કેમ છે, દોસ્ત ? દુનિયા દોરંગી નથી, સહસ્રરંગી છે ત્યારે સંપર્ક અને નિષ્કામ બન્ને ભાઈઓ ગામડાની શાળામાં ભણતા હતા. માનચંદ શેઠનો ગામમાં ભારે વટ. ચાર માળની વિશાળ હવેલી, ખેતર-પાદર-નોકર-ચાકર-વાડી-વજીફો, ઉપરવાળાએ મહેરબાન થઈને છુટ્ટા હાથે બઘું આપીને માનચંદ શેઠને ન્યાલ કરી દીધા હતા. ગામના મુખી-તલાટી, તાલુકાના પોલિસ અધિકારી વગેરે સહુ માનચંદ શેઠનો પડતો બોલ ઝિલે. સંપર્ક નિષ્કામ કરતાં બે વર્ષે મોટો. નિષ્કામને જન્મ આપી તેની માતા અકાળે અવસાન પામી, એટલે જાણે-અજાણે માનચંદ શેઠને નિષ્કામ અળખામણો લાગતો. સહુના આગ્રહને વશ થઈ શેઠ બીજી ‘શેઠાણી’ લઈ આવ્યા. નામ હતું રમ્યા. નમણી નાગરવેલ-શી રમ્યાદેવી શેઠની સાથે માતાના સ્થાનકે દર્શન કરવા નીકળે ત્યારે ભરી બજારની આંખ રમ્યા દેવીના રૂપ પર ખોડાઈ જાય! માનચંદ શેઠે કહ્યું - ‘‘જો રમ્યા, મારા આ બે દીકરા પૈકી સંપર્ક મારી આંખનું રતન છે. એને કોઈ વાતનું ઓછું ન આવવા દઈશ. અને બીજો દીકરો નિષ્કામ થોડોક મંદબુદ્ધિનો છે. એટલે એની પાછળની તારી મહેનત ઉગી નહીં નીકળે.’’ સંપર્ક રૂડો, રૂપાળો, દેખાવે ફાંકડો અને નિષ્કામ સહેજ પાકા રંગનો. એટલે સંપર્ક પર અપર માતા રમ્યાને આમેય વહાલ. શેઠને રમ્યા ગર્વભેર કહેતા ઃ ‘‘બે વર્ષ પછી જોજોને, લોકોને એ વાતનો ખ્યાલ પણ નહીં આવે કે સંપર્ક મારા પેટનો જણ્યો નથી! એનાં રૂપ-રંગ-મિજાજ બઘું જ મારા જેવું છે!’’ બિચારા નિષ્કામે વગરવાંકે ઉપેક્ષાનો શિકાર બનવું પડ્યું હતું... પોતાની સ્વર્ગસ્થ માતાની ખોટ એના મનમાં સાલ્યા કરતી હતી. લોકો શેઠની પહેલી પત્ની યજ્ઞાનાં વખાણ કરતાં થાકતાં નહોતી. યજ્ઞાદેવી તો જગદંબાનો અવતાર! રાતી સાડી પહેરીને નવરાત્રમાં ગરબે ધૂમવા નીકળે ત્યારે મા અંબા ગબ્બર ગોખેથી ઉતરીને રમવા પધાર્યા છે એવું લાગે. યજ્ઞાદેવી દયાનો અવતાર. શેઠને ‘હરામ’નું લીધા વગર ચૅન ન પડે અને એનાથી ઉલટું યજ્ઞાદેવીને હરામની કમાણી આંખમાં કણાની જેમ ખટકે. શેઠને ખબર ન પડે એમ દાન-દક્ષિણા દ્વારા શેઠના પાપનું પોટલું છૂપી રીતે હળવું કરવાની કોશિશ તેઓ કરતાં. પુત્ર સંપર્કનો જન્મોત્સવ તો ભારે ઠાઠથી ઉજવાયો. પણ નિષ્કામનો જન્મ યજ્ઞાદેવી માટે કાળની કાળોત્રી લઈને આવ્યો. પ્રસૂતિ માટે એમને તાલુકાની ઇસ્પિતાલે ખસેડાય એ પહેલાં જ પ્રાતઃકાળે એમના પ્રાણપંખેરુએ માનચંદ શેઠનો માળો ત્યજી અનંત યાત્રાની વાટ પકડી - પુત્રને જન્મ આપીને. હેલ્થ સેન્ટરની લેડી ડૉક્ટરે શેઠાણીને બચાવવાની ભારે કોશિશ કરી. પુત્રનો જન્મ તો હેમખેમ થઈ ગયો પણ યજ્ઞાદેવીએ સદા માટે આંખ મીંચી દીધી... ત્યારથી શેઠના મનમાં એક ગ્રંથી બંધાઈ ગઈ કે આ બીજો દીકરો પોતાની વહાલસોયી પત્નીના મોતનું નિમિત્ત બન્યો. શેઠને ‘નકામો’ અને ‘નિષ્કામ’ વચ્ચેનો ભેદ ખબર નહોતો એટલે ગોર મહારાજને કહી દીઘું કે ‘ન’ ને ‘ય’ અક્ષર પર નામ આવતું હોય તો આ નકામા છોકરાનું નામ પાડી દ્યો ‘નિષ્કામ’. સંપર્ક ત્રીજા ધોરણમાં આવ્યો ત્યારે નિષ્કામને પહેલા ધોરણમાં દાખલ કરવામાં આવ્યો. શેઠે શિક્ષકોને કહી દીધેલું કે તમે સંપર્કને તૈયાર કરવામાં કચાશ ન રાખશો... અને કામકાજ હોય તો મધરાતે મારું બારણું ખડખડાવજો. બાકી નિષ્કામ તો નશીબનો બળીઓ છે! જાતે જ તૈયાર થશે. તમારે એની ઝાઝી ચંિતા કરવાની જરૂર નથી! હેડમાસ્ટર ગણપતરાયને આખું ગામ ‘રાષ્ટ્રભક્ત’ ‘સર’ કહેતું. અત્યંત પરગજુ, સેવાભાવી, સ્વાવલંબી અને રાષ્ટ્રપ્રેમને વરેલો સજ્જન શિક્ષક. કોઈ પણ વિદ્યાર્થીને નાનો પણ ન ગણે અને કોઈપણ વિદ્યાર્થીને મોટો પણ ન ગણે. એમને મન સંપર્ક અને નિષ્કામ બન્ને એક સમાન. સંપર્ક પહેલેથી યુક્તિબાજ, એટલે ગમે તેમ કરી વઘુ માર્કસ લાવે અને નિષ્કામ પોતાના પપ્પા અને સાવકી માતા તરફથી થતા અન્યાયને કારણે થોડોક મૂઢ જેવો બની ગએલો. ગણપતરામ હેડમાસ્તર તરીકે એના ભણતરમાં વિશેષ રસ લે, પણ નિષ્કામને વિદ્યા કોઠે ઉતરતી નહોતી. હેડમાસ્ટરે માનચંદ શેઠને રૂબરૂ મળીને નિષ્કામને કોઈ મનોચિકિત્સકની સલાહ લેવાનું સૂચવ્યું. પણ શેઠે તેમની વાત ગણકારી નહીં... ગામમાં પ્રાથમિક શાળા પણ હતી અને હાઈસ્કૂલ પણ. પરંતુ સંપર્કને વઘુ તેજસ્વી બનાવવા માટે શેઠે તેને અમદાવાદની એક પ્રતિષ્ઠિત સ્કૂલમાં પ્રવેશ અપાવી અદ્યતન સુવિધાવાળી હૉસ્ટેલમાં રહેવાની ગોઠવણ કરી દીધી. હેડમાસ્ટર ગણપતરાયની બદલી થતાં શેઠના કૃપાવંત શિક્ષકોએ પણ નિષ્કામના ભણતરમાં ઘ્યાન ન આપ્યું અને તે માંડ-માંડ પાસ થઈને સાતમા ધોરણમાંથી આઠમા ધોરણમાં પહોંચ્યો. ગામની હાઈસ્કૂલમાં ભણવાનું અને સાવકી માતા રમ્યાદેવીના ‘હૂકમો’નું પાલન કરવાનું તેને માટે ફરજિયાત હતું... સંપર્ક હૉસ્ટેલમાં રહી વૈભવી જીવન જીવતો. હૉસ્ટેલના રેક્ટર્સ પણ સંપર્ક તરફથી વાર-તહેવારે મળતી મોટી-મોટી ભેટ-સોગાદોથી ઉપકૃત હતા. હૉસ્ટેલ સર્વન્ટ, ચોકીઆતને પણ ‘સંપર્ક શેઠ’ને જાળવવાનો પૂરતો બદલો મળતો! સંપર્ક માટે માનચંદ શેઠે એકે-એક વિષયના ટ્યૂશનની વ્યવસ્થા કરી દીધી હતી અને સંપર્કે પોતે પણ શાળાના શિક્ષકોનાં દિલ જીતી