કાલાવાડ રોડ ઉપર રહેણાંક વિસ્તારમાં રેસ્ટોરાં પર દરોડા રાજકોટ,શનિવાર રાજકોટના યુનિવર્સિટી રોડ, કાલાવાડ રોડ વિસ્તાર રહેણાંક વિસ્તાર છે અને લોકો વ્યાપારી વિસ્તારોથી દૂર શાંતિ મળે તે માટે ત્યાં રહેવાનું પસંદ કરે છે પણ બીજી તરફ આ લત્તામાં પાનના ગલ્લાથી માંડીને રેસ્ટોરાં ખડકાઈ જતા ન્યુસન્સ સર્જાવા લાગ્યા છે જે અંગે દસેક લત્તાવાસીઓએ મ્યુનિ.કમિશનરને કરેલી ફરિયાદ બાદ મ્યુનિ.ટીમો ત્રાટકી હતી અને માલસામાન જપ્ત કરી લેવાયો હતો. રહેણાંકમાં ચા-પાનની દુકાને રાત્રિના રખડુ છોકરાઓ ભેગા થતા હોવાની ફરિયાદો બાદ કોર્પો.ની ટીમ ત્રાટકી સ્વીમીંગ પૂલની પાછળ, રામપાર્ક મેઈનરોડ વગેરે લત્તામાંથી આવેલી ફરિયાદ મૂજબ પાનની દુકાન, થડાં તેમજ રેસ્ટોરાં પાસે મોડી રાત્રિના જમેલા જામે છે જેને કારણે રહેણાંક લત્તામાં ન્યુસન્સ સર્જાય છે. આ સ્થળે આજે મ્યુનિ.ટીમે માર્જીનમાં રહેલું દબાણ પણ દૂર કર્યું હતું. કાલાવાડ રોડ પર ખેતલા આપા ટી સ્ટોલ પાસે પણ દબાણ હટાવયું હતું. સામાન્ય રીતે આવી ફરિયાદો પોલીસમાં થતી હોય છે પણ તુરંત પગલા લેવાય તે માટે લોકો ટ્રાફિક જામથી માંડીને આવારા તત્વોના જમેલા સહિતની ફરિયાદો કોર્પો.માં કરવા લાગ્યા છે. |