સંક્ષિપ્ત સમાચાર
ચંડીગઢમાં ત્રાસવાદી હુમલાની ચેતવણી
(પીટીઆઈ) ચંદીગઢ, તા. ૨૬
કેન્દર શાસિત પ્રદેશ ચંદીગઢ આતંકવાદીઓના નિશાન પર હોવાનું જણાવી અહીંના વહીવટીતંત્રએ ‘ક્વિક રીએકશન ટીમ (ક્યુઆરટી)’માં વઘુ કમાન્ડોનો સમાવેશ કરવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે મુંબઇ હુમલાના પગલે ક્યુઆરટીની ખાસ રચના કરવામાં આવી છે.
ચંદીગઢના વહીવટી તંત્રએ ક્યુઆરટીની વર્તમાન ૪૫ કમાન્ડનોની ક્ષમતાને વધારીને ૧૦૦કરવા ઉપરાંત તેને આતંકવાદી હુમલા સામે લડવા માટે અત્યાઘુનિક શસ્ત્રો પુરા પાડવાની યોજના પણ બનાવી છે. આ જૂથના કમાન્ડોને એનએસજી કક્ષાની તાલિમ આપવામાં આવે છે.
ચંદીગઢ પોલીસના એસએસપી એસએસ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ચંદીગઢ શહેર આતંકવાદીઓના ‘રડાર’ પર છે. થોડા સમય પહેલાં જ બાજુના રાજ્યમાં કેટલાક શકમંદ આતંકવાદીઓની હાજરીના અહેવાલોથી તંત્ર સાબદું બની ગયું છે અને તેથી જ તેમને ક્યુઆરટીમાં કમાન્ડોની સંખ્યા વધારવાની ફરજ પડી છે.
બિહારમાં બસ-ટ્રક ટકરાતાં ૨૩નાં મોત
(પીટીઆઈ) પટણા, તા. ૨૬
બિહારના ચેનકિ મોર પાસે મુસાફરોથી ખિચોખીચ ભરેલી બસ અને પૂરપાટ ઝડપે આવતા ટ્રક વચ્ચે ટક્કર થતાં ઓછામાં ઓછા ૨૩ લોકો માર્યા ગયા છે અને અન્ય ૨૭ને ઈજા પહોંચી છે.
એસપી અમિત જૈને જણાવ્યું હતું કે વળાંક પર ચાલકે બસનું નિયંત્રણ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. બસના કાટમાળમાંથી ૧૭ મૃતદેહો મળી આવ્યા હતા જ્યારે બાકીની ૬ વ્યક્તિઓ ઇજાના કારણે દવાખાનામાં મૃત્યુ પામી હતી.
બસમાં કુલ ૭૫ મુસાફરો હતા અને અન્ય કેટલાંય મુસાફરો બસના છાપરા પર બેઠા હતા. આ બસ પટણાથી ગયા તરફ જઈ રહી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઇજાગ્રસ્તોને પટણા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરાયા છે જ્યાં ૧૦ વ્યક્તિની સ્થિતિ અત્યંત ગંભીર છે. દરમિયાન મુખ્ય પ્રધાન નીતિશ કુમારે અકસ્માતમાં મૃત્યુ પામેલાઓના પરિવારજનોને રૂા. ૫૦ હજારના વળતરની જાહેરાત કરી છે.
સમગ્ર ઉ. ભારતમાં ફરી ગરમીનું મોજું
(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૨૬
આગ ઝરતી ગરમીમાં બ દિવસની રાહત બાદ ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં ફરીથી ગરમીએ જોર પકડયું છે. રાજસ્થાનનું ચુરુ ૪૪.૩ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે સૌથી ગરમ રહ્યું હતું.
દેશની રાજધાની નવી દિલ્હીમાં પણ ગરમીનો પારો ૪૧.૬ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો. શહેરમાં ભેજનું પ્રમાણ પણ વધારે જણાવ્યું હતું. બીજી બાજુ રાજસ્થાનનું ચુરુ ૪૪.૩ ડિગ્રી ગરમી સાથે શેકાઈ ગયું હતું. જયારે બિકાનેર અને બાડમેરમાં ૪૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગરમીના કારણે સામાન્ય જનજીવન પર પણ વિપરિત અસર પડી હતી.
રાજસ્થાનના અન્ય શહેરો જોધપુર અને અજમેર ખાતે અનુક્રમે ૪૨.૨ અને ૪૧.૭ ડિગ્રી ગરમી નોંધાઈ હતી જયારે કોટા, જયપુર, જેસલમેરમાં તાપમાન ૪૧.૫ થી ૩૯.૫ ડિગ્રીની વચ્ચે રહ્યું હતું.
દરમિયાન પંજાબ અને હરિયાણામાં પણ અનેક સ્થળોએ ગરમીના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.
