| ઉરૂગ્વે તરફથી સુઆરેઝે બંને ગોલ ફટકાર્યો સાઉથ કોરિયાને ૨-૧થી હરાવીને ઉરૂગ્વે ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યું
પોર્ટીએલિઝબોય, તા. ૨૬ ઉરૂગ્વેએ સાઉથ કોરિયાને વર્લ્ડકપ ફૂટબોલમાંથી બહાર ફેંકતા ૨-૧થી પરાજય આપ્યો હતો. આ નોક આઉટ મુકાબલો હોઈ જે ટીપ જીતે તે જ કવાર્ટર ફાઈનલમાં આગેકૂચ કરી શકે તેમ હતી. સાઉથ કોરિયા વર્લ્ડકપમાંથી બહાર આજની મેચ બંને પક્ષે ખૂબ લડાયક મિજાજ સાથે રમાઈ હતી અને રમતની ગુણવત્તા પણ ઉચ્ચ રહી હતી. ઉરૂગ્વેએ માત્ર આઠમી મિનિટમાં જ લુઈસ સુઆરેઝના ગોલની મદદથી સરસાઈ મેળવી હતી. હાફટાઈમે ઉરૂગ્વે ૧-૦થી આગળ હતું. હાફ ટાઈમ બાદ સાઉથ કોરિયાએ જોરદાર વળતું આક્રમણ કર્યું હતું. જેનું તેઓને વળતર પણ મળ્યું હતું. ચુંગ્યોંગે ૬૮મી મિનિટમાં જોવાલાયક ગોલ કરીને ટીમને રાહતનો દમ આપતી બરાબરીએ મુક્યું હતું. મેચ વધારાના સમયમાં જશે તેમ બંને ટીમ એકબીજાને મચક નહોતી આપતી. તેવામાં જ સુઆરેઝે ઉરૂગ્વે વિજયી સરસાઈ અપાવતો બીજો ગોલ ભેટ ધર્યો હતો. સાઉથ કોરિયાએ આખરી મિનિટોના મરણીયા પ્રયાસ કર્યો છતાં ઉરૂગ્વેએ ગોલ નોંધાવવાની તક નહોતી આપી. |