home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

ફિટનેસ

રક્તદાન મહાદાન

તા.૧૪મી જૂનનો દિવસ વિશ્વ આરોગ્ય સંસ્થા અને ઈન્ટરનેશનલ ફેડરેશન રેડ ક્રોસ સોસાયટીએ ‘‘રક્તદાન દિન’’ (બ્લડ ડોનેશન ડે) તરીકે ગણ્યો છે. આ સંદર્ભમાં આખા જગતમાં નાનામોટા દરેક શહેરોમાં આ દિવસે ‘‘રક્તદાન’’ (બ્લડ ડોનેશન)ના કાર્યક્રમનું વિશિષ્ટ રીતે આયોજન થાય છે. સરકારી-અર્ધસરકારી- કોર્પોરેશન લેવલે તેમજ સ્વેચ્છિક સંસ્થાઓ આ કાર્યક્રમમાં જગતના પ્રત્યેક તંદુરસ્ત સ્ત્રીપુરૂષોને ‘રક્તદાન’ આપવા માટે તૈયાર કરે છે. વાંચકોને નમ્ર વિનંતી કે આ સેવાના કાર્યમાં પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે જોશભેરથી સહકાર આપે અને આ સ્તુત્ય કાર્યમાં સહભાગી બની વધારેમાં વધારે રક્તદાતાઓને રક્તદાનનો મહીમા સમજાવી સેવાના યજ્ઞમાં ભાગ લે. અફસોસની વાત એ છે કે એકવીસમી સદીમાં પણ રક્તદાન એ મહાદાન ગણાય તે વિષે સમાજના મોટાભાગના લોકોને કશી જ ખબર નથી. આજે આ લેખ દ્વારા રક્તદાન એ જ મહાદાન છે તે વિષે વાત કરીશું.

લોહી એટલે શું ?

માનવ શરીરનો ખૂબ જ અગત્યનો ભાગ એટલે લોહી. પુખ્તવયની વ્યક્તિના શરીરમાં ચારથી પાંચ લીટર જેટલું લોહી હોય. આ લોહી રોજેરોજ સતત નવું બનતું રહે છે. દર ત્રીજે અઠવાડીયે તમારું લોહી તદ્દન બદલાઈ જાય છે. તમે જન્મ્યા ત્યાર પછી આજે તમારી ઉંમર ૨૫ વર્ષની હોય તો લોહી ૪૦૦ થી ૫૦૦ વખત બદલાઈ ગયું હોય. લોહીની ઉત્પત્તિ શરીરના મોટા હાડકાની મજ્જા (બોનમેરો)માં થાય છે. રક્તકણ (રેડ સેલ્સ), શ્વેતકણ (વ્હાઈટસેલ્સ) અને સૂક્ષ્મકણ (પ્લેટલેરસ)ના બનેલા લોહીમાં પ્રવાહી ભાગ પ્લાઝમા છે, જેમાં અગણિત પ્રમાણમાં કેમિકલ અને બાયોલોજીકલ પદાર્થો છે, જેની તપાસથી તમારા આરોગ્યની ઘણી માહિતી મેળવી શકો છો. આ લોહી વગર તમે જીવી નહીં શકો. આમ છતાં પરમેશ્વરે તમોને આપેલી આ અણમોલ ભેટમાંથી થોડુંક જ એટલે ૩૦૦ મીલીલી. એટલે કે તમારા શરીરના લોહીના કુલ જથ્થાના પંદરમાં ભાગનું લોહી તમે જેને ખૂબ જરૂર છે તેવા એનીમીઆવાળા, જન્મજાત રોગો (હિમોફીલીઆ અને થેલીસીમીઆ) વાળા, અકસ્માતમાં લોહી ગુમાવી બેઠેલાને, જેને કોઈ ઓપરેશન કરવાનું છે તેને, પ્રસૂતિ વખતે જેણે ખૂબ લોહી ગુમાવ્યું છે તેવી સ્ત્રીઓને આપશો તો તેમને નવું જીવન મળશે. તમને અમુલ્ય રક્તદાન કરવાનો અવસર મળશે અને ખૂબ મોટું પુણ્ય મળશે. પરમેશ્વરે મનુષ્યને આપેલી આ અણમોલ ભેટ વિજ્ઞાનની આટલી અદ્‌ભુત પ્રગતિ થઈ છે અને હજુ થયા કરશે પણ આ લોહીને બદલે વિકલ્પે આપી શકાય એવી કોઈ વસ્તુ હજુ જગતમાં બની નથી અને બનશે કે નહીં એ ખબર નથી. ફક્ત માનવ શરીરમાં આ લોહી ઉત્પન્ન થાય છે, જે થોડુંક જ આપવાથી કોઈનો જાન બચી શકે છે.

રક્તદાનનો મહિમા શો ?

