વ્યૂ પોઇન્ટ
શ્રીકાંતની ખુલ્લેઆમ કિન્નાખોરી છતા ગુજરાતના રખેવાળો ચુપ છે
પાર્થિવ પટેલને અન્યાયની હવે તો હદ થાય છે ઃ ફરી સહાને સહારો
અમદાવાદ, શનિવાર
શ્રીલંકા સામેની ત્રણ ટેસ્ટની શ્રેણી માટે જાહેર થયેલી ટીમમાં વઘુ એક વખત ગુજરાતને અન્યાય થયો છે. જો પસંદગી સમિતિને બીજા વિકેટ કિપરને સમાવવો જ હતો તો પછી પાર્થિવ પટેલથી વિશેષ ભારતમાં કોઈ બીજો સારો વિકેટકિપર બેટ્સમેન ઉપલબ્ધ નથી. તેમાં પણ ટેસ્ટ ક્રિકેટના ફોરમેટમાં તો તેને નહીં સમાવીને પસંદગી સમિતિએ ખુલ્લેઆમ, વટ કે સાથ તેને અન્યાય કરીને જાણે ગુજરાતના ક્રિકેટના રખેવાળોને રોકડું પરખાવી દીઘું છે કે ‘‘તમે થાય તે કરી લો. પાર્થિવ ઘરઆંગણાના ક્રિકેટમાં રનના ઢગલા ખડકશે તો પણ અમે તેને ધરાર નહીં લઈએ.’’
ગુજરાત સીવાયના તમામ ક્રિકેટરોને પુનરાગમનની તક મળતી જ રહે છે ઃ પૂજારાની પણ પરીક્ષા, ગાંગુલીનું સહા, ડીંડાને પીઠબળ, કાર્તિક, ઓઝા અને સહાને માટે ‘સોફટ કોર્નર’ ઃ પાર્થિવ ‘સોફટ ટાર્ગેટ’
એશિયા કપમાં નિર્ણાયક મેચમાં મેન ઓફ ધ મેચ બનનાર દિનેશ કાર્તિકે પણ આઘાત અનુભવ્યો હશે કે જો બીજો વિકેટકિપર જ રાખવો હતો તો ‘‘મારો શું વાંક છે ?’’
વળી સેહવાગની ફિટનેસ નિશ્ચિત નહીં હોઈ માત્ર ઓપનંિગમાં પણ કામ લાગી શકત. આમ છતાં કાર્તિક કરતાં પણ પાર્થિવ જ વઘુ ચઢિયાતો વિકેટકિપર અને બેટ્સમેન છે. સહાને જે પણ તક આપવામાં આવી હતી તેમાં તે સરિયામ નિષ્ફળ ગયો હતો. સહા કે નમન ઓઝા જેવા વિકેટકિપર કોઈપણ રીતે આંતરરાષ્ટ્રીય સ્તરના વિકેટકિપર કે બેટ્સમેન નથી.
હવે એવું સ્પષ્ટ થઈ ગયું છે કે ‘‘અમે ગમે તેને બીજા વિકેટકિપર તરીકે આગળ કરીશું પણ પાર્થિવ પટેલ તો નહીં જ.’’
આપણા અંગ્રેજી મીડિયાવાળા કેમ ભારતનું વિચારતા મુંબઈ, દિલ્હી, કોલકતા કે ચેન્નાઈથી બેસીને જે ખેલાડીઓને ખરેખર સમાવવા જોઈએ તેને માટે નથી લખતા કે ન્યૂઝ ચેનલોમાં પ્રશ્ન ઉપસ્થિત નથી કરતાં ?
ગાવાસ્કર, હર્ષ ભોગલે અને શાસ્ત્રી જેવા ખેલાડીઓ તેમની કોલમમાં કેમ ક્યારેય પાર્થિવે પુનઃ મેળવેલ ફોર્મ અને રેકોર્ડ આગળ ધરીને પસંદગી સમિતિની ઝાટકણી કાઢતા ?
ગાંગુલી તેની કોલમમાં બંગાળના સહા અને ડીંડા જાણે ભારતીય ક્રિકેટની સનસનીખેજ હોય તેમ પ્રસંશા કરતા લખતો રહે છે. પસંદગી સમિતિનો ચેરમેન શ્રીમંત તેનો મિત્ર છે. ભવિષ્યમાં બંને પોતપોતાનું આઇપીએલ અને કંપનીઓ જોડેના કામોમાં કરોડોનું હિત જુએ છે.
