home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

કૉલેજસ્ય પ્રથમ દિવસે...

આજે કૉલેજનો પહેલો દિવસ ! બૉર થઈ ગયા આજે તો !

ખબર હોત તો હું કૉલેજ જાત જ નહીં. જોકે કૉલેજ તો જાત, કારણ નહીં તો ઘેર શું કરીએ ? બૉર થઈ જવાત ઘેર તો, અને ફર્સ્ટ ડેએ તો કૉલેજ જવું જોઈએ ને ?

એટલે કૉલેજ ગયા એ તો બરાબર, પણ કલાસમાં જવા જેવું નહોતું. ખાસ તો સેકન્ડ પિરિયડ ડલ હતો. ફર્સ્ટ પિરિયડમાં એક કોટ-પાટલૂનવાળા પ્રોફેસર હતા તે પોતે જાણે નેતા હોય અને ચૂંટણીમાં ભાષણ કરતા હોય એમ બોલતા હતા, પણ કોટ-પાટલૂન ને ટાઈ પહેરેલા એટલે સારા નહોતા લાગતા. ટાઈ ટૂંકી હતી. એમણે કો’ક પ્લાનંિગ કમિશનવાળાઓની ઝૂડી. જાણે પ્લાનંિગ કમિશને એમની ખુરશી પર ટાંકણી મૂકી હોય એટલું ચિઢાયેલા. પછીથી કો’કે કહ્યું કે એ ઇકોનોમી શીખવતા હતા. ઇકોનોમી એટલે શું એ તો ખબર જ ના પડી. ઈકોનોમીના પિરિયડમાં પ્લાનંિગ કમિશનની શું કામ છોલી હશે ? જોકે છોલી એટલે મઝા આવી. એ વચ્ચે વચ્ચે ‘માય બૉઇઝ, માય બૉઇઝ’ એવું બોલ્યા કરતા હતા એટલે પણ મઝા આવી. ‘માઇ ગર્લ્સ, માઇ ગર્લ્સ’ એવું કેમ નહીં બોલતા હોય ? કલાસમાં સત્તર પીંગટેલ છે. (પીગટેલ મીન્સ ચોટલા) પ્રોફેસર ‘માય બૉઇઝ, માય બૉઇઝ’ કરતા હતા એટલે પેલીઓને ખોટું નહીં લાગ્યું હોય ?

ઇકોનોમીવાળાએ કાંક અંગ્રેજી લેખકની ચોપડીનું નામ લખાવ્યું. નોટ નહોતી એટલે ના લખ્યું. નોટ તો હતી હિસ્ટરી માટે એટલે એમાં ઇકોનોમીનું ના લખ્યું. અમુક નોટમાં અમુક વિષયનું જ લખવું છે, જેથી બઘું હોચપોચ ના થઈ જાય. બહેતર છે કે ના લખવું, પણ રોંગ નોટમાં રોંગ સબ્જેક્ટનું તો ના જ ઉતારવું.

બીજા પિરિયડમાં કો’ક મિસ્ટર ‘એસ્પ્રો’ હતા. પહેલાં તો એમણે કહ્યું કે, તમે બધા બી.એ. થઈને બેકાર થવાના છો. પછી મ્યુનિસિપાલિટીની ચૂંટણીનું બોલ્યા. પછી હું નોટ નહીં ઊતરાવું એ વિશે ભાષણ કર્યું. એ આવ્યા ત્યારે બે-ત્રણ છોકરા ઊભા થયા અને બાકીના ના થયા અને બધી છોકરીઓ ઊભી થઈ ! એટલે છોકરીઓના વખાણ કર્યાં ! હોલસેલ અમૂલ બટર ! એમનું નામ ખબર ન પડી. કાલે બોર્ડ પર ટાઇમ ટેબલમાં જોઈ લઈશું. એમણે ચાર-પાંચ ચોપડીઓનાં નામ લખાવ્યાં અને એમાં પોતાની ચોપડીનું ય નામ લખાવ્યું ને પછી કહે જેને જે ચોપડી ખરીદવી હોય તે ખરીદે, મારે કોઈ દબાણ કરવાનું નથી ! પણ બીજી ત્રણ ચોપડીઓના લેખકોની છોલી. પોતાની ચોપડી વિરુદ્ધ કંઈ કહ્યું નહીં ! હું રિસેસમાં પૂછવા જવાનો હતો કે કઈ ચોપડી ખરીદવી પણ નરેન્દ્ર મને કહે, ‘તું ડફોળ છે. પ્રોફેસરે કહ્યું તો ખરું કે પોતાની ચોપડી બેસ્ટ છે.’ જોકે એવું કહ્યાનું મને યાદ નથી, પણ નરેન્દ્ર કહે છે એ તો સમજી લેવાનું ! એ સોશિયલ કશુંક શીખવાડવાના છે, પણ પોતાના પિરિયડમાં શહેરની મ્યુનિસિપાલિટીનું પુરાણ કેમ ચલાવ્યું તે સમજણ ના પડી. પંડ્યા કહે છે સોશિયલમાં મ્યુનિસિપાલિટીનું આવે. મેં કહ્યું, ‘સોશિયલ એટલે શું એ બોલને ? એટલે ખબર પડે તો કે’ સોશિયલ એટલે બધા લોકો. હત્તેરીકી, સોશિયલના વિષયમાં તો મ્યુનિસિપાલિટીનું આવે જ ને ? નેચરલ છે. નક્કામાં પેલા એસ્પ્રોનું વાટ્યું ! જો કે એસ્પ્રો તો એ હતો જ હોં !

