home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

આ તો સસલાવાળું શહેર!

અમદાવાદ, સસલાને કારણે બનેલું શહેર છે. ‘જબ કુત્તે પે, સસ્સા આયા, તબ બાદશાહને શહર બસાયા’, આવી લોકવાયકા છે. બિલાડીની પાછળ ઉંદર દોડે ત્યારે કાર્ટુનની પટ્ટી બને છે. પણ કૂતરાની પાછળ સસલું દોડ્યું અને અમદાવાદ બન્યું છે. આજે એ વાતને છસ્સો વર્ષ થઇ ગયા, અમદાવાદમાં સસલા ક્યાં જોવા નથી મળતા, કૂતરાઓ અડધી રાત્રે આપણી પાછળ ભસ્યા કરે છે! કૂતરા કરડવાના પ્રસંગો સૌથી વધારે અમદાવાદમાં બને છે. સસલાનો બદલો, ખૂલ્લેઆમ લેવાઇ રહ્યો છે! આપણી બાઈકની પાછળ જ્યારે કૂતરું વગર દુશ્મનીએ દોડવા લાગે છે, ત્યારે બચી ગયા પછી વિચાર આવે છે કે, ‘આ કૂતરાઓની વફાદારી ક્યાં ગઇ! શું કામ આપણને બાઈક પરથી પછાડવાના પ્રયત્નો કરે છે.’ કૂતરાઓની આંધળી દોટને કારણે અસંખ્ય પતિદેવો ઘરે જલ્દી પહોંચી જાય છે! કૂતરાઓએ સમજવાની ખાસ જરૂર છે કે, ‘સસલો કંઇ અમારો સગલો નથી! એનો ગુસ્સો અમારા પર ના કઢાય!’ જો કે, એ પણ હકીકત છે કે, સસલાએ અમદાવાદની કોતરોમાં સંિહવાળી કરી, એમાં જ આપણા અમદાવાદીઓની આંગણવાડી બની છે. અમદાવાદે, એની કોતરોમાં આજુબાજુના ગામડા, શહેર અને રાજ્યના લોકોને સમાવી લીધા છે. પણ કોઇને હજુ પેલું સસલું નથી મળ્યું. મહા મહેનતે મેં એને શોધી કાઢ્‌યું છે. સસલાની ઊલટ-તપાસ લેવી જરૂરી છે. છસ્સો વર્ષની જાહોજલાલી જોતા, એક નાનકડી ‘કેક’ એના આગલા હાથે કપાવવાની ઈચ્છા છે!

‘કેમ છો? સસલાભાઇ!’

‘કેમ છોની માસી!! પહેલા મને એ કહો કે હું ક્યાં છું?’

‘અમદાવાદમાં!! લે, તમને ખબર ના પડી, આ તમારા વાળું જ અમદાવાદ છે.’

‘હેં?! તો પછી, મારા વાળી કોતર ક્યાં છે?’

‘કોતરો, રાજાએ ગાયબ કરી નાંખી, પોળ, દરવાજા અને કોટની રાંગ બનાવી, પછી ધીમે-ધીમે કોટની રાંગ ગાયબ થઇ ગઇ, ખાલી દરવાજા રહી ગયા! પછી, ટેનામેન્ટ, મોલ અને ટાવરો બની ગયા છે. લોકોને એમના વાળા જૂના ઘરો નથી મળતાં ને તમે કોતરની ઝીંકે રાખો છો!’

‘તમે મારું એક કામ કરશો?!’

‘બોલોને, સસલાભાઇ!’

‘પેલું, મારા વાળું કૂતરું ક્યાં છે?!’

‘એના વંશ-વારસો ઠેર-ઠેર છે! તમારા વાળું શોધવામાં તકલીફ પડશે! તમારે એનું શું કામ છે?’

‘મારે યાર! એને સોરી કહેવું છે!’

‘સોરી, રહેવા દો! નહીંતર આખો ઈતિહાસ ફરી જશે! શહેરમાં અત્યારે સાઇઠૃ-સીત્તેર હજાર કૂતરાઓ છે, તમે કેટલાને સોરી કહેશો!! એના કરતાં, આવ્યા જ છો તો, એ બધા જ કૂતરાઓની પાછળ થોડું થોડું દોડી આવો, ને એ આખી ફોજને શહેરની બહાર કાઢી આવો!’

‘હવે ક્યાં પહેલા જેવું ઘી મળે છે, ઘાસ પણ ક્યાં પહેલા જેવું રહ્યું છે!’

‘ઘી?! ઘાસ!! હું સમજ્યો નહીં, સસલાભાઇ!’

‘છસ્સો વર્ષ પહેલાના જમાનામાં બઘું ચોખ્ખું હતું! એટલે હીંમત થઇ ગયેલી! હવે તો અમારા ઘાસ પણ બે ટાઇલ્સ વચ્ચેની જગ્યામાં ઊગેલું ખાવું પડે છે! સોરી કહેવામાં જ શાણપણ છે.’

