વિધાનસભા જોયું જાણ્યું સાંભળ્યું
કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોને
નર્મદા યોજનાનું વધારાનું પાણી આપવાની યોજના અઘ્ધરતાલ
(પ્રતિનિધિ દ્વારા) ગાંધીનગર,
ગુજરાત વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા તેમના વિસ્તારની, કોઇ એક પ્રદેશની કે સમગ્ર રાજ્યને સ્પર્શતી સમસ્યા અંગે સંકલ્પ લાવવાની જોગવાઇ છે. સત્તાધારી પક્ષના ધારાસભ્ય તરફથી આવો જો કોઇ સંકલ્પ આવે તો સરકાર દ્વારા પ્રશ્નો ઉકેલવા બાબતે ચોક્કસ ખાતરી અપાતી હોય છે અને એ સંદર્ભે પગલાં પણ લેવાતાં હોય છે. પરંતુ વિરોધ પક્ષના કોઇ ધારાસભ્ય મારફતે સંકલ્પ આવે તો મોટેભાગે સબ સલામતની બાંગ પોકારીને કે બઘું બરાબર છે, સંકલ્પની રજૂઆત યોગ્ય નથી કહીને સંકલ્પ ફગાવી દેવામાં આવે છે. આ જ પરિપ્રેક્ષ્યમાં કચ્છ અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સ્થાનિક ડેમોમાંથી સંિચાઇનું પાણી આપવાની માગણી કરતો કોંગ્રેસના જામનગર જિલ્લાના જોડિયાના ધારાસભ્ય રાઘવજી પટેલ દ્વારા આવેલો બિનસરકારી સંકલ્પ રાજ્ય સરકારે નકારી કાઢ્યો હતો.
રાઘવજીએ એવી રજૂઆત કરી હતી કે, સૌરાષ્ટ્રમાં આવેલા ૧૩૧ ડેમો મૂળ સંિચાઇના હેતુ માટે બનાવાયેલાં છે પણ છેલ્લા ૧૦ વર્ષથી તેનું પાણી માત્ર પીવાના ઉપયોગમાં લેવા માટે અનામત કરાયેલા છે. હવે જ્યારે નર્મદાનું પાણી પીવા માટે કચ્છ-સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં આપવાનું આયોજન થયું છે ત્યારે સ્થાનિક ડેમો ડી રિઝર્વ કરીને તથા અડધા ભરાતાં એ ડેમોમાં નર્મદાનું પાણી ઠાલવીને ખેડૂતોને સંિચાઇ માટે પાણી આપો, જેથી વઘુ ને વઘુ પ્રમાણમાં ખેતઉત્પાદન લઇ શકાય. રાઘવજીએ એવો પણ ચાબખો માર્યો હતો કે, ધોળી ધજા ડેમ જેમ ચૂંટણીમાં દેખાડો કરવા માટે જ માત્ર ભરાયો હતો તેમ નહીં, પણ કાયમી ધોરણે ડેમ ભરો. ભાજપના ટંકારાના ધારાસભ્ય મોહન કુંડારિયાએ કચ્છ-સૌરાષ્ટ્રમાં પાણીની રેલમછેલ હોવાનો સૂર કાઢતાં એવો કટાક્ષ કર્યો હતો કે, રાઘવજી, તમે ૧૯૯૬-૯૭માં આ જ વિભાગના પ્રધાન રહી ચૂક્યાં છો ત્યારે કેમ આવો સંકલ્પ નહોતાં લાવ્યા ને અત્યારે લાવો? રાઘવજીએ નિખાલસતાથી કહ્યું, તમારે જે કહેવું હોય તે કહો, બાકી હું તો આજની સ્થિતિ રજૂ કરું છું! જળસંપત્તિ પ્રધાન નીતિન પટેલે નરેન્દ્ર મોદીની સરકારમાં હવે બધે પાણી જ પાણી થઇ ગયું છે ને જાહોજલાલી થઇ ગઇ છે એવું ફુલગુલાબી ચિત્ર રજૂ કર્યું હતું, કચ્છ-સૌરાષ્ટ્રને વધારાનું દસ-દસ લાખ એકર ફૂટ ક્યારથી અપાશે તેનું ટાઇમટેબલ જાહેર કર્યું ન હતું. આ બાબતે એમણે એટલું કહ્યું કે, ‘હજી તો સરવે ચાલી રહ્યો છે.’ વર્ષોથી ચાલી રહેલો આ સરવે ક્યારે પૂરો થશે ને વધારાનું પાણી આપવાની યોજના ક્યારે અમલી બનશે એનો કચ્છ-સૌરાષ્ટ્રની પ્રજાને ઈંતજાર છે.
