home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

માઘુપુરા બેન્કના રિવાઈવલ માટે કોઈ નક્કર દરખાસ્ત ન આવી

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,

માઘુપુરા મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બૅન્કને ઉગારી લેવા માટે આજે મળેલી રિવાઈવલ બોર્ડ અને છ શિડ્યૂલ કો-ઓપરેટીવ બૅન્કની બેઠકમાં કોઈ જ પોઝિટીવ નિર્ણય લેવાઈ શક્યો નથી. આજની બેઠકમાં માઘુપુરા બૅન્કના રિવાઈવલ બોર્ડનાં ચૅરમૅન રાધા સંિહે ગુજરાતના અને દેશના સહકારી ક્ષેત્રના હિતમાં બૅન્કને પુનઃધબકતી કરવાની સરકારની ઇચ્છા હોવાનો નિર્દેશ છ શિડ્યૂલ કો-ઓપરેટીવ બૅન્કના વડાઓને આપ્યો હતો.

માઘુપુરા બેન્ક ચાલુ કરવી છે,પરંતુ શું કરવું છે તે અંગે કોઈ જ નક્કર દરખાસ્ત રજૂ કરવામાં ન આવી

આજે મળેલી બોર્ડની બેઠકમાં થયેલી ચર્ચા અને માઘુપુરાના રિવાઈવલ માટે સહયોગ આપવા બોલાવવામાં આવેલી છ શિડ્યૂલ કો-ઓપરેટીવ બૅન્કો સાથે ચર્ચા અંગે માહિતી આપતા ચૅરમૅન રાધા સંિહે કહ્યું હતું કે આજે તો માત્ર રિવાઈવલ માટેની ભૂમિકા બાંધવામાં આવી છે. અમે કોઈ જ નક્કર યોજના રજૂ કરી નથી. આ માટેની કોઈ જ સ્કીમની ચર્ચા પણ કરવામાં આવી નથી. આજે માત્ર ભૂમિકા જ બાંધવામાં આવી છે. બૅન્કને કેમ રિવાઈવ કરવી જોઈએ તે જ જણાવવામાં આવ્યું છે.

નવાઈ પમાડે તેવી બાબત તો એ છે કે બૅન્ક ખાડે ગયાને આજે દસ વર્ષ જેટલો સમય થવા આવ્યો છે અને નવાં ચૅરમૅને ચાર્જ લીધો તેને પણ આઠથી દસ મહિના વીતી ગયા હોવા છતાંય રિવાઈવલની માત્ર ઉપરછલ્લી વાતો જ કરવામાં આવી રહી છે. આ માટે આજે પણ કોઈ નક્કર યોજના માઘુપુરા મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બૅન્કનું બોર્ડ કે કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ રજૂ કરી શક્યા નથી.

અત્યારે મળી રહેલા નિર્દેશો પ્રમાણે માઘુપુરા બૅન્કમાં નાણાં રોકનારી ગુજરાતની ૨૭૫ બૅન્કના નાણાં ન ડૂબી જાય તે માટે જ ટાઈમ પાસ કરવા માટે આ કવાયત હાથ ધરવામાં આવી રહી હોવાનું જણાઈ રહ્યું છે. બીજી તરફ માઘુપુરા મર્કન્ટાઈલ કોઓપરેટીવ બૅન્કનો માચડો કડડડભૂસ થાય તો તેની અસર હેઠળ માઘુપુરા બૅન્કમાં ૬૧૬.૯૦ કરોડનું રોકાણ કરનારી ૨૭૫ બૅન્કોમાંથી અત્યારે મરવાને વાંકે જીવી રહેલી સંખ્યાબંધ સહકારી બૅન્કોના વાવટા પણ સંકેલાઈ જવાની શક્યતા હોવાથી તેઓ નક્કર યોજના વિના જ માત્ર બૅન્કના રિવાઈવલની ચર્ચા છેડી રહ્યા છે. માઘુપુરા મર્કન્ટાઈલ બૅન્કમાં કરેલા રોકાણના નાણાં પાછા ન મળ્યા હોવાથી પ્રોવિઝન કરીને માંડ તેની અસરમાંથી નીકળી રહ્યા છે ત્યારે નવી જવાબદારી લેવા કોઈ જ સહકારી બૅન્ક તૈયાર નથી. બીજું, દસ દસ વર્ષથી જે બૅન્કની ફસાયેલી મૂડી છૂટી કરાવવામાં વર્તમાન બોર્ડ સફળ થયું નથી તે બૅન્કની ફસાયેલી મૂડી રિકવર થવાની શક્યતા જ ઓછી હોવાથી લંગડા ઘોડા પર દાવ લગાવવા કોઈ જ આગળ આવે નહિ તમ શિડ્યૂલ કો-ઓપરેટીવ બૅન્કના અગ્રણીઓનું કહેવું છે.