એણે હાજરી ના પૂરી... આમ માણસ સારો લાગ્યો, ચાલશે.

થર્ડ પિરિયડ નહીં ભર્યો. ભરવો તો હતો પણ થર્ડ પિરિયડમાં રૂમ નં. ૪માં જવાનું છે એવું ભટ્ટે કહેલું એટલે નં. ૪માં ગયા, પણ પછી ખબર પડી કે એ તો નં. ૫ હતો એટલે બહાર નીકળીને જોડેના રૂમમાં ધૂસ્યા તો એ તો રૂમ નં. ૬ હતો. ત્યાં કો’ક પ્રોફેસર મૂછવાલા હતા. તેમણે ચિઢાઈને બહાર કાઢયા. ચંદુ કહે ચાલ, આપણે પેલો રૂમ ટ્રાય કરીએ. આપણો તો વિચાર મોળો હતો તોય એ રૂમમાં પેઠા. અમે આઠ જણ હતા. એ રૂમ નંબર ચાર હતો, પણ અમારો કલાસ ત્યાં નહોતો, ત્યાં તો કો’ક સંસ્કૃતમાં ફાડતું હતું. સંસ્કૃત તો અમારે આજે હતું જ નહીં, એટલે કંઈક ગોટાળો થયો સમજી અમે આઠે જણ ગેટઆઉટ કરી ગયા - અને અમારી જોડે બીજા ય દસ જણ નીકળી ગયા ! બધો ગોસ્મોટાળો થઈ ગયો. પછી રિસેસ પછી કંઈ કલાસ ભરવાનું ગમ્યું નહીં.

લાઇબ્રેરીમાં જવું હતું, કારણ આપણે તો લાઇબ્રેરીમાં જઈ અંગ્રેજી સુધારવું છે એવું ડિસિશન કર્યું છે, પણ લાઇબ્રેરી જડી નહીં એટલે કાલે જઈશું એમ નક્કી કર્યું. પેલી બાજુ લાઇબ્રેરી હતી પણ પટાવાળો રસ્તામાં ઊભેલો તે કહે, ‘નોટ ધીસ સાઇડ, ધેટ સાઇડ’ અને ધેટ સાઇડમાં દાદરો ચડીને ઉપર ગયા તો ધાબું ! પછી નીચે ઊતર્યા તો જમણી બાજુ લેડીઝ રૂમ. આપણે તો ફસાયા, ફરી પાછા ઉપર આવીને આવેલ રસ્તે પાછા ! નરેન્દ્ર, અરવંિદ અને પાઠકને પછી આ વાત કરી તો મારી બહુ બિલંદી ઉડાવી. કહે, તું તો યાર પેક નીકળ્યો. ફેન્ટા પાઈ દે. મેં કહ્યું કે ફ્રેંકલી યાર, મિસ્ટેકમાં જ એ બાજુ ગયેલો, પણ કોઈએ માન્યું જ નહીં. આપણને એમની આ જોક કરવાની મેનર ગમી નહીં. કહે છે એક પંડ્યા નામના પ્રોફેસર બહુ સરસ છે. નૉલેજ તો એના બાપનું છે ! ગુરુવારે પિરિયડ છે, જોઈએ હવે. અંગ્રેજી લેવાના છે. બોર્ડ પર સ્પેલંિગ્ઝો લખે તો સારું. રિસેસમાં પ્રોફેસરોની રૂમમાં ડોકિયું કર્યું તો બધા ચા પીતા હતા. મારે બુક્સનું પૂછવું’તું, પણ માંડી વાળ્યું. નાતમાં ચોપડીઓની અરજી તો હજી શનિવાર સુધીમાં કરવાની છે ને ? કૉલેજવાળા ચોપડીઓનું રેડીમેડ લિસ્ટ આપે તો શું એમના બાપનું જાય ? પેલો મહેશ જે કૉલેજમાં ગયો છે ત્યાં તો કહે છે કંપલસરી અમુક ચોપડીઓ જ લેવાની. એ સારું. માથાફોડ તો નહીં. મહેશે તો ચોપડીઓ લાવી પૂંઠાં ચડાવી નામ લખીને ટેબલ પર ગોઠવી પણ દીધી. બોચિયો છે ? આવાઓ કૉલેજમાં આવતાં શું કામ હશે ? જોકે બ્રાન્ડ ન્યુ બુક્સો સાથે ટેબલ સારું તો લાગે છે હોં ! આપણને તો આઈડિયા ગમ્યો.

