home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

જાણ્યું છતાં અજાણ્યું

આજનો મહારોગ છે નિરંકુશ આવેગ !

ગૃહસ્થાશ્રમના મઘુર કાવ્ય સમાન રામાયણનાં બે દ્રશ્યો સ્મરણપટ પર તરવરે છે ! એક છે રામ વનવાસમાં ગયા પછી ભરત પાછો આવે છે અને અયોઘ્યામાં પગ મૂક્તાં ભરતને બઘું જ સૂમસામ દેખાય છે. માતા કૈકેયીને પૂછે છે, તો જાણે છે કે એના પિતા રાજા દશરથ મૃત્યુ પામ્યા છે અને એ જ કૈકેયી એને કહે છે કે રામ પિતાની આજ્ઞાથી વનમાં ગયા, સીતા અને લક્ષ્મણ એમની સાથે ગયા છે. વિશેષમાં કૈકેયી ગર્વભેર કહે છે કે એને માટે અયોઘ્યાનું રાજપાટ અને રામને ચૌદ વર્ષનો વનવાસ રાજા પાસેથી માગી લીધા છે, માટે હવે તું અયોઘ્યાનો રાજા છે.

આ સાંભળતાં જ ભરત ગુસ્સે થઇને કહે છે કે, ‘પિતા પરલોક ગયા અને રામ વનમાં ગયા, પછી હવે અહીં જીવીને મારે શું કામ છે ? તું દૂર હટ. તું મારી મા નથી. શું કરું, રામ તને માતા કહે છે, નહીં તો હમણાં જ હું તને બોલતી બંધ કરી દઉં.’

અને ભરત પાગલ થયો હોય તેમ જોરથી ચીસો પાડે છે. અહીં ભરતનો આવેશ દ્રષ્ટિગોચર થાય છે.

આવી જ રીતે બીજું દ્રશ્ય છે રામને વનમાં મળવા માટે ભરત આવે છે, ત્યારે લક્ષ્મણ દૂરથી ઘૂળ ઊડતી જોઇને વિચારે છે કે કોઈ સેના આવી રહી છે અને પછી રથ પર ફરકતો અયોઘ્યાનો ઘ્વજ જોઇને વિચારે છે કે ભરત સેના લઇને વનવાસ વેઠતા રામને હેરાન કરવા માટે આવ્યો લાગે છે. તેથી તે રામ પાસે દોડી જઇને કહે છે,

‘આજે કાં ભરત નહીં,કાં હું નહીં’ અને ત્યારે રામ એને શાંત પાડતાં કહે છે, ‘જરી ઠંડો પડ, શાંત થા. તું ભરતને ઓળખવામાં ભૂલ કરે છે.’

માનવીય આવેગના આ બે પ્રસંગોમાં લાગણીની સાથે આવેશ ભળેલો છે અને રામાયણની તમામ ઘટનાઓમાં રામ સદૈવ સ્વસ્થ લાગે છે. કદાચ ૠષિ વાલ્મીકિએ જોયું હશે કે ભારતવર્ષની પ્રજા અત્યંત લાગણીશીલ છે. એને લાગણીના પૂરમાં ઘસડાઈ જવાને બદલે લાગણીના આવેગોને સ્વસ્થતાથી પાર પાડવાનો ઉપદેશ રામકથા મારફતે આપ્યો છે.

વ્યક્તિનું જીવન વિચાર, લાગણી અને આવેગ એ ત્રણથી ચાલતું હોય છે. એમાં પણ એના મનમાં કોઈ આવેગ આવે અને પછી એ આવેગ એના આખાય ચિત્તને ઘેરી લે, ત્યારે એની સ્થિતિ ઘણી કફોડી બને છે. એકવાર મનમાં એ આવેગનો ધમધમાટ જાગે પછી ઉલ્કાપાત જ. એ જે વ્યક્તિ પર ગુસ્સે થયો એટલે એ આખી દુનિયા ભૂલીને આવેગભર્યા ગુસ્સા સાથે એ વ્યક્તિ પર તૂટી પડશે. આવેગના આ સમયે એને એના પરિણામનો ખ્યાલ હોતો નથી. કોઈ ફાઈવસ્ટાર હોટલમાં જઇને વ્યક્તિ એક પછી એક વાનગીનો ઓર્ડર આપે, ત્યારે એને વાનગી આરોગવામાં ભારે મજા આવે છે અને એ વાનગીથી એ હૃષ્ટપુષ્ટ થતો જાય છે, મોજમાં ઝૂમવા લાગે છે. એવું જ આવેગોનું છે. આવેગ આવે એટલે માણસ એમાં ડૂબી જાય છે. કામ કે વિકારનો આવેગ હોય, તો એની મોજમસ્તીમાં પરોવાઈ જાય છે. ઇર્ષાનો આવેગ હોય તો એ સામી વ્યક્તિ પર વઘુ ને વઘુ દોષારોપણ કરવાની મજા માણતો રહે છે.

આમ, આવેગ વ્યક્તિને બહેકાવે છે. ફાઈવસ્ટાર હોટલમાં વાનગી ખાવાની મજા પડે, પરંતુ જ્યારે બીલ આવે ત્યારે ખબર પડે, એ જ રીતે આવેગનો અનુભવ વ્યક્તિને ચિત્તરંજક, મનોરંજક કે દેહરંજક લાગતો હોય છે, પરંતુ એનું પરિણામ આવે ત્યારે એને એનાથી થયેલા અનિષ્ટનો ખ્યાલ આવે છે. પછી એનું વળતર ગુસ્સાના આવેગને ચૂકવવાનું હોતું નથી, પરંતુ તમારે પોતે ચૂકવવાનું હોય છે.

