સંજ્ઞાનો મર્મ
અવંતિપતિ ભોજરાજની સભા ભરાઈ છે. દરબારીઓ પોતપોતાનાં આસનો શોભાવી રહ્યા છે એટલામાં ત્યાં બ્રાહ્મણ આવ્યો. બ્રાહ્મણે આવી ભોજરાજાને હાથ ઊંચો કરી આશીર્વાદ આપ્યા. તે પછી તેણે આકાશ સામે આંગળી કરી જમીન પર હાથ ફેરવ્યો. ઉત્તરમાં ભોજરાજાએ મોંમાં આંગળી મૂકતાં બ્રાહ્મણે ભોજની સમક્ષ એક પથ્થર ધર્યો. ભોજે હસીને બ્રાહ્મણને સવાલાખ રૂપિયાનું ઈનામ આપ્યું. સભામાં બેઠેલા સૌને નવાઈ લાગી. ભોજરાજાએ સંજ્ઞાનો મર્મ સમજાવવા કહ્યું. કોઈ ઉત્તર આપી ન શક્યા એટલે ભોજરાજાએ તે સમજાવતા કહ્યું ઃ ‘બ્રાહ્મણે મને કહ્યું કે, અતિવૃષ્ટિથી મારું ખેતર ધોવાઈ ગયું છે.’ મેં તેને મશ્કરીમાં કહ્યું કે, ‘તમારા પૂર્વજ અગત્સ્ય ઋષિ સાગરનાં જળ પી ગયા હતા તો તમે વરસાદ પણ ન પી શકો? મારી એ મશ્કરીનો વળતો કટાક્ષથી ઉત્તર આપવાને બ્રાહ્મણે મારી સમક્ષ પથ્થર મૂકીને જણાવ્યું કે, ‘તમારા પૂર્વજ રામચન્દ્રજીએ સાગર પર પથ્થરનો સેતુ બાંઘ્યો હતો. તમે બાંધી જુઓને!’’ તેની આ સમયોચિત્ત હિંમત અને માર્મિકતા ખરેખર પ્રશંસાને પાત્ર લાગવાથી મેં તેને ઇનામ આપ્યું. |