ગાંડાબાવળનો ઉલ્લેખ અને સીનિયર સભ્યો વચ્ચે ઘર્ષણ!
તમે કોઇકની મશ્કરી બીજા સાથેની વાતચીતમાં કરતાં હોવ અને જેની મશ્કરી થતી હોય તે વ્યક્તિ સાંભળી જાય ત્યારે કેવો સીન થાય! બસ, આવો સીન ગુરૂવારે પ્રશ્નોત્તરી વખતે ગૃહમાં સર્જાયો હતો. ભાજપના એક સભ્યએ તેમની હંમેશની આદત મુજબ, અમદાવાદ જિલ્લાની ખારીકટ તથા ફતેવાડી કેનાલોમાંથી ગાંડાબાવળ સાફ થયા તે બદલ મોદી સરકારને અભિનંદન આપ્યા હતા. જળસંપત્તિ અને પાણી પુરવઠા પ્રધાન નીતિન પટેલ જવાબ આપવા ઊભા થયા હતા ત્યારે નાણાપ્રધાન વજુભાઇ વાળાએ પોતાની સીટ ઉપર બેઠાંબેઠાં ‘ઘણાંય ગાંડાબાવળ વાઢી નાખ્યાં’ જેવી રમૂજ ધીરેથી કરી હતી. સામે બેઠેલા વિપક્ષી નેતા શક્તિસંિહ ગોહિલે એટલી જ ધીમેથી ટિખળ કરતાં નીતિનભાઇ તરફ ઈશારો કરીને કહ્યું, ‘એક તો બાઠિયો આ ઊભો.’ આ સાંભળી ગયેલા નીતિનભાઇએ રાતાપીળા થતાં શક્તિસંિહને કહ્યું, ‘માપમાં રહેજો, તમારા જેવા તો કંઇ કેટલાય ગાંડાબાવળ કાપી નાખ્યા!’
શક્તિસંિહ હસતાં હસતાં સ્પષ્ટતા કરવા ઊભા થયા હતા અને ઘર્ષણ આગળ ચાલત, પણ અઘ્યક્ષ અશોક ભટ્ટે કુનેહપૂર્વક પરિસ્થિતિ સંભાળી લેતા કહ્યું કે, કેવી રીતે ચેઇન રીએકશન આવ્યું તે હું જાણું છું, આપણે જાહેરમાં ચર્ચવાને બદલે અહીં જ ચેપ્ટર ક્લોઝ કરીએ તે સારું ગણાશે.
ચેકડેમોના તૂટેલા પાળા ચોમાસા પહેલાં રીપેર કરવાની ખાતરી
ઉત્તર ગુજરાતમાં બનેલાં ઘણા ચેકડેમોના માટીપાળા તૂટી ગયા હોવાની ફરિયાદો ગુરુવારે ગૃહમાં થઇ હતી. મેઘરજના ધારાસભ્ય મહેન્દ્રસંિહ વાઘેલાએ એવી રજૂઆત કરી હતી કે, મેઘરજ, માલપુર, બાયડ, ધનસુરા તાલુકાઓમાં બનેલાં સંખ્યાબંધ ચેકડેમો તૂટી ગયાંની હું સતત ૨ વર્ષથી ફરિયાદ કરું છું પણ કોઇ સાંભળતું નથી. પ્રધાન નીતિન પટેલને કબૂલવું પડ્યું હતું કે, આ વિસ્તારોમાં કુલ ૧૦૭૨ ચેકડેમો પૈકી ૨૩૫ ચેકડેમોના પાળા તૂટી ગયા છે, વરસાદી પાણીમાં ધોવાઇ ગયા છે. આ ચેકડેમો સહિત સમગ્ર રાજ્યમાં જ્યાં કાંઇ ચેકડેમોના પાળા તૂટ્યા છે ત્યાં ચોમાસા પહેલા રીપેરીંગ કરી દેવામાં આવશે. મહેન્દ્રસંિહે ઉત્તર ગુજરાતમાં પાણીનો વિકટ બનેલો પ્રશ્ન હલ કરવા નર્મદાનું પાણી સ્થાનિક નદીઓ- ડેમોમાં નાંખવાની પણ માગ કરી હતી. જોકે, નીતિનભાઇએ વાત્રક, મેશ્વો વગેરે નદીઓમાં પાણી નાખવા સરકાર પૂરો પ્રયત્ન કરી રહી હોવાનું જણાવી ઉત્તર ગુજરાતના ધારાસભ્યોને પાણીના મુદ્દે ધરપત આપવાની કોશિષ કરી હતી.
