IPL ક્રિકેટતમાશાનો રંગારંગ પ્રારંભ મુંબઈ, તા. ૧૨ આઈપીએલની ત્રીજી સિઝનનો આજે રંગારંગ કાર્યક્રમ અને આતશબાજી બાદ અહીં ડી.વાય. પાટીલ સ્ટેડિયમ ખાતે પ્રારંભ થયો હતો. ભાગ લેનારી આઠ ટીમોના કેપ્ટનોએ વારાફરતી એક બેનર પર સહી કરતા જ સ્ટેડિયમ તાળીઓથી ગુંજી ઉઠ્યું હતું. ગિલક્રીસ્ટ છેલ્લા વર્ષની ચેમ્પિયન ડેક્કનનો કેપ્ટન હોઈ તેણે સૌથી પહેલા સહી કરી હતી. ત્યાર પછી અનુક્રમે ગાંગુલી, વોર્ન, ગંભીર, ધોની, સંગાકારા, કુમ્બલે, તેંડુલકરે સહી કરી હતી. તેઓએ ‘‘સ્પિરિટ ઓફ ક્રિકેટ’’ના સોગંદ પણ લીધા હતા. આંતરરાષ્ટ્રીય પોપ ગાયક લાયોનલ રીચી, યુબી ૪૦ અને જોર્ન અગાને તેઓની આઈટમ રજુ કરી હતી જે વિશેષ કરીને યુવા પેઢીના ચાહકોનું દિલ ડોલાવી ગઈ હતી. આતશબાજી અને લેસર શોથી વાતાવરણ ઝળહળી ઉઠ્યું ઃ દિપિકા પદુકોણેની આઈટમ અને ‘જય હો’એ જમાવટ કરી જોકે મુખ્ય આકર્ષણ ફિલ્મ અભિનેત્રી દિપિકા પદુકોણેની ડાન્સ આઈટમનું રહ્યું હતું. ઉપસ્થિત પ્રેક્ષકો જમાવટ કરતા પરફોર્મન્સ હેઠળ એ ભુલી ગયા હતા કે તેઓ આઈપીએલની પ્રારંભની મેચ જોવા આવ્યા છે. કોઈ એવોર્ડ સમારંભ જેવો માહોલ આ વખતે લાગતો હતો. દિપિકાએ ૪૦ આર્ટિસ્ટોને સાથે રાખીને બોલીવુડના હીટ ગીતોની ઝલક રજુ કરી હતી. ત્યારબાદ કલાકારોએ એલઈડી ગ્લો સ્ટીક વડે આઠેય ટીમના પ્રતિકને ઝળહળતા કરતા સ્ટેડિયમ તાળીઓથી ગુંજી ઉઠ્યું હતું. આઈપીએલના કમિશનર લલીત મોદીએ ત્રીજી સિઝનને ખુલ્લી મુકતા કહ્યું હતું કે ગયા વર્ષે આઈપીએલ સાઉથ આફ્રિકામાં યોજાઈ હતી. ત્યારે ભલે અમે બધા ત્યાં હતા પણ અમારૂં હૃદય ભારતમાં જ હતું. તેમણે તેના સંબોધનને સાહિત્યિક સ્પર્શ આપતા શેક્સપિયરની ઉક્તિને ટાંકીને એમ પણ કહ્યું હતું કે આઈપીએલ બાળપણ, ટીનએજને વટાવી પુખ્ત-યુવા તબક્કે પ્રવેશ્યું હોય તેવો થનગનાટ હવે વાતાવરણમાં જોવા મળે છે. તેમણે આઈપીએલને માત્ર ભારતીય જ નહીં વૈશ્વિક ઈવેન્ટ તરીકે ઓળખાવ્યો હતો. બીસીસીઆઈના પ્રમુખ શશાંક મનોહરે પણ શુભેચ્છા પ્રવચન આપ્યું હતું. યુનાઈટેડ નેશન્સ એનવાયર્નમેન્ટ પ્રોગ્રામ હેઠળ આઠેય કેપ્ટનોએ વિશ્વને ઉર્જા અને પર્યાવરણને બચાવવાની ઝુંબેશના બોર્ડ પર હસ્તાક્ષર કર્યા હતા. એ.આર. રહેમાનના ઓસ્કાર વિજેતા ‘જય હો’ના બેકગ્રાઉન્ડ સાથે લેસર શો વડે ક્રિકેટની એકશનો રજુ થઈ ત્યારે સમગ્ર સ્ટેડિયમમાં વાતાવરણ ક્રિકેટ અને દેશભક્તિ મિશ્રિત થઈ ગયું હતું. આઈપીએલની ત્રીજી સિઝન સુધીની મંઝિલ કેવી રહી તેની ટુંકી ઝલક આપતી ‘જર્ની ઓફ આઈપીએલ’ની વિડિયો પણ રજુ થઈ હતી. યુબી ૪૦ ગુ્રપના અલી કેમ્પબેલે તેનું હીટ ગીત ‘‘કેન નોટ ફોલંિગ ઈન લવ’’ તેના રંગબેરંગી વેશ પરિધાનથી સજ્જ વિદેશી કોરસ જોડે નયનરમ્ય ઘ્વનિ પ્રકાશ સિસ્ટમ વચ્ચે રજુ કર્યું હતું. તેના પર પણ પ્રેક્ષકો ઝુમી ઉઠ્યા હતા. પોપના જુના અને જાણીતા રીચીએ ‘‘ડાન્સીંગ ઓન ધ સિલંિગ’’ રજુ કર્યું હતું. બોલીવુડ અને કોર્પોરેટ જગતની હસ્તીઓએ ખાસ હાજરી આપી હતી. અગાઉ ગઈકાલે રાત્રે આઈપીએલની પ્રી લોંચ પાર્ટી યોજાઇ હતી. જેમાં રાજસ્થાન રોયલ્સની શિલ્પા શેટ્ટી તેના પતિ રાજ કુન્દ્રા જોડે આવી હતી. જ્યારે શાહરૂખ બહારથી સીધો પાર્ટીમાં જોડાયો હોઈ તેની પત્ની ગૌરી નીલમ સાથે આવી હતી. મલાયકા અરોરા, ૠતિકની પત્ની સાથે આવ્યા હતા. જ્યારે અર્જુન રામપાલ પત્ની મેહરે પણ હાજરી આપી હતી. મુંબઈ ટીમના માલિક મુકેશ અંબાણી સપરિવાર ઉપસ્થિત રહ્યા હતા. મોટાભાગના ખેલાડીઓએ પણ મોડી રાત્રિ સુધીની પાર્ટીમાં મન મુકીને માણી હતી. |