જોકે સહકારી બૅન્ક ફેડરેશનના વડા જ્યોતિન્દ્ર મહેતાનું કહેવું છે કે ગુજરાતના સહકારી ક્ષેત્રના હિતમાં માઘુપુરા બૅન્ક રિવાઈવ થવી જોઈએ. કેતન પારેખને પાઠ ભણાવવા માટે પણ નક્કર પગલાં લેવાતા થાય તે માટે પણ બૅન્ક રિવાઈવ થવી જોઈએ. તેમનું કહેવું છે કે બૅન્કમાં શિડ્યૂલ બૅન્કોએ તેમની મૂડી લગાવવી કે ન લગાવવી તેનો સવાલ જ ઊભો થતો નથી.

આમ તો બૅન્ક પાસે અત્યારે રૂા. ૨૪૦ કરોડનું ભંડોળ છે તેને ડિપ્લોય કરવાનું આયોજન કરીને પણ રિવાઈવલની દિશામાં વિચાર કરી શકાય છે.

સવા બસો સહકારી બેન્કોને બચાવવા ઉપરછલ્લી કવાયત

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,

માઘુપુરા બૅન્ક બંધ પડી જાય તો રાજ્યની કુલ મળીને ૨૩૫ બૅન્કોમાંથી ઓછામાં ઓછી ૭૫થી વઘુ બૅન્કોને ગંભીર અસર પડે તેવી શક્યતા હોવાથી જ બૅન્કના રિવાઈવલની વાત છેડવામાં આવી છે. માઘુપુરા બૅન્કમાં ૨૭૫ બૅન્કોએ મળીને રૂા. ૮૦૦ કરોડથી વઘુની ડિપોઝીટ મૂકી હતી. આ ડિપોઝીટમાંથી બૅન્કોને અત્યાર સુધીમાં ૨૬.૫ ટકા રકમ ચૂકવવામાં આવી છે. આ બૅન્કના કુલ મળીને રૂા. ૬૧૬.૯૦ કરોડ હજીય બૅન્કમાં પડ્યા છે.

માઘુપુરા બૅન્કમાં ૧૮૫ સહકારી બૅન્કના રૂા. ૧ કરોડ સુધીની ડિપોઝીટ પડેલી છે. ત્રણ બૅન્કોના રૂા. ૨૦થી ૨૫ કરોડ પડ્યા છે. બાવીસ બૅન્કોના રૂા. ૨ કરોડ સુધીની રકમ પડી છે. પંદર બૅન્કોના રૂા. ૩ કરોડ સુધીની રકમ રોકાયેલી છે. નવ બૅન્કની રૂા. ૪ કરોડ સુધીની રકમ પડેલી છે. પાંચેક બૅન્કના રૂા. ૫ કરોડ સુધીની રકમ માઘુપુરા બૅન્કમાં સલવાયેલી છે. પાંચથી છ બૅન્કના રૂા. ૭ કરોડ સુધીની રકમ સલવાયેલી છે. આ બૅન્કોને આ રકમ સામે જોગવાઈ કરી લેવાની સૂચના આપી છે. પરંતુ તેમના નફાના ધોરણો એટલા ઊંચા ન હોવાથી તેમને માટે આ તમામ રકમની પ્રોવિઝન કરવી લોઢાના ચણા ચાવવા જેટલી કઠિન છે. પરિણામે માઘુપુરાનો માચડો તૂટી પડે તો ૭૫થી વઘુ બૅન્કોમાં ફફડાટ ફેલાઈ જવાની શક્યતા છે. આ એક જ કારણને આગળ રાખીને તેમણે ફરી એકવાર રિવાઈવલની વાત છેડી હોવાનું માનવામાં આવે છે.

Copyright   © Gujarat Samachar