સાવરકુંડલા તા.પં.નું બજેટ નામંજૂરઃ પોલીસ બોલાવવી પડી
સાવરકુંડલા, તા.૧૨ સાવરકુંડલા તાલુકા પંચાયતની આજે યોજાયેલી બજેટ બેઠકમાં બજેટ બહુમતિથી નામંજુર થતા બેઠક તોફાની બનશે તેવી દહેશતથી સત્તાધીશોએ પોલીસ બોલાવી બંદોબસ્ત ગોઠવી અને બેઠકનું વિડીયો શૂટીંગ પણ કરાવ્યું હતું. જો કે કોઇ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. બેઠકમાં બજેટ ૮ વિરૂઘ્ધ ૧૦ મતે નામંજુર થયું હતું. જયારે ૩ સભ્યો ગેરહાજર રહ્યા હતાં. વિપક્ષ ભાજપના ૮ અને સત્તાધારી કોંગીના બે મળી ૧૦ સભ્યોએ બજેટ વિરૂઘ્ધમાં મતદાન કર્યું સાવરકુંડલા તાલુકા પંચાયત કચેરીની આજે બપોરે યોજાયેલી બજેટ બેઠકમાં કુલ ૨૧ સભ્યોમાંથી સત્તાધારી પક્ષ કોંગ્રેસના ૧૦ સભ્યો હાજર રહ્યા હતા જયારે ૩ સભ્યો ગેરહાજર રહ્યા હતાં. વિપક્ષ ભાજપના ૮ સભ્યો હાજર રહ્યા હતાં. આમ કુલ ૧૮ સભ્યો હાજર રહ્યાં હતાં. બજેટ બેઠકના સચિવે બજેટ મંજૂરી માટેની રજૂઆત કરતા પૂર્વ કારોબારી ચેરમેને કોઇ કારણ કે ચર્ચા વગર બજેટ નામંજુર કરી મતદાનની માંગણી કરતાં વિપક્ષ ભાજપના ૮ અને સત્તાધારી પક્ષ કોંગ્રેસના બે સભ્યો મળી ૧૦ સભ્યોએ બજેટ નામંજુરી માટે આંગણી ઉંચી સમર્થન આપ્યું હતું. જયારે સત્તાધારી કોંગ્રેસના ૮ સભ્યોએ બજેટના સમર્થનમાં મતદાન કર્યું હતું. આમ બજેટ ૮ વિરૂઘ્ધ ૧૦ મતથી નામંજુર થયું હતું. પ્રજાના પ્રતિનિધિઓએ રાજકારણની આંટીધૂટીમાં બજેટને નામંજુર કરતાં બજેટ બેઠક તોફાની બનવાની દહેશતથી પંચાયતે પોલીસ બોલાવી પહેરો ગોઠવી દીધો હતો અને વિડિયો શૂટીંગ પણ કરાવ્યું હતું. પરંતુ કોઇ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. હવે પછીની બજેટ બેઠક ૧૯મી માર્ચના રોજ યોજાવાની શકયતા હોવાનું પંચાયતના સુત્રોએ જણાવ્યું હતું. |