વિચાર વિહાર પરિશ્રમ વિના પ્રગતિ નહીંજે કામમાં વિદેશોમાં દસ માણસો જોઈએ ત્યાં આપણે ત્યાં ૧૦૦ માણસોની જરૂર પડે છે. પછી એ ઓફિસમાં ક્લાર્ક હોય કે હોટલનો રસોયો હોય. વિદેશીઓ જ્યારે આવે ત્યારે આપણે ત્યાં ‘વર્ક કલ્ચર’નો અભાવ જોઈને ડઘાઈ જાય છે. એકવાર દેશમાં ઇઝરાયેલનો ફૂડ ફેસ્ટીવલ યોજાયો ત્યારે એમણે કહ્યું કે, અમને શાકભાજી અને તાજી ખાદ્ય સામગ્રી મેળવવામાં તો મુશ્કેલી પડી, પણ સૌથી વઘુ મુશ્કેલી તો અહીંના લોકોની આળસ અને બેદરકારી સાથે પનારો પાડવામાં પડી. આવો જ અભિપ્રાય જાપાન અને જર્મનીના ઘણાં ઉદ્યોગપતિઓએ આપ્યો છે. આપણે અર્થતંત્રમાં ઉદાર નીતિ અપનાવી એ પછી પણ વિદેશનાં ઘણાં ઉદ્યોગપતિઓ આપણે ત્યાં મૂડીરોકાણ કરતાં ખચકાય છે એનું કારણ આ જ છે. આપણે ત્યાં બેંક અને એરલાઇન્સના કર્મચારીઓ અવાનરવાર શોખ ખાતર હડતાળ પાડતા હોય છે અથવા કોઈને કોઈ પ્રકારનું આદોલન ચલાવતા હોય છે. હમણાં એરલાઇન્સના ટ્રાફિક કન્ટ્રોલ અને બીજા ટેકનિકલ વિભાગોના કર્મચારીઓએ દિવસો સુધી ‘ધીમે કામ કરો’ની નીતિ અપનાવી (જો કે, આપણે ત્યાં આમ પણ કામ ધીમી ગતિએ જ થતું હોય છે.) આને લીધે દિવસો સુધી દેશભરમાં વિમાની સેવા ખોરવાઈ ગઈ. ઉડ્ડયનો મોડા પડ્યા, એ બઘું આપણી સહનશીલ પ્રજાએ ચલાવી લીઘું. હવે એ આંદોલન પૂરું થઈ ગયું છે, પણ એ આંદોલનને લીધે વિમાની મથકો પરની યાંત્રિક સામગ્રીનો સાર-સંભાળ બરોબર ન થઈ શકવાને લીધે ઘણી યંત્રસામગ્રી ખોટવાઈ ગઈ છે અને એરપોર્ટની યંત્ર સામગ્રી ખોટવાઈ જાય એટલે શું થાય તે આપણે જાણીએ છીએ. એક એરપોર્ટ પર ડી.વી.ઓ.આર. નામનું ઉપકરણ બંધ હતું અને આ ઉપકરણના સિગ્નલ વિના વિમાન ઉતરી શકે નહીં. પણ, એમ છતાં વિમાને આંધળું ઉતરાણ કર્યું અને ઊડી પણ ગયું. વિમાન મુંબઈથી ઉપડ્યું ત્યારે જ જાણ થઈ હતી કે આ ઉપકરણ બંધ છે, છતાં આવું દુઃસાહસ કરવામાં આવ્યું. અખબારી અહેવાલ જણાવે છે કે મુંબઈ- દિલ્હીના હવાઈ મથકોએ તો રડાર યંત્રો પણ બંધ પડી ગયા છે. ક્યાંક ડી.એમ.ઇ. મશીન, તો ક્યાંક રેડિયો ટેલિફોનિક સુવિધા બંધ છે. અને છતાં હવાઈ સેવાઓ ચાલુ છે. કામ કરવાને બદલે આળસ અને આંદોલનોને લીધે લાખો માણસોનું જીવન જોખમમાં આવે છે એ વાત આપણને ક્યારે સમજાશે ? સર જેમ્સ થોમસન ભારતીય નાગરિક સેવાના એક મોભી હતા. એમની યુવાન પત્ની અચાનક અવસાન પામી. સ્વાભાવિક રીતે જ થોમસનને ઊંડો આઘાત લાગ્યો. એમને એમ લાગ્યું કે, આ આઘાત એમનાથી જીરવી શકાશે નહીં અંતે એમને એક વિચાર આવ્યો. એમણે એમનું જીવન સખત પ્રવૃત્તિમય બનાવી દીઘું