લેવાની તરકીબો ‘કોઠાસૂઝ’થી કેળવી લીધી હતી એટલે એનો પરીક્ષાનો ઘોડો નિર્વિધ્ને દોડતો રહેતો અને લક્ષ્યાંક સિઘ્ધ કરવામાં સંપર્કને કોઈ પણ પ્રકારની તકલીફ પડતી નહોતી... નિષ્કામે ખાસ્સો પ્રયત્ન કર્યો, પણ તે ભણવામાં રસ ન લઈ શક્યો. લોકસેવામાં એને ઝાઝો રસ. કોઈ સાજુ-માંદું હોય તો વગર બોલાવ્યે નિષ્કામ દોડી જાય. એને માટે આખી રાત જાગે, અને બીજે દિવસે ગૃહકાર્ય ન લાવવાને કારણે શિક્ષકોની ખફામરજી વહોરી લે. સંપર્ક જોતજોતામાં ગ્રેજ્યૂએટ થઈ ગયો અને નિષ્કામ એફ.વાય.બી.એ.થી આગળ ન વધી શક્યો. સંસ્કૃતમાં એને રસ. શાસ્ત્રોના અભ્યાસમાં એ રચ્યો-પચ્યો રહે. કોમ્પ્યુટરનો કોર્સ કરી એણે આપબળે એક હોસ્પિટલમાં કારકૂનની નોકરી સ્વીકારી લીધી. માનચંદ શેઠે વિચાર્યું કે એક ‘લપ’ ઠેકાણે પડી. નિષ્કામ ઘેર પાછો ન ફરે એટલે બે રૂમ-રસોડાનો ફ્લેટ એને ખરીદી આપ્યો અને શેઠ ‘કર્તવ્યમુક્ત’ બની ગયા. નિષ્કામ જંિદગીમાં પ્રગતિની સીડી ખોડંગાતે પગે ચઢતો હતો અને સંપર્ક એસ્કેલેટરની મદદથી વગર દાદરા ચઢે નિર્ધારિત સ્થળે પહોંચી જતો. એણે ધંધામાં ઝંપલાવ્યું. એક દસકામાં તો સંપર્ક કરોડાધિપતિ થઈ ગયો અને નિષ્કામભાવે જનસેવા કરતો તેનો નાનો ભાઈ નિષ્કામ ક્લાર્કમાંથી સિનિયર ક્લાર્ક બન્યો પણ આર્થિક દ્રષ્ટિએ ઠેરનો ઠેર. એણે પોતાનું જીવન સેવાક્ષેત્રને સમર્પી દીઘું અને પાંત્રીસ વર્ષનો થયો, ત્યાં સુધી ઘરસંસાર ન માંડ્યો તે ન જ માંડ્યો. એવામાં માનચંદશેઠ હાર્ટ એટેકનો ભોગ બન્યા. સંપર્કે તેમની સારવાર પાછળ ઘૂમ ખર્ચ કર્યો પણ શેઠ બચી શક્યા નહીં... શેઠની મરણોત્તર ક્રિયા સંપર્કે ધામઘૂમથી કરી અને આસપાસનાં દસ ગામોને તેરમા નિમિત્તે જમાડીને વાહવાહી પ્રાપ્ત કરી લીધી. નિષ્કામ પણ હતો પણ શેઠના દીકરા તરીકે તેને ઓળખવાની કોઈનેય પડી નહોતી. લોકો સંપર્કને જોઈ કહેતા ઃ ‘‘દિ’વાળે તે દીકરો. માનચંદ શેઠની ઇકોતેર પેઢીઓ તારે એવો પુણ્યશાળી દીકરો એમને ઘેર જન્મ્યો છે. સાવકી માતા રમ્યાદેવીને ખુશ કરવા સંપર્કે ‘રમ્યાદેવી મહિલા સમુત્કર્ષ મંડળ’ માટે પાંચ લાખનું દાન આપીને પોતાને પિતૃભક્ત ઉપરાંત ‘માતૃભક્ત’ની પંક્તિમાં પ્રતિષ્ઠિત કરવાની તક પણ ઝડપી લીધી હતી. સંપર્ક પોતાનાં ‘પરમ પૂજ્ય’ માતુશ્રીને એકલાં રાખવા માગતો નહોતો. માતા-પિતાને જણાવ્યા વગર સંપર્ક શેઠે ગૃહસ્થી શરૂ કરી દીધી હતી અને પુત્રવઘૂ ‘આસક્તિ’નાં દર્શનનો ‘સરપ્રાઈઝ’ સુઅવસર રમ્યાદેવીને આપીને પોતાની સફળતાનું એક વઘુ સેમ્પલ દેખાડવા માગતો હતો. જતાં-જતાં એણે નિષ્કામને કહ્યું ઃ ‘‘હું હવે ગામમાં પાછો ફરવાનો નથી! પપ્પાની હવેલીની સારસંભાળ રાખવાની જવાબદારી તું સંભાળવાનો હોય તો વરસે એક લાખ રૂપીઆ તને આપીશ. બાકી તો ભાડુતી માણસ મેળવવામાં મને વાર નહીં લાગે!’’ અને હવેલીમાં સ્વર્ગસ્થ માતા યજ્ઞાદેવીનાં પુનિત સ્મરણો સચવાએલાં હોઈ નિષ્કામે ‘લાખ’ની ભ્રાતૃકૃપા સ્વીકારવાને બદલે વગર ખર્ચે હવેલીની સાર-સંભાળની જવાબદારી સંભાળવાનું સ્વીકાર્યું હતું. પરંતુ સંપર્કે ચોખવટ કરી હતી ઃ ‘‘નિષ્કામ, હવેલી આપણે પૈતૃક સંપત્તિ છે. એમાં જેટલો તારો ભાગ છે એટલો જ મારો ભાગ છે, એટલું યાદ રાખજે. એને વેચવાની કે પચાવી પાડવાની કોશિશ ન કરતો... નહીં તો તને ખબર છે ને કે મારા હાથ કેટલા લાંબા છે...’’ ‘‘હા, સંપર્ક, મને ખબર છે કે તું કેટલી વગવાળો છે. હવેલીનો માલિક તું જ રહેજે. એક ઓરડામાં આપણી, સૉરી મારી માતા ‘યજ્ઞાદેવી’નું સ્મૃતિમંદિર કરવાની છૂટ આપીશ તો જ ભયો ભયો. બાકીના ઓરડાની ચાવીઓ તને મોકલી આપીશ. કેટલાક માણસો ભાર વેંઢાળીને પંચમાં પૂછાતા હોય છે.... મારે ભાર હળવો કરીને સંતોષનો ઓડકાર ખાવો છે.. તારી સાહ્યબી તને મુબારક, મારો સંતોષ મને મુબારક!’’ ‘તો તું પણ સાંભળી લે. તારા જેવા તુચ્છ માણસને મારો ભાઈ ગણાવાનું માન આપવા તૈયાર નથી! પપ્પાનાં અવસાન સાથે આપણા સંબંધનું પણ અવસાન!’ ...એ વાતને પાંચેક વર્ષ વિત્યાં હશે. નિષ્કામ જે હોસ્પિટલમાં કર્મચારી હતો, ત્યાં એક વૃદ્ધ પેશન્ટ દાખલ થયું. હાર્ટ એટેકની સારવાર બાદ તેને ઇન્ટેસિવ કેર યૂનિટમાંથી સ્પેશ્યલ રૂમમાં ખસેડવામાં આવ્યું હતું. એ હતા ગામઠી શાળાના નિવૃત્ત અને વયોવૃદ્ધ હેડમાસ્ટર ગણપતરાય. એમને બીજે દિવસે હોસ્પિટલમાંથી રજા આપવાની હોઇ એમનાં વૃદ્ધ પત્ની બીલની રકમ જાણવા આવ્યાં હતાં. નિષ્કામના હાથ નીચે કામ કરતા એકાઉન્ટ ક્લાર્કે પાંચ લાખ, સાઇઠ હજારની ગણતરી કરી આપી. ગણપતરામની પત્નીને માથે આભા તૂટી પડ્યું... આટલી મોટી રકમ ક્યાંથી લાવવી? એમની પીડા નિષ્કામ સમજી ગયો... એણે કહ્યું ઃ ‘‘મા, તમે અત્યારે જાઓ. કાલની વાત કાલે. ભગવાન કાંઈક રસ્તો કાઢી આપશે.’’ એ રાત્રે નિષ્કામ ઊંઘી શક્યો નહીં. ગુરૂજીનું બીલ ચૂકવી એક ઇમાનદાર માણસ પ્રત્યેનું પોતે ૠણ અદા કરવા માગતો હતો... એણે પડોશમાં રહેતા એક શ્રોફને વાત કરી પોતાનો ફ્લેટ ગીરો મૂકી છ લાખની રકમ લીધી અને પી.