આરોગ્ય પ્રધાનનો ગુસ્સો ગૃહના સભ્યોની ચર્ચામાં
પ્રશ્નોત્તરી વખતે સરકારી શાળાઓમાં આરોગ્ય તપાસણી બાબતના એક પ્રશ્નની ચર્ચામાં આરોગ્ય પ્રધાન જયનારાયણ વ્યાસ સપડાઇ ગયા હતા. કોંગ્રેસના બારડોલીના ધારાસભ્ય કુંવરજી હળપતિએ એવી ફરિયાદ કરી હતી કે, આ સરકાર શાળા આરોગ્ય તપાસણીના બણગાં ફૂંકે છે પણ ગામડાંઓમાં સરકારી દવાખાનાઓમાં બાળરોગ નિષ્ણાંત તો ઠીક સમ ખાવા પૂરતો એકેય ડોકટર હોતો નથી. આ રજૂઆતમાં ઘણા વિપક્ષી સભ્યોએ સૂર પુરાવ્યો હતો. એ જ વખતે વિપક્ષી નેતા શક્તિસંિહે પણ ગુરુવારની જ પ્રશ્નોત્તરીના પાછળના ભાગે બાબરાના ધારાસભ્ય બાવકુભાઇ ઉંધાડના પ્રશ્ન સંદર્ભે રાજ્યમાં બાળરોગ નિષ્ણાંત તબીબોની ૬૦ જેટલી જગ્યાઓ વર્ષોથી ખાલી હોવાના અપાયેલા જવાબ તરફ આરોગ્ય પ્રધાનનું ઘ્યાન દોરતાં, જયનારાયણ વ્યાસ ઉશ્કેરાઇ ગયા હતા. એ તબક્કે અધિકારીઓની ગેલેરીમાંથી એક ફાઈલ પ્યૂન માફરતે જયનારાયણને પહોંચતી કરાઇ હતી, પણ ઘુંધવાયેલા આરોગ્ય પ્રધાને એ ફાઇલ લઇને બાજુમાં ભોંય ઉપર ઘા કર્યો હતો જેને કારણે ફાઈલના કાગળિયાં ચારેબાજુ ફેલાઇ ગયા હતા. બાદમાં જયનારાયણ વ્યાસનો આ વર્તાવ, લોબીમાં અને ધારાસભ્યોના સર્કલોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. એક કોંગી ધારાસભ્યએ તો એવી કોમેન્ટ કરી હતી કે, ગૃહમાં જવાબ આપવામાં સદાયે ઉશ્કેરાઇ જતાં ભાજપના એક અન્ય પ્રધાનની અસરમાં તો જયનારાયણ વ્યાસ નથી ને!
આખરે GSPC
નો પબ્લિક ઈસ્યુ લાવવાની સરકાર દ્વારા જાહેરાત
ગુજરાત સરકારની પ્રીમિયમ કંપની ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના મૂડીબજારમાં પ્રવેશ અંગેની ઘણા સમયથી રાહ જોવાઇ રહી છે. આ સંદર્ભમાં ગુરુવારે આખરે ઉર્જા- પેટ્રોકેમિકલ્સ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન સૌરભ પટેલે મોં ખોલ્યું છે કે, GSPC નો પબ્લિક ઈસ્યૂ ટૂંક સમયમાં આવશે. એમણે એવું પણ જણાવ્યું છે કે દરિયામાં ૧ કિલોમીટર ઉંડેથી તેલ-ગેસ કાઢવાનું ક્યાંય થયું ના હોય તેવું કપરું કામ આંધ્રના દરિયામાં ક્રિષ્ના- ગોદાવરી બેઝિન ખાતે દિનદયાલ બ્લોકમાં થઇ રહ્યું છે જેની પાછળ અત્યાર સુધીમાં ૭ હજાર કરોડ ખર્ચાઇ ગયા છે!