home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > રાષ્ટ્રીય >

પેટ્રો પેદાશોના ભાવવધારાનો દેશભરમાં વિરોધ

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૨૬

યુપીએ સરકાર દ્વારા રાંધણ ગેસ, પેટ્રોલ, ડિઝલ અને કેરોસીનના ભાવમાં કરાયેલા જંગી વધારા સામે વિરોધ પક્ષોએ આંધ્ર પ્રદેશ, કેરળ, ઓરિસ્સા, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં હડતાળો- બંધ પાળ્યા હતા. જો ભાવ વધારો પાછો ખેંચવામાં નહિ આવે તો વઘુ તીવ્ર આંદોલનની ચિમકી પણ વિપક્ષોએ આપી હતી. બંધ- હડતાળની હાકલોને નોંધપાત્ર પ્રતિસાદ અપાયો હતો. રેલવે પ્રધાન મમતા બેનરજીએ પણ પેટ્રો પેદાશોના ભાવ વધારાને પાછો ખેંચવાની પોતાની માગણી દોહરાવી હતી.

અનેક રાજ્યોમાં દેખાવો અને હડતાળ ઃ વધારો પાછો ખેંચવા તમામ વિરોધ પક્ષની માંગ ઃ વિપક્ષોને સંગઠિત થવા શરદ યાદવની સલાહ

દેશના મુખ્ય વિરોધ પક્ષ ભાજપ દ્વારા મહારાષ્ટ્ર, જમ્મુ-કાશ્મીર, ચંડીગઢ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પેટ્રો પેદાશોના ભાવ વધારાના વિરોધમાં પ્રદર્શનો કર્યા હતા. ઉત્તર પ્રદેશમાં ભાજપના કાર્યકરો શેરીઓમાં ઉતરી આવ્યા હતા. દેખાવકારોને વિખેરવા પોલીસે જળ તોપનો ઉપયોગ કર્યો હતો. લખનૌમાં ભાજપના સાંસદ લાલજી ટંડને આક્ષેપ લગાવ્યો હતો કે પેટ્રો ઉત્પાદનો પર ભાવ નિયંત્રણ હઠાવીને કેન્દ્ર સરકારે આવશ્યક ચીજવસ્તુઓનો અંકુશ ખાનગી કંપનીઓને સોંપી દીધો છે. ધરણા પછી ભાજપના નેતાઓ અને કાર્યકરો વિધાનસભા તરફ કૂચ કરી ગયા હતા.

પશ્ચિમ બંગાળમાં ડાબેરી મજૂર યુનિઅન સીટુ દ્વારા ૨૪ કલાકના બંધનું એલાન કરાયું હતું. ફયુઅલમાં ભાવ વધારો પાછો ખેંચાવવા સરકાર પર દબાણ વધારવા આંદોલન તીવ્ર બનાવાશે તેમ પણ માર્કસવાદી નેતા મોહમ્મદ સલીમે જણાવ્યું હતું.

યુપીએ સરકારના રેલવે પ્રધાન અને તૃણમુલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનરજીએ ભાવ વધારો પાછો ખેંચવાની પોતાની માગણી દોહરાવવા સાથે ડાબેરીઓ પ્રાયોજિત હડતાળને વાજબી ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે દરેકને વિરોધ કરવાનો અધિકાર છે.

આંધ્ર પ્રદેશમાં તમામ વિરોધ પક્ષો પેટ્રો ભાવ વધારા સામે શેરીઓમાં ઉતરી આવ્યા હતા અને રેલીઓ યોજી હતી. મુખ્ય પ્રધાન કે. રોશૈયાહે એવી હૈયાધારણ આપી હતી કે ભાવ વધારાની અસર ઘટાડવા તેમની સરકાર પહેલી જુલાઇએ નિર્ણય લેશે.

જનતા દળ (યુ)ના પ્રમુખ શરદ યાદવે તમામ વિરોધ પક્ષોને એક જૂટ થઇ પેટ્રો પેદોશોના ભાવ વધારા સામે રાષ્ટ્ર વ્યાપી હડતાળની હાકલ કરી હતી જેને ભાજપ દ્વારા સમર્થન અપાયું હતું.

મુંબઈમાં ભાજપના વરિષ્ઠ નેતા ગોપીનાથ મુન્ડેએ પેટ્રોલિયમ પેદાશોમાં ભાવ વધારો અને દેશભરમાં આસમાને ગયેલા ફૂગાવાના વિરોધમાં પક્ષાના કાર્યકરોની આગેવાની લીધી હતી. દક્ષિણ મુંબઈ ખાતે ભાજપની પ્રાદેશિક કચેરીની બહાર પક્ષના કાર્યકરોને સંબોધતા મુન્ડેએ જણાવ્યું હતું કે યુપીએ સરકારની જનતા વિરોધી નીતિઓ ફૂગાવાને વધારવા માટે જવાબદાર છે. ગઈકાલે જાહેર કરાયેલા પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવ વધારાને વખોડતા તેમણે જણાવ્યું હતું કે આનાથી સામાન્ય માનવી પર વધારાનો બોજો ઉભો થશે.

કેરળમાં સીપીઆઈ (માર્કસવાદી) પક્ષના વડપણ હેઠળ ડાબેરી મોરચાએ પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધારાના વિરોધમાં સમગ્ર રાજયમાં સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીના બંધનું એલાન આપ્યું હતું. એલાનને ભારે સફળતા મળવા સાથે સામાન્ય જનજીવન ઠપ થઇ ગયું હતું. જાહેર પરિવહન અને ટ્રકો સહિતનાં વેપારી વાહનો માર્ગો પર દેખાયાં ન હતાં. જોકે, રેલવે ટ્રાફિકને કોઇ અસર થઇ ન હતી. યુનિવર્સિટીઓ દ્વારા આજની પરીક્ષાઓ મુલતવી રખાઇ હતી. આવશ્યક સેવાઓને બંધમાંથી મુકિત અપાઇ હતી.

ત્રિપુરામાં પણ ડાબેરી મોરચા દ્વારા રાંધણ ગેસ અને ઓટો ફયુઅલ્સના ભાવ વધારા સામે એક દિવસની હડતાળનું એલાન અપાયું હતું. આ હડતાળ સોમવાર સવારથી આરંભાશે.

 
Copyright   © Gujarat Samachar