મુંબઇમાં ભારે વરસાદ સાથે ચોમાસાના શ્રીગણેશ (પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૨૬ મુંબઈગરાને અસહ્ય ઉકળાટ અને ગરમીમાં તડપાવ્યા બાદ આજ સવારથી શરૂ થયેલા વરસાદને લીધે ઠેકઠેકાણે પાણી ભરાઈ ગયા હતા અને ૫૦ થી વઘુ ઝાડ પડી ગયા હતા. આજે નવ કલાકમાં પાંચેક ઈંચ વરસાદ પડ્યો હતો. ૨૪મી જુલાઈએ ભારે ભરતી વખતે મૂશળધાર વરસાદ પડે અને જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળવા પોતે સજ્જ હોવાની ગુલબાંગ હાંકતી મહાપાલિકાના દાવા પર પહેલા જ વરસાદે પાણી ફેરવી નાખ્યું હતું. ઓછામાં ઓછા આઠ વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી વાહન-વ્યવહારને માઠી અસર થઈ હતી. પરંતુ ગરમીમાંથી મોટી રાહત મળી એટલે મુંબઈવાસીઓએ આ તકલીફ પણ સહી લીધી હતી. આટલા વરસાદ છતાં હજી પાણીની સમસ્યાનો અંત નથી આવ્યો. નવ કલાકમાં પાંચ ઇંચ વરસાદઃ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાંઃ લોકલ ટ્રેન સેવાને અસરઃ આજે ભારે વરસાદની આગાહી લાંબો સમય સુધી રાહ જોવડાવ્યા બાદ મંગળવારે શહેરમાં સત્તાવાર રીતે ચોમાસુ બેસી ગયંુ હોવાનું જાહેર વેધશાળાએ કર્યા બાદ આજે પ્રથમવેળા સતત વરસાદ વરસતા તળમુંબઈમાં સાડા ચાર ઈંચ વરસાદ પડ્યો હતો અને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વાહનવ્યવહાર તથા ઉપનગરીય રેલવે સેવા પર આંશંિક અસર થઈ હતી. શહેરભરમાં પચાસથી વઘુ વૃક્ષો મૂળથી ઊખડીને જમીનદોસ્ત થયા હતા. વરલી ખાતે ભેખડ ધસી પડતાં એક ૧૮ વર્ષીય યુવાન જખ્મી થયો હતો. તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. ૨૪મી જુલાઈએ ભારે ભરતી અને મૂશળધાર વરસાદ પડે તો જળબંબાકારની સ્થિતિનો મુકાબલો કરવા મુંબઈ મહાનગર પાલિકા સજ્જ છે એવી શેખી કરવામાં આવી હતી ત્યારે આજે પહેલા સતત વરસાદમાં પાણી ભરાવવા માંડતા પાલિકાની કામગીરીની પોલ છતી થઈ ગઈ છે. વરસાદનાં કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતાં અસહ્ય ગરમીથી અને ઉકળાટથી છૂટકારો મળતાં મુંબઈગરાને રાહત થઈ હતી. આજે પડેલા વરસાદમાં સૌથી વઘુ વરસાદ તળ મુંબઈમાં પડ્યો હતો. બપોરે ૩.૩૦ વાગ્યા સુધી તળ મુંબઈમાં પોણા ચાર ઈંચ (૮૯ મિ.મી.) પૂર્વ ઉપનગરમાં ૩૭.૮ મિ.મી. અને પશ્ચિમ ઉપનગરમાં ૪૯.૫ મિ.મી. વરસાદ વરસ્યો હોવાનું પાલિકાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમે જણાવ્યું હતું. તળ મુંબઈમાં આવેલી પાલિકાની મુખ્ય કચેરીના પરિસરમાં સૌથી વઘુ વરસાદ ૯૮.૭ મિ.મી. નોંધાયો હતો. આગામી ૨૪ કલાક દરમિયાન શહેરમાં ભારે વરસાદ પડશે સાથોસાથ સુસવાટાભેર પવન ફૂંકાશે અવી આગાહી કોલાબા વેધશાળાએ કરી હતી. પરેલના હંિદમાતા વિસ્તારમાં નીચાણવાળા ભાગમાં આવેલી દુકાનોમાં આજે સવારે પાણી ભરાઈ ગયું હતું. દુકાનદારો ફટાફટ માલ ભીંજાતો બચાવવા કામે લાગી ગયા હતા. એક દુકાનદારે ફરિયાદ કરી હતી કે પંદર-વીસ મિનિટ ઝરમર વરસાદ પડ્યો એવામાં આવી દશા થઈ છે. તો મૂશળધાર વરસાદ પડશે ત્યારે કેવી હાલત થશે એવી જ ચંિતા છે. ઘાટકોપર અને કુર્લા વચ્ચે રેલવે લાઈન નીચેથી પસાર થતાં નાળાની પણ પૂરતી સફાઈ ન હોય એવું લાગતું