ન્યુઝ ફોક્સઆઇપીએલ-૩માં ક્રિકેટ કરતાં કમાણીનું વઘુ મહત્ત્વ રહેશેક્રિકેટના સ્ટેડિયમો ઉપરાંત સિનેમા થિયેટરો, બીયર બારો, રેસ્ટોરાંઓ, ઇન્ટરનેટ અને મોબાઇલના સ્ક્રીન ઉપર પણ આઇપીએલની મેચો દર્શાવવામાં આવશે ઇન્સ્ટન્ટ ક્રિકેટની ધમાકેદાર ઇનીંગ્સ ફરીથી શરૂ થઈ ગઈ છે. જીવનનાં તમામ ક્ષેત્રોમાં ગુણવત્તા કરતા ધનની બોલબાલા જોવા મળે છે તો ક્રિકેટ પણ તેમાંથી બાકાત રહી શકે નહીં. આઇપીએલમાં પાકિસ્તાની ક્રિકેટરોને રમાડવા જોઈએ કે નહીં એ બાબતમાં શાહરૂખખાન અને શિવસેનાના નેતાઓ વચ્ચે શરૂ થયેલો વિવાદ હવે શાંત પડી ગયો છે. ભારતની ચૂંટણીઓને કારણે સરકારે સલામતી આપવાનો ઇનકાર કરતાં આઇપીએલ-૨ને દેશની બહાર લઈ જવાની ફરજ પડી હતી. હવે આઇપીએલ-૩ ભારતમાં જ રમાઈ રહી છે. ૨૦/ ૨૦ના આ વળગણ પાછળ લોકો જે રીતે પૈસા ખર્ચી રહ્યા છે તે જોઈને લાગે નહિ કે ભારતમાં ક્યાંય ગરીબી છે. આઇપીએલની નવી સિઝનમાં ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે કમાણીના અવનવા રસ્તાઓ શોધી કાઢ્યા છે. આ માટે ‘અતિથિ સત્કાર’ની એક મોંઘીદાટ સ્કીમ પણ અમલમાં લાવવામાં આવી છે. ૨૨ લાખ રૂપિયા ખર્ચીને કોઈ પણ વ્યક્તિ ‘ક્લબ લાઉન્જ’ નામની આ સ્કીમનો લાભ લઈ શકે છે. સ્કીમમાં સભ્ય બનનારને આઇપીએલની તમામ મેચો ફ્રીમાં જોવા મળશે. એટલું જ નહીં; જે શહેરમાં મેચ રમાઈ રહી હશે તે શહેરમાં ફાઇવ સ્ટાર હોટલમાં રહેવાની સવલત અને શોફર ડ્રીવન કારની સાહ્યબી પણ ભોગવવા મળશે. આ સ્કીમમાં માત્ર ૧૫૦ ટિકિટો વહેલા તે પહેલાના ધોરણે વેચવાની છે. જેઓ આખી ટુર્નામેન્ટનો આ રીતે લાભ લેવા ન માંગતા હોય તેમને એક મેચની ટિકિટ ૫૦,૦૦૦ રૂપિયામાં વેચવામાં આવશે. તેમાં પણ ઉદ્ઘાટન સમારંભ, સેમી ફાઇનલ અને ફાઇનલની ટિકિટો રૂા. ૧,૪૨,૦૦૦ની કંિમતે વેચવામાં આવશે. આ ટિકિટો ખરીદનારને સ્ટાર ક્રિકેટરોની સંગાથે બેસવાની તક મળશે. કેન્દ્રના નાગરિક ઉડ્ડયન ખાતાંના પ્રધાન પ્રફુલ્લ પટેલની પુત્રી પૂર્ણા પટેલ આઇપીએલમાં કામ કરે છે. તેણે ક્રિકેટના મનોરંજન દ્વારા કમાણી કરવાની આ અફલાતૂન સ્કીમ ઘડી કાઢી છે. આ સ્કીમનો લાભ લેનારી વ્યક્તિને મેચ પછી યોજાનારી પાર્ટીનું પણ આમંત્રણ મળશે અને આ પાર્ટીમાં ખાવા-પીવાનું મફતમાં મળશે. જો કોઈ વ્યક્તિ માત્ર આવી પાર્ટીમાં હાજર રહેવા માગતી હોય