અને પોતાનાથી શક્ય એટલો સ્નેહ અને સમભાવ લોકોને આપવા માંડ્યા. પ્રવૃત્તિમય રહેવાને લીધે એક તો એ પત્નીના મોતનું દુઃખ ભૂલી શક્યા અનેે બીજું એ નિમિત્તે અનેક લોકોને મદદરૂપ થઈ શક્યા એમના કામ કરી આપ્યા અને એમની શુભેચ્છાઓ મેળવી આને લીધે એમને એક પ્રકારનો સંતોષ પ્રાપ્ત થયો. વારંવાર હડતાળો પાડીને બીજાને દુઃખ પહોંચાડતા એરલાઇન્સના કર્મચારીઓ આવા દાખલામાંથી ઘણું શીખી શકે એમ છે. અફસોસની વાત એ છે કે આપણે ત્યાં શિક્ષણ મેળવેલા, હોંશિયાર બુદ્ધિશાળી લોકો જ આવી સ્વાર્થી રમત રમે છે. ભારતમાં પંદર કરોડ લોકો દૂરના ગામડાઓમાં ખેતમજૂરી કર છે અને એનું ભારે શોષણ થાય છે. પણ, એ લોકો પોતાના શોષણને વાચા પણ આપી શકતા નથી. બીજી તરફ, એકાદ કરોડ જેટલા ભણેલા અને હોંશિયાર લોકો મહિને હજારો રૂપિયાના પગાર અને અધિકાર મેળવાત હોવા છતાં સામાન્ય પ્રજાને પીડા જ આપતા રહે છે. ઇ.એફ. શુમાકરે ‘સ્મોલ ઇઝ બ્યુટીફૂલ’ નામના પુસ્તકમાં કહ્યું છે કે, શિક્ષિત માણસોની તો સમાજ તરફ બેવડી ફરજ હોય છે. ચીનમાં એક ગણતરી થઈ છે જે મુજબ ડિગ્રીમાં ભણતા એક વિદ્યાર્થીનું ખર્ચ પૂરું કરવા ત્રીસ ખેડૂતોએ પાંચ વર્ષ મહેનત કરવી પડી. મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇન પુરુષાર્થ અને પરિશ્રમને જ જીવનની સફળતાનું સૂત્ર માનતા. એમણે વિજ્ઞાનના અનેક રહસ્યો ઉકેલ્યા અને સાપેક્ષતાનો સિદ્ધાંત આપ્યો. જે માત્ર વિજ્ઞાનમાં જ નહિ પણ જીવનના દરેક ક્ષેત્રમાં આજે તર્કસંગત મનાય છે. એકવાર આઇન્સ્ટાઇનને કોઈએ પૂછ્યું ‘તમારી સફળતાનું રહસ્ય શું છે ?’જવાબમાં એમણે એક દાખલો ગણાવતા કહ્યું ઃ એસ-એક્સ + વાય + ઝેડ... એસ એટલે સફળતા, એક્સ એટલે પરિશ્રમ, વાય એટલે આરામ અને ઝેડ એટલે મૌન... માણસને સખત કામની જરૂર રહે છે એટલી જ આરામની જરૂર છે. પણ, આરામ એટલે આળસ નહીં પણ કામનું પરિવર્તન... આઇન્સ્ટાઇન કામથી થાકી જાય એટલે વાયોલિન વગાડવા બેસી જતા. એમણે મૌન ઉપર પણ ભાર મૂક્યો. માણસ મૌન રહીને થોડું ચંિતન કરે, વિચાર કરે અને ઉંડાણથી પોતાના જીવનનું પૃથક્કરણ કરે તો એને એમાંથી ઘણાં નવા વિચારો સૂઝે અને ક્યારેક મુશ્કેલીમાંથી માર્ગ પણ મળી આવે. એ પછી જે કામ હાથ પર લેવામાં આવે એમાં રુચિ હોય છે અને એમાં સર્જનાત્મકતા હોય છે. આવું કામ કરવાનો આનંદ નિરાળો જ હોય છે. એનાથી કંટાળાની લાગણી દૂર થાય છે અને કશુંક સત્ત્વશીલ કે સર્જનાત્મક કામ કરવામાં સંતોષ મળે છે. પછી મનની શાંતિ માટે કોઈ આઘ્યાત્મિક ગુરુઓ પાસે જવાની કે કોઈ શિબિરમાં હાજરી