home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

ફિલ્લમ ફિલ્લમ

સુપરસ્ટાર્સ ઃ તંગીથી અછત સુધી!

પ્રથમ ફિલ્મની સરિયામ નિષ્ષફતા પછી ગુમનામીમાં ખોવાઈ જવાના બદલે તદ્દન ટૂંકા ગાળામાં જ સ્ટારડમ અને સુપરસ્ટારડમના તબક્કા પસાર કરીને ટોચ સુધી પહોંચવાની સાથે કલાકાર તરીકે પણ સતત બહેતર પર્ફોર્મન્સ આપતા રહેલા રણબીર કપૂરની ગતિ અને પ્રગતિ અત્યારની ઝડપે ટકી રહેશે તો ટોચ પર તેના સિવાય કોઈ ટકી નહીં શકે.

હજી હમણાં સુધી નવોદીત સ્ટાર ગણાતો રણબીર કપૂર થોડા સમય પછી સૌથી વઘુ કમાણી કરતો બોલીવુડનો સુપરસ્ટાર બની શકે તેવી શક્યતાઓ ઓછી નથી. ‘રાજનીતિ’ને મળેલી પ્રારંભિક સફળતાનો સૌથી વઘુ ફાયદો પણ રણબીરને જ મળશે.

રણબીર કપૂરની ઉંમર કરતા લાંબી કરિયર ધરાવતા નાના પાટેકર ઉપરાંત મનોજ વાજપેયી અને અજય દેવગન જેવા પ્રતિભાશાળી કલાકારોની હાજરીમાં પણ રણબીરની પ્રતિભા ઢંકાઈ ગઈ નથી. અત્યારનો સિનારીયો જોતાં દોઢ-બે વરસમાં રણબીર કપૂરની કરિયર અન્ય કલાકારોને લધુતાગ્રંથીનો અનુભવ કરાવે તેવી ગતિ પકડી ચૂકી હશે.

હાલ ટોચ પર ગણાતા કલાકારોમાંથી અમિતાભ હવે સિત્તેરની નજીક પહોંચ્યો છે. શાહરૂખ પચાસનો થવાની તૈયારીમાં છે. આમીરખાન પણ રોંગ સાઈડ ઓફ ફોર્ટીઝ છે. સલમાન ખાન પણ તેમના જમાનાની જોક્સથી પરિચીત છે. અક્કીનો દસકો પૂરો થવામાં છે અને સૈફ અલીખાન પોતાનો ચાર્મ ગુમાવી ચૂક્યો છે.

શાહરૂખને પજવી રહેલો પીઠનો દુખાવો અટકવાનું નામ લેતો નથી. કલાકાર હોવા ઉપરાંત પ્રોડ્યુસર અને આઈપીએલનો પ્રમોટર હોવાના કારણે સતત ભાગદોડમાં રહેતો શાહરૂખ બોલીવુડમાંથી આંશિક નિવૃત્તિ લેશે તો નવાઈ નહીં લાગે.

આમીરખાન તો ‘સરફરોશ’ પછી ફિલ્મોની સંખ્યામાં ઘટાડો કરી જ ચૂક્યો છે. તેને સ્ક્રીપ્ટ સંભળાવવા માટે પણ ફિલ્મ પૂરી થઈ શકે તેટલો સમય રાહ જોવી પડે છે. સલમાનખાન નવી સુપરહીટ ન આપે તો માત્ર મલ્ટી સ્ટારર ફિલ્મો જ મેળવી શકશે. અક્ષયકુમાર હવે અગાઉની માફક ક્યારેય નંબરવન ખિલાડી જાહેર થઈ શકશે નહીં.

રીતિક રોશન રેસમાં ટકશે ખરો પરંતુ તેના પપ્પા દોડી શકશે એટલું જ આગળ વધી શકશે. અભિષેક બચ્ચનનું એથી ઉલટું છે. તેના પપ્પા જ એટલું દોડે છે કે આ ભાઈ ગમે તેટલું દોડે તો પણ પાછળ જ પડી જાય છે.

આ સંજોગોમાં રણબીર કપૂર માટે નંબરવન બનવાનું અઘરું નથી. તેના માટે મોકળું મેદાન છે. તેની હારોહારના ગણાતા ઇમરાન ખાનો કે ઈમરાન હાશ્મીઓ કે રીતેશ દેશમુખો સ્ટાર તરીકે ટકી રહેશે, સુપરસ્ટાર ક્યારેય નહીં બની શકે.

રણબીર કપૂરને ટક્કર આપી શકે તેવા સ્ટાર તરીકે શાહીદનું નામ લઈ શકાય. તેનામાં ટેલેન્ટ છે અને ઉંમર પણ તેના પક્ષમાં છે. આ ક્ષેત્ર સાથે સંકળાયેલા સ્ટ્રેસ અને અન્ય દબાણોની અસર તે ખાળી શકે છે. અત્યારના સૌથી સજ્જ ગણાતા નિર્દેશકો સાથે તેને સારું ફાવે છે.

આ દરેક હકીકતોથી બોલીવુડમાં સૌ કોઈ વાકેફ છે. સૌ જાણે છે કે વેચાઈ શકે તેવા નામોની તંગી તો હતી જ, થોડા સમયમાં અછત શરૂ થવાની છે. સમયનું ચક્ર વઘુ એક વખત શાહરૂખની એન્ટ્રી પહેલાના સમયગાળામાં પહોંચી ચૂક્યું છે.

તે સમયે આમીર, સલમાનનો ઉદય થઈ ચૂક્યો હતો, પરંતુ અમિતાભની કરિયર અસ્તાચળે હોવાનો ગણગણાટ હતો. જેકી શ્રોફ, અનિલ કપૂર, સંજય દત્ત, મિથુન જેવા કલાકારો છૂટક-છૂટક સફળતા મેળવતા રહેતા હતા. પરંતુ, અમિતાભનું સ્થાન મેળવી શકે તેમ ન્હોતા. શાહરૂખના આગમન પછી પણ અમિતાભે છોડેલું સ્થાન - વન મેન ઇન્ડસ્ટ્રીનો ખિતાબ હજી કોઈ મેળવી શક્યું નથી. પણ લોકોએ શાહરૂખને કીંગ ખાન તરીકે સ્વીકારી લીધો હતો. આજે ફરી એક વખત ઈતિહાસનું પુનરાવર્તન થવાની ઘડીઓ ગણાઈ રહી છે. રણબીર કપૂર કોઈ મોટી ડીલ કરશે તે સાથે જ કીંગખાન પછીના વીર રાજા તરીકે રણબીરનો રાજ્યાભિષેક કરવા માટે સૌ આતુર છે.

Top

Copyright   © Gujarat Samachar