એફ. વગેરેમાંથી લોન લઈ વહેલી તકે રકમ પરત કરવાનું વચન આપ્યું. બીજે દિવસે રાબેતા મુજબ તે ઑફિસ પહોંચ્યો. ગુરુપત્ની વરસાદની જેમ નિષ્કામની મદદની રાહ જોઈ રહ્યાં હતાં... પણ નિષ્કામ આવ્યો નહોતો, એટલે ભારે ચંિતામાં હતાં. અને એકાએક એક રૂઆબદાર જવાને ગણપતરાયના સ્પેશ્યલ રૂમનું બારણું ખોલી પ્રવેશ કર્યો... સાથે એક ક્લાર્ક પણ હતો. ગણપતરાય અને એમનાં પત્ની સંપર્કને ઓળખી ગયા. ગણપતરામનાં પત્ની એને જોઈ રાજીનાં રેડ થઈ ગયાં. હાશ! હવે બધી જ સમસ્યાનો એક મિનિટમાં ઉકેલ! લક્ષ્મી સામેથી ચાંલ્લો કરવા આવી છે, એનો વૃદ્ધ ગુરૂપત્નીને આનંદ હતો. ‘‘બેટા, જરા અહીં ખૂણામાં આવજે, મારે તારી સાથે અંગત વાત કરવી છે’’ - ગુરૂપત્નીએ કહ્યું. ‘‘મને બધી જ ખબર છે. તમે માસ્તર ગણપતરાયનાં ગરીબ પત્ની છો એ પણ હું જાણું છું... અને ગરીબોને હું વગર માગે મદદ કરું છું.. કાલે જ મને ગામના લોકોએ ખબર આપી કે આપણા ગામના માસ્તર ગણપતરાય હોસ્પિટલમાં છે અને દવાદારૂના પૈસાની મુશ્કેલીમાં છે! મારો ક્લાર્ક ચૅકબૂક લઈને આવ્યો છે. તેની સાથે નીચે જાઓ. બધી જ રકમ તે ચૂકવી દેશે. વિદ્યાદાન કરનારને આજે જૈફવયે દાન લેવું પડે એને વિધિની વિચિત્રતા ગણવી કે હૈયાફૂટ્યાપણું એ જ મને સમજાતું નથી!’’ ‘‘વિધિની વિચિત્રતા નથી પણ ઇમાનદારીથી જીવવાના ગૌરવનો સંતોષ છે. હૈયાફૂટ્યો તો એ કહેવાય જે પૈસાનો દાસ હોય! અનેકના જીવનને ઉજાળનાર ગણપતરાય જેવા નેક માનવીઓને પડખે ઊભા રહેવું એ શિષ્યની જ નહીં, માનવમાત્રની ફરજ છે! હું મારા ગુરૂ ગણપતરાયનું હોસ્પિટલ ચાર્જનું બીલ ‘નેક કમાણી’થી જ ભરવા ઇચ્છું છું... તમારા જેવા બેઈમાન માણસોની આડકમાણીથી નહીં. બોલો સાહેબ, આપને કોની મદદ ખપે છે?’ ત્યાં આવી પહોંચેલા નિષ્કામે કહ્યું. ગણપતરાયની આંખમાં આંસુ ઉભરાતાં હતાં. એમણે બીલ ભરવા માટે નિષ્કામની મદદ માટે ઇશારો કર્યો! ‘‘પાંચ લાખનું બીલ થશે. છે ભરવાની તાકાત તારામાં? કારકૂની કરી પેટ ભરી ખાનારમાં એટલી આર્થિક તાકાત હોય પણ ક્યાંથી?’’ - સંપર્કે અભિમાનપૂર્વક કહ્યું... ‘‘બીલ બાકી નથી, મેં બીલ ચૂકવી દીઘું છે... સર, આ રહી તેની પહોંચ! બહાર એમ્બ્યૂલન્સ તૈયાર છે! ચાલો, આપને હું ઘર સુધી મૂકી જાઉં!’’ - નિષ્કામે કહ્યું... અને સંપર્ક પગ પછાડતો રૂમની બહાર નીકળી ગયો! એક અકલવ્યે ગુરુદક્ષિણા ચૂકવવા પોતાનો આર્થિક અંગૂઠો આનંદભેર કાપી આપ્યો હતો અને એમ્બ્યૂલન્સમાં બેસવા જતા, વૃદ્ધ દ્રોણાચાર્ય, એમનાં પત્ની અને નેકનિયત શિષ્ય નિષ્કામ પર વાયુદેવતા શીતળ પવનનો વરદ વીંઝણો ઝુલાવી રહ્યા હતા. |