ડુપ્લીકેટ આર.સી. બુકથી ચોરાઉ કાર વેચતી આંતરરાજ્ય ગેંગ
‘માસ્ટર કી’થી ૧૭ કાર ચોરી રાજસ્થાની ગેંગના ૩ ઝડપાયા
અમદાવાદ, શનિવાર
અમદાવાદમાં દરરોજ સરેરાશ એક ડઝન જેટલા નાના મોટા ચોરાય છે. વર્ષ ૨૦૦૯ દરમ્યાન ૧૬ કરોડની કંિમતના વાહનો ચોરી જનારાંઓ પોલીસની પહોંચ બહાર રહ્યા છે. પોલીસ એવી શંકા વ્યક્ત કરતી હતી કે, પરપ્રાંતિય ગેંગ વાહનચોરીમાં સંડોવાયેલી છે. આ શંકા સાચી ઠરી હોય તેમ પોલીસે રાજસ્થાનના સાંચોરમાં કાર્યરત અને અમદાવાદમાંથી ૧૭ કાર અને ૧૬ બાઈકો ચોરનાર ત્રણ તસ્કરોને પકડી પાડયા છે. સાંચોર વિસ્તારની ગેંગના યુવકો બસમાં અમદાવાદ આવી ખાસ પ્રકારની ‘માસ્ટર કી’થી મિનિટોમાં જ કારનો દરવાજો અને ઈન્ગીશન લોક ખોલી મિનિટોમાં જ વાહન ચોરી રાજસ્થાન પલાયન થઈ જતા હતા. રાજસ્થાનમાં પાણીના ભાવે કાર વેચી દેતા હતા. સ્થાનિક ગેંગ ડુપ્લીકેટ આર.સી. બુક બનાવી વાહન વેચી દેવાનું નેટવર્ક ચલાવે છે. આ ગેંગે ગુજરાતમાં અનેક સ્થળોએ વાહનો ચોર્યા છે. આ પ્રકારે આંતરરાજ્ય વાહનચોર ગેંગનું નેટવર્ક ખૂલ્યું છે.
સાંચોરના યુવકો અમદાવાદ આવી મિનિટોમાં જ બોલેરો, ક્વાલીસ કાર અને બાઈકો ચોરી રાજસ્થાન જતા રહેતા
સેટેલાઈટ પોલીસની ટીમ જોધપુર ચાર રસ્તા પાસે વાહનચેકીંગ કરી રહી હતી. બાતમી પરથી પોલીસે ઓમપ્રકાશ સુખરામ બિશ્નોઈ (ઉ.વ. ૨૦, રહે. કુરેગાંવ, સાંચોર) અને છોટે ઉર્ફે ખેંગારામ બળવંતલાલ બિશ્નોઈ (ઉ.વ. ૨૦, રહે. બાગોડા, સાંચોર)ને પકડી પાડયા હતા. બન્ને પાસેથી ખાસ પ્રકારની માસ્ટર કી મળી આવી હતી. પી.એસ.આઈ. વી.પી. પટેલ અને કે.જે. પટેલે કરેલી પૂછપરછમાં એવી વિગતો ખૂલી હતી કે, આ બન્ને યુવકો છેલ્લા બે વર્ષથી ગુજરાતમાં સક્રિય હતા. ઓમપ્રકાશ અને છોટે રાજસ્થાનથી બસ કે અન્ય વાહન દ્વારા ગુજરાતમાં આવતા હતા. કોઈપણ શહેરમાં જઈ એલન્કી પાનામાંથી બનાવવામાં આવેલી ખાસ પ્રકારની માસ્ટર કીથી મિનિટોમાં જ વાહન ચોરી બન્ને શખ્સો રાજસ્થાન જતા રહેતા હતા. આ શખ્સોએ અમદાવાદમાંથી ૭ બોલેરો, બે ક્વાલીસ અને ૧૬ બાઈકો ચોર્યા હતા. ઉદેપુર અને જયપુર વિસ્તારમાં ચોરાઉ વાહનો ખરીદતી ગેંગને કાર માત્ર રૂા. ૩૫થી ૬૦ હજારમાં વેચી દેવાતી હતી. આ ગેંગ ડુપ્લીકેટ આર.સી. બુક બનાવી ચોરાઉ વાહનો બીજી વ્યક્તિઓને વેચી દેવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે.
ઓમપ્રકાશ અને છોટે ઉર્ફે ખેંગારામે અમદાવાદના સેટેલાઈટ, બાપુનગર, વસ્ત્રાપુર, ઘાટલોડીયા, નારણપુરામાંથી વાહનો ચોર્યા છે. આ ઉપરાંત, સુરત શહેરમાંથી ત્રણ કાર અને ત્રણ મોટરસાયકલ ચોર્યાની કેફીયત આરોપીઓએ આપી છે. બન્ને આરોપી અગાઉ સુરત, ગાંધીનગર, ગાંધીધામ અને ધાનેરામાં વાહનચોરીના આરોપસર પકડાઈ ચૂક્યા છે.
આ ઉપરાંત, ડી.સી.પી. ઝોન-૧ સ્કવોડના સ્કવોડના દિલીપસંિહ વાઘેલા અને સ્ટાફે વસ્ત્રાપુર તળાવ પાસેથી શૈતાનસંિહ ક્રિષ્નારામ બિશ્નોઈ (રહે. ગુંદવ, સાંચોર)ને પકડી પાડયો છે. શૈતાન અને ગણપત નામના શખ્સોએ અમદાવાદમાંથી ૪, સુરતમાંથી બે અને ઊંઝા, કલોલમાંથી ૧-૧ કાર ચોર્યાની કેફીયત આપી છે. આ આરોપીઓ ચોરાઉ વાહનો બાડમેરમાં રૂા. ૩૫થી ૫૫ હજારમાં વેચી દેતા હતા. વાહનચોરીના સતત બનાવો વચ્ચે પોલીસે આંતરરાજ્ય ગેંગને પકડવામાં સફળતા મેળવી છે. પૂછપરછમાં અનેક ચોંકાવનારી વિગતો ખૂલવાની સંભાવના વ્યક્ત કરાય છે.
ખાસ પ્રકારની માસ્ટર કીથી ઈગ્નિશન લોક પણ ખૂલે
અમદાવાદ, શનિવાર
વાહનચોરીના બે આરોપીઓ પાસેથી મળી આવેલી માસ્ટર કી જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પ્લાસ્ટીકના મજબૂત હેન્ડલમાં એલન્કી પાનાને ઘસીને બનાવવામાં આવેલી માસ્ટર કીથી પળવારમાં જ ડોર લોક અને હેન્ડલ લોક પણ ખૂલી જાય છે. પોલીસે માસ્ટર કીથી મુદ્દામાલ તરીકે પકડાયેલી કારના લોક પણ ખોલી જોયા હતા. આરોપીઓને માસ્ટર કીનો હૂનર જયપૂરના દિપક નામે શિખવ્યો હોવાની વિગતો પણ પોલીસ તપાસમાં ખૂલી છે. આથી, પોલીસને એવી આશંકા છે કે રાજસ્થાનમાં વાહનચોરોની આયોજનબઘ્ધ ગેંગ કાર્યરત છે.