ફિલ્મોમાં હત્યા-બળાત્કારના દ્રષ્યો પર પ્રતિબંધ જરુરી ઃ આઝાદ
(પીટીઆઇ) નવી દિલ્હી, તા.૨૬
પોતાના પુરોગામી કરતા અલગ મત વ્યક્ત કરતા કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ગુલામ નબી આઝાદે જણાવ્યું હતું કે ઘુમ્રપાન અને શરાબ સેવનના દ્રષ્યો પર પ્રતિબંધ મૂકતા પહેલા બળાત્કાર અને હત્યા જેવી વાંધાજનક બાબતો દર્શાવવા પર રોક મૂકવી જોઇએ.
ઘૂમ્રપાન અને દારુ પીવાનાં દ્રષ્યો પર પ્રતિબંધ પૂર્વ આ દિશામાં પગલાં લેવાનો આરોગ્ય પ્રધાનનો અભિપ્રાય
રાજધાનીમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવેલા કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ગુલામ નબી આઝાદે પત્રકારોની સાથે વાત કરતા જણાવ્યું હતું કે ફિલ્મોમાં બળાત્કાર, હત્યા અને લૂંટફાટ જેવા દ્રષ્યો વઘુ દર્શાવવામાં આવતા હોય છે, તેથી ઘુમ્રપાન અને શરાબ સેવન દર્શાવતા દ્રષ્યો પહેલા રેપ અને હત્યાના દ્રષ્યો દર્શાવવા પર પ્રતિબંધની જરુર છે.
આ અગાઉ આઝાદના પુરોગામી અંબુમણિ રામદોસે ફિલ્મોમાં ઘુમ્રપાન અને શરાબ સેવનના દ્રષ્યો દર્શાવવા પર પ્રતિબંધ મૂકવાની હિલચાલ શરુ કરીને ફિલ્મસર્જકોને નારાજ કર્યા હતા. આઝાદે જણાવ્યું હતું કે આલ્કોહોલ અને ડ્રગ્સનો દુરુપયોગ અટકાવવા માટે કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય નીતિ ઘડવા વિચારણા કરી રહી છે. આ સાથે તેમણે આ મુદ્દે જાગૃતિ ફેલાવવા સમાચાર માઘ્યમોને અપીલ કરી હતી.
આઝાદે જણાવ્યું હતું કે દેશના તમામ જિલ્લાઓમાં વ્યસનમુક્તિ કેન્દ્રો શરુ કરવા સરકાર પ્રયાસો કરશે. તેમણે ઉમેર્યું હતું કે આ કેન્દ્રોમાં માત્ર દર્દીઓની સારવાર જ નહિ કરવામાં આવે પણ શરાબ સેવન તથા માદક દ્રવ્યો વિરોધી જાગૃતિ પણ ફેલાવવામાં આવશે.