આસપાસછૂટાછેડા પછી પતિના નામ-અટક જારી રાખવા બાબતે ફૂટબોલની જેમ અફળાતી સ્ત્રીઓ સંતાનના નામ પાછળ પિતાના સ્થાને માતાનું નામ મુકવાની મહારાષ્ટ્ર સરકારની પહેલ સંિગલ મધર માટે આશીર્વાદરૂપ પુરવાર થશે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતના દંપતીઓમાં છૂટાછેડાનું પ્રમાણ ખાસ્સું એવું વધી ગયું છે. પરંતુ છૂટાછેડા લીધા પછી સંબંધિત સ્ત્રીએ પોતાના નામની પાછળ પતિનું નામ અને અટક લગાવવાનું ચાલુ રાખવું કે પિતાનું નામ અને અટક લગાવવા એવો પ્રશ્ન ઉભો થાય છે. છુટાછેડાના કેસ લડતાં વકીલો કહે છે કે ભારતની બહુ ઓછી મહિલાઓ પતિથી કાયદેસર રીતે છૂટી પડી ગયા પછી પણ તેમનું નામ અને અટક લગાવવાનું બંધ કરે છે. આનું કારણ લાંબા વર્ષોનું વૈવાહિક જીવન અને બાળકો હોય છે. ઘણીવાર વિવાહના એકાદ-બે દાયકા વિતાવી લીધા પછી પતિ-પત્ની છૂટાછેડા લે છે. આટલા લાંબા વર્ષો દરમિયાન સંબંધિત સ્ત્રીની ઓળખ ‘ફલાણાની પત્ની’ તરીકે સ્થાપિત થઈ ચૂકી હોય છે. આવી સ્થિતિમાં તેમની ઓળખ ખોવાઈ જવાની ભીતિ આ મહિલાઓને સતાવે છે. ખાસ કરીને શ્રીમંત કુટુંબની માનુનીઓને આ વાત વઘુ લાગુ પડે છે. સામાજિક ક્ષેત્રે તેમની ઓળખ, માન, મોભો તેમના પતિના નામને આધારે હોય છે. આવી સ્થિતિમાં જો તેઓ પોતાના નામ પાછળથી પતિનું નામ-અટક કાઢીને પોતાના પિતાનું નામ-અટક લગાવે તો તે મને આ મોભો ગુમાવવાનો વારો આવે. અન્ય કારણ એ છે કે સંતાનોના નામ પાછળ પિતાનું નામ-અટક લાગે ત્યારે જોે તે પોેતાના નામ સાથે પિતાનું નામ-અટક જોડે તો તે એકદમ વિચિત્ર લાગે. આવી સ્થિતિ ટાળવા મોટાભાગની માનુનીઓ છૂટાછેડા બાદ પણ પતિનું નામ-અટક લગાવવાનું જારી રાખે છે. શિવસેના સુપ્રીમો બાળાસાહેબ ઠાકરેની પૂત્રવઘુ સ્મિતા ઠાકરેની જ વાત કરીએ તોે તેણે વર્ષો અગાઉ તેના પતિથી છૂટાછેડા લઈ લીધાં હોવા છતાં તેના પતિની અટકનો ઉપયોગ કરવાનું જારી રાખ્યું છે. આવી સ્થિતિમાં જેને ખબર ન હોય કે તે પતિથી કાયદેસર રીતે છૂટી પડી ગઈ છે તેને એમ જ લાગે કે તે ઠાકરે પરિવારની વહુ છે. સ્મિતા ઠાકરેના ઉદાહરણ પરથી સેંકડો ડિવોર્સી યુવતીઓએ પણ પોેતાના નામ સાથે તેમના ભૂતપૂર્વ પતિનું નામ જોેડી રાખવાનું જારી રાખ્યું છે. પરંતુ તાજેતરમાં મુંબઈ હાઈકોર્ટે એક છૂટાછેડા લીધેલી યુવતીને તેના નામ પાછળ પતિનું નામ અને અટક ન લગાવવાનો આદેશ આપ્યો ત્યારથી એ ચર્ચાએ જોેર પકડ્યું છે કે પતિથી કાનૂની રીતે છૂટાં પડ્યા પછી જે તે સ્ત્રીએ તેના નામનો ઉપયોગ કરવો કે નહીં. આવી પરિસ્થિતિ ઊભી થવાનું કારણ એ છે કે આપણા કાયદામાં છૂટાછેડા પછી પતિનાં નામનો ઉપયોગ કરવાનું જારી રાખવું કે નહીં તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. ધારાશાસ્ત્રીઓના કહે છે કે છૂટાછેડા લીધા પછી ઘણીવાર સ્ત્રીઓ પૂછતી હોય છે કે તેઓ તેમના પતિનું નામ પોતાના નામ પાછળ લગાવી શકે કે તેમણે તેમના પિતાના નામ-અટક લગાવવાં પડશે. વાસ્તવમાં આ મહિલાઓ એ નથી જાણતી હોતી કે આપણા કાયદામાં છૂટાછેડા લીધેલી સ્ત્રીએ તેનું નામ બદલવાની જરૂર છે કે નહીં તેની સ્પષ્ટતા કરવામાં નથી આવી. બીજું તેઓ પોતાનું નામ ગમે ત્યારે બદલી શકે છે. મુંબઈ હાઈકોર્ટે તાજેતરમાં આ પ્રકારનો ચુકાદો આપ્યો તેનું કારણ હતું સંબંધિત સ્ત્રીના પતિએ તેના નામના ઉપયોગ સામે લીધેલો વાંધો. વાસ્તવમાં વર્ષ ૨૦૦૬માં આ સ્ત્રીને ફેમિલી કોર્ટમાંથી છૂટાછેડા મળી ગયા હતા. હાઈકોર્ટે પણ એ વર્ષમાં જ તેમના છૂટાછેડા પર મજૂરીની મોહર લગાવી હતી. પરંતુ આ મહિલાએ સમાજમાં પોતાને તેના પતિની પત્ની તરીકે ઓળખાવાનું ચાલુ રાખ્યું. તેણે પોતાના નામે પાછળ પતિના નામનો ઉપયોગ જારી રાખવા સંબંધે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા. સંબંધિત દંપતીએ તેમના લગ્નના છ માસ પછી છૂટાછેડા લેવા માટે કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. તેઓ છેક ૧૯૯૬થી અદાલતના પગથિયાં ઘસી રહ્યાં હતાં. તેમને છૂટાછેડા મળ્યાં ત્યાર બાદ આ મહિલાએ તેના પતિ પાસેથી વઘુ ભરણપોષણની માગણી કરી ત્યારે તેના પતિએ પોતાના ધારાશાસ્ત્રી દ્વારા અદાલતમાં એવી અપીલ કરી હતી કે આ મહિલા હવે તેની પત્ની નથી. તેથી તેને તેના નામ પાછળ મારું નામ ન જોડવાનો આદેશ આપવો જોેઈએ. આમ કરવા પાછળનું કારણ આપતાં તેણે જણાવ્યું હતું કે તેની ભૂતપૂર્વ પત્નીએ તેમના મહારાષ્ટ્ર ખાતેના ગામમાં એક સ્થાનિક અખબારમાં એવા મતલબનું લખાણ છપાવ્યું હતું કે તે હજી પણ તેની પત્ની છે. તેણે વઘુમાં કહ્યું હતું કે ગામડાંઓમાં આજે પણ લોકો તેમના પારિવારિક નામ-પ્રતિષ્ઠાથી ઓળખાય છે. તેની ભૂતપૂર્વ પત્નીની આવી હરકતથી તેની સામે તેનો સમગ્ર પરિવાર આહત થયો છે. વળી તે હજી પણ પોતાના નામ સાથે મારું નામ-અટક જોડે છે. તે ગેરમાર્ગે દોેરનારું છે. અદાલતે નોેંઘ્યું હતું કે બંને કોર્ટમાંથી છૂટાછેડા પર મોહર લાગી ગઈ હોવા છતાં તે ભૂતપૂર્વ પતિના નામનો દુરુપયોગ બેંક અકાઉન્ટ માટે કરે છે. છેવટે કોર્ટે તેને તેના પતિના નામનો ઉપયોગ ન કરવાનો આદેશ આપ્યો હતો. નિષ્ણાતો કહે છે કે આપણો કાયદો એમ નથી કહેતો કે પતિને કાનૂની રીતે ત્યજી દીધાં પછી તેનું નામ પણ ત્યજી દેવું જોઈએ. પરંતુ તાજેતરમાં મુંબઈ હાઈકોર્ટના ચુકાદાને પગલે ઘણાં ડિવોર્સી પતિઓ આમ કરવા પ્રેરાશે. જોકે તેઓ એમ પણ કહે છે કે છૂટાછેડા લીધા પછી પતિના નામનો દુુરુપયોગ કરનારી મહિલાને આવો આદેશ આપવાનું યોગ્ય ગણાય. પરંતુ લાંબા વર્ષો સુધી સાથે રહ્યા પછી જ્યારે પત્નીની ઓળખ જ તેના પતિનું નામ બની ગઈ હોય, સંબંધિત દંપતીને સંતાનો પણ હોય ત્યારે આ પ્રકારનો ચુકાદો