તો એક પાર્ટીના પાસ ૧૦,૦૦૦ રૂપિયાની કંિમતમાં વેચવામાં આવશે. આ પાર્ટીમાં જાણીતા વર્તમાન અને ભૂતપૂર્વ ક્રિકેટરો ઉપરાંત ફિલ્મસ્ટારો અને ગ્લેમરની દુનિયાના જાણીતા ચહેરાઓ પણ હાજર રહેશે. આ પાર્ટીમાં ફેશન પરેડનું આયોજન પણ કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિ પોતાની ફેવરિટ ટીમની બધી મેચો જોવા માગતી હોય તો તે માટે ‘માય ટીમ’ નામનું ખાસ પેેેકેજ પણ બનાવવામાં આવ્યું છે. આ સ્કીમ મુજબ ઉદ્ઘાટન સમારંભના બધા પાસો તો વેચાઈ ગયા છે. આ સ્કીમ હેઠળ કોઈને કોમ્પ્લિમેન્ટરી પાસ આપવામાં આવતા નથી. ક્રિકેટ હવે રમતગમત કરતાં વઘુ મનોરંજનનું માઘ્યમ બની ગયું છે. આઇપીએલની મેચોમાં કઈ ટીમ જીતે છે અને કયો ખેલાડી કેટલા રન કરે છે, તેના કરતા વઘુ મહત્ત્વ ગ્લેમર અને ઉત્સવ જેવા વાતાવરણનું થઈ ગયું છે. ક્રિકેટરો હવે મનોરંજનની બાબતમાં ફિલ્મસ્ટારો સાથે સ્પર્ધા કરી રહ્યા છે. આ વખતની આઇપીએલની મેચો ભારતમાં આશરે ૬૫૦ સિનેમા થિયેટરોમાં પણ લાઇવ બ્રોડકાસ્ટ થવાની છે. ૧૫૦થી ૩૦૦ રૂપિયાની ટિકિટ ખરીદીને મલ્ટીપ્લેક્સ કે સંિગલ સ્ક્રીનમાં મેચ જોનાર દર્શકને કંટાળાજનક જાહેરખબરો વગરની નિર્ભેળ મેચો જોવા મળશે. આ માટે આશરે ૬૫૦ થિયેટરો ૪૫ દિવસ સુધી બુક કરી દેવામાં આવ્યા છે. આ આંકડો વધીને ૭૦૦ ઉપર પણ પહોંચી શકે છે. એકલા મુંબઈ શહેરમાં ૫૦ થિયેટરો આઇપીએલની મેચો દેખાડવાના છે. આઇપીએલ-૩ની પ્રથમ ટિકિટનું લિલામ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની હાજરીમાં કરવામાં આવ્યું હતું. આ ટિકિટની બેઝપ્રાઇસ પાંચ લાખ રૂપિયા રાખવામાં આવી હતી. છેવટે ૧૧ લાખ રૂપિયામાં વેચાઈ હતી. આ સ્પર્ધાનું અન્ય આકર્ષણ સચિન તેંડુલકરના ઓટોગ્રાફ ધરાવતું બેટ હશે. સચિન તેંડુકલકરે અનેક મેચોમાં વાપરેલા આ બેટને બધા થિયેટરોમાં એક- એક દિવસ ‘દર્શન’માટે રાખવામાં આવશે અને છેલ્લે તેનું લિલામ કરી દેવામાં આવશે. આ લિલામમાંથી જે કોઈ આવક થશે તેનો ઉપયોગ સચિનની સંસ્થા ‘અપનાલય’ની પ્રવૃત્તિઓના વિકાસ માટે કરવામાં આવશે. આ રીતે ક્રિકેટપ્રેમીઓને સચિનના બેટને જોવાનો લહાવો મળશે. હવે ક્રિકેટના સ્ટેડિયમની જેમ સિનેમા હોલમાં પણ ચીયરલિડર છોકરીઓ, લાઇવ બેન્ડ સેલીબ્રેટીઓ જોવા મળશે. જાણીતા ચહેરાઓને પોતાને ત્યાં આકર્ષવા માટે