર્શતા ભીતરી કૌભાંડને ૨૬ વર્ષો દરમ્યાન સ્પર્શ જ નથી કરાયો.

દર વર્ષે ૨-૩ ડિસેમ્બર આવે એટલે આંખોના ડોળા દેખાતા હોય તેવા બાળકના મૃતદેહની એકની એક તસવીર સાથે સરકારી ધોરણે તે દિવસ પુરતું મીડિયા કવરેજ આવે. હવે જ્યારે ૨૬ વર્ષે ભોપાલ કાંડનો ભારે વિવાદાસ્પદ ચુકાદો આવ્યો ત્યારે તો છેક ભારતની પ્રજાને ખબર પડી છે કે યુનિયન કાર્બાઇડ કંપનીના ચેરમેન ૧૯૯૪ પછી તેમની જવાબદારી અંગે વાતચીત કરવા કે કોર્ટની નજરે ભાગેડુ જાહેર થવા છતા ભારતમાં આવ્યા જ નથી. જો મીડિયા અને નેતાઓએ ૨૬ વર્ષ સુધી ચુકાદાની રાહ જોયા વગર વચ્ચેના વર્ષો દરમ્યાન આ મુદ્દો ઉઠાવ્યો હોત તો અમેરિકા પર ચોક્કસ દબાણ સર્જાયું હોત.

ભોપાલના પીડિતોને એવી પણ શંકા છે કે કેન્દ્રના મંત્રીઓ, શાસક પક્ષ, અધિકારીઓ, વિરોધ પક્ષના નેતાો, સંબંધીઓને કાર્બાઇડ કંપની તેમજ અમેરિકન એજન્સીઓ તરફથી કરોડો રૂપિયાની ખેરાત કરાઈ છે. ખરેખર તો આ બોફોર્સ કરતા પણ મોટું કૌભાંડ હોઈ શકે.

ભાગેડુ એન્ડરસનને ભારત લાવવા માટેની જવાબદારી જેમના નેજા હેઠળ સીબીઆઈને સોંપાઈ હતી તે ભૂતપૂર્વ ડાયરેકટર બીઆર લાલે ચુકાદા પછી એવો ચોંકાવનારો ધડાકો કર્યો છે કે ‘અમારા પર સ્વ. નરસંિહરાવની સરકાર વખતે વિદેશ મંત્રાલય તરફથી એવું દબાણ હતું કે એન્ડરસનને ભારત લાવવાની પ્રક્રિયાને બહુ મહત્ત્વ ન આપવું.’

તેમણે એમ પણ કહ્યું હતું કે અમે કંપની અને તેના ચેરમેન વિરૂઘ્ધ જોરદાર દસ્તાવેજો તૈયાર કર્યા હતા જેના આધારે કસુરવારોને ૧૦ વર્ષની સજા અને જંગી વળતર આપવાની ફરજ પડી શકે તેમ હતી. તેઓ પર આ માટે આઈપીસીની ૩૦૪મી કલમ લગાડી શકાત. પણ આ આખા કેસને આગળ જતા ‘૩૦૪-એ’ની કલમમાં એટલે કે સજાનું ધોરણ બેદરકારીની જગાએ ઘટનાને ‘અકસ્માત’ની કેટેગરીમાં મુકીને ફેરવી દેવાયો હતો.

એન્ડરસનની ભોપાલની ઘટના માટે ૭ ડિસેમ્બર, ૧૯૮૪થી રોજ ધરપકડ થઇ હતી. તેમની માત્ર ત્રણ કલાક જ અટકાયત કરવામાં આવી હતી. મઘ્યપ્રદેશના તત્કાલિન મુખ્યમંત્રી અર્જુનસંિઘે પોલીસ વિભાગના આઘાત વચ્ચે એન્ડરસનને છોડી મુકવાનો હુક્મ કર્યો હતો એટલું જ નહીં રાજ્ય સરકારના હેલિકોપ્ટર વડે તેમને એરપોર્ટ પર છોડવામાં આવ્યા હતા. તે પછી એન્ડરસન અમેરિકા ગયા તે ગયા.

રહી વાત ન્યાયતંત્રની ઢીલની તો તેમાં કંઇ નવું નથી. ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણોનો શરમજનક કેસ હોય કે અયોઘ્યાનો કેસ, દાયકાથી અઢી દાયકા સુધી ઝોલા ખાતા કેસો લોકશાહી ન્યાયી પ્રણાલી જ નહીં પ્રજાની ક્રુર મઝાક ઉડાવતા હજુ ચાલી રહ્યા છે.

કેન્દ્રના કાયદા પ્રધાન મોઇલી ભલે આપણને આશ્વાસન આપતા એવું કહેતા હોય કે એન્ડરસન સામેનો કેસ હજુ બંધ નથી થયો. પણ, ઓબામા પ્રસાશને ચુકાદો આવ્યાપછી તેને આવકારતા સ્પષ્ટ જણાવી દીઘું છે કે હવે આ પ્રકરણનો તમામ સ્તરે અંત આવી ગયો છે. અમે આશા રાખીએ કે કોઈ નવી તપાસ (ઇન્કવાયરી) કે કાનુની પ્રક્રિયા હવે નહીં ઉદ્‌ભવે.

અમેરિકાની કોર્ટમાં ભારતના કોઈ કર્મચારીની નજીવી બેદરકારીને પણ તત્કાળ વસુલવામાં આવે છે. ભારતમાં ફેકટરીમાં જો કોઈ કારીગર યાંત્રિક ઇજા થાય તો પણ ઇન્સ્પેકટરો દોડતા આવી જઇને માલિકોને ભારે વળતર માટે ફરજ પાડતા હોય છે. અમેરિકા બ્રિટનની ઓઇલ કંપની પાસેથી દરિયાની વનસ્પતિને થયેલું નુકશાન પણ ખંખેરશે... આપણે ૨૫૦૦૦ મૃત્યુ... સાત લાખ અસરગ્રસ્તો... છતા... ?

Top

Copyright   © Gujarat Samachar