આર્ટસ, કોમર્સના પી.જી.સેન્ટરો બંધ કરવા દરખાસ્ત અમદાવાદ, ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલી કોલેજોમાં ચાલતાં આર્ટસ,કોમર્સ અને સાયન્સના પી.જી.સેન્ટરોમાં ચાલુ વર્ષથી સેમેસ્ટર સીસ્ટમ દાખલ કરી દેવામાં આવી છે. સેમેસ્ટર સીસ્ટમમાં વર્ષમાં બે વખત પરીક્ષા લેવા ઉપરાંત અનેક પ્રકારની સમસ્યાના કારણે નવુ સત્ર શરૂ થાય તે પહેલા જ કેટલીક કોલેજોએ પી.જી.સેન્ટર ચલાવવા ઇન્કાર કરી દીધો હોવાનું બહાર આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર રાજયની દરેક યુનિવર્સિટીઓમાં એક સરખા અભ્યાસક્રમ અને પરીક્ષા સીસ્ટમ દાખલ કરવાના ભાગ રૂપે ચાલુ વર્ષથી સેમેસ્ટર સીસ્ટમનો અમલ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે યુનિવર્સિટીના ભવનોમાં જ પી.જી.સન્ટરો ચાલતાં હોય છે પરંતુ વિદ્યાર્થીની સંખ્યા વધતાં ધીમે ધીમે શહેરની અંદાજે ૫૦ ઉપરાંત કોલેજોને પી.જી.સેન્ટરો ચલાવવાની મંજુરી આપવામાં આવી છે. જો કે, ભવનોને બાદ કરતાં એકપણ પી.જી.સેન્ટરોમાં કાયમી અઘ્યાપકો કે અલગ સ્ટાફ નથી. રેગ્યુલર કોલેજના પ્રિન્સીપાલ વધારાની જવાબદારી તરીકે પી.જી.સેન્ટરો ચલાવતા હોય છે. ચાલુ વર્ષથી સેમેસ્ટર સીસ્ટમ દાખલ કરવામાં આવી છે જેના કારણે હવે વર્ષમાં બે વખત પરીક્ષા સહિત વિદ્યાર્થીઓના રેકર્ડ રાખવાની જવાબદારી કોલેજ પર આવી પડી છે. મોટાભાગની કોલેજોમાં રેગ્યુલર અઘ્યાપકો ન હોવાના કારણે વીઝીટીંગ ફેકલ્ટીથી કામ ચલાવવું પડે છે. અનેક કોલેજોમાં અઘ્યાપકો ન મળવાના કારણે વિદ્યાર્થીઓએ અભ્યાસથી વંચિત રહેવું પડતું હોય છે. અ પ્રકારની પરિસ્થિતિના કારણે ચાલુ વર્ષે નવું શૈક્ષણિક વર્ષ શરૂ થાય તે પહેલા જ શહેરની અનેક કોલેજોએ પી.જી.સેન્ટરો બંધ કરી દેવા દરખાસ્ત કરી હોવાનું બહાર આવ્યું છએ. |