મુંબઈ હુમલાનો પાક. શકમંદ ઝિમ્બાબ્વેમાંથી ઝડપાયો (પી.ટી.આઇ.) જોહાનિસબર્ગ, તા. ૨૬ મુંબઈના ૨૬/૧૧ના હુમલામાં સંડોવણીના શકમંદ પાકિસ્તાની નાગરિકની ઝિમ્બાબ્વેમાંથી ધરપકડ કરવામાં આવી છે. તે દક્ષિણ આફ્રિકામાં પ્રવેશવાની ફિરાકમાં હતો. આ ધરપકડના પગલે આતંકવાદીઓનું જૂથ ફીફા વર્લ્ડકપ પર હુમલો કરવાનું કાવતરું બનાવી રહ્યું હોવાની અટકળોએ જોર પકડ્યું છે. દ. આફ્રિકામાં ધૂસણખોરી કરવાના પ્રયાસમાં પકડાયો ફિફા વર્લ્ડકપ આતંકવાદીઓના નિશાન પર હોવાની શંકા સૂત્રોએ જણાવ્યું હતું કે, ઇમરાન મોહમદ (૩૩) અને ચૌધરી પરવેઝ અહમદ (૩૯)ને ઇમિગ્રેશન વિભાગની બાતમીના આધારે ઝિમ્બાબ્વે અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બેઇબ્રિજ બોર્ડર પોસ્ટ ખાતે આંતરવામાં આવ્યા હતા. આ બન્ને વ્યક્તિ નકલી પાસપોર્ટ પર મુસાફરી કરી રહી હતી. સ્થાનિક અખબારી અહેવાલોમાં જણાવ્યા પ્રમાણે મોહમ્મદ પાકિસ્તાનમાં વોન્ટેડ છે અને તે મુંબઈ હુમલામાં કથિત સંડોવણી ધરાવે છે. અહેવાલમાં જણાવાયું હતું કે, મોહમંદ અને અહમદ સાઉદી અરેબિયાથી ટાન્ઝાનિયા ગયા હતા અને ત્યાં તેમણે રોડ મારફતે ઝિમ્બાબ્વે આવતા પહેલાં કેન્યાનો પાસપોર્ટ મેળવ્યો હતો. આ ઘટના અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે બન્ને શકમંદો પોલીસ તપાસમાં સહકાર આપી રહ્યા છે. આ ક્ષેત્રના મદદનીશ ઇમિગ્રેશન અધિકારી ઇવાન્સ સિઝિબાએ જણાવ્યું હતું કે, આ સમગ્ર બાબત હાલ પોલીસ પાસે છે અને કંઈક નક્કર માહિતી મળ્યા બાદ માઘ્યમો સમક્ષ જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત બન્ને વ્યક્તિઓ સામે આંતરરાષ્ટ્રીય ધરપકડ વોરંટ જારી કરાશે કે કેમ તે અંગે પણ અધિકારીએ કંઈ કહેવાનું ટાળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ બન્ને શકમંદો ફિફા વર્લ્ડ કપને નિશાન બનાવવા માટે દક્ષિણ આફ્રિકામાં ધૂસવા માગતા હોવાની શક્યતા વ્યક્ત કરાઈ છે પણ દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વેની પોલીસે મુલાકાતીઓની સલામતી અંગે સંપૂર્ણ ખાતરી આપી છે. |