‘આવું ના કરશો! સસલાભાઇ! એકચ્યુલી! અત્યારે અમદાવાદને... એટલે કે તમારી દોડનું છસ્સોમું વર્ષ ચાલી રહ્યું છે. અત્યારે શહેરમાં ચારેબાજુ ધામઘુમ છે! તમે કૂતરાજીઓને સોરી કહેશો તો બૂમાબૂમ થઇ જશે! તમારી હંિમતની કથા ઓબામાથી લઇને લાદેન સુધી દરેકને મોઢે થઇ ગઇ છે! હવે, તમે સોરી કહેશો તો તમારી આવનારી પેઢી તમને માફ નહીં કરે!’

‘પણ મારાથી સત્ય છૂપાવાય એમ નથી!’

‘હવે છાનામાના બેસી રહો ને! સત્યને મારો ગોળી! તમે કૂતરાની પાછળ દોડ્યા હતા, દોડ્યા હતા ને દોડ્યા જ હતાં!! બસ!!’

‘તે દોડવાની ક્યાં ના પાડું છું! મારું દોડવા પાછળનું સાચું કારણ મારે જણાવવું છે!’

‘આ સસલું હખણું નહીં રહે! જુઓ, સસલાજી, આ શહેર અનેક પ્રકારના ભૂકંપો ખમી ગયું છે! હવે, તમે સત્ય બોલવા જશોને જે ભૂકંપ આવશે, એ અમારાથી સહન નહીં થાય!’

‘અરે! અમદાવાદી, કેમ આટલો સત્યથી ગભરાય છે! સત્ય, જાણીશ તો તને તારી જાત પર વધારે ગર્વ થશે!’

‘હેં! એવું છે! તો તો, જલ્દીથી બકો!’

‘તમે, અમારી અને કાચબાવાળી વાર્તા વાંચી છે!’

‘કેમ? એ વાર્તા પણ ખોટી છે!! હાય, હાય! તમે તો શહેર અને બાળશિક્ષણ બધાને ખોટું સાબિત કરવા બેઠા છો!’

‘હવે, સાંભળને છાનોમાનો! કાચબા વાળી વાર્તામાં, મારા પૂર્વજ વધારે પડતાં આત્મવિશ્વાસમાં ઝાડ નીચે સૂઇ ગયેલા, ને કાચબો આગળ જઇને જીતી ગયેલો! બસ, ત્યારથી જ મને મારા બાપદાદાઓ ઉપર સોલ્લીડ ગુસ્સો હતો! મેં નક્કી કરેલું કે હું ક્યારેય ઊંઘીશ નહીં! બસ, દોડ્યા જ કરીશ, દોડ્યા જ કરીશ! કૂતરો ત્યાં હરતો-ફરતો આવ્યો! મેં તો આંખો બંધ કરીને દોડવાનું ચાલુ જ રાખ્યું! કૂતરાએ માત્ર મારી દોડ જોઇ, બંધ આંખો ના જોઇ! મારી દેડકા જેવી દોડ જોઇને ગભરાઇ ગયો! એ મારાથી ઝડપભેર દોડતો હતો એટલે મારાથી આગળ નીકળી ગયો, અને ત્યાં જ રાજાજી આવી પહોંચ્યા! બસ, બની ગયું શહેર! મારા જીવનનો તો એક જ ઘ્યેય હતો! કે કાચબો ક્યારેય આગળ ન જવો જોઇએ!!’

‘તમે, એ સમયે આ વાત રાજાને જણાવેલી?’

‘હાસ્તો વળી! એ જણાવી એટલે જ તો શહેર બન્યું!’

‘હું સમજ્યો નહીં!’

‘વફાદાર કૂતરા પાછળ દોડવું એ બહાદુરી નથી! આજુ બાજુ ગમે તેટલા ખૂંખાર પ્રાણીઓ હોય, પ્રગતિશીલ બનવા સતત દોડ્યા કરવું, ડર્યા વગર દોડ્યા કરવું એ ખરી બહાદૂરી છે! જ્યાં સતત દોડ છે, ત્યાં જ શહેર છે! કોતરોમાંથી મહાનગર બનવા માટે, આટલું તો બધા એ દોડવું જ પડે! મારી આ દોડને કારણે વફાદાર કૂતરાઓ ખોટા બદનામ થયા છે! એટલા માટે મારે એમને સોરી કહેવું છે!’

‘વાહ! સસલાભાઇ! તમારી દોડ હવે અમને સમજાઇ! આવ્યા જ છો, તો ‘કેક’ કાપીને જાવ!’

‘ભલે! પણ કૂતરાભાઇઓને પણ બોલાવો! અમે બન્ને જોડે કેક કાપીશું!’

‘હું ટ્રાય કરું છું!’

પણ કોણ જાણે, શહેરમાં એક પણ કૂતરું મળ્યું જ નહીં! સસલા શેઠના આવ્યાની એમને ખબર પડી ગઇ હતી! સસલાએ એકલા હાથે, દોડતાં-દોડતાં કેક કાપી અને બીજું એક રહસ્ય ખોલ્યું!

‘તમને ખબર છે! સસલા અને કાચબા વાળી દોડ ક્યાં થઇ હતી?!’

‘ક્યાં?’

‘કોઇને કહેતા નહીં, ગાંધીનગરમાં!!’

Copyright   © Gujarat Samachar