home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

ગુજરાતમાં ઉઘરાવાતો ઘરખમ વેરો
પેટ્રોલ ઉપર ૨૫ ટકા અને ડીઝલ ઉપર ૨૩ ટકા વેરો

ગાંધીનગર,

પેટ્રોલિયમ પેદાશો ઉપર અસહ્ય ભાવવધારો ઝીંકતા પહેલા કેન્દ્ર સરકારે ગુજરાત સહિત તમામ રાજ્ય સરકારોને તેમના રાજ્યમાં પ્રવર્તતા પેટ્રોલ- ડીઝલના વેટના દરો ઘટાડવા માટે જણાવ્યું છે. પરંતુ ગુજરાત સરકારના સૂત્રો કહે છે કે, ગુજરાતમાં ડીઝલ- પેટ્રોલ ઉપરના વેટના દરો ઘટાડવા કોઈ વિચારણા ચાલતી નથી કે એવી કોઈ હિલચાલ પણ નથી.

કેન્દ્રએ અપીલ કરી છે પણ વેરો ઘટાડવા માટે ગુજરાત સરકારની કોઈ વિચારણા નથી

ગુજરાતમાં પેટ્રોલ ઉપર ૨૩ ટકા વેટ વત્તા ૨ ટકા એડિશનલ વેરો મળીને ૨૫ ટકા વેરો વસૂલ થાય છે. જ્યારે ડીઝલ ઉપર ૨૧ ટકા વેટ વત્તા ૨ ટકા એડિશનલ વેરો મળીને ૨૩ ટકા વેરો વસુલ થાય છે. આ વેરો ઘટાડવામાં આવે છે કે નાબૂદ કરવામાં આવે તો મોંઘવારીના સમયમાં લોકોને રાહત થાય પરંતુ ગુજરાતના નાણાં વિભાગના સૂત્રો કહે છે કે, વેરો ઘટાડવા માટે હાલ કોઈ મુવમેન્ટ નથી.

બે વર્ષ પહેલાં ગુજરાતમાં પેટ્રોલ ઉપર વેટનો દર ૨૬ ટકા હતો અને ડીઝલ ઉપર વેટનો દર ૨૪ ટકા હતો. કેન્દ્ર સરકારે દબાણ કર્યું અને ગુજરાતમાં ભારે હો- હા થઈ એટલે તા. ૧૧-૬-૦૮ના રોજ ગુજરાત સરકારે જાહેરનામું બહાર પાડીને ડીઝલ અને પેટ્રોલના વેટના દરોમાં ત્રણ- ત્રણ ટકાનો ઘટાડો કર્યો હતો. પરંતુ એડિશનલ ટેક્સ જે છેલ્લા ત્રણ વર્ષથી ૨ ટકા વસુલ થાય છે તે અવારનવાર માંગણી ઉઠતી હોવા છતાં રદ નહિ કરવામાં આવતા લોકોને સરવાળે તો પેટ્રોલ- ડીઝલ મોંધુ જ પડી રહ્યું છે.

છેલ્લા ચાર વર્ષની ગુજરાત સરકારની પેટ્રોલ- ડિઝલના વેરાને કારણે થતી આવકના આંકડા જોઈએ તો તે કૂદકે ને ભૂસકે વધી રહી છે. મહત્ત્વની બાબત એ છે કે, પેટ્રોલ ડિઝલના દરોમાં ૩ ટકાનો ઘટાડો કરવા છતાં આવક વધી છે. સૂત્રો કહે છે કે, ૨૦૦૬-૦૭માં આવક રૂા. ૩૩૦૦ કરોડ હતી, તે ૨૦૦૭-૦૮માં રૂા. ૩૫૭૯ કરોડ રહી, ૨૦૦૮-૦૯માં રૂા. ૪૫૧૭ કરોડ થઈ અને ૨૦૦૯-૧૦માં રૂા. ૪૧૭૨ કરોડની આવક થઈ છે. છેલ્લા બે વર્ષમાં એસ્સારની રિફાઇનરી શરૂ થતા તેને ડિફર્ડ પેમેન્ટના પ્રોત્સાહનરૂપે મહિને રૂા. ૧૨૦ કરોડની વેરામાફીનો લાભ મળે છે તેનો અંદાજ છેલ્લા બે વર્ષની અંદાજિત આવકમાં દર્શાવાયો છે એમ સૂત્રો કહે છે.

Copyright   © Gujarat Samachar