પેટ્રો પેદાશોના ભાવમાં વધારો મજબૂરી ઃ કોંગ્રેસ
(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૨૬
પેટ્રો પેદાશોના મુદ્દે ચારે બાજુથી કોંગ્રેસ પર પસ્તાળ પડી રહી છે ત્યારે કોંગ્રેસે બચાવની મુદ્રા ધારણ કરી લીધી છે અને એવું કહ્યું છે કે, લાચારીના કારણે તેવું પગલું ભરવું પડ્યું હતું અને કોઈ સરકાર અપ્રિય બનવા ચાહતી નથી.
ભાવવધારાનો વિરોધ કરવા પ. બંગાળ અને કેરલે દિવસ દરમ્યાન હડતાળ રાખી હતી ત્યારે કોંગ્રેસના મહામંત્રી જનાર્દન દ્વિવેદીએ પત્રકારોને કહ્યું હતું કે, ‘કેટલીક મજબૂરી જરૂર રહી હશે કોઈ સરકાર અપ્રિય થવા માગતી નથી.’
આજે જ્યારે જેડી (યુ)એ સમગ્ર વિરોધ પક્ષને આ મુદ્દે સંગઠિત થઈ ‘ભારત બંધ’ કરવા વિનંતી કરી હતી. તેના થોડા સમય પછી જ દ્વિવેદીની આ ટિપ્પણી આવી હતી.
ભારે વરસાદને પગલે આસામમાં પૂરનું સંકટ
(પી.ટી.આઇ.) ગુવાહાટી, તા. ૨૬
આસામમાં બ્રહ્મપુત્રા અને તેની પેટા નદીઓનું જળસ્તર વધતા રાજ્યમાં પૂરની સ્થિતિ વઘુ વિકટ બની છે નદીઓનું પાણી કેટલાક અન્ય વિસ્તારોમાં પણ ફરી વળતા સ્થિતિ ચંિતાજનક બની છે.
ઉપલા આસામમાં સૌથી વઘુ અસર લખ્મીપુર અને જાર્હારમાં થઈ છે. જ્યારે અન્ય કેટલાય જિલ્લાઓમાં પરિસ્થિતિ વઘુ ગંભીર બનતી જાય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે લખ્મીપુર જિલ્લાના ૭૦થી વઘુ ગામો રંગનદી, દિક્રોઈ, કાકોઈ અને સંિગ્રા નદીના પાણીની અડફેટે આવી ગયા છે.
જોર્હાટ જિલ્લામાં બ્રહ્મપુત્રા નદીની પેટા નદી સરૈકોનિના પાળાઓ બે સ્થળે તૂટી જતાં તિતાબોર વિસ્તારના ૪૦ ગામોમાં જળબંબાકારની સ્થિતિ ઉભ થઈ છે. આ ઉપરાંત તિન્સુકીયા, દિબુ્રગઢ, ઘેમાજી અને મોરિગાંવમાં પણ પૂરની સ્થિતિ ઘણી ચંિતાજનક છે. આ વિસ્તારોમાં ૫૦ હજારથી વઘુ લોકોને અસર પડી છે.
મુંબઇ હુમલા કેસમાં પાક.ની કોર્ટમાં ફરી મુદત
(પી.ટી.આઇ.) ઇસ્લામાબાદ, તા. ૨૬
મુંબઇ હુમલામાં સંડોવાયેલા સાત આરોપીઓ સામેની સુનાવણી પાકિસ્તાની અદાલતે એક સપ્તાહ માટે મોકૂફ રાખી છે. હાલ ભારત સાથે ચાલી રહેલી મંત્રણાઓ પર આ સુનાવણીની કોઈ વિપરીત અસર ન પડે તે માટે આ નિર્ણય લેવાયો હોવાનું સૂત્રોનું કહેવું છે.
આજે લશ્કર-એ-તોઇબાના કમાન્ડર ઝાકિર ઉર રહેમાન લખવી સહિતના સાતેય આરોપીઓના વકીલો આદીઆલા જેલમાં બનાવેલી વિશેષ અદાલતમાં પહોંચ્યા ત્યારે ન્યાયાધીશ મલિક મુહમ્મદ અક્રમ અવાન રજા પર હોવાની માહિતી તેમને મળી હતી. આ ઉપરાંત કેસની હવે પછીની સુનાવણી ૩ જુલાઈના રોજ નક્કી કરાઈ હોવાનું પણ વકીલોને જણાવવામાં આવ્યું હતું.
જો કે, સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારતીય ગૃહપ્રધાન પી. ચિદમ્બરમની ઇસ્લામાબાદ મુલાકાતને ઘ્યાનમાં રાખતા ગઈ રાત્રે તંત્રએ આજની સુનાવણી એક સપ્તાહ માટે મોકુફ રાખવાનું નક્કી કર્યું હતું.