સરીગામમાં પ્રદૂષણ ફેલાવતી વઘુ ૧૬ કંપનીને કલોઝર નોટીસ વાપી, શુક્રવાર ભિલાડ નજીકના સરીગામ ઔદ્યોગિક વસાહતમાં આવેલી પ્રદૂષણ ઓકતી કંપનીઓ પૈકી ર૮ કંપનીઓને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કલોઝર નોટિસ આપ્યા બાદ વઘુ ૧૬ કંપનીઓને કલોઝર નોટિસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા પ્રદૂષણ ઓકતી કંપનીઓ સામે લાલ આંખ કરાતા ઉદ્યોગપતિઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. પોલ્યુશન કંટ્રોલ બોર્ડની કામગીરીથી ઉદ્યોગપતિઓમાં ફફડાટ તાજેતરમાં ર૮ કંપનીઓને પણ કલોઝર નોટીસ અપાઇ હતી સરીગામ ઔદ્યોગિક વસાહતમાં સ્થપાયેલા એકમો પૈકી કેટલાક એકમો દ્વારા કંપનીમાંથી નીકળતું ઝેરી કેમિકલયુક્ત પાણી કોઇપણ જાતના શુઘ્ધિકરણ વિના બારોબાર પાઇપ લાઇન મારફતે છોડી દેવાની કરવામાં આવતી ગંભીર ચેષ્ટા અંગે સમયાંતરે બૂમરેણ ઉઠતી આવી છે. સરીગામથી તડગામના દરિયા કિનારા સુધી બિછાવવામાં આવેલી ૧૩ કિ.મી.પાઇપલાઇન મારફતે ઘણા વર્ષોથી ઝેરી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા દરિયાઇ જીવસૃષ્ટિ સાથે લોકોના આરોગ્ય સામે પણ ખતરાની દહેશત વર્તાઇ રહ્યાની ફરિયાદ થઇ છે. તાજેતરમાં જ કેન્દ્રિય વન અને પર્યાવરણ વિભાગે દેશના સૌથી વઘુ ર૪ પ્રદૂષિત શહેરોમાં વાપીનો સમાવેશ થયાની જાહેરાત બાદ પ્રદૂષણની માત્રામાં ઘટાડો કરવા કેન્દ્ર અને રાજ્ય સરકારે હાથ ધરેલી કવાયતમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ વાપીના અનેક પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોને કલોઝર નોટિસ ફટકારી છે. પ્રદૂષિત શહેર તરીકે વાપીને બહાર કાઢવા માટે છેલ્લા ઘણા સમયથી સરકાર અને સ્થઆનિક વહીવટી તંત્ર દ્વારા કડક હાથે કામગીરી શરૂ કરી છે. બીજી તરફ સરીગામ ઔદ્યોગિક વસાહતમાં આવેલા બહુધા એકમો દ્વારા પણ પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યાની ફરિયાદોને લઇ વહીવટી તંત્રએ છેલ્લા ઘણા દિવસોથી આ દિશામાં હાથ ધરેલી તપાસ દરમિયાન તાજેતરમાં ર૮ પ્રદૂષણ ફેલાવતી કંપનીઓને કલોઝર નોટિસ આપવામાં આવી હતી. ત્યારે ગઇકાલે ગાંધીનગર કચેરીએથી વઘુ ૧૬ કંપનીઓને કલોઝર નોટિસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ દ્વારા પ્રદૂષણના મામલે કડક હાથે કરવામાં આવી રહેલી કામગીરીને પગલે કંપની સંચાલકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. |