યોગ્ય ન ગણાય. અલબત્ત, લગ્ન પછી એકાદ-બે વર્ષમાં છુટાછેડા લેનારી માનુનીએ તેનું લગ્ન પહેલાંનું નામે અપનાવી લેવું જોઈએ. છુટાછેડાના એક નિષ્ણાત ધારાશાસ્ત્રી કહે છે કે સામાન્ય રીતે નામની બાબતમાં સ્ત્રીઓ અહીંથી ત્યાં ફંગોળાતી રહે છે. વિવાહથી પહેલા તેના નામ સાથે તેના પિતાનું નામ-અટક જોડાયેલાં હોય છે. લગ્ન પછી કાયદો ન હોવા છતાં, સામાજિક રીતરિવાજ મુજબ તે પતિનું નામ-અટક અપનાવે છે. ઘણી જાતિઓમાં તો જે તે પરણેતરનું મૂળ નામ પણ બદલી નાખવામાં આવે છે. પરંતુ આજે ઘણી સ્ત્રીઓ આ રિવાજ સામે અવાજ ઉઠાવી રહી છે. તેઓ લગ્ન પછી પણ પોતાનું મૂળ નામ યથાવત્ જાળવી રાખવાનો આગ્રહ રાખે છે. ઘણી મહિલાઓ છુટાછેડા લીધા પછી પોતાના વિવાહ પહેલાનું પૂરું નામ અપનાવી લે છે અને તેમના સંતાનના નામ પાછળ પણ તેમના પિતાની અટકને બદલે, તેણે પોતે અપનાવેલી અટક લગાવવાનો આગ્રહ રાખે છે. ગોવાની એક લેખિકા એથેલ ડિ’કોસ્ટાનું ઉદાહરણ લઈએ તો તેણે તેના પતિ પાસેથી છુટાછેડા લીધાં ત્યાર પછી તેની પુરાણી અટક અપનાવી લીધી. તે ઈચ્છતી હતી કે તેના બાળકોના નામ પાછળ પણ હવે તેની જ અટક લગાવવામાં આવે, તેમના પિતાની નહીં. ડી’કોસ્ટા તેના સંતાનોની કાયદેસરની વાલી હતી. અને સંતાનો જ્યાં સુધી ૧૮ વર્ષના ન થઈ જાય ત્યાં સુધી તેમની અટક નક્કી કરવાનો તેને હક્ક હતો. તેના ધારાશાસ્ત્રી કહે છે કે જો કોઈ છુટાછેડા લીધેલી નારી તેના સંતાનોની કાયદેસરની વાલી હોય તોે તે ચાહે તો, તેમના નામ પાછળ પોતાની અટક લગાવી શકે. કાયદેસરના વાલી માટે આ પ્રક્રિયા સરળ પણ હોય છે. પરંતુ મોંકાણ એ છે કે આપણે ત્યાં વિદેશની જેમ છુટાછેડા પછી પતિનું નામ-અટક ત્યજી દેવાનોે સ્પષ્ટ કાનૂન નથી. અમેરિકામાં છુટાછેડા લેનારી સ્ત્રીએ કાનુની રીતે તેના પતિના નામ-અટકનો ત્યાગ કરવો પડે છે. તાજેતરના મુંબઈ હાઈકોર્ટના ચુકાદાએ પણ આ દિશામાં જ ચુકાદો આપ્યો છે. પરંતુ મહારાષ્ટ્ર સરકાર કાંઈક જુદું જ વિચારી રહી છે. મહારાષ્ટ્ર સરકાર એવો ખરડો પસાર કરવા ઈચ્છે છે જેમાં શાળામાં બાળકના નામ પછી પિતાના નામના સ્થાને માતાનું નામ મુકવામાં આવે. આ તજવીજ આગામી શૈક્ષણિક વર્ષથી અમલમાં મુકવામાં આવે એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જો આ શક્ય બનશે તો સંિગલ મધરના સંતાનોને મોટો લાભ થશે. સાથે સાથે એકલા હાથે સંતાનનો ઉછેર કરતી માતાઓને પણ ઘણી રાહત પ્રાપ્ત થશે. બાળકને દત્તક લેવાની વાત હોય કે છુટાછેડા પછી પતિનું નામ ત્યજી દેવાની વાત હોય ત્યારે દરેક સ્ત્રીની આગવી કહાણી હોય છે. આજની પેઢીના સંતાનો પણ ઈચ્છે છે કે તેમના નામની પાછળ પિતાને બદલે માતાનું નામ મુકવામાં આવે. થોડા સમય પૂર્વેનો એક દાખલો લઈએ. ૧૯ વર્ષીય એક યુવતીએ પાસપોર્ટ માટે અરજી કરી હતી. પણ ફોર્મમાં