home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

વિચાર વિહાર

મહિલાઓને અનામત આપવાથી અન્યાય દૂર થઇ જશે ?

કેન્દ્રીય મંત્રીમંડળે મહિલા અનામત ખરડાને મંજૂરી આપી દીધી છે. ૮મી તારીખે વિશ્વ મહિલા દિન છે. છેલ્લા ૧૫ વરસથી સંસદમાં મહિલાઓને તેત્રીસ ટકા બેઠકો અનામત આપવાનો મુદ્દો ચર્ચાતો રહ્યો છે. ત્રણ-ત્રણ લોકસભા આવીને ગઈ, પણ આ મુદ્દે હજી સુધી સર્વસંમતિ સાધી શકાઈ નથી. ૧૯૯૬માં દેવગૌડા વડાપ્રધાન હતા ત્યારે આ મુદ્દો ઊઠયો હતો. અવારનવાર આ મુદ્દે સર્વપક્ષીય બેઠકો મળતી રહે છે પણ એકેય બેેેઠકમાં સર્વસંમતિ સાધી શકાતી નથી. સમાજવાદી પક્ષ આ અનામતનો વિરોધ કરે છે. લાલુ પ્રસાદનું રાષ્ટ્રીય જનતા દલ પણ વિરોધમાં છે. આ બંને પક્ષો એક જ શરતે ટેકો આપવા તૈયાર થયા છે. આ શરત છે કે તેત્રીસ ટકામાં પણ લધુમતી, અનુસુચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે પેટા અનામત રાખવામાં આવે.

આ પ્રશ્નનાં અનેક પાસાં છે, ઉપર ઉપરથી આ પ્રશ્ન મહિલા શકિતકરણનો લાગે અને એટલા પૂરતો એ આવકાર્ય લાગે. એ હકીકત છે કે, આપણા સમાજમાં મહિલાઓને સતત અન્યાય થાય છે. સતીની પ્રથા આજે પણ જીવંત છે. દેશમાં અને ગુજરાતમાં દરરોજ સેંકડો મહિલાઓને જીવતી જલાવાઈ દેવાય છે. દહેજ માટે મહિલાઓ ઉપર અમાનુષી અત્યાચારો ગુજારાય છે. મહિલાઓના શિક્ષણનું પ્રમાણ પુરુષો કરતાં ખૂબ ઓછું છે. ઉત્તર ભારતમાં પંચાયતો સમાન્તર અદાલતો ચલાવે છે અને ઇજારાના તથા ભંવરી દેવી જેવા કિસ્સા અવારનવાર સર્જાય છે. રાજસ્થાનમાં છડેચોક સામૂહિક બાળલગ્નો યોજવામાં આવે છે. મઘ્ય પ્રદેશમાં આ લગ્ન રોકવા ગયેલી એક મહિલા કાર્યકરના હાથ કાપી નંખાયા હતા.

આ ઉપરાંત ભારતીય મહિલાઓએ આવા અનેક અન્યાયોનો સામનો કરવો પડે છે. પ્રશ્ન એ છે કે, મહિલાઓને સંસદમાં તેત્રીસ ટકા અનામત બેઠકો આપી દેવાથી મહિલાઓના આ પ્રશ્નો ઉકલી જશે ? સમસ્યાનું હાર્દ અહીં જ છે. રાજકારણમાં મહિલાઓને લાવવાથી સમાજમાં મહિલાઓને થતો અન્યાય દૂર થઇ જશે એમ ખાતરીપૂર્વક કહેવાય નહીં. પ્રશ્ન જુદો છે, અને એનો ઉકેલ જુદો સૂચવાય છે. બે અલગ અલગ પ્રશ્નોની અહીં ભેળસેળ થઇ ગઈ છે.

