અમદાવાદના પરિવારને હાલોલ પાસે અકસ્માત નડતાં પાંચનાં મોત અમદાવાદ,શનિવાર અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં રહેતા એક પરિવારને આજે વહેલી સવારે પંચમહાલના હાલોલ નજીક અકસ્માત નડતાં પરિવારના મોભી સહિત પાંચ વ્યક્તિના કરુણ મૃત્યુ નીપજ્યા હતાં, જ્યારે બે બાળકો અને ડ્રાઇવર સહિત પાંચનો બચાવ થયો હતો. આજે સાંજે ઘોડાસરથી આ પરિવારની અંતિમવિધિ વખતે કરુણ દ્રશ્યો સર્જાયા હતાં. એક સાથે પાંચ સભ્યો ગુમાવતાં પંચાલ પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયું હતું. બે બાળકો અને ડ્રાઇવર સહિત પાંચનો બચાવ ઘોડાસર વિસ્તારમાં દુર્ગા-નિગમ રોડ પર વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા મણિભાઇ પંચાલ તેમના પરિવાર સાથે શિરડી દર્શન કરવા ગયા હતાં. દર્શન કરીને તેઓ પરત ફરી રહ્યા હતાં ત્યાર હાલોલના બાસ્કા ગામ પાસે હાઇવે પર ઉભેલી ટ્રકની પાછળ તેમની ક્વોલિસ કાર ધૂસી ગઇ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં મણિભાઇ પંચાલ, તેમના પત્ની મંગીબેન, દિકરો કિરીટભાઇ, દિકરી જ્યોતિબેન અને જમાઇ મનોજભાઇના મૃત્યુ નીપજ્યા હતાં. અકસ્માત એટલો બધો ગમખ્વાર હતો કે કાર ટ્રકની પાછળ ધૂસ્યા પછી તેની સીટો હવામાં ફંગોળાઇને ૨૫ ફૂટ દૂર જઇને પડી હતી. જોકે આ ઘટનામાં કારચાલક મહેન્દ્ર રાઠોડનો આશ્ચર્યજનક રીતે બચાવ થયો હતો. બચનારામાં મણિભાઇના દિકરા સંજય અને દોહિત્ર-દોહિત્રી સાગર-ડોલી તેમજ એક અન્ય મહિલાનો પણ સમાવેશ થાય છે. ઘટના બાદ મણિભાઇ, તેમના પત્ની અને દિકરા કિરીટનો અંતિમસંસ્કાર અમદાવાદના હાટકેશ્વર સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતાં. જ્યારે તેમના દિકરી-જમાઇના અંતિમસંસ્કાર ગોધરા પાસેના તેમના ગામમાં કરવામાં આવ્યા હતાં. |