home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

ધો. ૧૨માં ભાષાકીય પેપરો અને ધો. ૧૦માં વ્યાયામનું પેપર સરળ

અમદાવાદ, શુક્રવાર

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાઈ રહેલી ધો. ૧૦ અને ધો. ૧૨ની શુક્રવારની પરીક્ષાનાં પેપરો સરળ રહ્યા હતા. જો કે ધો. ૧૨ સામાન્ય પ્રવાહની પ્રથમ ભાષા ગુજરાતીનું પેપર કેટલાંક વિદ્યાર્થીઓને અઘરું લાગ્યું હતું. જ્યારે રાજ્યભરમાંથી કોઈ ગેરરીતિના કેસ પકડાયા નથી પરંતુ ત્રણ ડમી વિદ્યાર્થીઓને ઝડપી લઈ તેમનાં વિરદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જૂનાગઢ જિલ્લાના કોડીનાર કેન્દ્રમાંથી બે અને ગાંધીનગર ખાતેથી એક ડમી પકડાયો

ધો.૧૦ની પરીક્ષા ૭૦૫ કેન્દ્રો પરથી લેવામાં આવી હતી. જેમાં કુલ ૫,૪૩,૬૫૬ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. મોટાભાગના વિદ્યાર્થીઓએ યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ વિષય રાખ્યો હોવાથી ઓએમઆર પદ્ધતિથી ૫૦ ગુણની પરીક્ષા લેવાઈ હતી. પ્રશ્નપત્ર અત્યંત સરળ હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. ધો. ૧૨ સાયન્સમાં આજે કોઈ પેપર નહોતું. જ્યારે ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં પ્રથમ ભાષાનું પ્રશ્નપત્ર હતું.

ધો. ૧૨નાં ગુજરાતી માઘ્યમના વિદ્યાર્થીઓ માટે ગુજરાતીનું પ્રશ્નપત્ર હતું જે ઘણાને સહેલું તો કેટલાક વિદ્યાર્થીઓને અઘરું લાગ્યું હતું. જો કે વિષય નિષ્ણાંતોએ જણાવ્યું કે પ્રશ્નપત્ર સહેલું જ હતું. પરંતુ જે વિદ્યાર્થીઓએ માત્ર અપેક્ષિતો કે ગાઈડો જ વાંચી છે તેઓને થોડી મુશ્કેલી નડી હતી. એ સિવાય પ્રશ્નપત્ર ખૂબ જ સહેલું હતું. જ્યારે કેટલાંક વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, ગ્રામર થોડું અઘરું હતું અને સી વિભાગના ૧૫ માકર્સના પ્રશ્નો કોર્ષ બહારના પૂછાયા હતા. પેપર થોડું લેન્ધી પણ હતું. આ સિવાય અમુક વિદ્યાર્થીઓએ જણાવ્યું કે પેપર સાવ સરળ હતું. સમાજમાં કન્યા કેળવણીનું મહત્વ એ નિબંધ મોટાભાગના વિદ્યાર્થીઓએ લખ્યો હતો. જ્યારે તેના વિકલ્પમાં ‘‘પર્યાવરણ સુરક્ષા આજનો પ્રાણ પ્રશ્ન’’ અને ‘‘ઈન્ટરનેટઃ આશિર્વાદ કે અભિષાપ’’ નિબંધો પૂછાયા હતાં.

ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી માઘ્યમનાં વિદ્યાર્થીઓનું અંગ્રેજી વિષયનું પ્રશ્નપત્ર પણ ખૂબ સરળ હતું. વિદ્યાર્થીઓ તેમજ વિષય નિષ્ણાંતોને પેપર ઇઝી લાગ્યું હતું. ગ્રામર તેમજ પ્રશ્નો પાઠ્યપુસ્તક આધારીત હોવાનું તેઓએ જણાવ્યું હતું. ધો. ૧૨ની પરીક્ષામાં ગેરરીતિના કોઈ કિસ્સા નોંધાયા નહોતા પરંતુ ત્રણ ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા હતાં.

Copyright   © Gujarat Samachar