અર્બન રિન્યુઅલ મિશન હેઠળ ગુજરાતને ૯૯૩ કરોડની ગ્રાન્ટ (પ્રતિનિધિ દ્વારા) ગાંધીનગર, ગુજરાતમાં ૨૦૦૮ અને ૨૦૦૯ના કેલેન્ડર વર્ષો દરમિયાન કેન્દ્ર સરકારના જવાહરલાલ નેહરૂ અર્બન રીન્યુઅલ મિશન હેઠળ કુલ રૂ. ૩૫૧૯.૯૨ કરોડના વિવિધ ૪૩ પ્રોજેક્ટોને મંજૂર થયા અને એ સામે ગુજરાત સરકારને કેન્દ્ર સરકાર પાસેથી રૂ. ૯૯૩.૧૩ કરોડની ગ્રાન્ટ મળી હોવાની વિગતો ગુરૂવારે રાજ્ય વિધાનસભામાં જાહેર થઇ હતી. મળેલી રકમમાંથી ૬૮૭.૬૨ કરોડ જ ખર્ચાયા છેઃ ગુજરાત સરકારે કોઇ રકમ ખર્ચી નથી! રાજ્ય સરકાર તરફથી શહેરી વિકાસ પ્રધાને બોરસદના ધારાસભ્ય અમિત ચાવડાના પ્રશ્નના લેખિત ઉત્તરમાં એવી પણ જાણકારી આપી છે કે, જે રૂ. ૯૯૩.૧૩ કરોડની ગ્રાન્ટ મળી છે તે સામે અત્યાર સુધી રૂ. ૬૮૭.૬૨ કરોડ જ ખર્ચાયા છે. આનો મતલબ એ થયો કે જેએનયુઆરએસમાં જે રકમ ખર્ચાઇ છે તે કેન્દ્રિય ગ્રાન્ટમાંથી જ ખર્ચાઇ છે, ગુજરાત સરકારે પોતાના હિસ્સાની રકમ હજી ખર્ચી જ નથી. અમદાવાદ શહેરના કુલ ૬ પ્રોજેક્ટો જેએનયુઆરએમ હેઠળ મંજુર થયા છે જેમાં રૂ. ૪૮૮.૧૩ કરોડનો BRTS ફેઇઝ-૨ પ્રોજેક્ટ, રૂ. ૭૭.૬૫ કરોડની ઔડાના પૂર્વ વિસ્તાર માટે સુઅરેજ નેટવર્ક તૈયાર કરવાની યોજના, રૂ. ૨૩૫.૪૧ કરોડની ઔડાના પશ્ચિમ વિસ્તાર માટે સુઅરેઝ નેટવર્ક તૈયાર કરવાની યોજના, રૂ. ૧૧૮.૮૫ કરોડનો સોલિડવેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ, રૂ. ૧૦૪.૭૫ કરોડની જળસ્ત્રોત વિકાસ તથા વરસાદી પાણીના નિકાલની યોજના તેમજ રૂ. ૨૨૩.૩૦ કરોડની BRTSબસોની ખરીદીની યોજના સમાવિષ્ટ છે. આ રૂ. ૧૩૪૮.૦૯ કરોડની કુલ ૬ યોજનામાં કેન્દ્રના રૂ. ૪૪૫.૮૧ કરોડના હિસ્સા પેટે રૂ. ૧૧૧.૦૬ કરોડની ગ્રાન્ટ ફાળવાઇ છે, જ્યારે રૂ. ૧૮૭.૧૮ કરોડના રાજ્યસભાના હિસ્સા પેટે રૂ. ૪૭.૫૯ કરોડની ગ્રાન્ટ ફાળવાઇ છે. જ્યારે રૂ. ૨૨.૯૯ કરોડ રકમ અમ્યુકો પાસે વણવપરાયેલી રહી છે. |