શ્રીકાંતે દક્ષિણ ઝોનને સતત આગળ કરીને એમ.વિજય, બદ્રીનાથ, શ્રીસંત, કાર્તિક છેલ્લા વર્ષોમાં જ્યારે તક મળી છે ત્યારે ધુસાડ્યા છે. ખરેખર તો કાર્તિકને આટલી બધી નિષ્ફળતા કે રીપ્લેસમેન્ટ છતાં બીજા વિકેટકિપરની કે બેટ્સમેનની જરૂર પડી છે ત્યારે રમાડાય જ છે. દસ ઈનંિગમાં બે-ત્રણ વખત તો કોઈ ૫૦-૬૦ રન જ કરે ને.
જો યુવરાજ જેવાને પણ ફોર્મ કે ફિટનેસ પુરવાર કર્યા વગર ફરી લેવાયો હોય તો પાર્થિવ પટેલે તો આ બંનેમાં તેની ક્ષમતા પુરવાર કરી છે. પાર્થિવ જો વિકેટકિપર ના હોય તો એક બેટ્સમેન તરીકે પણ રમાડી શકાય તેમ છે.
અત્યારે જરા અતિશયોક્તિ લાગશે પણ ધોની તેના શરૂના વર્ષોમાં અને તે જામ્યો નહોતો ત્યાં સુધી તેને પાર્થિવ પટેલની પ્રતિભાનો ડર હતો.
હવે મૂળ વાત. પાર્થિવ પટેલને કેમ સમાવાતો નથી તેનો જવાબ માંગે તેવા વજનદાર જીસીસએના હોદ્દેદારો કે આપણા ચીફ કન્સલટન્ટ અને કોચોના પણ કોચ અંશુમાન ગાયકવાડ છે ખરા ? કે પછી તેઓને જ પાર્થિવ પટેલમાં રસ નથી ? પાર્થિવ પટેલમાં માની લો કે વ્યક્તિગત રસ ના લે પણ ગુજરાતમાંથી કોઈ ક્રિકેટર પ્રતિભા છતાં સ્થાન ના પામે તે માટેની શરમ હોવી જોઈએ. જીસીએના પ્રમુખ તો નિડર નિવેદન કરીને રાષ્ટ્રીય સ્તરે વિવાદ જગાવવાની પણ ક્ષમતા ધરાવે છે. ગાયકવાક શ્રીકાંતને પુછી શકે તેમ છે.
રવીન્દ્ર જાડેજાએ પણ સમજી લેવાનું છે કે કેટલાંક સીન્ડીકેટ કોલમ લખનારાઓએ તેમજ ખુદ ધોનીએ પણ એવો સંકેત આપી દીધો છે કેે તે તેની અપેક્ષાથી ઉણો ઉતર્યો છે. પ્રશ્ન એ નથી જાડેજા, ઇરફાન, પઠાણ, યુસુફ પઠાણ, ગુજરાતના છે તેનો છે. તેઆનેે માટે કોઈ પીઠબળ કે દબાણ નથી. બધા જ પુનરાગમન કરી શકશે. પણ ગુજરાત, વડોદરા અને સૌરાષ્ટ્રના ક્રિકેટરોને તે તક નહીં મળે તે યાદ રાખવાની જરૂર છે. જો શ્રીસંત, ઇશાંત શર્મા, ડીંડાને ટેસ્ટ કે વન-ડેમાં રમાડાય તો ઇરફાનને કેમ ફરી તક નહીં...અને હવે ચેતેશ્વર પુજારાને ટીમમાં સ્થાન મેળવવા અભિમન્યુના કોઠા વીંધવા પડશે.
નરેન્દ્ર મોદી, અમિત શાહ, ચિરાયુ અમીન, નિરંજન શાહ, ગાયકવાડ, જેવા બીસીસીઆઇને આવા અન્યાય અંગે સીઘુ જ કહી શકે તેવા સક્ષમ હોવા છતા કેમ મૌન છે તે સમજાતું નથી.
શ્રીલંકાના પ્રવાસ માટે બીજો વિકેટકિપર ના લીધો હોત તો પણ આ કોમેન્ટને સ્થાન નહોતું પણ સહાને સમાવ્યો હોઈ પાર્થિવનું અને ગુજરાતનું અપમાન થયું છે. પાર્થિવ પટેલના કમનસીબે ભારત ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી ઘરઆંગણે રમવાનું છે. જોકે તેણે અસાધારણ આત્મશ્રદ્ધા અને ધીરજ ધરવાની જરૂર છે. શ્રીકાંત પસંદગી ચેરમેન તરીકે જશે પછી જ તેના નસીબના દ્વાર ખુલી શકે તેમ છે.