હવે બ્રાઝિલ-ચિલી અને સ્પેન-પોર્ટુગલ વચ્ચે મુકાબલો
સ્પેન ૨-૧થી ચિલીને હરાવી નોક આઉટ રાઉન્ડમાં ઃ સ્વિત્ઝર્લેન્ડ બહાર ફેંકાયું
પ્રિટોરિયા,તા.૨૬
યુરોપીયન ચેમ્પિયન સ્પેને પ્રતિષ્ઠા જાળવતા ચિલી સામેના કરો યા મરો મુકાબલાને ૨-૧થી જીતીને ફૂટબોલ વર્લ્ડ કપના નોક આઉટ રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે ચિલીએ ગુ્રપ એચમાંથી બીજી ટીમ તરીકે રાઉન્ડ ઓફ ૧૬માં સ્થાન મેળવ્યું હતુ. હવે નોકઆઉટ રાઉન્ડમાં સોમવારે બ્રાઝિલનો મુકાબલો ચિલી સામે થશે. જ્યારે મંગળવારે યુરોપીયન જાયન્ટસ સ્પેન-પોર્ટુગલ આમને-સામને ટકરાશે.
સ્વિત્ઝર્લેન્ડ અને હોન્ડુરાસની મેચ ૦-૦થી ડ્રો, બ્રાઝિલ-પોર્ટુગલની મેચ ૦-૦થી ડ્રો ઃ આઇવરી કોસ્ટે નોર્થ કોરિયાને ૩-૦ થી હરાવ્યું
સ્પેને ચિલીને ૨-૧થી હરાવ્યું હતું. જ્યારે હોન્ડુરાસ સામે ૦-૦થી મેચ ડ્રો કરનારી સ્વિત્ઝર્લેન્ડની ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઇ હતી. નોંધપાત્ર છે કે સ્વિત્ઝર્લેન્ડે તેની પ્રથમ મેચમાં જ સ્પેનને ૧-૦થી હરાવી મેજર અપસેટ સર્જ્યો હતો. જો કે હોન્ડુરાસ સામે ગોલ ફટકારવાની તેની નિષ્ફળતા જ તેના બહાર ફેંકાવાનું કારણ બની હતી.
ગઇકાલે સાંજે રમાયેલી આખરી તબક્કાની ગુ્રપ મેચમાં બ્રાઝિલ અને પોર્ટુગલનો મુકાબલો ૦-૦થી ડ્રો રહ્યો હતો. બ્રાઝિલે પોર્ટુગલના ગોલ પર જોરદાર આક્રમણ કર્યા હતા. જો કે પોર્ટગીઝ ગોલકિપરના બહેતરીન પ્રદર્શનના કારણે ગોલ સ્કોરંિગ શીટ કોરી રહેવા પામી હતી.
દરમિયાનમાં ફ્રાન્સ, ઇટાલી બાદ સ્પેન પણ ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઇ જશે તેવો ભય સેવાઇ રહ્યો હતો. જો કે ડેવિડ વિયા અને ઇનિસ્તાના શાનદાન ગોલને સહારે સ્પેનીશ ચાહકો ખુશીથી ઝુમી ઉઠ્યા હતા.
ચિલી સામેના મુકાબલામાં સ્પેનની શરૂઆત તો સરેરાશ જ રહી હતી. જો કે ૨૪મી મિનિટે નાટકિય ઘટનાક્રમમાં વિયાએ ગોલ પોસ્ટથી આશરે ૪૦ યાર્ડ દૂરથી જ બોલને ગોલમાં મોકલી આપ્યો હતો. એલોન્સોના લાંબા પાસને ટોરેસે રીસિવ કર્યો હતો. જો કે ટોરેસની સાથે એક ડિફેન્ડર જ હોવાથી ચિલીયન ગોલકિપર ક્લાઉડિયો બ્રાવો ડી એરિયાની બહાર આવી ગયો હતો અને તેણે ડાઇવ મારી બોક ક્લીયર કરવાનો પ્રયત્ન કર્યો હતો.
જે સીધો જ ડેવિડ વિયા પાસે પહોંચ્યો હતો. વિયાએ હાફ લાઇનની થોડેક જ દૂરથી બોલને ગોલકિપર અને ડિફેન્ડરથી ઉપરથી ગોલમાં મોકલી આપ્યો હતો.
હાઇટેનશન મુકાબલામાં ૩૭મી મિનિટે ડેવિડ વિયાના ક્લાસિક પાસને ઇનિસ્તાએ ગોલમાં મોકલી આપતાં સ્પેને ૨-૦થી સરસાઇ મેળવી હતી.
ગોલ થયા પછી તરત મેક્સીકન રેફરી માર્કો રોડ્રીગ્યુઝે ચિલીના મીડફિલ્ડર એસ્ટરાડાને બીજા યલો કાર્ડ સાથે રેડકાર્ડ દેખાડ્યું હતું. ત્યાર બાદ માત્ર ૧૦ ખેલાડીઓથી રમતા ચિલીએ પણ જોરદાર લડત આપી હતી અને અવેજી ખેલાડી તરીક મેદાનમાં ઉતરેલા રોડ્રીગો મીલરે ૪૭મી મિનિટે ગોલ ફટકાર્યો હતો. રેફરી રોડ્રીગ્યુઝના કેટલાક કોલ્સ સામે ચિલીના કોચે નારાજગી નોંધાવી હતી.