લાહોરમાં બે આત્મઘાતી બોમ્બ વિસ્ફોટઃ ૪૫નાં મોત,૧૦૦ ઘાયલ (પીટીઆઇ) લાહોર, તા.૧૨ પાકિસ્તાન આજે ફરીએક વખત ભીષણ આત્મઘાતી હુમલાથી ખળભળી ઉઠ્યું હતું. લાહોરમાં ભારે સુરક્ષા બંદોબસ્ત ધરાવતા કેન્ટોન્મેન્ટ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહેલી સૈન્યની ટુકડીને નિશાન બનાવીને કરવામાં આવેલા ટ્વીન આત્મઘાતી હુમલામાં ૪૫લોકો માર્યા ગયા હતા તથા અન્ય ૧૦૦ને ઇજાઓ પહોંચી હતી. મૃતકોમાં ૧૦ સૈનિકો સામેલ છે. સૈન્યના વાહનને નિશાન બનાવીને વિસ્ફોટ કરનાર બન્ને આત્મઘાતી બોમ્બરોની વય માત્ર ૧૭ અને ૨૦ વર્ષની હતી. પાકિસ્તાનના તહેરીક-એ-તાલિબાન સંગઠને બન્ને વિસ્ફોટોની જવાબદારી સ્વીકારી હતી. ૧૭-૨૦ વર્ષના આત્મઘાતી બોમ્બરોએ કડક બંદોબસ્ત ધરાવતા કેન્ટોન્મેન્ટ વિસ્તારમાં સૈન્યની ટુકડી પર તાલિબાન દ્વારા હુમલો અધિકારીઓના જણાવ્યા પ્રમાણે લાહોરના આર.એ.બજારમાં સ્થાનિક સમય મુજબ બપોરે ૧૨.૪૮ કલાકે ગેરીસન સિક્યુરીટી ફોર્સના વાહનને નિશાન બનાવીને આત્મઘાતી વિસ્ફોટ કરવામાં આવ્યો હતો, હુમલાખોર ત્રાસવાદી પગે ચાલીને વાહન નજીક પહોંચ્યો હતો, આ વિસ્ફોટની ૧૫ સેકન્ડ પછી એક મસ્જિદ પાસે બીજો એક વિસ્ફોટ થયો હતો. આ મસ્જિદમાં મોટેભાગે સૈન્યના અધિકારીઓ નમાજ માટે આવતા હોય છે. લાહોરના સ્પેશ્યલ સુપ્રિટેન્ડેન્ટ ઑફ પોલીસ ચૌધરી શફીક અહેમદે જણાવ્યું હતું કેે બન્ને આત્મઘાતી બોમ્બરોએ પેટ્રોલીંગ કરી રહેલા સૈન્યના વાહનને નિશાન બનાવ્યું હતું, હુમલામાં ૪૫ લોકોના મોત નિપજ્યા હતા અને ૧૦૦ને ઇજાઓ પહોંચી હતી. પોલીસે જણાવ્યું હતું કે સૈન્યના ૧૦ જવાનો પણ હુમલામાં માર્યા ગયા હતા. અહેમદે જણાવ્યું હતું કે બન્ને આત્મઘાતી બોમ્બરોના માથા શોધી કાઢવામાં આવ્યા છે. અન્ય પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે માનવબોમ્બ બનેલા ત્રાસવાદીઓની વય માત્ર ૧૭થી ૨૦ વયની હતી. હુમલામાં કેટલાક સૈનિકો તથા અન્ય વ્યક્તિઓ ગંભીર રીતે ઘવાયેલા હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા છે. ઘાયલોને નજીકની મીલેટરી અને સરકારી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. તહેરીક-એ-તાલિબાન નામના આતંકવાદી સંગઠને આ હુમલાઓની જવાબદારી સ્વીકારી હતી. હુમલા બાદ પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો, તથા લોકોને અને પત્રકારોને ઘટનાસ્થળે જતા રોકવામાં આવ્યા હતા. સૈન્યના હેલિકોપ્ટર દ્વારા સમગ્ર વિસ્તાર પર નજર રાખવામાં આવી હતી. કેન્ટોન્મેન્ટ વિસ્તારમાં પ્રવેશવના તમામ રસ્તાઓ તથા એન્ટ્રી પોઇન્ટ પર સૈન્યનો કડક બંદોબસ્ત હોવા છતાં બન્ને આત્મઘાતી બોમ્બરો કેવીરીતે પ્રવેશ્યા એ પોલીસ તથા સૈન્ય માટે કોયડો છે. છેલ્લા એક વર્ષમાં લાહોરમાં અનેક આત્મઘાતી હુમલાઓ થયા છે. પાકિસ્તાનના અન્ય વિસ્તારોમાં પણ અનેક હુમલા નોંધાયા છે. |