| ડ્રેનેજ ઉભરાવા સહિતના પ્રશ્ને મ્યુનિ. બોર્ડમાં વિપક્ષની પસ્તાળ
અમદાવાદ, અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં ગટર, પાણી સહિતની સમસ્યાના મુદ્દે આજે મ્યુનિ. બોર્ડમાં વિરોધ પક્ષે પસ્તાળ પાડી હતી અને શાસક પક્ષને સાણસામાં લેવાનો પ્રયાસ કર્યો હતો. શહેરના પૂર્વ વિસ્તારમાં ગટર ઉભરાવાના કારણે હાલાકી ભોગવતા રહીશોના રોષનો ભોગ કાઉન્સિલરો અને મ્યુનિ. અધિકારીઓ બની રહ્યા હોવા અંગે ઉગ્ર રજુઆત કરાઈ હતી. ઝીરો અવરમાં વિપક્ષી નેતા સુરેન્દ્ર બક્ષી અને હંિમતસંિહ પટેલે કહ્યું કે, શહેરના વિવિધ ભાગોમાં પાણી, ગટર સહિતની પાયાની સુવિધા પૂરી પાડવામાં ઉદાસીનતા સેવાઈ રહી છે. ડ્રેનેજ ઉભરાવા અંગે વારંવાર ફરિયાદો અને રજુઆતો કરવા છતાં તેનો નિકાલ કરાતો નથી અને તેના કારણે સ્થાનિક કાઉન્સિલરોને તથા અધિકારીઓને લોકોના આક્રોશનો ભોગ બનવું પડે છે. આગામી દિવસોમાં કોર્પોરેશનની ચૂંટણી યોજાનાર છે તે બાબતને ઘ્યાનમાં લેતાં પાયાના પ્રશ્ને યુદ્ધના ધોરણે પગલાં ભરવામાં નહીં આવે તો પ્રજાના પ્રતિનિધિઓએ રહીશોનો રોષનો સામનો કરવો પડશે,એવી દહેશત તેમણે વ્યક્ત કરી હતી. મ્યુનિ. દ્વારા કરોડોના ખર્ચ કરીને સ્ટોર્મ વોટર ડ્રેનેજ, ડક્ટ લાઈન અને ડ્રેનેજ લાઈનો નાંખવા છતાં ગોમતીપુર, રખિયાલ, વટવા, પોટલીયા, બાપુનગર, વગેરે વિસ્તારોમાં ગટરો ઉભરાય છે અને નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. અમદાવાદમાં ગણતરીના દિવસોમાં ચોમાસુ શરૂ થશે. આથી ચોમાસામાં વરસાદી પાણી ભરાવાને કારણે તેમજ ગટરો ઉભારવાને કારણે લોકોને હેરાનગતિ ન થાય તે માટે તત્કાળ પગલાં લેવા જોઈએ. |