પહેલાં જણાવ્યું તેમ જેટલી વધારે સંખ્યામાં જગતની દરેક યોગ્ય વ્યક્તિ રક્તદાન કરે તો હજારો બલ્કે લાખો લોકોને જીવતદાન મળે. અને જીવ બચાવવો એ કેટલું મોટું કામ છે. રક્તદાનનો મહિમા આ છે. તમે કિડનીનું દાન આપો તો એક વ્યક્તિ જીવતી રહે. આંખોનું દાન આપો તો બે વ્યક્તિને જોવાની શક્તિ મળે. જ્યારે તમારા શરીરમાં સતત બનતું લોહી તમે તમારા જીવનના અંદાજે ૪૦ વર્ષ સુધી નિયમિત આપો તો તમે ૧૬૦ વ્યક્તિઓને જીવનદાન આપી શકો. માટે જ રક્તદાનને મહાદાન કહે છે. લોહી આપનારાને રક્તદાતા કહે છે.

લોહી લેવાની અને આપવાની વ્યવસ્થા કોણ કરે છે ?

સામાન્ય રીતે દુનિયાના લગભગ દરેક દેશોમાં જેની શાખાઓ છે તે ‘‘ઈન્ટરનેશનલ રેડક્રોસ સંસ્થા’’ દ્વારા લોહી લેવાની વ્યવસ્થા કરવામાં આવે છે. ભારતમાં ‘ઈન્ડીઅન રેડક્રોસ સોસાયટી’ કાર્યરત છે. જેની દરેક રાજ્યમાં શાખાઓ છે. ગુજરાત રેડક્રોસ સોસાયટી તરીકે આ સંસ્થા આખા ગુજરાતમાં બ્લડ ડોનેશન વિષેની માહિતી આપવાનું અને બ્લડ ડોનેશન કેમ્પ (રક્તદાન શિબિર)નું આયોજન કરે છે. કોઈપણ સોસાયટી કે સ્વૈચ્છિક સંસ્થા પ્રચાર કરીને ડોનર્સ (રક્તદાતા)ને એકઠા કરવાનું કામ કરે છે અને અગાઉથી નિર્ધારિત સમયે રેડક્રોસ સોસાયટીની ટીમ જેમાં ડૉક્ટર્સ, ટેકનીશ્યન, હેલ્પર વગેરે હોય તેઓ સ્થળ પર આવે છે. દરેક ડોનરને એક ફોર્મ ભરવાનું હોય છે, જેમાં સાચી વિગતો ભરવાની હોય છે. ટેકનીશ્યન ત્યાર પછી ડોનરનું હિમોગ્લોબીન કેટલું છે, બ્લડ ગુ્રપ ક્યું છે એ નક્કી કરે છે. હેલ્પર ડોનરને ખાટલા ઉપર સુવાડે છે. બીજા ટેકનીશ્યન કનેકશન કરેલ પ્લાસ્ટીકની બોટલમાં દર્દીના હાથની નસમાં સોય નાખીને લોહી બોટલમાં એકઠું કરે છે. આ ભેગું થએલું લોહી રેડક્રોસ સંસ્થા સરકારી અને બીજી હોસ્પિટલોમાં જ્યાં જરૂર હોય ત્યાં મોકલી આપે છે. લોહી આપવા લેવાની વ્યવસ્થામાં પૈસાની લેણદેણ નથી.

લોહી કોણ આપી શકે ? કોણ ના આપી શકે ?

૧. તમને એઈડઝનું દર્દ, કમળો અને ગુપ્તરોગ (સિફીલીસ) થયો હોય તો લોહી આપી ના શકો.

૨. તમારું હિમોગ્લોબીન ૧૨ ગ્રામ (૮૫ ટકા)થી ઓછું હોય તો લોહી આપવું ના જોઈએ.

૩. તમારી ઉંમર ૬૦ વર્ષની હોય અને/અથવા ડાયાબીટીસ, બી.પી. જેવા રોગ હોય તો લોહી આપવું ના જોઈએ.

૪. ટી.બી., સંગ્રહણી, માનસિક રોગોમાં લોહી ના આપી શકાય.

૫. ઓછામાં ઓછા ત્રણ માસ પછી જ ફરી લોહી આપવું જોઈએ.

૬. તમારી ઉંમર ૧૮ થી ૬૦ સુધીની હોય, તમે તંદુરસ્ત હો, તાજેતરમાં કોઈ બીમારીમાંથી સાજા થયા ના હો તો લોહી આપી શકો.

૭. લોહી આપનારા ‘વોલંટરી બ્લડ ડોનર’ કહેવાય, જે પોતાની સ્વેચ્છાએ લોહી આપે છે, અને લોહી આપવાના બદલામાં કોઈ પણ પૈસા લેવાની અપેક્ષા હોય નહીં.

૮. ગર્ભવતી સ્ત્રીઓ અને માસિક ધર્મમાં ખૂબ લોહી જતું હોય તેવી સ્ત્રીઓએ લોહી આપવું જોઈએ નહીં.

રક્તદાન માટેના થોડા સવાલો અને જવાબો

સ. મારે લોહી શા માટે આપવું જોઈએ ?

