ધરતીનો ધબકાર ‘દગો કરું તો મને આ તલવારના સમ છે’ મેઘરજ પરગણાના મોરી ગામનો કારભારી આજ ઘૂંવાપૂંવા થઇ રહ્યો છે. આજ એનાં નવાણું લાખ રૂવાડાં અવળાં થઇ ગયાં છે. એના મોં માથે કરડાકીની જાણે સો સો કમાનું તણાઇ ગઇ છે. એના મોઢામાંથી એક જ બોલ નીકળે છે ઃ ‘આ ધરતીના પટ માથે કાં તો દલો નહિ ને કાં તો હું નહિ. મારે ફેંસલો કરવો છે.’ વાલિયા કારભારીનું આવું રૂપ જોઇ મોરીની કચેરી દંગ થઇ ગઇ. વાત એમ બની હતી કે મોરી ઠકરાતના કારભારી મથુરાદાસ ગાંધીની કચેરીમાં મોરીના રણછોડ વેપારીને દલા મનાતે ડારો દીધો કે - ‘એલા વેવલા, બહુ ફાટ્યું બોલ છ, પણ મારું નામ લીઘું છે તો માથું વાઢી લઇશ.’ દલાનાં વેણ સાંભળતાં જ વાણિયો કંપવા માંડ્યો. પાઘડી સમી કરે ત્યાં કાછડી છૂટે, કાછડી પકડે ત્યાં પાઘડીના વળ વિખાવા લાગ્યા. વાત પૂગી કારભારી મથુરાદાસ પાસે. દલાની આ હંિમત? હવે દલો છૂટો ફરે તો પોતાના કારભારાને ઝાંખપ લાગે. તેણે રાજના ફોજદારને બોલાવ્યો ને તાબડતોબ હુકમ દીધો કે, ‘જોઇએ તેટલા રૂપિયા માગી લ્યો અને પોલીસમાં ભરતી કરો, દલાનું ડીંટ કાઢો.’ દલો મનાત જાતનો ભીલ, શિશમમાંથી કોતરી હોય એવી કાયા, કાનમાં કુંડળ, માથે મોર-પિચ્છ ખોસેલો ફટકો, ખભામાં કામઠું અને પાડાની પીઠ જેવા વાંસા ઉપર ભાથું, બેઠી દડીનો દલો જ્યારે કામઠામાં તીર મૂકી કાન સુધી પણછ ખેંચી તીરને વેતું મૂકે ત્યારે ધાર્યું નિશાન પાડે. કેડે લટકતી તલવારને મ્યાન બહાર કાઢી ધીંગાણે પડે ત્યારે અષાઢની વીજળી જાણે નાટારંભ કરતી હોય એમ તલવાર વળાંક લ્યે. આવા દલાની હાકલે એક કડીની પાંચ હજાર કામઠી એકઠી થઇ જાય. પાંચ હજાર ભીલના બાહુબળે દલો જાણે કે નાનકડી ઠકરાત ભોગવતો. ગામ ભાંગતો, ધોળે દિ’એ ધાડ પાડતો. મગદૂર નહોતી કોઇની કે દલાને પડકાર કરી શકે. દલાની ચાર ચાર ઘરવાળી એની તાબેદારી ઉઠાવતી. નવાનીપાલની નાનકડી ડુંગરમાળાની ચારે દિશાઓની ચારે ટેકરીઓ ઉપર પોતાની દરેક ઘરવાળીને એક એક ખોરડું બાંધી આપ્યું અને ચારેયને ખેડ કરી આપી હતી. પોતાની સ્ત્રીઓની તહેનાતમાં નોકરો મૂકી દીધા હતા અને દલો જ્યારે બહાર નીકળતો ત્યારે પાંચ-પચીસ માણસોથી વંિટળાયેલો રહેતો. એ જ્યારે ભોમકા માથે ડગ દેતો ત્યારે જાણે નવખંડ ધરતીનું રાજ ભોગવતો હોય એવો એનો રૂઆબ એની નજરમાંથી ઊછળતો હતો. આવા દલાને ઝબ્બે કરવા કારભારી મથુરાદાસે હામ ભીડી, રાજના ફોજદાર માલજીભાઇને કહ્યું ઃ ‘માલજી! મોતનો મામલો છે. સબૂરી રાખજો, પણ દલાને પકડે પાર છે.’ માલજીભાઇ ફોજદારે કારભારીનો હુકમ શિરે ચડાવ્યો. પોતાનો વાંસો થાબડનાર કારભારી માટે માન ઊપજ્યું. તેણે પોલીસની ભરતી કરવા માંડી. મોટી મોરીના લવરમૂછિયા જુવાનડાઓએ બંદૂક અને પટાબાજીની તાલીમ લેવા માંડી. કારભારી મથુરાદાસે પણ બંદૂક હાથમાં ઝાલી ધાર્યા નિશાન પાડવાની તાલીમ લેવા માંડી. વાણિયાની વીરતાએ જાણે જુવાનોમાં જોમ પ્રકટાવ્યું. ત્રીસ દિ’માં તો જુવાનોએ ઊડતાં પંખી પાડે એવો બંદૂકો ઉપર હાથ બેસાડી દીધો. થતી તૈયારીથી દલો અણજાણ હતો. એ તો એની તાકાત ઉપર મુસ્તાક હતો. એમાં એક દિ’ એક ખેડુએ આવીને કારભારી મથુરાદાસ પાસે રાવ ખાધી કે મારો બળદ ચોરાણો. ફરિયાદ સાંભળતાં જ કારભારી વાણિયો તાડૂક્યો. ફોજદારને હુકમ કરતાં કહ્યું ઃ ‘ફોજદાર! દલાનો ભાઇ ભાણો મનાત બાજુના ગામમાં છે. એને ઝબ્બે કરો.’ પૂનમની રાતે ધરતીને રૂપે મઢી લીધી હતી. પંખી અને જળ જંપી ગયાં હતાં. મધરાતનો ગજર ભાંગ્યો કે ભાંગશે એવે ટાણે માલજી ફોજદારે ભાણા મનાતની છાતી માથે બંદૂકની નાળ ભરાવી પડકાર્યો ઃ ‘ભાણીઆ, સળવળ્યો છો તો છાતી વીંધી નાખીશ.’ ભાણાએ આંખ ઉઘાડી જોયું તો પોતે ઘેરાઇ ગયો છે. ભાણાને દોરડે બાંધી મોટીમોરી ફોજદાર ઉપાડી લાવ્યો. દિ’ ઊગતાં તો કારભારી સામે હાજર કર્યો. માલજીની મર્દાનગી ઉપર કારભારી મથુરાદાસ ઓવારી ગયા. સવારે દલાને વાવડ મળતાં જ પાંચ ભેરુબંધ સાથે દલાએ કારભારીની કચેરીનાં પગથિયાં માથે પગ દીધો કે પહેરેગીરે પડકાર્યો. દલો આવા પડકારો સાંભળવા ટેવાયેલો નહોતો. તેેેણે પહેરેગીર સામે કરડી આંખ માંડી, બોલ્યો ઃ ‘કોનો હુકમ છે?’ ‘કારભારીનો’ ‘વાણિયો મારાં હથિયાર હેઠાં મુકાવશે?’ ત્યાં તો કારભારીએ ઝરૂખામાંથી ડોકું તાણ્યું ઃ ‘દલા! હથિયાર હેઠાં મૂકીને હાલ્યો આવ.’ ‘જો હથિયાર હેઠાં નહિ મૂકે તો મુકાબલો થાશે. આ તારી સગી નહિ થાય’ કહેતાં કારભારીએ બેનાળી દલા સામે લાંબી કરી. દલો ક્ષણભર થંભી ગયો. બીજી પળે તેણે હથિયાર હેઠાં મૂકી કટ કટ એટલા જ રૂઆબથી કારભારીની કચેરીનાં પગથિયાં ગણ્યાં. હથિયારધારી કારભારી સામે હથિયાર વિહોણો દલો આવીને ઊભો રહ્યો કે વાણિયો બોલ્યો ઃ ‘દલા, તારી માથે ઈડરના ગુન્હા કેટલા?’ ‘માથાના મેવાળા જેટલા.’ ‘ઈડરને સોંપી દઉં તો આટલી વાર લાગે.’ ‘તો ઈડરને મારા ભેરૂઓ આંખમાં ઉજાગરો કરાવશે.’ ચતુર વાણીએ દલાની સાથેની વાતમાં વળાંક આપ્યો ઃ ‘દલા, હું જાણું છું કે તારી બહાદૂરી બિરદાવવા જેવી છે. પણ તારા ગુન્હાને હું સાંખી લઉં તો મારું કારભારું લાજે. રાજનો પગાર મને પચે નહિ. ધારે તો તું રાજની ઢાલ થઇ શકે.’ દલો મૂંગો રહ્યો. કારભારી વિચારી રહ્યો. દલાની શક્તિનો સદુપયોગ થાય તો રાજ નિરાંતની નીંદર તાણે. મૂંગા દલાને ચતુર વાણિએ ટપાર્યોઃ ‘દલા! રાજને વફાદાર રહીશ?’ ‘મરદનું વેણ છે, કારભારી! દગો કરું તો મને આ તલવારના સમ છે.’ બોલતાં દલાએ કારભારીની કેડેથી તલવાર ખેંચી કુંડાળું કર્યું અને સોગંદ ખાધા. ભીલ શક્તિના સોગંદને પ્રાણ કરતાં પ્યારા ગણે છે. |