મુંબઈના થિયેટરોમાં હોડ ચાલી છે અને સેલીબ્રેટીઓના ભાવો પણ ઉંચકાઈ ગયા છે. ઘણાં નાનાં શહેરોમાં પણ આ મેચોને કારણે સ્ટેડિયમ જેવો માહોલ ઉભો કરવામાં આવ્યો છે. નાગપુરમાં તો મેચો શરૂ થાય તે પહેલાં બધી ટિકિટો હાઉસ-ફૂલ વેચાઈ ગઈ છે. મુંબઈમાં એક મેચ થિયેટરમાં જોવાનો ભાવ ૨૫૦થી ૩૦૦ રૂપિયા રાખવામાં આવ્યો છે. આ રકમમાંથી સરકારને ૨૦થી ૩૪ ટકા જેટલી આવક મનોરંજન કરના સ્વરૂપમાં થશે. આ કારણે રાજ્ય સરકારો પણ ખુશ છે. જો આઇપીએલની મેચો જોવા માટે સિનેમા હોલમાં ૭૦ ટકા જેટલી બેઠકો ભરાઈ જાય તો આ સિઝનમાં ૬૦થી ૭૦ કરોડ રૂપિયાનો નફો થિયેટર માલિકોને થઈ શકે છે. ૪૫ દિવસ સુધી ભારતના અનેક સિનેમાગૃહોમાં આઇપીએલની મેચો દેખાડવામાં આવનારી હોવાથી આ દિવસોમાં અનેક સ્મોલ બજેટ ફિલ્મો પ્રદર્શિત કરી શકાશે નહીં; જેને કારણે આ ફિલ્મોને આઇપીએલ સ્પર્ધા પૂરી થાય ત્યાં સુધી રાહ જોવી પડશે. આંધ્રપ્રદેશ અને તામિલનાડુમાં સિનેમા નિર્માતાઓએ થિયેટરોમાં આઇપીએલની મેચો દેખાડવાનો વિરોધ કર્યો છે. એટલે આ બે રાજ્યોમાં એક પણ થિયેટરમાં મેચો દેખાડી શકશે નહિ. ક્રિકેટ અને સિનેમા વચ્ચે આ સીધી ટક્કર છે. આઇપીએલની મેચો ચાલતી હોય એ દરમિમયાન કોઈ બીગબજેટ ફિલ્મની રિલીઝ પણ થવાની નથી. તેમાં એકમાત્ર અપવાદ ‘હાઉસફૂલ’ છે. આ સિવાય બાકીની બીગ બજેટ ફિલ્મો ૧૬ એપ્રિલ પછી જ રિલીઝ થવાની છે. જો કે શ્યામ બેનેગલ અને સુભાષ ઘાઈની સ્મોલ બજેટ ફિલ્મો જોખમ ઉઠાવીને પણ આઇપીએલ-૩ દરમિયાન રિલીઝ થવાની છે. ઘણાં નિરીક્ષકો માને છે કે યંગ જનરેશન ક્રિકેટની સાથે સ્મોકીંગ અને ડ્રિન્કીંગની મજા પણ લેવા માંગતુ હોય છે. આ કારણે તેઓ થિયેટરમાં જવાને બદલે ઘરે રહેવાનું અથવા બીયર બારમાં જઈને ક્રિકેટની મજા માણવાનું વઘુ પસંદ કરશે. આ કારણે મોટા શહેરોમાં બારમાલિકોને જલસા થઈ જશે. મુંબઈ શહેરમાં મોટા ભાગના બારો અને હોટેલો પોતાના ગ્રાહકોને આઇપીએલની મેચો બીગ સ્ક્રીન એલસીડી ટીવી ઉપર મફત દેખાડવાની તૈયારીઓ કરી રહ્યા છે. આ હોટેલોના માલિકોએ આઇપીએલની મેચો દેખાડવા માટે આયોજકોને કોઈ રોયલ્ટી ચૂકવવી પડે કે કેમ તેની ચર્ચાઓ ચાલી રહી હતી. આ મૂંઝવણનો ઉકેલ કાઢવા મુંબઈ વિસ્તારની આશરે ૭,૦૦૦ રેસ્ટોરાં અને હોટેલના માલિકોની સંસ્થા ‘આહાર’એ કાનુની અભિપ્રાય મેળવ્યો હતો. તેમને એમ કહેવામાં આવ્યું હતું કે, હોટલોમાં જેમ અન્ય ટી.