જ. લોહી આપવાથી કોઈકનું જીવન બચાવવાની અદ્‌ભુત લાગણી તમને થાય. તમે લોહી આપો તો તમને આનો ખ્યાલ આવે. લોહી આપવાથી તમે એક તંદુરસ્ત અને સુખી સમાજના નિર્માણમાં જાણે અજાણે મદદ કરો છો. તમારું લોહી લેનાર તમારા અંગત સગા હોય કે ના હોય. વારેવારે (વર્ષમાં ચાર વાર) લોહી આપવાથી તમારા શરીરમાં બી.પી. અને હાર્ટ એટેક આવવાના ચાન્સ ઘટી જશે અને કદાચ તમારા શરીરમાં ખોરાક કે દવા મારફતે જો વધારે ‘આયર્ન’ (લોહ) હશે તો તે નીકળી જશે. તમારા શરીરમાં નવું લોહી બનવાની પ્રવૃત્તિ પણ વધારે જોરથી થશે.

સ. લોહી આપવાથી કોઈ નુકશાન થાય ખરૂં ?

જ. જેણે અનેકવાર લોહી આપ્યું હોય તેવા રક્તદાતાને પૂછશો તો તમને કહેશે કે ‘ના, કોઈપણ નુકશાન થાય નહીં. હા - પહેલી વખત લોહી આપો ત્યારે કેટલાક ડોનરને પોતાનું લોહી જોઈને ‘સહેજસાજ ચક્કર’ જેવું લાગે. બસ બીજું કાંઈ નહી.’

સ. લોહી વારેવારે આપવાથી લોહી ઓછું થઈ જાય અને રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય તો રોગ થાય. આ વાત સાચી ?

જ. ના. તમારા શરીરમાં અગાઉ જણાવ્યા પ્રમાણે ૫૦૦૦ મીલીલી. લોહી હોય એનો ૧૫મો ભાગ તમે આપો તો રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય નહીં. રોગ થવાનો તો સવાલ જ નથી.

સ. લોહી આપ્યા પછી નબળાઈ આવે ?

જ. ના. કારણ બે દિવસમાં તો તમારૂં લોહી નવું બની જાય.

સ. રક્તદાન દિન (બ્લડ ડોનેશન ડે) ૧૪મી જૂન શા માટે ?

જ. નોબલ પ્રાઈઝ વિજેતા ડૉ. કાર્લ લેન્ડસ્ટીનરે ‘એબીઓ’ ગુ્રપ સિસ્ટમની શોધ કરેલી. ૨૦૦૪ના વર્ષથી ડૉ. કાર્લના જન્મદિવસ ૧૪મી જૂનને રક્તદાન દિવસ (બ્લડ ડોનેશન ડે) તરીકે ગણવાનું ૧. ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ રેડ ક્રોસ એન્ડ રેડ ક્રેસન્ટ સોસાયટી ૨. ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ બ્લડ ડોનર ઓર્ગેનાઈઝેશન અને ૩. ઈન્ટરનેશનલ સોસાયટી ઓફ બ્લડ ટ્રાન્સ્ફયુઝન અને ૪. વિશ્વ આરોગ્ય સંસ્થા એમ ચાર સંસ્થાઓએ નક્કી કરેલું છે.

સ. ભારતના દરેક તંદુરસ્ત નાગરિકે નિયમિત રક્તદાન શા માટે કરવું જોઈએ ?

જ. લોહીની ડીમાન્ડ અને સપ્લાય. (માગ અને પુરવઠો)ની વચ્ચે અત્યારે મોટી અસમાનતા છે. ભારતમાં ૮૦ લાખ લોહીની બોટલની જરૂર છે જેની સામે ૫૫ લાખ જેટલી જ બોટલ ડોનેશનમાં મળે છે. ડોનર ઓછા છે અને લોહીની સમયસર વહેંચણી થવામાં વહીવટી અને બીજા અનેક પ્રોબ્લેમ નડે છે. આમ જુઓ તો એક લોહીમાંથી લાલકણ-સફેદકણ અને બીજા કોમ્પોનન્ટસ એમ ત્રણ ભાગથી ત્રણ જણાની જીંદગી બચાવી શકાય પણ ભારતમાં લોહીને છૂટું પાડવાના (સેપરેટર) મશીન પૂરતી સંખ્યામાં નથી માટે આટલી અસમાનતા છે.

ફરી યાદ કરાવું. તા. ૧૪ જૂને દરેક શહેરમાં બ્લડ ડોનેશન ડેના ઉપલક્ષમાં બ્લડ ડોનેશનનો કાર્યક્રમ શરૂ થઈ ગયો હશે. આ લેખ વાંચીને તમે નિયમિત બ્લડ આપતા હો તો હમણાં જ, તંદુરસ્ત હો અને પહેલી જ વાર લોહી આપવાની ઈચ્છા હોય તો વિના સંકોચે માનવજાતની સેવાના આ ઉમદા કાર્યમાં ભાગ લો. રેડક્રોસ મારફતે એકઠું કરેલું બઘું લોહી કેન્સર હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ અને બીજી હોસ્પિટલના જરૂરતમંદ દર્દીઓને માટે ઉપયોગમાં આવશે અને કોઈની જીંદગી બચાવવાનો અદ્‌ભુત આનંદ તમને મળશે.

Copyright   © Gujarat Samachar