home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

લીડર

મહિલા અનામત હોબાળો

મહિલા અનામત બીલનો હોબાળો દિન-પ્રતિદિન વધી રહ્યો છે. રાજ્યસભામાં પાસ થયેલું બીલ હવે લોકસભામાં પાસ કરાવવા યુપીએ કેન્દ્ર સરકાર કેવો કારસો ઘડે છે તે જોવાનું રહ્યું છે. આ તબક્કે સરકાર ગમે તેમ કરીને મહિલા અનામત બીલ પર ચાલતા હોબાળા તરફથી લોકોનું ઘ્યાન અન્યત્ર દોરવા માગે છે. સરકારની વાત સાચી છે. બે તૃતીયાંશ બહુમતીથી રાજ્યસભામાંથી પસાર થયેલા બીલની પાછળ દેશનો વઘુ પડતો સમય વેડફાઈ રહ્યો છે. દરેક રાજકીય પક્ષને કશુંક કહેવું છે. દેશના રાજકીય તખ્તા પર ચમકવું હોય તો મહિલા અનામત બીલનો વિરોધ કરવો પડે એમ છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે કોંગ્રેસ, ભાજપ અને ડાબેરી પક્ષોએ વ્હીપ જાહેર કર્યો હોવા છતાં તેમના સભ્યો આડા ફાટે છે. સમાચાર માઘ્યમોને મફતમાં સ્કૂપ મળી રહ્યા છે. મહિલા અનામત બીલમાં રોજ એક નવો ફણગો ફૂટે છે અને આ ફણગો વિવાદનું કેન્દ્ર બની જાય છે. સર્વપક્ષીય બેઠક વગેરે હવે માત્ર લીંપણ સમાન છે. યુપીએ કેન્દ્ર સરકારે ધાર્યુંકરી બતાવ્યું છે. દરેક પક્ષ પોતાના સભ્યોને સમજાવવામાંથી ઉંચો આવે તો પ્રજાને સમજાવી શકે ને ?? વડાપ્રધાન મનમોહનસંિહ સર્વપક્ષીય બેઠક બોલાવ્યા પછી કશું કરી શકવાના નથી પણ દરેકને બોલવાનો કે રજૂઆત કરવાનો મોકો મળશે. બધા જાણે છે કે આ બધી ટાઈમ કીલીંગ જોબ છે. સતતાધારી પક્ષ માટે તો આ પ્રોબલેમ સિવાયના અન્ય પ્રોબલેમ મોં ફાડીને ઉભા છે. સરકારે હજુ ફાયનાન્સ બીલ સંસદ પાસેથી પસાર કરાવવાનું છે. પરંતુ જે રીતે મહિલા અનામતમાં સત્તાધારીપક્ષના ટેકેદાર પક્ષો અને વિપક્ષો સાથે હોબાળો થયો છે તે જોતાં ફાયનાન્સ બીલ પસાર કરાવતાં સત્તાધારી પક્ષને આંખે પાણી આવી જશે. રાજકારણમાં આવા ઘણા સળગતા મુદ્દા આવ્યા અને ગયા પણ કોઈ ચોક્કસ સિસ્ટમ ઉભી થઇ શક્તી નથી. મહિલા અનામતનો દાખલો લઇએ તો સરકાર તરફથી ખુબ ઓછું ગ્રાઉન્ડવર્ક અને હોમવર્ક થયા હતા. લોકશાહીમાં દરેકને વિશ્વાસમાં લેવો અને દરેકના ઓપીનીયનને ચાન્સ આપવો જરૂરી છે.