હતું. કચરો અને કાદવ ભરેલા નાળામાં પાણી વહેતું અટકી ગયું હતું. કુર્લા અને થાણે વચ્ચે વધારાની બે લાઈનનું કામ ચાલુ હોવાથી માટી ભીની થઈને પાટા પાસેની ગટરમાં જાળ થવા માંડી હતી. પાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલે જણાવ્યંુ હતું કે માહિમ ચર્ચ, સરદાર હોટેલ, કાલાચોકી, ભાયખલા (પૂર્વ) સ્થિત મહાલક્ષ્મી મંદિર સામે દાદાજી કોંડદેવ માર્ગ, વરલી પૂનમ ચેમ્બર્સ, હંિદમાતા, ખાર અને અંધેરી સબવેમાં પાણી ભરાઈ ગયા હતા. એડિશનલ મ્યુનિસિપલ કમિશનર કિશોર ગજભિયેએ જણાવ્યું હતું કે ગત વર્ષ જૂનમાં પડેલા વરસાદની તુલનામાં આ વર્ષે જૂનમાં માત્ર ૧૫ ટકાથી ઓછો વરસાદ વરસ્યો છે. ૨૫મી જૂન સુધી કોલબા ખાતે ૯૫ મિ.મી. અને સાંતાક્રુઝમાં ૬૧.૯ મિ.મી. વરસાદ પડ્યો હોવાની નોંધ છે. ઉપરોક્ત વિસ્તારમાં પડેલા વરસાદથી પાણી ભરાઈ ગયુ હતું. પણ લગભગ બે કલાકની અંદર પાણીનો નિકાલ થઈ ગયો હોવાનો દાવો તેમણે કર્યો હતો. જો કે આજે બપોરે સમુદ્રમાં ભરતી હતી અને મોજા ૪.૯૦ મીટર ઊંચા મોજા ઉછળતા હતા. વાકોલા બ્રિજ ખાતે એક ઓઈલથી ભરેલો ટેમ્પો ઊથલી પડવાના કારણે વેસ્ટર્ન હાયવે પર ટ્રાફિક જામ થયો હતો. વરસાદના કારણે થયો નહતો એમ તેમણે ખુલાસો કર્યો હતો. શહેરના વરલી વિસ્તારમાં આવેલા વરલી નાકા, બી.જે.ખેર માર્ગ, માયા નગર ખાતે ગૌતમ ચાલી પર ભેખડ ધસી પડી હતી. આના કારણે સંતોષ નામનો ૧૮ વર્ષીય યુવાન જખ્મી થયો હતો. ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક કે.ઈ.એમ. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. આવતીકાલે સમુદ્રમાં ભરતી બપોરે ૩.૩૫ કલાકે છે અને દરિયામાં મોજા ૪.૭૧ મીટર ઊંચા ઉછળશે આ દરમિયાન મૂશળધાર વરસાદ વરસે તો જરૂરથી શહેર જળબંબાકાર બનશે. જો કે મુંબઈ શહેરને પાણી પુરવઠો પૂરો પાડતા તમામ જળાશયોમાં આજે ખાસ વરસાદ વરસ્યો નથી. અત્યાર સુધી ચોમાસામાં મોડકસાગરમાં ૮૦ મિ.મી., તાનસામાં ૪૬.૦૪ મિ.મી., વિહાર ૩૯ મિ.મી., તુલસીમાં ૩૨ મિ.મી., અપ્પર વૈતરણામાં ૧૦૫ મિ.મી. અને ભાતસામાં ૫૬.૦૨ મિ.મી. વરસાદ વરસ્યો હતો, એમ પાણી પુરવઠા વિભાગના ચીફ હાઈડ્રોલિક એન્જિનિયર સંતોષ કોર્લેકરે જણાવ્યું હતું. દરમ્યાન આજે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર જોગેશ્વરી પાસે વરસાદને લીધે ભીના થયેલા રસ્તા પર સ્લીપ થઈને એક ટ્રક ઊંધી વળી ગઈ હતી આને લીધે લાંબો સમય હાઈવેનો ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. વરલીમાં જમીન ધસી પડવાથી નરેન્દ્ર વાઘમારે નામના એક શખસને ઈજા થઈ હતી. આજે પડેલા ભારે વરસાદના કારણે શહેરનાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. તેમજ ટ્રાફિકસ રેલવે વ્યવહાર અને એર ટ્રાફિક પર અસર પડી હતી. આજે સાંજ ૫.૩૦ વાગ્યા સુધી કોલાબા ખાતે ૮૮.૭ (સાડા ચાર ઈંચ) મિ.મી. અને સાંતાક્રુઝમાં પોણા પાંચ ઈંચ (૯૦.૬ મિ.મી.) વરસાદ વરસ્યો હતો, એમ કોલાબા વેધશાળાએ જણાવ્યું હતું. આજે પશ્ચિમ અને મઘ્ય રેલવેની ટ્રેનો ૨૦ થી ૨૫ મિનિટ નિયમિત ઈસ્ટર્ન એક્સપ્રેસ હાયવેના ભાડુંપ, કુર્લા, અને મુલુંડ ખાતે પાણી ભરાતા ટ્રાફિક જામ થયો હતો. |