વી. કાર્યક્રમો દર્શાવવા માટે રોયલ્ટી નથી ચૂકવવી પડતી તેમ આઇપીએલની મેચો દેખાડવા માટે કોઈ રોયલ્ટી ચૂકવવાની આવશ્યકતા નથી. જે હોટેલો ૫૦થી વઘુ ઓરડાઓ ધરાવતી હોય તેમણે જ મનોરંજન વેરો ચૂકવવાની જરૂર રહેછે. જો કે, ‘આહાર’ સંસ્થા પોતાના સભ્યો પાસેથી આઇપીએલ-૩ની મેચો દર્શાવવા માટે મામૂલી ચાર્જ ઉઘરાવવાની છે, જેનો ઉપયોગ ભવિષ્યના કાનૂની ખર્ચને પહોંચી વળવા કરાશે. મુંબઈના જે બીયર બારોમાં આઇપીએલની મેચો દર્શાવવામાં આવતી હોય તેમણે આઇપીએલને કોઈ રોયલ્ટી ચૂકવવી જોઈએ કે નહીં એ બાબતમાં પણ વિવાદ ચાલી રહ્યો છે. નોવેક્સ કોમ્યુનિકેશન લિમિટેડ નામની કંપનીએ દાવો કર્યો છે કે તેને આઇપીએલ તરફથી આ પ્રકારના વેપારી સંસ્થાનો પાસેથી રોયલ્ટી ઉઘરાવવાના અધિકારો પ્રાપ્ત થયા છે. તેણે મુંબઈમાં ૫૦થી વઘુ બેઠકોની ક્ષમતા ધરાવતી તમામ રેસ્ટોરાંને ૨૦,૦૦૦ રૂપિયાથી લઈને ૨,૦૦,૦૦૦ રૂપિયા સુધીની ફી ચૂકવવાની નોટિસ મોકલી છે. તેની સામે ‘આહારે’ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)નો અભિપ્રાય માંગ્યો છે. ટ્રાઇએ એવો લેખિત અભિપ્રાય આપ્યો છે કે હોટેલમાલિકોએ તેમને કેબલ ઓપરેટર સિવાય કોઈને પણ રોયલ્ટી ચૂકવવાની જરૂર નથી. હવે આ મામલો કદાચ અદાલતમાં જશે. ત્રણ વર્ષમાં પૈસાની દ્રષ્ટિએ પણ આઇપીએલની કંિમતમાં ઘરખમ વધારો થયો છે. પહેલી વખત આઇપીએલની ટીમોનું લિલામ થયું ત્યારે બેઝ પ્રાઇસ પાંચ કરોડ ડોલર (આશરે ૨૫૦ કરોડ રૂપિયા) રાખવામાં આવી હતી. હવે જ્યારે બે નવી ટીમોનું લિલામ થવાનું છે ત્યારે બેઝપ્રાઇસ વધારીને ૨૨.૫ કરોડ ડોલર (આશરે ૧૧૦૦ કરોડ રૂપિયા) કરી દેવામાં આવી છે. હવે ૨૧મી માર્ચે જ્યારે ખરેખર લિલામ થશે ત્યારે આ બે ટીમની ખરી કંિમતનો ખ્યાલ આવશે. આ સ્પર્ધામાં ઇનામની રકમ પણ વધારીને ૩૦ લાખ ડોલર કરવામાં આવી છે. ક્રિકેટના સ્ટેડિયમો, સિનેમા થિયેટરો અને બીયર બારો ઉપરાંત ઇન્ટરનેટ અને મોબાઇલ ઉપર પણ આઇપીએલની મેચો જોવાની વ્યવસ્થા કરવામાં આવી છે. યુ-ટ્યુબ નામની વેબસાઇટ ઉપર આઇપીએલ-૩ની મેચો થોડા વિલંબથી લાઇવ દેખાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પહેલી વખત મોબાઇલના નાના પડદે પણ ક્રિકેટની લાઇવ મેચો નિહાળી શકાશે, જેમાંથી પણ કમાણી થશે. |