મહિલા અનામત બીલને પસાર કરવાની ઉતાવળ સત્તાધારીપક્ષને વિવાદ તરફ ખેંચી ગઇ છે. બહુમતી હોવા છતાં બઘું આસાન નથી હોતું તેની સમજ કોંગ્રેસને પડી ગઇ છે. હવે લોકસભામાં આ બીલ રજૂ કરવાની કોઈ ઉતાવળ થાય એમ લાગતું નથી. સત્તાધારી પક્ષ માટે રાજ્યસભામાં સ્પષ્ટ બહુમતી નથી માટે ફાયનાન્સ બીલ પાસ કરાવવા ફરી ભાજપ કે ડાબેરીપક્ષોનો સહારો લેવો પડશે. મહિલા અનામતના હોબાળામાં મોંઘવારીનો પ્રશ્ન એક બાજુ ખેંચાઈ ગયો હતો. ફરી આ પ્રશ્ન રાજકીય સ્ટેજ પર આવી રહ્યો છે. સરકાર પાસે મોંઘવારી નાથવાનો કોઈ ત્વરીત ઉકેલ નથી, એ દેખાઈ આવે છે. યુપીએ કેન્દ્ર સરકાર ૩૦ એપ્રિલ પહેલાં ફાયનાન્સ બીલ પસાર કરાવશે અને ત્યારબાદ ફરી પછીના સત્રમાં મહિલા અનામત સહિતના મુદ્દા હાથમાં લેશે. પ્રાયોરીટી જોવા જઇએ તો આ તબક્કે મોંઘવારીનો પ્રશ્ન સમગ્ર મઘ્યમવર્ગને બાનમાં લઇને બેઠો છે. સરકારે મહિલા અનામત બીલ પાસ કરાવવા જે કસરતકરી છે એટલી કસરત મોંઘવારી નાથવામાં કરી હોત તો તે પરિણામ લક્ષી બની શકત.

માઓવાદ

ગૃહપ્રધાન પાલાનીપ્પન ચિદમ્બરમ્‌ એમ કહે છે કે ત્રાસવાદ કરતા મોટો ભય માઓવાદનો છે. આમાં નવું શું છે ?! ભારતની પ્રજા વર્ષોથી આંતરીક સલામતીના ધાંધીયા અંગે ચર્ચા કરતી આવી છે. હકીકત તો એ છે કે આ બંને ‘ભય’ એટલે કે ત્રાસવાદ અને માઓવાદમાં ખૂડદો તો ભારતની પ્રજાનો નીકળે છે. ત્રાસવાદ સહન કરી ચૂકેલી પ્રજાને હવે માઓવાદ ફટકારે છે. આ બંને આંતરીક સલામતી સાથે જોડાયેલી સમસ્યાઓ છે. સરકારે આંતરીક સલામતી માટે કોઈ કડક પગલાં ભર્યા નથી. સરકારે ત્રાસવાદ માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું અને માઓવાદી માટે નેપાળ તેમજ પશ્ચિમ બંગાળના ધૂસણખોરોને જવાબદાર ગણે છે.

આ ત્રાસવાદીઓ પાસે આઘુનિક શસ્ત્રો ક્યાંથી આવે છે અને તેમને તાલિમ કોણ આપે છે તેમાં તે અંગેનો ખુલાસો કરવામાં સરકારને રસ નથી. સરકારને બૂમો પાડવામાં રસ છે, પણ તેનું સોલ્યુશન તેઓ શોધતા નથી. સરકારે ત્રાસવાદને ઉછરવા દીધો, તેની સાથે સંકળાયેલા સ્લીપર યુનિટો સામે કોઈ પગલાંના લીધા અને કાશ્મીરના પંડિતોનો સફાયો જોયા કર્યો હતો હવે ગૃહપ્રધાન કહે છે કે ત્રાસવાદ કરતાં માઓવાદ મોટો ખતરો છે. ત્રાસવાદનો ઉછેર પાકિસ્તાનમાં થયો છે પણ માઓવાદનો ઉછેર તો પશ્ચિમ બંગાળ અને ઓરિસાના જંગલોમાં થયો છે. ભારતની આઝાદીને છ-દાયકા થયા છતાં વિકાસના ફળો આંતરીયાળ ગામો સુધી પહોંચી શક્યો નથી અને ભેદભાવ ભરી સરકારની નીતિઓના કારણે માઓવાદ કે નકસલવાદનો જન્મ થયો છે. હવે જ્યારે આ માઓવાદ વિશાળ વટવૃક્ષ બનીને ૮ રાજ્યોમાં પ્રસર્યો છે ત્યારે તેને ડામવો એ ખૂબ કઠીન કામ બની જવાનું છે.

Copyright   © Gujarat Samachar