કામસૂત્રની જાહેરાતમાં ચમકેલી
સુપર મોડેલ વિવેકા બાબાજીનો મુંબઈમાં રહસ્યમય આપઘાત
મુંબઈ, તા. ૨૬
ટોચની મોડેલ વિવેકા બાબાજીના કથિત આપઘાતની તપાસ કરતી મુંબઈ પોલીસ હવે વિવેકાનાં મિત્રો અને સંબંધીઓની પુછપરછ કરી રહી છે. થોડા દિવસ પહેલા તેના બોયફ્રેંડ સાથેની તકરાર પછી તે હતાશ રહેતી હતી.
બોયફ્રેન્ડ સાથેની તકરારને કારણે આત્યાંતિક પગલું ભર્યું હોવાની શંકા ઃ મોડેલના મોબાઈલ, લેપટોપ, ડાયરી જપ્ત
બાંદ્રા વિસ્તારના કોન્ટિનેન્ટલ ટાવર્સમાં વિવેકાના ફલેટમાં તપાસ કરતા પોલીસને ‘સ્યુસાઈડનોટ’ તો નથી મળી પણ કોઈક ગૌતમને લખેલા સંખ્યાબંધ પત્રો મળી આવ્યા છે.
એક વરિષ્ટ પોલીસ અધિકારીએ શનિવારે કહ્યું કે ‘‘તેણીના મિત્રોના કહેવા પ્રમાણે ગૌતમ અને વિવેકા છેલ્લાં કેટલાક મહિનાઓથી ‘ડેટીંગ’ કરતા હતા. જોકે પુછપરછ માટે અમે ગૌતમને હજુ બોલાવ્યો નથી.’’
૩૭ વર્ષીય મોડેલે સંખ્યાબંધ જાહેરાતોમાં ભાગ લીધી હતી અને ‘વિબગ્યોર એન્ટરટેઈનમેન્ટ’ નામની ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની પણ ચલાવતી હતી. શુક્રવારની સાંજે તે પોતાના ઘરના પંખા પરથી લટકતી મળી આવી હતી. પડોસીઓએ કહ્યું કે વિવેકા ઘરે હતી અને તેમણે તેને ઘણીવાર બૂમ પાડી હતી પણ તેનો જવાબ ન મળવાથી પોલીસને બોલાવવામાં આવી હતી.
તેના ઘરમાંથી પોલીસે પત્રો, ડાયરી, વિવેકાનો મોબાઈલ અને લેપટોપ જપ્ત કર્યા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કુપર હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે વિવેકા એક શેર દલાલના પ્રેમમાં હતી, પણ તાજેતરમાં તેમના સંબંધો કથળી ગયા હતા.
ઘટનાસ્થળે તપાસ કરતા ફોરેન્સિક નિષ્ણાતોએ કહ્યું કે તેમને ઘટનાસ્થળેથી બે જુદી જાતના ફીંગરપ્રીન્ટ મળી આવ્યા હતા - એક મહિલાની અને બીજો પુરુષની. તપાસકર્તાઓ એવી શંકા દાખવે છે કે બીજા ફીંગરપ્રીન્ટ તે શેરદલાલના હોય શકે છે, જે તેના ઘરે નિયમિત આવતો હતો.
વિવેકા બાબાજી, જે મિસ મોટીશીયસ પણ રહી ચુકી હતી. તેના મૃત્યુ પાછળનું રહસ્ય ઘેરું બનતું જાય છે. શનિવારે પોલીસે કહ્યું કે તેમને ‘સ્યુસાઈડનોટ’ મળી આવી છે.
વિવેકાએ ગુરૂવારે રાત્રે મોરિશિયસમાં પોતાની બહેનને ફોન કરીને માતાની કાળજી લેવા કહ્યું હતું. તેણે એવું પણ કહ્યું હતું કે ‘‘હું બધાથી દુર જઈ રહી છું...’’
૧૯૯૦ના દશકમાં વિવેકાએ મોડેલ તરીકે ઘૂમ મચાવી હતી, અને ‘કામસૂત્ર’ જાહેરાતે તેને યાદગાર બનાવી દીધી હતી.