આપવાની જરૂર રહેતી નથી. અંદરથી મળતો સંતોષ જ માણસના જીવનનું ચાલકબળ બની રહે છે. વિખ્યાત લેખક વૉલ્ટેરની એક નવલકથા છે. એનો નાયક કેન્ડીક શાંતિ અને સુખની શોધમાં ભટકે છે. અલબત્ત, એની અવસ્થા હરમાન હેસના સિદ્ધાંતથી જુદી છે. એ પણ અલબત્ત, જીવનને પામવાની મથામણમાં હોય છે અને એ મથામણમાં અહીં તહીં ભટકે છે. એક વખત એ ફરતાં ફરતાં એક ખેતરમાં જઈ પડે છે. ત્યાંનો ખેડૂત પોતાના થોડા એકર જમીનમાં નારંગીના ઝાડની છાયા હેઠળ બેઠો હોય છે અને એના પુત્રો ખેતી કરી રહ્યા છે. ખેડૂત પોતે પણ કામ કરે છે અને કામથી થાકે ત્યારે અહીં વૃક્ષ હેઠળ આરામ કરે છે. પણ ખેડૂત અને એના પુત્રોના ચહેરા ઉપર સંતોષની એક જ પ્રકારની લકીર કેન્ડીડ જુએ છે અને એને સુખનું રહસ્ય મળી જાય છે. પેલો ખેડૂત કહે છે ‘કંટાળો દૂર કરવો હોય, ગરીબીથી બચવું હોય અને દુર્ગુણોમાં સપડાવું ન હોય તો પ્રવૃત્તિ એ જ સાચો રસ્તો છે.’ કેન્ડીડ તરત જ નિર્ણય લઈ લે છે અને એક બગીચામાં જઈને કામે લાગી જાય છે. જાપાનની પ્રજાની ઉદ્યમશીલતા આપણે જાણીએ છીએ. ત્યાંનો દરેક કામદાર દરરોજ કંપનીનું કામ શરૂ કરતાં પહેલાં એક ગીત ગાય છે. ‘નૂતન જાપાનના નિર્માણ કામમાં ચાલો આપણી શક્તિ અને આપણા દિલને જોડીએ.’ અહીં શક્તિની ઉપર દિલને જોડવાની વાત ઉપર ભાર મૂક્યો છે. માત્ર શક્તિથી કામ થતું નથી, પણ એની સાથે આપણું મન પણ જોડાયેલું રહેવું જોઈએ. આવા ‘ઇન્વોલ્વમેન્ટ’થી જે કામ થાય છે અને દિલચોરીથી જે કામ થાય એમાં ભલીવાર હોય જ નહીં. કામ ન કરવું હોય એને બહાનાં મળી રહે છે. આપણી કોઈ પણ નવી સરકારને પૂછો કે દેશની પ્રગતિ કેમ નથી થતી, તો તરત કહેશે કે, ‘અમારા પહેલાંની સરકારે એટલો ગેરવહીવટ કર્યો હતો કે એ સુધારતાં જ અમને પાંચ વરસ લાગશે.’ મુંબઈથી લોકલ ટ્રેનની હાડમારી વિશે રેલવેને પૂછશો તો કહેશે, ‘શું કરીએ ? આટલી બધી વસતીની હેરફેર કરવી એ કંઈ મામુલી વાત નથી.’ આપણે એમને કહીએ કે, ‘ભાઈ, લંડનની વસતી પણ મુંબઈ જેટલી જ છે...’ તો વાત બીજે માર્ગે વાળી દેશે. કોઈ ઓફિસના કારકુનને પૂછશો કે વહીવટ કેમ ધીમો ચાલે છે ? તો કહેશે, શું કરું ઉપરથી જ બઘું બગડી ગયું છે. ત્યાં અમે નાના માણસો શું કરી શકીએ ? અને કોઈ કર્મચારી જો ભૂલેચૂકે ખૂબ કામ કરવા માંડશે તો બીજા લોકો એની મશ્કરી કરીને કહેશે. અલ્યા આટલું બઘું કામ કરે છે તો કોઈ તને પાઘડી પહેરાવી દેવાનું નથી ! સુરતમાં એકવાર ત્યાંના મેયરે રેલ્વે સ્ટેશનની ગંદકી જોઈને ટીકા કરી ત્યારે રેલવેના સાહેબે જવાબમાં કહ્યું હતું કે, ‘પહેલા ગામની ગટરો બરોબર સાફ કરો ને પછી અમને સલાહ આપજો.’ આમ, કામ ન કરવાનાં બહાનાં બતાવવાં કે પોતાની નિષ્ફળતાનો ટોપલો બીજા ઉપર ઓઢાડી દેવામાં આપણે બહાદુર છીએ. અહીં કોઈ પોતાની જવાબદારી સ્વીકારવા જ તૈયાર નથી. બધાં બહાનાં બતાવીને છટકી જવા માગે છે. પણ, બીજાના દોષ બતાવવાથી આપણો દોષ ઢંકાઈ જતો નથી એ વાત યાદ રાખવી જોઈએ. આજની દુનિયામાં જેટલા દેશો આર્થિક રીતે આગળ આવ્યા છે, એ બધાં જ સખત મહેનત અને પુરુષાર્થથી આગળ આવ્યા છે. જે પ્રજાઓ પ્રમાદમાં ફસાઈ એ બધી પાછળ રહી ગઈ. સ્પર્ધાની દુનિયામાં રજાઓ, અધિકારો, હડતાળો અને આંદોલનોથી કામ ચાલતું નથી. આ બધી ચીજો પોતપોતાની જગ્યાએ કામ કરે, પણ ઉત્પાદન તો ચાલું રહેવું જોઈએ. ધંધા- રોજગાર બંધ રાખીને પણ કશું થઈ શકે નહીં. એનાથી તો સરવાળે સૌને નુકસાન થાય અને એ નુકસાનનો થોડો હિસ્સો આપણા ભાગમાં પણ આવે. કર્મચારી સંગઠિત હોય કે અસંગઠિત હોય, એણે કામ તો કરવાનું જ છે. કામચોરીને રક્ષણ આપે એવા કર્મચારી મંડળો આપણા સિવાય બીજા કોઈ દેશમાં અસ્તિત્વમાં નથી. સાહિર લુધિયાનવીની એક પંક્તિ ટાંકીએ તો ‘કોઈ રુકત નહીં ઠેહરે હુવે રાહી કે લિયે, જો ભી દેખેગા વો કતરા કે ગુજર જાયેગા... હમ અગર વક્ત કે હમરાહ ન ચલને પાયે, વક્ત હમ દોનો કો ઠુકરા કે ગુજર જાયેગા.’ જે રીત-રિવાજો અને ક્રિયાકાંડોમાં જવાનું ટાળી શકાય તેમ હોય ત્યાં પણ અતિ ઉત્સાહમાં ધસી જવું એમાં સમયનો ભારોભાર બગાડ તો છે જ, પણ જાહેર વાહન વ્યવહાર વ્યવસ્થાનો પણ એમાં ભારે દુરૂપયોગ છે. જે દેશમાં ટ્રેન, બસ કે વિમાન વ્યવહારની સગવડો ખૂબ અપૂરતી હોય, રસ્તાઓ વાહનોથી ખીચોખીચ હોય, નવી ટ્રેન કે બસ શરૂ કરવાના પૈસા ન હોય, બળતણની ભારે તંગી હોય, ત્યાં પણ એક નકામો પ્રવાસ એ દેશના ટાંચા સાધનો ઉપરનો અત્યાચાર છે. આવા આઘુનિક બળાત્કારોની આપણે નોંધ લેતા નથી, એ આપણી કમનસીબી છે. સમય બગાડવા માટેનાં બહાનાં શોધતી પ્રજા પ્રગતિના સપનાં જોઈ શકે નહીં. આપણે કેટલા બધા નિરર્થક તહેવારો અને નિરર્થક પ્રસંગો તથા ઔપચારિકતાઓમાં સમય બગાડીએ છીએ ? દર રવિવાર થાય અને હોટલનું પ્રદૂષિત ભોજન લીધા વિના ચાલે નહીં એવા કુટુંબો બહાર જવામાં હોટલમાં પહોંચીને ટેબલ પર ભોજનની રાહ જોવામાં, પોતાનો નંબર આવે એની લાઇન લગાડવામાં અને પછી ઘરે પાછા ફરવામાં કલાકો બગાડી નાંખે છે. આટલી વારમાં ટોફલર, પિટર, ડ્રકર, એરીક ડ્રોમ કે માર્શલ મેકલુહાનનું એક સુંદર પુસ્તક વાંચી શકાય. પણ, આવા સાદા હિસાબ-કિતાબ માંડવાની ફૂરસદ કોને છે ? |