અમેરિકાએ પાક.ને ત્રણ આઘુનિક એફ-૧૫ ફાઈટર વિમાન આપ્યાં
(પી.ટી.આઈ.) ઈસ્લામાબાદ, તા. ૨૬ પાકિસ્તાને ત્રણ અદ્યતન એફ-૧૬ ફાઈટર વિમાન મેળવ્યા છે. જે બાબતમાં ટિપ્પણી કરતા એક અધિકારીએ કહ્યું કે બધા ‘આંતરિક અને બાહ્ય જોખમ’ સામે આ વિમાનોનો ઉપયોગ કરી શકાશે. વર્ષના અંત સુધીમાં બીજા ૧૫ વિમાન પૂરાં પાડશે ઃ ઈઝરાયેલ પછી આ અમેરિકી વિમાન મેળવનારો પાક. બીજો દેશ એક અધિકૃત પ્રવકતાએ દાવો કર્યો કે ઈઝરાયેલ ઉપરાંત પાકિસ્તાન જ એક માત્ર એવો દેશ છે જેને એફ-૧૬નું લેટેસ્ટ મોડેલ મળ્યા છે, જે ઈસ્લામાબાદ અને વોશંિગ્ટન વચ્ચેના વ્યુહાત્મક સંબંધોનું ઉદાહરણ છે. અધિકારીઓએ કહ્યું કે પાકિસ્તાનના એક હવાઇમથક પર ત્રણ નવા વિમાન પહોંચી ગયા છે. અને બીજા પંદર વિમાનની ડીલીવરી આ વર્ષના અંત સુધીમાં મળી જશે. પાકિસ્તાનના હવાઇ મુખ્યાલય ખાતે પાકિસ્તાની એરફોર્સ (પીએએફ)ના એક પ્રવકતાએ કહ્યું કે એફ-૧૬ના ઉપયોગ બાબતમાં કોઇ શર્ત લાદવામાં નથી આવી અને ‘‘બધા આંતરિક અને બાહ્ય’’ જોખમો સામે તેનો ઉપયોગ થઇ શકશે. આ નવા વિમાનોમાં જે અદ્યતન સુવિધાઓ આપવામાં આવી છે, તેમાં ‘ચોથી અને પાંચમી જનરેશનના એવીઓનીક્સ, રાત્રિકાર્યવાહી માટે સ્નાઇપર ફાયર કરવા સુસંગત પોડસ, જોખમની ચેતવણી આપતી આઘુનિક સીસ્ટમ, ઈલેકટ્રોનિક યુઘ્ધ કરી શકે તેવા સાધનો, જમીન પર બાજનજર નાખી માહિતી ભેગી કરી શકે તેવી સીસ્ટમ અને ‘હેક’ ન થઇ શકે તેવી ડેટાલીંક વિગેરેનો સમાવેશ થાય છે. એવી માહિતી પ્રવકતાએ આપી હતી. તેમણે વઘુમાં કહ્યું કે ‘‘કોઇ પણ અન્ય દેશના હવાઈદળની આક્રમણ કરવાની યોજના વિફળ બનાવી શકાય તેવી સક્ષમતા હવે પીએએફ ધરાવશે.’’ અત્રેના અમેરિકી દૂતાવાસે બહાર પાડેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાનને પુરા પાડવામાં આવનારા આ નવા એફ-૧૬ વિમાનો પાકિસ્તાનને નવી સક્ષમતા બક્ષશે, જેમાં ‘‘રાત-દિવસ, દરેક મૌસમમાં અને ચોક્કસતાથી લક્ષ્ય વીંધી શકવાની’’ સક્ષમતાનો સમાવેશ થાય છે. પાકિસ્તાન ૧૮ વિમાનો માટે ૧.૪ અબજ ડોલર ચુકવી રહ્યું છે, અને હવાઈ દળના એફ-૧૬ વિમાનોના તેમના હયાત કાફલાને ૨૦૧૨માં અપગ્રેડ કરવા બીજા ૧.૩ અબજ ડોલર ચુકવશે. |