તેણે પિતાના નામનું ખાનું ખાલી રાખ્યું હતું. કારણ? કારણ એ હતું કે તેના પિતાએ તેની માતા સાથે લગ્ન નહોતા કર્યાં. તેના જન્મ પછી તેના પિતા બંનેને છોડીને ચાલ્યા ગયા હતા. તે ૧૫ વર્ષની થઈ ગઈ ત્યાર પછી તેની માતાએ બીજા પુરુષ સાથે વિવાહ કર્યાં. પરંતુ હંિદુ દત્તક કાનૂન તે પંદર વર્ષની થઈ ગઈ હોવાથી તેના પિતા, એટલે કે તેની માતાનો પતિ, તેને દત્તક નહોતા લઈ શકતા. આમ બબ્બે પિતા હોવા છતાં તે પિતા તરીકે કોઈના નામનો ઉપયોગ નહોતી કરી શકતી. પાસપોર્ટના ફોેર્મમાં પિતાનું નામ લખવાનું ફરજિયાત હોવાથી તેણે જ્યારે પિતાના નામનું ખાનું ખાલી રાખ્યુ,ં ત્યારે તેને પાસપોર્ટ આપવામાં ન આવ્યો. છેવટે તેણે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા. હાઈકોર્ટે પાસપોર્ટ ઓફિસને આ કેસને અપવાદ ગણીને પાસપોર્ટ જારી કરવાનો આદેશ આપ્યો હતો, જેથી તે યુવતી અમેરિકા જઈને ઉચ્ચ શિક્ષણ મેળવવાની તેની મનસા પૂરી કરી શકે. બે જજની ખંડપીઠે જણાવ્યું હતું કે આવા કિસ્સાને ખાસ સંજોગોમાં ગણીને અપવાદરૂપ ફેંસલો આપવાની જરૂર પડે છે. આવી સ્થિતિમાં જોે બાળકના નામની પાછળ પિતાને બદલે માતાનું નામ મુકવાનું કાયદેસર હોય તો બાળક અને સંતાનને ઘણી રાહત થાય. ખાસ કરીને જ્યારે બીજી સ્ત્રી સાથેના પ્રેમ સંબંધને કારણે પુરુષ તેની પત્ની-સંતાનોને ત્યજી જાય ત્યારે. ઘણાં રાજ્યોમાં યુવતી તેના વિવાહ પછી પોતાની મૂળ અટક ત્યજી દેવાને બદલે આ અટકની સાથે જ પતિની અટક પણ લગાવે છે. જોકે હવે સેલિબ્રિટીઓમાં પણ આ ચલણ સામાન્ય બનતું જાય છે. જેમ કે અભિનેત્રી ઐશ્વર્યા રાય એ અભિષેક બચ્ચન સાથે વિવાહ કર્યાં ત્યાર પછી તે ઐશ્વર્યા રાય-બચ્ચન તરીકે ઓળખાય છે. પ્રસાર માઘ્યમમાં કામ કરતી યુવતીઓ કે લેખિકાઓ પણ પોતાની મૂળ ઓળખ જાળવી રાખવા પોતાના વિવાહ પહેલાના નામ-અટક પાછળ પતિની અટક લગાવે છે. ગોવામાં ૧૯૧૦માં પસાર કરવામાં આવેલા કાયદા મુજબ યુવતી વિવાહ પાછી ચાહે તો તેના પતિની અટક અપનાવી શકે અને ચાહે તો પોતાના વિવાહ પહેલાની અટક ચાલુ રાખી શકે. આ કાનૂન ‘પોર્ટુગીઝ’ સિવિલ કોડ-૧૮૬૭’ થી તદ્ન વેગળો હતો, જેમાં યુવતીએ વિવાહ પછી તેના પતિની અટક અપનાવી લેવી પડતી. છૂટાછેડાના કેસમાં સ્ત્રી હમેશાં નામની બાબતે અવઢવ અનુભવતી હોય છે. પણ તેને પોતાના બાળકના નામ પછી પિતાના નામના સ્થાને પોતાનું નામ મુકવાની છૂટ નથી હોતી. આવી સ્થિતિમાં મહારાષ્ટ્ર સરકાર જો માતાને તેનું નામ મુકવાની કાનૂની છૂટ આપતી હોય તો તે સરાહનીય ગણાય. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યમાં આણંદીબેન શિક્ષણ પ્રધાન હતા ત્યારે એવો કાનુન ઘડી કાઢવામાં આવ્યો હતો કે જો માતા ઈચ્છે તો તે પોતાના સંતાનના નામની પાછળ તેના પિતાના નામને સ્થાને પોતાનું નામ મુકી શકે. |