મોસમી પવન ગુજરાત પહોંચ્યા હોવા છતાં વરસાદનો અભાવઅમદાવાદ, શનિવાર નૈૠત્યના મોસમી પવનો ગુજરાત સુધી પહોંચ્યા છે પરંતુ તેની ગતિવિધિ મંદ પડી ગઇ છે અને ચોમાસું નબળું પડ્યું છે તેવું હવામાનખાતાએ સ્વીકાર્યું છે. તા.૧૮ થી ૨૬મી જૂન સુધીમાં નૈૠત્યના પવનની ભજની ગ્રીડ અમદાવાદ- રાજકોટ સુધી પહોંચી છે પરંતુ વરસાદની ગતિવિધિ નબળી છે અને આ સપ્તાહ દરમ્યાન તેમાં કોઇ જોર આવે તેવી સંભાવના નથી. સખત ગરમીએ ભેજને નબળો બનાવ્યો ચોમાસાની ગતિવિધિ મંદ પડી હવામાનખાતાના જણાવ્યા મુજબ પૂર્વ-મઘ્ય અરબી સમુદ્રથી બંગાળના ઉપસાગરમાં ઉત્તર સુધી એક છીછરો ઝોેન ઉદ્દભવ્યો છે. ચોમાસુ હાલમાં છત્તીસગઢ ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં કેટલાક ભાગમાં આગળ વઘ્યું છે. ચોમાસાના ભેજની ગ્રીડ આજે રાજકોટ, અમદાવાદ, ઇન્દોર, સિઓની, પેન્દ્રા અને અંબિકાપુર, ગયા, મુઝફરપુર સુધી વધી છે. પરંતુ આ સપ્તાહ દરમ્યાન ચોમાસાની ગતિવિધિ પશ્ચિમતટના કેટલાક પ્રાંતોને બાદ કરતાં મંદ રહી છે. ભેજની ગ્રીડ ગુજરાત સુધી વિસ્તરવાના પરિણામે આજે દિવસ દરમ્યાન સખત બાફનો અનુભવ થયો હતો. પરંતુ ગરમીનું પ્રમાણમાં વિશેષ રહ્યું હતું. સોજે હવામાનમાં પલટો આવ્યો હતો અને આકાશ કાળાં ડીબાંગ વાદળોથી ઘેરાઇ ગયું હતું અને વરસાદની આશા બંધાઇ હતી. જો કે હવામાનખાતાની આગાહી મુજબ ગુજરાત-સૌરાષ્ટ્રમાં હળવાથી મઘ્યમ પ્રમાણમાં જ ગાજવીજ સાથે કેટલાક સ્થળોએ વરસાદ પડે તેવી સંભાવના છે. ચોમાસાની ઝમાવટ થાય તેવા વરસાદની એકાદ-બે દિવસ દરમ્યાન કોઇ શક્યતા નથી. ગુજરાતમાં આજે સૌથી વઘુ ગરમી ઇડરમાં ૪૨.૫ ડિગ્રી અને ડીસામાં ૪૧.૪ ડિગ્રી નોંધાઇ હતી. અમદાવાદ શહેરમાં દિવસ દરમ્યાન ગરમી ૪૦.૪ ડિગ્રી સે.ગ્રે. નોંધાઇ હતી. જે સામાન્ય કરતાં ૩ ડિગ્રી વઘુ હતી. લધુત્તમ તાપમાન ૨૮.૫ ડિગ્રી સે.ગ્રે. નોંધાયું હતું. જે સામાન્ય કરતાં ૨ ડિગ્રી વધુ હતુ. હવામાં ભેજનું પ્રમાણ સવારે સાડા આઠ વાગે ૭૯ ટકા અને સાંજે સાડા પાંચ વાગે ૪૦ ટકા નોંધાયું હતું. રાજ્યમાં કોઇપણ સ્થળે નોંધપાત્ર કહી શકાય તેવો વરસાદ પડ્યો ન હતો. હવામાનખાતાની સ્થાનિક આગાહી જણાવે છે કે આવતીકાલે સાંજે અથવા રાતે ગાજવીજ સાથે કેટલાક વિસ્તારમાં વરસાદ પડે તેવી સંભાવના છે. દિવસ દરમ્યાન ગરમીનું પ્રમાણ ૪૦ ડિગ્રી સે.ગ્રે. જેટલું રહેશે. |