આપણા દેશમાં જાતજાતની અનામતોની પ્રથા છે જ. સાત ટકા અનુસૂચિત જાતિ માટે, ચૌદ ટકા જનજાતિ માટે અને સત્તાવીસ ટકા અન્ય પછાત વર્ગો માટે અનામત છે. પણ અનામતો નોકરીઓ માટે છે અને આ બધા વર્ગો લધુમતીમાં છે. અનામતનો મૂળ આશય જ લધુમતીને પૂરતું પ્રતિનિધિત્વ આપવાનો છે. હજારો વરસથી દેશમાં દલિતો અને પછાત વર્ગો ભયાનક અન્યાયનો ભોગ બનતા હતા. આઝાદી વખતે આપણા બંધારણના ઘડવૈયાઓને લાગ્યું કે પછાત વર્ગોને સવર્ણો સાથે એકસરખી રેસમાં દોડાવાથી પછાતોને અન્યાય થાય તેમ છે. આથી એમને માટે દસ વરસ પૂરતી અનામતની જોગવાઈ થઈ. પછી દર ૧૦ વરસે સુધારો કરીને એ બીજા દસ વરસ માટે લંબાવાતી ગઈ. આ પછી એમાં સત્તાવીસ ટકા અન્ય પછાત વર્ગો માટે ઉમેરો થયો. આઝાદીના ૬૩ વરસ પછી અનામતનું પ્રમાણ ઘટવાને બદલે વધતું ગયું. ધીમેધીમે એમાં રાજકારણ ભળી ગયું. આજે બધા રાજકીય પક્ષો મત મેળવવા માટે અનામતનો એક હથિયાર તરીકે ઉપયોગ કરે છે. તામિલનાડુની સરકારે અનામતનું પ્રમાણ ૭૦ ટકા સુધી પહોંચાડયું. પાછળથી સુપ્રીમ કોર્ટે એમાં બ્રેક મારીને અનામતનું પ્રમાણ ૫૦ ટકા હોવું જોઈએ એમ ઠરાવ્યું છે.

આગળ કહ્યું તેમ અનામત પ્રથા લધુમતીઓ માટે છે. દુનિયાભરમાં મહિલાઓ કયાંયે લધુમતીઓમાં નથી. મહિલાઓનું પ્રમાણ દુનિયાભરમાં અડધો અડધ એટલે કે ૫૦ ટકા જેટલું છે. આમાં એક કે બે ટકા વધઘટ હોઇ શકે છે. આમ ૫૦ ટકા વસ્તીને અનામતનો લાભ આપવાનો મુદ્દો જ સૈઘ્ધાંતિક રીતે ખોટો છે. આપણા દેશમાં મહિલાઓને પ્રથમથી જ પુરુષની જેમજ સરખો મતઅધિકાર અપાયો છે. યુરોપમાં એક વખત એવો હતો કે મહિલાને મત આપવાનો અધિકાર નહોતો. આ માટે જ ત્યાં સફરેજિસ્ટ ચળવળ શરૂ થઈ. આપણે ત્યાં આવી કોઇ ચળવળ કે આંદોલન વિના જ ચૂંટણીની બાબતમાં પુરુષ અને સ્ત્રીને એકસરખો દરજ્જો અપાયો છે.

મતાધિકારની જેમ જ દેશમાં સ્ત્રીઓને ચૂંટણી લડવા ઉપર પણ કોઇ પ્રતિબંધ નથી. આ પ્રતિબંધ કાનૂની રીતે નથી તેમ નૈતિક રીતે પણ નથી. રાજકારણમાં આગળ આવવા માટે કોઇ વ્યકિતને મહિલા હોવાને કારણે અન્યાય થયો હોય એવા કોઇ દાખલા નથી. મહિલા સાથે રાજકારણમાં ભેદભાવ રખાતો હોત તો શ્રીમતી ગાંધી ૧૭ વર્ષ સુધી વડાપ્રધાનપદે રહી શક્યા હોત ખરા ? અત્યારે પણ બધા જ જાણે છે કે કેન્દ્રની યુ.પી.એ. સરકારનું સંચાલન શ્રીમતી સોનિયા ગાંધી કરે છે. એમને વડાપ્રધાનપદે આવતા અટકાવાયાં એ મહિલા હોવાને કારણે નહીં, પણ વિદેશી હોવાને કારણે અટકાવાયાં હતાં. ઉત્તર પ્રદેશ જેવા રાજયોમાં અત્યારે મહિલાઓ જ મુખ્યપ્રધાન પદે છે. બિહારમાં સતત પાંચ વરસ રાબડીદેવી મુખ્યપ્રધાનપદે રહી ચૂકયાં છે. દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં એક વખત સૂચેતા કૃપલાણી જ મુખ્યપ્રધાન હતાં. મઘ્યપ્રદેશમાં ઉમાભારતી મુખ્યપ્રધાન રહી ચૂકયાં છે. અત્યારે આપણા રાષ્ટ્રપતિ પદે એક મહિલા છે, તો લોકસભાના સ્પીકર પદે પણ મહિલા જ છે.