જીવનમાં અનિયંત્રિત આવેગોને કારણે ઘણીવાર વ્યક્તિને એની મોટી કંિમત ચૂકવવી પડે છે. કોઈ આવેગને વશ થઇને કશુંક એવું બોલી નાખે છે કે જેને કારણે એમનો મઘુર સંબંધ ઝેર જેવો બની જાય છે. કોઈ આવા આવેગને વશ થઇને પોતાની નોકરી ગુમાવે છે, તો કોઈ પોતાનું સ્વાસ્થ્ય ગુમાવે છે. આમ જુદા જુદા આવેગો જુદું જુદું પરિણામ લાવતા હોય છે, પરંતુ આ બધામાં એક વાત એટલી નક્કી હોય છે કે આવા આવેગને કારણે વ્યક્તિનું ભવિષ્ય અંધકારમય બને છે. આથી જીવનમાં આવતા વાસના કે વૃત્તિના આવેગના પોષણને બદલે એને શિસ્તબઘ્ધ બનાવવાની જરૂર છે અને એ આવેગ પર આત્મસંયમની લગામ મૂકવાથી એ આવેગોમાંથી તમે બહાર આવી શકશો. ‘જેવું વાવો, તેવું લણો’ તે વાત તમારા આવેગભર્યા કે આવેશભર્યા વર્તનને માટે સાચી છે.

ઘણી વ્યક્તિઓ તો માત્ર તીવ્ર આવેગ પર જીવતી હોય છે. એમને વાસનાનો આવેગ આવે, તો એ બધી વિવેકદ્રષ્ટિ બાજુએ મૂકીને એને માટે તડફડાટ કરતી હોય છે અને એ જ આવેગ એ વ્યક્તિને બળાત્કાર સુધી દોરી જાય છે. એવી જ રીતે જો ક્રોધનો આવેગ જાગે, તો વ્યક્તિ સતત ક્રોધાયમાન રહે છે અને એનો મનમાં ઘૂંધવાતો ક્રોધ જ્યારે વાણી કે વર્તનરૂપે આવેગસહિત બહાર નીકળે છે, ત્યારે એ ઘણી મોટી હાનિ પહોંચાડે છે. આ સમયે વ્યક્તિ એની આસપાસનું જગત ભૂલી જાય છે.સ્નેહ, પ્રેમ, મૈત્રી જેવા ભાવો એને દેખાતા નથી અને માત્ર એ આવેગથી પોતાનો ક્રોધ પ્રગટ કરતો રહે છે.

મહાવીર સ્વામીને દંશ આપનારા ચંડકૌશિક નામના સર્પના દંશમાં તો વિષ હતું, પરંતુ એની આંખમાં પણ વિષ હતું. આથી જેના પર એની દ્રષ્ટિ પડતી, તે વિષથી મૃત્યુ પામતા. આકાશમાં ઊડતાં પક્ષીઓ પર એની નજર પડે અને એ નજરના દંશથી- દ્રષ્ટિવિષથી પક્ષીઓ મરી જતા. આ પ્રતીકનો અર્થ જ એ છે કે ક્રોધ એ વ્યક્તિની વાણીમાં જ નહીં, બલ્કે એના સમગ્ર વ્યક્તિત્વમાં ઓગળી ગયો હોય છે. આવી જ રીતે માણસના જીવનમાં આવતા આવેગો એ એના જીવનના ઘણા અવરોધોનું કારણ બનતા હોય છે.

આજના સમયમાં કુટુંબો વઘુ ને વઘુ નાનાં થવાં લાગ્યા છે. એક સમયે સંયુક્ત કુટુંબમાં યુવાનને પોતાનો આવેગ પ્રગટ કરવા માટે ઘણાં આધારસ્થાનો હતાં. એ મોટાભાઈને વાત કરી શક્તો, પિતાને વાત કરી શક્તો, એથી આગળ વધી દાદાને વાત કરી શક્તો, આજે આવા આવેગોનું ઉત્સર્જન કરવાની અનુકૂળતા કુટુંબમાં રહી નથી અને તેને પરિણામે પતિનો આવેગ પત્નીના દુઃખનું કારણ બને છે અને એથીય વિશેષ તો એ આવેગનું પરિણામ દિવસો સુધી એ દંપતીને અનુભવવું પડે છે.

આવેગ એક ઝંઝાવાત જેવો છે, જે ઘરના સંબંધોમાં વાવેલાં પ્રેમનાં વૃક્ષોને મૂળિયાં સહિત ઉખેડી નાખે છે. એ વ્યક્તિને વર્તમાનમાં તો હાનિ કરે છે, પરંતુ એના ભવિષ્યને પણ અંધકારમય બનાવે છે, આથી જ ૠષિ વાલ્મીકિએ રામના જેવું વ્યક્તિત્વ આ પ્રજાને આપ્યું, જે જીવનની કોઈપણ ક્ષણે કે પળે આવેગથી દોરવાતું નથી અને સતત સ્વસ્થતા ધારણ કરીને જીવનની ઘટનાઓને સ્વીકારે છે.

Copyright   © Gujarat Samachar