બસના કન્સેશનનું એક કારકુનને પૂછયું તો કહે આસ્ક ધ ઓફિસ. પછી ખબર પડી કે એ તો પ્રોફેસર હતા. બધા પ્રોફેસરોને ટાઇ કમ્પલસરી પહેરાવવી જોઈએ. મને દાઢમાં ન રાખે તો સારું. જોકે મિસ્ટેક થઈ ગઈ એમાં મારો શો ફોલ્ટ ? આમ મોં પરથી કારકુન જેવા લાગતા હતા. જોકે પછી ચત્રભુજે કારકુન બતાવ્યો ને કહ્યું કે જા એને બસ કન્સેશનનું પૂછી આવ. પણ આપણે તો ના ગયા. એ કારકુન પાછો પ્રોફેસર નીકળે તો ?! બસ કન્સેશનનું પછીથી કરીશું.

કૉલેજનું મકાન સારું છે. પંખા પર કબૂતર બેસે છે ત્યારે એના બેસવાથી પંખો ચાલવા માંડે છે. એટલે કબૂતર ગભરાઈને ઊડી જાય છે ને પછી પંખો ચાલ્યા કરે છે.

સ્કૂલમાં પંખા નહોતા.

કબૂતર પણ નહોતા.

પંખો પછી ધીમો પડે કે તદ્દન બંધ થઈ જાય એટલે ફરી કબૂતર બેસે. એટલે ફરી પાછો કબૂતરના ફોર્સથી પંખો ચાલવા માંડે.

એસ્પ્રોના પિરિયડમાં મેં તો પંખો જ જોયા કર્યો. બપોરે વરસાદ આવ્યો હોત તો મઝા રહેત. આપણે તો ક્રિકેટ ટીમમાં રહેવું છે.

પહેલા પિરિયડમાં પ્રોફેસરે કેનેડીની વાતો કહી કે એણે કહેલું કે તમને દેશ શું આપી શકશે તેનો વિચાર ના કરશો, દેશને તમે શું આપી શકશો તેનો વિચાર કરજો. કેનેડીની લાઇફ વાંચવી છે. જૂના એક ફિલ્મફેરમાં જેકેલીનનો બહુ સરસ ફોટો હતો. આઘેથી લીધેલો.

પેલું વાક્ય નોટમાં લખી લીઘું જોકે હિસ્ટરીની નોટ હતી એટલે લખવું નહોતું જોઈતું કારણ અમુક નોટમાં અમુક વિષયનું જ લખવાનું નક્કી કર્યું છે કે જેથી બઘું હોચપોચ ના થઈ જાય. પણ સેન્ટન્સ બહુ સારું હતું એટલે લખ્યું.

ફ્રીશિપ માટે એપ્લિકેશન તો કરવી જ છે. હાફ મળે તોય સારું. મોટાભાઈને માથે કેટલો બર્ડન નાખવો ? પાછા ફરતા પિકચરમાં જવાનો બધા ફ્રેન્ડોએ વિચાર કર્યો, પણ ટિકિટ ના મળી એટલે સીધા ઘેર. અમારી કૉલેજના ભૈયાની એક બાજુની મૂછ ધોળી છે ને બીજી બાજુની કાળી છે.

Copyright   © Gujarat Samachar