કહેવાનો અર્થ એ છે કે આપણા રાજકારણમાં મહિલાઓને એ મહિલા છે એટલે કદી અન્યાય થયો નથી. ફૂલનદેવીને પણ સંસદમાં આવતાં કોઇ રોકી શકયું નહોતું. આપણા રાજકારણના ઇતિહાસની બીજી વિડંબના એ છે કે સંસદમાં મહિલાઓનું સૌથી ઓછું પ્રતિનિધિત્વ શ્રીમતી ગાંધીના શાસનમાં હતું અને સૌથી વઘુ પ્રતિનિત્વિ રાજીવ ગાંધીના શાસનમાં હતું.

વિશ્વની વાત કરીએ તો અમેરિકામાં નોકરી અને ધંધામાં મહિલાઓનું પ્રમાણ ૬૦ ટકા છે, પણ અમેરિકાની સંસદમાં મહિલાનું પ્રમાણ માત્ર ૮ ટકા છે. આનો અર્થ શો ? અર્થ સાફ છે. અમેરિકામાં મહિલાઓ પ્રત્યે ભેદભાવ રખાતો નથી. જો ભેદભાવ રખાતો હોત તો નોકરીધંધામાં એમનું પ્રમાણ પુરુષોથી વઘુ ન હોત. બીજી બાજુ, સંસદમાં મહિલાઓ માત્ર ૮ ટકા જ કેમ, એ પ્રશ્ન કોઇને પણ થાય. ફ્રાંસમાં આ પ્રમાણ ૬ ટકા અને જાપાનમાં માત્ર ૪ ટકા જ છે. સાચી વાત એ છે કે મહિલાઓ પ્રકૃતિથી જ રાજકારણથી વિમુખ રહે છે. અમેરિકા દુનિયાનો સૌથી વઘુ લોકશાહી દેશ છે. માનવ અધિકારોની બાબતમાં પણ એનો રેકર્ડ ઠીકઠીક ઉજળો છે. એવું જ ફ્રાંસ, બ્રિટન, જાપાન અને જર્મનીની બાબતમાં કહી શકાય. આ બધા જ દેશોમાં સાક્ષરતાનું પ્રમાણ પણ ૯૦ ટકા જેટલું છે.

કેટલાક લોકો એવી દલીલ કરે છે કે મહિલા રાજકારણથી વિમુખ નથી પણ બ્રેઇનવોશ કરીને એમને રાજકારણથી વિમુખ કરી દેવામાં આવે છે. આ દલીલ ટી.વી. પરની ચર્ચામાં બીજા કોઈએ નહીં, પણ શ્રીમતી સુષ્મા સ્વરાજે કરી હતી. એમને કોણ સમજાવે કે અમેરિકા અને ફ્રાંસ જેવા શિક્ષિત દેશમાં સ્ત્રીઓ એટલી અબુધ છે કે એનું બ્રેઇન વોશ આટલી સરળતાથી થઇ શકે છે ? જો રાજકારણમાં આવું થઇ શકતું હોય તો નોકરીધંધામાં પણ આવું કેમ ન થાય ? કેટલાક લોકો એમ માને છે કે સ્ત્રીઓના મગજમાં એવું ઠસાવી દેવાય છે કે રાજકારણ ગંદું ક્ષેત્ર છે, એમાં જવા જેવું નથી. પણ, આ દલીલ પણ વજૂદ વિનાની છે. અનામતની વાત કરીએ તો દુનિયાના સવા બસો દેશોમાંથી માત્ર પંદર-વીસ દેશોમાં જ મહિલા અનામત પ્રથા છે. યુરોપના સ્કેન્ડીનેવિયન તરીકે ઓળખાતા દેશોમાં અનામત છે. પણ એ દેશોની સંખ્યા ઓછી છે અને એમની વસ્તી પણ ઓછી છે. કેટલાક લોકો એવી દલીલ કરે છે કે, આ બાબતમાં અમેરિકા અને ભારતની સરખામણી થઇ શકે નહીં. પણ એ લોકો ભૂલી જાય છે કે, અમેરિકામાં આટલી સમૃઘ્ધિ અને આટલી વિશાળ તકો હોવા છતાં મહિલાઓ સ્વેચ્છાએ રાજકારણ કરતાં નોકરી અને વ્યવસાયમાં જવાનું પસંદ કરે છે.

