આજનો દિનમહિમાઆજે તા. ૨૭ જૂન રવિવાર જેઠ વદ એકમ, સામાન્ય દિવસ છે. બંગાળના લોકહૃદયના જાદુગર શરદબાબુ ભાષાઓના સીમાડાઓ વટાવી અસંખ્ય વાચકો સુધી પહોંચી ગયેલા બંગાળના સર્જક, લોકહૃદયના જાદુગર નવલકથાકાર શ્રી શરદચંદ્ર ચટ્ટોપાઘ્યાય ‘શરદ બાબુ’નો જન્મ ૨૭-૬-૧૮૩૮માં બંગાળના હુગલી દેવનન્દપુર ગામે થયો. જ્યારે રવીન્દ્રનાથ છવાયેલા હતા ત્યારે તેમણે તેમની વાર્તાઓથી ચુપચાપ બંગાળી વાચકના મનમાં પ્રવેશ કર્યો અને કબજો લીધો. તેમની દેવદાસ, પલ્લીસમાજ, શ્રીકાન્ત, ચરિત્રહીન, પથેરદાબી, વિરાજવહુ નવલકથાઓ મશહૂર બની. ગામડાઓનાં લોકજીવનને તેમણે જીવતું કર્યું. માનવીનું મન અને તેમાં યે સ્ત્રીનું મન કેટલું સંવેદનશીલ છે તે તેમણે દર્શાવ્યું. શરદ બાબુની નવલકથાનાં નાટકો, ફિલ્મો, સિરિયલો બન્યાં છે. ગુજરાતીમાં તેમનું વિપુલ સાહિત્ય છે. ગુજરાતનો વિશ્વકોશ ગુજરાતમાં- ગુજરાતી ભાષામાં પહેલીવાર પોતાનો વિશ્વકોશ- એન્સાઇક્લોપીડિયા આપનાર, મઘ્યકાળથી આઘુનિકકાળ સુધીનો સ્વચ્છ, સરળ, સંપૂર્ણ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ આપનાર, મોડાસાને વિદ્યા અને સંસ્કૃતિનું ધામ બનાવનાર, ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ, સમર્થ આચાર્ય અને સાહિત્યકાર ડૉ. ધીરુભાઈ ઠાકરનો જન્મ ૨૭-૬-૧૯૧૮માં થયો. વ્યાપક સમભાવ, ઝીણું રસદર્શન કરાવવાની કુશળતા, સંપૂર્ણ જાણકારી, ઘ્યેય વિવેચનને કારણે તેમનું સાહિત્ય વિદ્યાર્થીઓ, અઘ્યાપકો, વિદ્વાનો, સર્વસામાન્યમાં લોકપ્રિય થયું છે. વિશ્વકોશ ભવનને સાહિત્ય, વિચાર, લલિતકલા - એમ જીવનના સર્વ વિષયોનું વિચાર કેન્દ્ર તેમણે બનાવ્યું. એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હ્યુમન સ્ટ્રક્ચર એટલું સંપૂર્ણ- સુશોભિત છે કે ખીચોખીચ શ્રોતાઓથી કાર્યક્રમો શોભી ઉઠ્યાં છે. |