ગુજરાતમાં પંચાયતો અને સુધરાઇઓમાં આવી અનામતનો પ્રયોગ થયો હતો, જે નિષ્ફળ ગયો હતો. અનામતના જેવા હોદ્દા પર બેઠેલી મહિલાઓ મોટેભાગે કોઇને કોઇ સફળ નેતાના કુટુંબમાંથી આવે છે. ભાગ્યે જ કોઈ મહિલા પોતાના સ્વતંત્ર વ્યકિત્વના લીધે રાજકારણમાં આગળ આવી શકે. આમાં અપવાદો હોઈ શકે છે. જો આમ જ હોય તો આવી અનામતો વંશ પરંપરાગત ઇજારાશાહીને મજબૂત બનાવવાની નિમિત્ત બને છે.

રાજકીય પક્ષોની છેલ્લી બેઠકમાં સરકારે ચાર અલગ અલગ ફોર્મ્યુલા સૂચવી છે. એક ફોર્મ્યુલા લોકસભાની હાલની તમામ બેઠકોની સંખ્યા એક તૃતિયાંશ વધારીને અને બે સભ્યવાળી જાહેર કરવી. તેમાંનું એક સભ્યપદ મહિલાનું હોય તેવી વ્યવસ્થા કરવી. બીજી ફોર્મ્યુલા મુજબ હાલની સભ્ય સંખ્યા વધારવી અને પછી એક તૃતિયાંશ મહિલાઓ માટે અનામત રાખવી. એક બીજી ફોર્મ્યુલા મુજબ તમામ રાજકીય પક્ષો પોતાની એક તૃતીયાંશ બેઠકો મહિલાઓને ફાળવવી, એવો ફરજિયાત કાયદો કરવો. આ સૂચન ચૂંટણી પંચનું છે. આમાં પણ સષ્મા સ્વરાજ જેવા નેતા એવી દલીલ કરે છે કે, રાજકીય પક્ષો ઇરાદાપૂર્વક મહિલાઓને એવી બેઠકો આપશે જે જીતી શકાય એવી ન હોય. પણ આદલીલમાં પણ દમ નથી. ચૂંટણી એક જુગાર છે. દરેક રાજકીય પક્ષો એક તૃતિયાંશ મહિલાઓ ઉભી રાખે તો બધી જ મહિલાઓ હારી જાય એવી ખાતરી ન હોય.

આ મુદ્દો એક રીતે મૂળથી જ અર્થહીન છે. ૫૦ ટકા મહિલાઓ પૂરું મતદાન કરે અને નક્કી કરે કે પક્ષની આમન્યા વિના મહિલા ઉમેદવારને જ મત આપવો છે તો સંસદમાં મોટાભાગની મહિલાઓ જ ચૂંટાઇ આવે.

ટૂંકમાં, પ્રશ્ન રાજકારણમાં જબરદસ્તીથી મહિલાઓને ખેંચી લાવવાનો નથી. પ્રશ્ન સમાજમાં એમના ઉપર થતા અત્યાચારો અને અન્યાયો નિવારવાનો છે. પ્રશ્ન રાજકીય નથી, પણ સામાજિક અને આર્થિકછે. સ્ત્રીનો ઉદ્ધાર સત્તાના મદમાં ડૂબેલા રાજકારણીઓ નહીં કરી શકે. પણ સેવા જનપથ, ગણતર અને સત્યજીત ટ્રસ્ટ જેવી સ્વૈચ્છિક સંસ્થાઓ કરી શકશે.

Copyright   © Gujarat Samachar